સ્વાગત-૨૦૨૨
પ્રવીણ ક. લહેરી
વિશ્વમાં સૌથી વધુ વપરાશ છે તેવા ઈશુની યાદના સવંત્સરનું ૨૦૨૧નું વર્ષ પૂરું થયું. ઈ.સ. ૨૦૨૨નો શુભારંભ થયો. શુભારંભ શબ્દ દ્વારા સૌને અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. આપણને આજે સૌથી વધારે જરૂરીયાત હોય તો તે આશાવાદની છે. ઈ.સ. ૨૦૨૦ અને ૨૦૨૧માં કોરોના નામની મહામારીએ જે કહેર વર્તાવ્યો છે, તેનાથી સમગ્ર દુનિયાની અનેક વ્યવસ્થાઓમાં ગડબડ ઊભી થઈ છે અથવા તો પડી ભાંગી છે. આવા વિષમ સમયે ભવિષ્ય માટે પ્રબળ રીતે આશા અને આત્મવિશ્વાસ ટકાવી રાખવો તે સમયનો તકાજો છે.
જ્યારે પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા પૂરી કરી ૩૬૫.૨૫ દિવસે મૂળ જગ્યાએ પરત આવે ત્યારે સૌર વર્ષ બદલાય છે.મારું ખગોળશાસ્ત્રનું જ્ઞાન મર્યાદિત છે પણ કાળગણના માટે સૂર્ય-ચંદ્રની ગતિ તેમજ ઋતુચક્રના આધારે અનેક પ્રકારના કૅલેન્ડર-તારીખીયાની રચના થઈ છે. ભૌતિક શાસ્ત્રમાં સ્થળ-સમય અંગે જુદી જુદી માન્યતાઓ પ્રચલિત છે. સાપેક્ષવાદ કે અન્ય વૈજ્ઞાનિક બાબતોની મારી સમજણ તો અતિ અલ્પ છે. હા, પ્રશ્ન એ છે કે સમય વહેતો રહે છે કે આપણે સ્થિર સમયમાં પ્રવાસ કરી રહ્યા છીએ. શું પ્રકાશની ગતિએ પ્રવાસ કરી વર્તમાનમાંથી ભૂતકાળ કે ભવિષ્યકાળ નિહાળી શકીએ ? વિજ્ઞાનની વાતો પલ્લે ન પડે પરંતુ ૩૧મી ડિસેમ્બરની મધરાતે એવું કાંઈક બને છે કે વિશ્વસના અનેક દેશોમાં કરોડો લોકોના મન આનંદથી ઝૂમી ઉઠે છે. ખાન-પાન નાચ-ગાન અને મસ્તીની ચરમસીમા સાથે ઉન્માદી વર્તન સહજ બને છે. અનેક શહેરોમાં નવા વર્ષની ઉજવણીનો અતિરેક ટાળવા માટે મજબૂત બંદોબસ્ત કરવો પડે છે. પ્રતિબંધો લાદવા પડે છે. હું દિલ્હી નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ફૅશન ટૅકનોલોજીમાં હતો ત્યારે મેં તા.૧લી જાન્યુઆરીના રોજ સવારે ૧૦-૦૦ વાગે સ્ટાફ મિટીંગ યોજવાની સૂચના આપી. થોડા કલાકો બાદ ૫૫ વર્ષ પાર કરેલ મહિલાની આગેવાની હેઠળ સ્ટાફનું પ્રતિનિધી મંડળ મળવા આવ્યું. તેમની રજૂઆત હતી કે હું ૧લી જાન્યુઆરીએ સવારે ૧૦ વાગે મિટીંગ યોજવાનું કેમ વિચારી શક્યો ? પ્રશ્નનનો ઉત્તર આપું તે પહેલા સૌ એક સાથે બોલવા લાગ્યા; ‘‘શું અમારે ૩૧મી ડિસેમ્બરની ઉજવણી ન કરવી ? અમે વહેલી સવાર સુધી પાર્ટી કરીએ તો એટલા વહેલા કેમ આવી શકીએ ? તમારો નિર્ણય ગેરવાજબી છે. અગાઉ તા.૧લી જાન્યુઆરીએ રજા જેવું જ હોય છે.’’ નાચીએ એટલે થાકી તો જઈએ ને ? ‘ઉત્સવપ્રિય ખલુ જનાઃ’ ના ન્યાયે મેં પરપંરાનું સન્માન કરી મિટીંગ બીજા દિવસ માટે મુલત્વી રાખી. જીવનનો ખરો આનંદ તો સહિયારી ઉજવણીમાં છે.
વર્ષ ૨૦૨૨ના પગરણ સાથે કોરોનાની નવી જાત સાથે ફરી ડરનો માહોલ બંધાયો છે. અમેરિકા અને યુરોપમાં તો દરરોજ લાખો દર્દીઓ પોઝીટીવ આવે છે. આપણે ત્યાં પણ પરીકથાની રાજકુંવરી જેમ કોરોના દિવસે ન વધે તેટલો રાતે વધે તેવી સરકારની દૃઢ માન્યતા છે. અગાઉ કોરોનાના ચેપને ફેલાતો અટકાવવા માટે સંપૂર્ણ લોકડાઉન જરૂરી હતું. આ તાળાબંધીએ અર્થતંત્રને ડામાડોળ કરી નાખ્યું. હવે સરકાર રાત્રી કરફ્યુથી કોરોના અંકુશમાં રહેશે તેવી રણનીતિ સાથે કામ કરી રહી છે. ત્રીજી લહેર ક્યારે આવશે ? કેવી હશે ? શું પરિણામો આવશે ? આનો ભેદ-ભરમ તો સમય જ ઉકેલશે. આપણે તો સંયમ પાળીએ અને સલાહ મુજબની શિસ્તબદ્ધ કાળજી કરીએ. કોરોનાની ત્રીજી લહેર શમી જાય ત્યાં સુધીમાં વાયરસ સાવ નબળો પડી જશે તેવી વાતો વાંચીએ ત્યારે હાશકારાનો અનુભવ થાય. બાકી કોરોના કે જેનું સ્વરુપ સુક્ષ્માતિત સૂક્ષ્મ છે તેની અંગે સાચી માહિતી શું છે તે અકળ છે અને કદાચ ચીન કે ફાઈઝર કંપની સિવાય કોઈને ખબર નહીં પડે કે સાચું શું ? દર સો વર્ષ આવી કઠણાઈ કેમ થાય છે ? વિશ્વની પ્રજાન બાનમાં લેનાર આ વાયરસ અંગે હવે આપણે ઘણું જાણીએ છીએ પણ તેમાં સાચું શું તે જાણતા નથી.
નવુ વર્ષ એ ખગોળીય ઘટના સ્થિતિનો પ્રસંગ છે. આપણે તેને ઊજવીએ કે ન ઊજવીએ પૃથ્વીને કોઈ ફરક પડતો નથી. અલબત્ત ઉજવણીના નામે આપણે જાતજાતના પ્રદૂષણો ફેલાવીએ તેનાથી ધરતી, તેના પરના વાતાવરણ અને હવે તો ઋતુચક્રને અસર પડે છે. આપણે જો તંદુરસ્તીના પગલાંઓ નહીં લઈએ તો સમયનું ચક્ર ઘાતક બનવાની તૈયારીમાં છે. નવા વર્ષે જૂના વર્ષનું સરવૈયું કાઢી ક્ષતિ કે ભૂલ સુધારવાનો સંકલ્પ ‘ન્યુ યર રેઝોલ્યુશન’નું આગવું મહત્ત્વ છે. અનેક વ્યક્તિઓ નવા વર્ષે વહેલા ઉઠવાથી માંડી મીઠાઈ ન ખાવાના સંકલ્પ કરે છે. આ સંકલ્પ અલ્પઆયૂષી હોય છે કારણ કે આદત અને પ્રલોભનને આપણે સહેલાઈથી છોડી શકતા નથી.
વર્ષ ૨૦૨૨ કેવું નિવડશે તેની આગાહીઓ કરતાં જ્યોતિષો, આંકડા આધારિત ભવિષ્યકથન કરનાર સૌ આપણી જીજ્ઞાસા સંતોષવા યથાશક્તિ, યથામતિ પ્રયત્ન જરૂર કરે છે. આપણે આગાહીના આધારે ન તો ખુશી અનુભવવી જોઈએ કે ન તો ચિંતા કરવી જોઈએ. આ પ્રસંગે નરસિંહ મહેતાની પંક્તિનું સ્મરણ કરીએ; ‘‘સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘર સાથે રે ઘડીયાં, ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથનાં જડીયાં’’ ભગવદ્ગીતા પણ ‘‘નાભિન્દતી ન દેવ્યટી તત્ પ્રાપ્ય શુભાશુભમ્’’નો સંદેશ આપે છે. જ્યારે ભક્ત કવિ દયારામ તો કહે છે; ‘‘જીવ તું ચિંતા શીદને કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.’’ નવા વર્ષમાં અનેક કંપનીઓ લક્ષ્યાંકો નક્કી કરવામાં વ્યસ્ત હોય છે. આ કંપનીઓના વેચાણની કામગીરી કરતાં સ્ટાફ ખાસ કરીને ક્ષેત્રીય સ્ટાફ માટે તો નવું વર્ષ નવા પડકારો લાવે છે. કોરોના જેવા કપરા સમયે ખૂબ જહેમત પછી જ્યારે લક્ષ્યાંકો સિદ્ધ નથી થતાં ત્યારે નોકરીયાત માટે તો નિરાશાના વાદળો ઘેરાય છે.
વર્તમાન પત્રો અને ટેલીવિઝન ચૅનલો આપણને વિતેલાં વર્ષના અનેક મહત્ત્વના બનાવોનું પુનઃવર્ણન કરી વર્ષમાં આપણા પર શું વીત્યું તેની યાદી તાજી કરી આપે છે. આપણે કઈ કઈ મહત્ત્વની ઘટનાઓના સાક્ષી રહ્યા છીએ તેની યાદી અને વિગતો વાંચીએ ત્યારે આપણને અચૂક એવી લાગણી થાય કે આપણે એક અજીબોગરીબ દુનિયાની અનેક આગવી ઘટનાના સાક્ષી છીએ. જીવનમાં ઐતિહાસિક બનાવને પ્રત્યક્ષ જોવો તે અનેરો લ્હાવો છે. આગલી પેઢીના લોકો પાસેથી સાંભળતા કે; ‘‘ગાંધીજી જ્યારે સાબરમતી આશ્રમમાંથી દાંડીયાત્રા માટે બહાર નીકળ્યા ત્યારે મેં તેમને સામેની ફૂટપાથ પરથી જોયા હતાં.’’ અમે સાંજે જમતાં હતા ત્યારે ટી.વી. પર વર્લ્ડ ટ્રેડ ટાવરને વિમાનો અથડાયા તે જોયું હતું.’’ ૧૫મી ઑગસ્ટે અમે ખાદીના લેંઘો-કફની-ટોપી પહેરીને સવારે ધ્વજવંદનમાં ગયા હતાં.’’ ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ સવારે અમે ચા પીતા હતાં ત્યાં બાલ્કનીમાંથી માનસી ટાવરને ધડાકા સાથે પડતાં જોયું હતું.’’ આપણી સ્મૃતિ ઘટનાના વર્ષો બાદ અનેક ઘટનાઓને પુનઃજિવીત કરી આપે છે તે એક આશ્ચર્ય નથી ? સમયના પ્રવાહમાં તરતા કે ખેંચાતા આપણે સૌ પામર માનવીઓ છીએ. આપણી અનેકાનેક સિદ્ધિઓ બાદ આપણે જાણીએ છીએ કે જીવન ક્ષણભંગુર છે. મૃત્યુ નિશ્ચિત છે પણ તે ક્યારે અને કેમ આવશે તે સાવ અનિશ્ચિત છે. સમય સારું પણ કરે છે - નુકશાન પણ કરે છે. આપણે જન્મ દિવસ ઉજવીએ છીએ ત્યારે અમુક વર્ષો પૂરા કર્યાનો આનંદ અને સંતોષ હોય છે. સાથે સાથે કેટલા ગયા અને કેટલા રહ્યા તે પ્રશ્ન અનુત્તર રહે છે. નૂતન વર્ષની ઉજવણી ત્યારે જ સાર્થક થાય જ્યારે આપણે શ્રેય સ્વાર્થ અને સ્વ સુખથી પ્રેય માર્ગે પરપીડા દૂર કરવા કટિબદ્ધ થઈએ. સુખને વહેંચીને તેનો ગુણાકાર કરવાનો અને દુઃખ અરસપરસમાં બાંટીને તેનો ભાગાકર કરીએ. વિષાદ કે નિરાશા તજીને શ્રદ્ધા અને વિશ્વાસથી આગામી વર્ષના પડકાર ઝીલવા આત્મશક્તિનો વિકાસ કરવાનું કામ જ સાચી ઉજવણી છે. સોશ્યલ મિડીયામાં એક સંદેશો ફરે છે; ‘‘હું નવા વર્ષનો કોઈ સંકલ્પ કરવાનો નથી. કારણ હવે બગડવાની મારી ઉંમર નથી અને સુધરવાની શક્યતા પણ નથી.’’ કોઈ વયસ્ક વડીલની આ ભાવનાની કદર જરૂર કરીએ પણ જીવનને બંધિયારને બદલે વહેતું રાખીએ તો પણ ઘણું !
Comments
Post a Comment