સુશાસનનું પ્રતિક : એન્જેલા મૅકર્સ

                                                                                      પ્રવીણ ક. લહેરી

દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ પરાજિત જર્મનીના બે ભાગ પડ્યા. બર્લિનના આંશિક પ્રદેશ સાથે પૂર્વ જર્મની પર સોવિયેટ રશિયાના સામ્યવાદી અંકુશ હેઠળ શાસન સ્થપાયું જે ૧૯૪૫ થી ૧૯૯૦ ૪૫ વર્ષ ચાલ્યું. પશ્ચિમ ભાગનું જર્મની સાથી રાષ્ટ્ર્‌ો અમેરિકા, ગ્રેટ બ્રિટન અને ફ્રાંસના અંકુશ હેઠળ બર્લિનને બદલે બોન શહેરમાં રાજધાની રાખી ફૅડરલ રિપબ્લિક ઑફ જર્મની ૧૯૪૯માં અસ્તિત્વમાં આવ્યું. ૧૯૮૯-૯૦માં બર્લિનની દિવાલ તૂટી અને જર્મનીનું એકીકરણ થયું. જર્મન ભૂમિ પરથી રશિયા હટી ગયું અને સાથી રાષ્ટ્ર્‌ોના લશ્કરી થાણાઓ સાથે જર્મની એક થયું. દ્વિતીય યુદ્ધમાં અભૂતપૂર્વ ખાનાખરાબી ભોગવેલા જર્મનીના પુનઃનિર્માણનો ઈતિહાસ રસપ્રદ છે. દેવહૂમા (ફિકીક્સ) પક્ષી જેમ રાખમાંથી પુનર્જિવીત થનાર જર્મની ખૂબ ટૂંકા સમયમાં વિશ્વના આઠ આર્થિક રીતે વિકસીત અને સમૃદ્ધ રાષ્ટ્ર્‌ોની સૂચિમાં સૂચિમાં સ્થાન મેળવે છે તેમની આ સિદ્ધિનો યશ ચાન્સેલર પ્રમુખ-વડાપ્રધાન જેમ કારોબારી સત્તા ધરાવતા પદને શોભાવનાર થોડી વ્યક્તિઓને ઉચિત રીતે આપવામાં આવે છે. પ્રથમ ચાન્સેલર કોનાર્ડ એગ્નોરે આ પદ ૧૯૪૯ થી ૧૯૬૩ લગભગ ૧૪ વર્ષ સંભાળ્યું. આમ જોઈએ તો પંડિત જવાહરલાલ નહેરુ ૧૯૪૬ થી ૧૯૬૪ એ સંભાળેલ શાસનધૂરા સાથે સમયની સરખામણી થઈ શકે તેમ છે. ચાન્સેલર એડનોરે ઔદ્યોગિક વિકાસ, સંશોધન, ઉચ્ચ ગુણવત્તા જેવી બાબતો માટે જે નેતૃત્વ પૂરું પાડ્યું તે જર્મનીના પુનઃનિર્માણનું એક ગૌરવવંતુ પ્રકરણ છે. તેના પછી આવેલા લૂડવીક એરહાર્ડે આ પદ ૧૯૬૩ થી ૧૯૬૬ સુધી ૪ વર્ષ સંભાળ્યું. આ ટૂંકા ગાળામાં જર્મનીએ વિકાસમાં હરણફાળભરી વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ સાધી. ત્રીજા ચાન્સેલર કુર્ટ કિસીંજરનો કાર્યકાળ (૧૯૬૬-૬૯) સ્થિર સરકાર માટે યાદ કરી શકાય પણ તેમનું પ્રદાન સામાન્ય રહ્યું. ત્યારબાદ વિલીબ્રાન્ટે ૧૯૬૯ થી ૧૯૭૪ના સમયગાળામાં શાસન સંભાળ્યું ત્યારે યુરોપના સૌથી ઝડપથી વિકાસ પામતાં દેશમાં જર્મની અગ્રેસ્થાને રહ્યું. ત્યારબાદ હૅલ્મેટ સ્મિથના ૧૯૭૪ થી ૧૯૮૨ના આઠ વર્ષે યુરોપીયન કોમન માર્કેટના માર્કેટના વિકાસ માટે મહત્ત્વના રહ્યા. હૅલ્મેટ કોહન નામના છઠ્ઠા ચાન્સેલરે ૧૯૮૨-૯૮ દરમિયાન જર્મનીના એકીકરણની અને બર્લિન દિવાલ તૂટતા સાથે સામ્યવાદની વિદાય નિહાળી. વર્ષો સુધી જે ઘટના અશક્યની યાદીમાં હતી તે સૌની નજર સામે સાકાર થઈ. આ માટે જો કોઈપણ એક પરિબળને યશ આપવો હોય તો તે યશ પશ્ચિમ જર્મનીની સ્પષ્ટ સુરેખ નીતિઓ, પારદર્શક અને કાર્યક્ષમ વહીવટ અને ઝડપી આર્થિક વિકાસને આપવો જોઈએ. નિષ્ઠા અને કાર્યકુશળતા આજે પણ ચમત્કાર સર્જી શકે છે તેનો પૂરાવો જર્મની-જાપાનનું પુનઃનિર્માણ છે. 

આપણે આ તબક્કે પણ આ બે રાષ્ટ્ર્‌ોના આર્થિક વિકાસની યાત્રામાંથી ઘણાં બોધપાઠ ગ્રહણ કરવા જેવા છે. ત્યારબાદ ગેહાર્ડ શૂડરના ૧૯૯૮-૨૦૦૫ની સમયગાળામાં જર્મનીના બંને ભાગો વચ્ચે જે ભિન્નતા હતી, અસંતુલન હતું તે દૂર કરવામાં સારી સફળતા મળી હતી. ૧૯૪૯ થ ૨૦૦૫ લગભગ ૫૬ વર્ષમાં સાત ચાન્સેલરોની અનેરી સિદ્ધિ અને સાંપ્રત પડકારો વચ્ચે વર્ષ ૨૦૦૨ થી ૨૦૦૫ સુધી વિરોધપક્ષના નેતા રહેલા એન્જેલા મર્કેલે આઠમા ચાન્સેલર તરીકે પદગ્રહણ કર્યું ત્યારે અનેક રાજકીય નિરીક્ષકો અવઢવમાં હતાં. કેટલા સમય માટે અને કેવું નેતૃત્વ આ પ્રથમ મહિલા ચાન્સેલર આપે તે પ્રશ્ન અનુત્તર હતો. ઍન્જેલા મર્કેલે અન્ય પુરોગામી કરતાં વધારે પૂરા ૧૬ વર્ષ માટે દેશનું સુકાન સંભાળ્યું. તેની નિવૃત્તિએ સમગ્ર જર્મન પ્રજાને ભાવુક બનાવી અને વિશ્વના ઈતિહાસના સફળ શાસકોની યાદીમાં અગ્રહરોળમાં જેમનું નામ અચૂક મૂકવું પડેતેવા ઍન્જેલા મર્કેલનું વ્યક્તિત્વ અને કાર્ય દીર્ઘ સમય સુધી સ્મરણમાં રહેશે. સુશાસનનો આદર્શ સ્થાપવામાં અને જર્મની જ નહીં પણ સમગ્ર યુરોપે જેના નેતૃત્વને ખૂબ પ્રેમ અને આદરથી સ્વીકાર્યું તેવા આ મહિલાના નેતૃત્વનું મૂલ્યાંકન સમયોચિત લેખાશે.

નેતૃત્વને અસરકાક અને સફળ બનાવવા માટે જે આવશ્યક ગુણો છે તેની યાદી તો લાંબી છે પણ થોડા મહત્ત્વના ગુણોને ધ્યાને રાખીને આપણે એન્જેલા મર્કેલના કાર્યકાળનું સરવૈયું કાઢીએ ત્યારે આપણને અહેસાસ થાય કે શું આપણે પ્રત્યક્ષ આવા અનોખા નેતૃત્વને નિહાળવા ભાગ્યશાળી થયા છીએ. ગુણોનું વર્ણન માત્ર અભ્યાસપ્રેરક છે પણ જ્યારે તે ગુણો આપણી સમક્ષ સાકાર થાય છે તે જોઈને આપણને અહોભાવ થાય તે સ્વાભાવિક છે.

નેતૃત્વના ગુણોમાં સૌથી પ્રથમ નૈતિકતાને મૂકવામાં આવે છે. નીતિ વિનાનું રાજકારણ એટલે અન્યાય અને શોષણને છુટો દોર. એન્જેલા મર્કેલનો જન્મ ૧૭મી જુલાઈ ૧૯૫૪માં પશ્ચિમ જર્મનીના હેમ્બર્ગ શહેરમાં થયો હતો. જર્મન-પૉલીસ વંશ ધરાવતા એન્જેલાને ખૂબ નાની વયે પૂર્વ જર્મનીમાં સ્થળાંતર કરવું પડ્યું હતું. તેમના પાદરી પિતાની બદલી પૂર્વ જર્મનીમાં થતાં બર્લિનથી ૯૦ કિ.મી. દૂર એક નાના નગરમાં તેનો ઉછેર થયો. ધર્મના વાતાવરણમાં નીતિ-સંસ્કાર, માનવીય મૂલ્યોનું તેમના વ્યક્તિત્વમાં સારી રીતે નિરૂપણ થયું. તેમના માનવીય અભિગમ ક્યારેક ટીકાપાત્ર બન્યો પણ અનેક રાજકીય જોખમો ઉઠાવી તેમણે સંવેદનાપૂર્વક મધ્યપૂર્વના નિરાશ્રીત મુસ્લિમોના યુરોપમાં પુનઃવર્સન માટે પુરુષાર્થ કર્યો. ફ્રાંસ અને બેલ્જિયમમાં આતંકવાદની ઘટનાઓએ આ અભિગમથી મુસ્લિમોમાંથી કટ્ટરવાદ ઘટતો નથી તેવા વાસ્તવવાદીઓની ટીકા વચ્ચે. પણ તેમને જે સત્ય લાધ્યું તેનું યથાશક્તિ પાલન કર્યું. 

નેતૃત્વનો બીજો મહત્ત્વનો ગુણ છે નીડરતા. એન્જેલા મર્કેલે ખૂબ હિંમતપૂર્વક અનેક પ્રશ્નોનો સામનો કર્યો અને સાથે સાથે અન્ય દેશોના વડાઓ સાથેના વ્યવહારમાં તેની દૃઢતાનો પરિચય આપ્યો. રશિયા હોય કે અમેરિકા હોય, ચીન હોય કે ગ્રેટબ્રિટન, એન્જેલોા મર્કેલ ખૂબ મક્કમતાથી પોતાનો પક્ષ રજૂ કર્યો. અનેકવાર મહાસત્તાઓને તેમના આગ્રહ છોડવા સમજાવી પણ શક્યા.

નેતૃત્વનો ત્રીજો ગુણ ઉદાર વિચારસરણી, સર્વ માટે સુખ અને મંગળની ભાવના. એન્જેલા મર્કેલ માટે જર્મન પ્રજા કે જેમણે નાઝીઓની સરમુખત્યારી જોઈ હતી, ત્રાસવાદી છાવણી અને યહૂદીઓને નરસંહાર જોયો હતો. બે વિશ્વયુદ્ધમાં પરાજયના કલંક સાથે વિનાશનો અનુભવ કર્યો હતો. જર્મન પ્રજામાં અમે ઉચ્ચ જેવા ભાવ સાથે રંગભેદ પણ સ્પષ્ટ જોઈ શકાય તેવા વાતાવરણમાં ઉદાર મૂલ્યોને આગળ વધારી લોકો પાસે તેનો સ્વીકાર કરાવવાની સિદ્ધિ નાની-સુની તો ન જ લેખી શકાય. 

નેતૃત્વનો ચોથો ગુણ છે; સંવાદ શક્તિ. એન્જેલા મર્કેલે માત્ર જર્મન પ્રજા નહીં પણ વિશ્વની પ્રજા પાસે પોતાના વ્યક્તિત્વ અને વિચારો સાથે આત્મિયતા સ્થાપી હતી. પ્રજા કલ્યાણની ભાવના અને મનુષ્યોની સમાનતામાં પૂર્ણ આસ્થા રાખીને કશા દેખાડા કે દંભ વિના તેમણે જર્મન રાષ્ટ્ર્‌ને અને યુરોપને એક આદર્શ નેતૃત્વ પૂરું પાડ્યું. તેમની સંવેદના અને સહાનુભૂતિના કારણે તેમના શબ્દોમાં નવી શક્તિ ઉમેરાય અને તેના કારણે વિરોધીઓ એ પણ તેના સાથેના મતભેદો વચ્ચે તેમને આદર આપ્યો. સંવાદ અને સંવેદના, કાર્યકુશળતા અને વિશ્વાસના આધારે તેમણે શાસનને હંમેશાં જાગૃત રાખી પ્રજાભિમુખ રાખ્યું. સોળ-સોળ વર્ષ સુધી સત્તાને જનતાની થાપણ સમજીને જે નિષ્ઠાથી તેમણે વહીવટ કર્યો તેથી સામાન્યજનને તેઓ પોતીકા લાગ્યા. સરળતા, સાદગી અને સાહજિકતા સાથે તેમણે રાજકારણના પ્રપંચો-આંટીઘૂંટીથી અળગા રહીને પ્રજાહિતને પ્રાધાન્ય આપી ઉત્તમ શાસકના જવાબદારીના ગુણને સાર્થક કરી બતાવ્યો. સામાન્ય નારી જ્યારે ભારેખમ જવાબદારી આટલી સુંદર રીતે પાર પાડે ત્યારે તેમાંથી પ્રેરણા લેવા જેવી અનેક બાબતો હોય જ.       

Comments

Popular posts from this blog