સુશાસનનું પ્રતિક : એન્જેલા મૅકર્સ-૨

                                                                                     પ્રવીણ ક. લહેરી

કોઈપણ રાષ્ટ્ર્‌ના વિકાસમાં જાગૃત નાગરિકો અને નિષ્ઠાવાન નેતૃત્વની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. વર્ષ ૧૯૨૦-૨૧ તુર્કીને ઈસ્લામિક પરંપરા અને અયોગ્ય માન્યતામાંથી મુક્ત કરાવી એક પ્રગતિશીલ અને ઉદાર રાષ્ટ્રના નિર્માણમાં કમાલ આતાર્નુકે જે ઉદાહરણ સ્થાપ્યું તેનું પુનરાવર્તન અન્ય ઈસ્લામિક દેશોમાં ન થઈ શક્યું તે માનવજાતિની એક મોટી કમનસીબી લેખાશે. વર્તમાન સમયમાં તુર્કીના હાલના પ્રમુખે તો ઘડિયાળના કાંટા ઊંધા ફેરવી તુર્કીને કટ્ટર ઈસ્લામિક રાષ્ટ્ર્‌ બનાવવાના જે ઉધામા ચાલુ કર્યાં છે તેનાથી પાકિસ્તાનનો હરખ ઉછળતો રહે છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન તુર્કીના પ્રમુખના સ્વાગતમાં કહે છે; ‘‘અમારી અને તુર્કી વચ્ચે ગાઢ સંબંધ છે. તુર્કોએ હિન્દુસ્તાન પર ૬૦૦ વર્ષ રાજ કર્યું તેનો અમને ગર્વ છે.’’ આનું નામ ‘‘મારે મીર ને ફુલાય પીંજારા !’’ જર્મની વર્ષ ૧૯૪૫ બાદ શાસકોની બાબતમાં નસીબદાર રહ્યું છે. તાજેતરમાં નિવૃત્ત થયેલા ચાન્સેલર શ્રીમતી એન્જેલા મર્કેલના ગુણોમાં આપણે ૧. નૈતિકતા, ૨. નીડરતા, ૩. ઉદારતા અને ૪. સંવાદશક્તિની છણાવટ અગાઉ કરી છે. એન્જેલા મર્કેલને એક આદર્શ સુશાસક તરીકે વિશ્વ લાંબો સમય યાદ કરશે ત્યારે આપણે વ્યક્તિત્વનો વિશેષ પરિચય કરીએ તે જરૂરી છે. 

નેતૃત્વનો પાંચમો ગુણ છે નિષ્ઠા. સત્તા એ તો પ્રજાએ મૂકેલા વિશ્વાસનું ફળ છે. જાહેર વહીવટ એટલે શ્રેય માર્ગનું સચોટ ઉદાહરણ બને તો જ તેની સાર્થકતા સિદ્ધ થાય. એક સરપંચ હોય કે નગરપાલિકાના પ્રમુખ, સાંસદ હોય કે વિધાનસભ્ય, મંત્રી હોય કે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી હોય કે રાષ્ટ્ર્‌પતિ દરેક હોદ્દા સાથે જવાબદારીઓ જોડાયેલી છે. સાબરકાંઠાના પુંસરી ગામને અદ્યતન અને આદર્શ બનાવનાર સરપંચ શ્રી હિમાશું પટેલ જેવી કામગીરી  સૌ કરી શકે તો આ દેશને સુશાસન રૂપે આઝાદીના સાચા ફળો ચાખવા મળે. નવી દિલ્હીમાં બિરાજતી ભારત સરકાર હોય કે રાજ્યોની  રાજધાનીમાંથી વહીવટ ચલાવતી રાજ્ય સરકારો દ્વારા જે નિર્ણયો કરવામાં આવે છે, યોજનાઓ અને તેના ઢાંચાઓ નક્કી કરવામાં આવે છે તેમાં કેન્દ્રીકૃત અભિગમના કારણે વાસ્તવિકતાની ઉપેક્ષા થાય છે. એન્જેલા મર્કેલે તમામ પ્રાંતોને સહાયક બનીને કામ કરવાની મોકળાશ આપી તેનાથી એક અદ્‌ભૂત ટીમવર્ક થઈ શક્યું. મુખ્ય નેતાની નિષ્ઠાનો પ્રભાવ અન્ય સૌ પર પડે છે. એન્જેલા મર્કેલે મીશ્ર સરકારમાં પણ સૌને સાથે લઈને ચાલવાનું કર્યું કારણ કે તેમના માટે વ્યક્તિગત ગમા-અણગમા કરતાં રાષ્ટ્ર્‌હિત પ્રત્યેની નિષ્ઠા સર્વોપરી હતી.

ઈટાલિયન રાજનીતિના વિશ્લેષક મેકીઆવેલી માનતા હતા કે શાસક માટે ક્રૂરતા અનિવાર્ય છે. તેણે તો ત્યાં સુધી કહ્યું હતું કે ક્રૂરતા વિનાના શાસકોનો અંત આવે છે અને ક્રૂર શાસકો વિજય પામે છે. એન્જેલા મર્કેલે ક્રૂરતા સામે કરુણાને એક મજબૂત વિકલ્પ તરીકે સાબિત કરી આપ્યો. તેનો છઠ્ઠો ગુણ માનવીય અને કરુણામય અભિગમ ટીકાઓથી મુક્ત નથી. લોકશાહીના પાયામાં માનવીય મૂલ્યો પ્રતિ જે પ્રતિબદ્ધતા જોઈએ તે આવશ્યક છે. કમનસીબે આ ઉદાત્ત અભિગમના લાભાર્થીઓ જ્યારે ઉપકારનો બદલો અપકારથી વાળે છે ત્યારે મેકીઆવેલી સાચા પડતાં જણાય છે. ચાન્સેલર એન્જેલા મર્કેલે જે સિરીયા, લેબેનોન, યમન વગેરે દેશોના શરણાર્થીઓને યુરોપ જેવા વિકસિત દેશોમાં સમાવ્યા તે સમૂહોએ કટ્ટરવાદની ચુંગાલમાં તો ન જ આવવું જોઈએ. એન્જેલા મર્કેલ માટે જર્મની જેટલું આભારવશ છે તેટલા નિરાશ્રીત પરિવારો ઋણ સ્વીકારી સુયોગ્ય વર્તન કરે છે કે નહીં તે માટે તો ભવિષ્ય જ તેનું પરિણામ દર્શાવશે.

એક આદર્શ શાસક તરીકે એન્જેલા મર્કેલનો સાતમો ગુણ તેની વિશ્વસનીયતા છે. જર્મન પ્રજામાં રંગભેદ, ઉગ્ર રાષ્ટ્રવાદને સ્થાને માનવતાના મૂલ્યો વિકસે તે માટે તેમણે કરેલું પ્રદાન સદાય યાદ રહેશે. આ કાર્ય ખૂબ દુષ્કર હોવા છતાં મર્કેલની વિશ્વસનીયતાને કારણે પ્રજામાનસમાં પરિવર્તન શક્ય બન્યું છે. 

એન્જેલા મર્કેલનો આઠમો ગુણ તેની ધીરજ અને સમતાનો છે. દરેક આપત્તિ કે મુશ્કેલીના સમયે ખૂબ ધૈર્યથી અને શાંતિથી નિર્ણય કરવાની તેની શૈલીના કારણે ગુંચવણભરી પરિસ્થિતિ સારી રીતે ઉકેલી શકાય છે. એન્જેલાના ટીકાકારો આ મુદ્દે કહે છે કે ચાન્સેલર તેલ જુઓ, તેલની ધાર જુઓ એમ સમય વ્યતિત કરીને મોકો મળતાં જ પોતાનો વિકલ્પ દર્શાવી પ્રશ્ન હલ કરે છે અને તેનો યશ પણ મેળવે છે.

કોઈપણ શાસક માટે નિર્ણાયકતા એ ખૂબ અગત્યની બાબત છે. એન્જેલા મર્કેલ દ્વારા દરેક પ્રસંગે ખૂબ વિચારણા બાદ સ્પષ્ટ નિર્ણય કરવો અને તેનો પ્રજા પાસે સ્વીકાર કરાવી તેનો કરકસર અને કાર્યદક્ષતાથી અમલ કરવો તે તેમની ખાસિયત ગણાય છે. આ નવમો નિર્ણાયકતાનો ગુણ ત્યારે જ ઉપકાર નીવડે જ્યારે શાસક તે નિર્ણય કરતી સમયે સર્વાંગી વિચારણા કરવા માટે સક્ષમ હોય. અનેક વખત આપણે શાસકોને, ભૂલભરેલા અને પ્રજા માટે પીડાકારક નિર્ણયો કરવામાં આવે છે કારણ કે શાસકના મનમાં વહેમ હોય છે કે તેની પાસે દરેક સમસ્યાનું સમાધાન છે. એન્જેલા મર્કેલ આવી વૃત્તિથી દૂર રહ્યા કારણ કે એક વૈજ્ઞાનિક તરીકે તેમની આદત પૂરતા વિશ્લેષણ બાદ જ નિર્ણય કરવાની હતી. 

શાસક માટે જરૂરી એવો દસમો ગુણ વ્યૂહાત્મક અને ઊંડાણવાળી વ્યૂહરચના કરવાની શક્તિનો છે. શ્રી વલ્લભભાઈ પટેલ તેમના જાહેર જીવનમાં આનો સુપેરે પરિચય કરાવી અનેક ગુંચવાયેલા પ્રશ્નોનો ટકાઉ ઉકેલ કરી આપ્યો. સરદાર પટેલ અને પંડિત નહેરુની કાર્યશૈલીની સરખામણી કરીને તુલના કરવામાં આવે તો આપણને શાસક માટે આ ગુણ કેટલો અગત્યનો છે તે સમજાય. રાજનેતા માટે સરળતા કે ભોળપણનું પરિણામ સારું ન જ હોય શકે. દીર્ઘદૃષ્ટિનો અભાવ હોય કે માણસની માનસિકતા અને સહજ વૃત્તિઓની સમજણ ન હોય તેવા રાજનેતાઓ કશું નોંધપાત્ર હાંસલ કરી શકતા નથી. આપણા દેશમાં અનેક નેતાઓ લાયકાતથી નહીં પણ લાગવગ અને ખુશામત દ્વારા આગળ વધ્યા છે. હકીકતમાં આઝાદીથી આજસુધીના ૭૫ વર્ષમાં આ દેશમાં આદર્શ શાસક ગણી શકાય તેવા નેતાઓની સંખ્યા અલ્પ રહી છે. જ્યારે વંશ, આશ્રય, નસીબ અને છળકપટથી નેતા બની બેઠેલાની સંખ્યા અગણિત છે. 

એક સફળ શાસક માટે એકગ્રતા અને આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે. એન્જેલા મર્કેલની ૩૨ વર્ષની કારકિર્દીનું સરવૈયું કાઢીએ તો ખ્યાલ આવે છે કે આ મહિલાએ અનેક પૂર્વગ્રહો, માન્યતાઓ અને વિધ્નો વચ્ચે જર્મનીનું જ નહીં પણ સમગ્ર યુરોપના સંચાલનમાં યાદગાર ભૂમિકા નિભાવી છે. વર્ષ ૨૦૨૨ના પ્રારંભે સમગ્ર માનવજાત અનેક પડકારોનો સામનો કરી રહી છે. અનેક સમસ્યાઓ વિકરાળ સ્વરુપે ડરાવી રહી છે, ચિંતાના કાળા ડિબાંગ વાદળો વધારે ઘેરા બનતા જાય છે ત્યારે આપણને જરૂર છે આદર્શ શાસકની, સુશાસનની, પ્રગતિ અને મુક્તિની. એક બાજુ વિજ્ઞાન-ટૅકનોલોજીના કારણે ભૌતિક સુખ-સુવિધાઓ વિપૂલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. વિકૃત મૂડીવાદે ગરીબ અને મધ્યમવર્ગ પાસેથી મૂડી અને આવક છીનવી લીધા છે. કરોડો પરિવાર માટે કોરોના કાળમાં ટકી રહેવા માટે અકલ્પ્ય સંગ્રામ ખેલવાનો છે ત્યારે જો સરકાર સુશાસન આપે તો વંચિતોને બહેતર જીવનશૈલીનો અવસર પ્રાપ્ત થાય. ગરીબી-બેરોજગારી અને મોંઘવારીના ત્રિવિધ તાપથી બચવાનો એકમાત્ર અસરકારક ઉપાય છે સુશાસન.

જર્મનીના પૂર્વ ચાન્સેલર એન્જેલા મર્કેલે અનેક પડકારો અને આલોચના વચ્ચે એટલું તો ચોક્કસ રીતે પૂરવાર કરી બતાવ્યું છે કે વર્તમાન યુગમાં સર્વના સુખ માટે, નૈતિક અને સાદગીપૂર્ણ જીવન માટે, સૌના સાથ-સહકહાર માટે, અન્યની પીડા દૂર કરવા માટે અને સ્વતંત્રતા-સમાનતા દ્વારા સમાજને-રાષ્ટ્ર્‌ને એક નવી ઊંચાઈ પર લઈ જવાનો અનેરો મોકો છે. આપણું યુવા-નેતૃત્વ એન્જેલા મર્કેલના જીવનમાંથી પ્રેરણા લે તો કેવું સારું ?

Comments

Popular posts from this blog