બંધારણની વિભાવના અને વાસ્તવિકતા-૨
પ્રવીણ ક. લહેરી
કોઈપણ દેશનું બંધારણ જે તે સમયના મૂલ્યો, પ્રાચીન વારસાગત માન્યતાઓ અને હાંસલ કરવાપાત્ર આદર્શોનું મીશ્રણ હોય છે. બંધારણ વિનાના લોકતંત્રની કલ્પના કરવી મુશ્કેલ છે. રાજાશાહી અને સરમુખત્યારો માટે બંધારણ વિના મનસ્વી વહીવટ કરવો સરળ હોય છે. જ્યાં કાયદાનું શાસન છે ત્યાં શાસકના તરંગ-તુક્કા કરતાં સંસદ/વિધાનગૃહો ઘડેલા કાનૂનનું મહત્ત્વ વધારે છે. કમનસીબે આપણા દેશના બંધારણને ૭૨ વર્ષ થયા પરંતુ હજી કાયદાના શાસનની વિભાવનાથી આપણે દૂર છીએ. કાયદા સમક્ષ સૌ સમાન હોવા જોઈએ પરંતુ જેમની પાસે સત્તા છે, ધન છે, લાગવગ છે, જૂથબળ છે તેઓ સમક્ષ કાયદાના હાથ ટૂંકા પડે છે.
જાણીતા રાજકીય ચિંતક હેરોલ્ડ લાસ્કીનું વિધાન; ‘‘જે લોકો વિશેષાધિકાર ભોગવે છે તે તેમના વિશેષાધિકારો ટકાવવાનો આગ્રહ રાખશે. કોઈ દબાણ કે સંઘર્ષ વિના વિશેષાધિકારો નાબૂદ થતાં નથી.’’ આપણા દેશમાં સમાનતાનું સ્વપ્ન સાકાર કરવાં અનેક અંતરાયો આવે છે. સૌથી મોટો પડકાર પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થા છે. વર્ણ વ્યવસ્થા શાસ્ત્ર માન્ય છે કે કેમ તે અંગે વિવાદ કરવા કરતાં બંધારણની વિભાવનાને માટે જ્ઞાતિ પ્રથા બાધક છે. તેને તિલાંજલિ આપવા માટે સમાજના તમામ લોકોએ એકમત થવું પડશે. આજે તો સર્વત્ર નિરાશાનો સૂર છે. ચૂંટણીએ મજબૂત કરેલી જ્ઞાતિપ્રથા સમાનતાની ભાવના વિરૂદ્ધ છે. ન તો રાજકીય પક્ષોને જ્ઞાતિપ્રથાનું દૂષણ દેખાતું કે ન તો સમાજસેવીઓને અસમાનતાના પાયા પર નભતી જ્ઞાતિ પ્રથાના અંત માટે ચિંતા હોય તેવો માહોલ છે. જ્ઞાતિઓના સંગઠ્ઠનો હવે શક્તિશાળી બન્યા છે. મોંઘુ શિક્ષણ, આકસ્મિક બિમારી, ગરીબી, વૃદ્ધાવસ્થા કે બેરોજગારી સમયે વ્યક્તિને સરકાર પહેલાં જ્ઞાતિમંડળો મદદ પહોંચાડે છે. વ્યક્તિ આજે જ્ઞાતિની સહાયના બોજ હેઠળ છે. સરકારની સામાજિક સુરક્ષાની યોજનાઓ ખૂબ સારી છે. આ યોજનાનો લાભ જરૂરિયાતમંદો સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા વધારે ચુસ્ત કરવાની જરૂર છે. મૂડીવાદી અર્થતંત્રમાં સમાનતા સ્થાપવી કે ટકાવવી તે દુષ્કર કાર્ય છે. હવે જ્યારે મૂડીવાદ આર્થિક વિકાસની પૂર્વશરત બન્યું છે ત્યારે તેમાં આવેલી વિકૃતિઓના પરિણામે મોટાભાગના લોકો માટે જીવન સમસ્યાઓથી ઘેરાયું છે. કોરોનાની મહામારીએ વંચિતોને તહતનહત કરી નાખ્યા છે ભારત સરકાર છેલ્લા ૧૮ માસથી નિઃશુલ્ક અનાજ વિતરણ દ્વારા છેવાડાના માનવીને સારી મદદ કરી રહી છે. સમાનતા શક્ય જ નથી તેવા વિધાન સાથે આજે સૌ કોઈ સહમત થાય છે તે બાબત ચિંતાજનક છે. બંધારણના આદર્શ વિરૂદ્ધ છે. જ્ઞાતિ, મૂડીવાદ અને રાજકારણને કારણે દેશનો સામાન્ય નાગરિક સામાજિક, આર્થિક અને રાજકીય સમાનતાથી વંચિત છે તેમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી.
આપણા દેશમાં બંધારણે વર્ણવેલા મૂળભૂત અધિકારો સૌ ભોગવે તેવી સ્વતંત્રતાનો અભાવ છે. આતંકવાદ, હિંસા અને દેશની સુરક્ષાને જોખમાવે તેવા પરિબળોને નાથવા માટે એક તરફ સરકાર સ્વતંત્રતાના હક્કને સીમિત કરી રહી છે. બીજી તરફ સ્વતંત્રતાના હક્કનો અમુક નાગરિકો દુરુપયોગ કરી રહ્યા છે. ધર્મપ્રચારક ઝાકીર નાયકનો કિસ્સો એક સચોટ ઉદાહરણ છે. ધાર્મિક સ્વતંત્રતાના ઓઠા હેઠળ વેરઝેરથી ભરેલા ભાષણો કશી રોકટોક વિના કરનારી આ ધર્માંધ વ્યક્તિ સોશ્યલ મિડીયાનો પણ દુરુપયોગ કરે અને કાયદાકીય કાર્યવાહી થાય તે પહેલાં વિદેશ નાસી જાય તે ઘટનાક્રમ ગંભીર છે. પ્રશ્ન લઘુમતિનો નથી પણ ધર્મના નામે બેફામ વાણીવિલાસ કરતા માણસો કે સંસ્થાઓને અસરકારક રીતે અંકુશમાં લીધા વિના દેશમાં અરાજકતા ફેલાય રહી છે તેનું નિરાકરણ જરૂરી છે. મૂળભૂત હક્કોમાં-વ્યક્તિને તેના વ્યક્તિત્વના પૂર્ણ વિકાસમાં ઉપકારક બને તે ભાવના છે. આજે તે ભાવના લુપ્ત થઈને ઉગ્રવાદને પોષનારાઓ વાણી સ્વાતંત્ર્યનો લાભ લઈને દેશ માટે ખતરો પેદા કરી રહ્યા છે. સ્વતંત્રતાની વ્યાખ્યા કરતાં ગાંધીજીએ ‘‘ભૂલો કરવાની સ્વતંત્રતા ન હોય તો તે નિરર્થક છે’’ તેમ કહ્યું હતું પણ સમજી વિચારીને અન્યના નુકશાન માટે સ્વતંત્રતાના નામે ગમે તેમ બોલવું/વર્તવું તે સૌ માટે જોખમી બને છે ત્યારે તેનું નિયંત્રણ કરવું જરૂરી છે. જો નાગરિકો જવાબદારીપૂર્વક સ્વતંત્રતા ભોગવે, અન્ય માટે સંવેદના કેળવે તો રાજ્ય માટે સ્વતંત્રતા સીમિત કરવાનો પ્રશ્ન ન રહે. સ્વતંત્રતાનો ઉપયોગ અન્યના ભોગે ન કરી શકાય
બંધારણના આમુખમાં ન્યાયની વિભાવના સૌથી મહત્ત્વની છે. આઝાદ ભારતમાં સૌને ન્યાય મળશે તેવી આશા સાકાર થઈ નથી. શોષણ હોય, બંધનો હોય, દબાણો હોય કે ત્રાસ હોય, વ્યક્તિ તેના અંગે ફરિયાદ કરી ન્યાય મેળવી શકે તેવી સ્થિતિ નથી. દીવાની બાબત હોય કે ફોજદારી બાબત, ન્યાયતંત્રની ગતિ કે ગતિનો અભાવ અચરજ પમાડે તેવું છે. વકીલોની ગંજાવર ફી અને કોર્ટોના વિલંબના કારણે વ્યક્તિનો ન્યાય મેળવવાનો અધિકાશ શૂન્યવત્ બની ગયો છે. દેશના અનેક જિલ્લાઓમાં માફિયા ગેંગોની સમાંતર સરકાર ચાલે છે. તેમની મરજી વિના ન તો કોઈ ખનીજ ખોદી શકાય છે કે ન તો કોઈ ટ્ર્ક સામાનની હેરફેર કરી શકે છે. પઠાણી વ્યાજની વસુલાત હોય કે કાર લોનના હપ્તાની ચૂક સામે કારનો કબજો લેવાનો હોય, બેંકો અને ખાનગી શાહુકારો આવા તત્ત્વોની સહાય ખુલ્લેઆમ લે છે. સ્થાનિક વહીવટી તંત્ર હોય કે રાજ્યોના સચિવાલય કે મંત્રાલય હોય કહેવાતા લાયઝન (સંપર્ક-સંકલન) કરતાં મુઠ્ઠીભર લોકોની પકડમાં સમગ્ર શાસન છે તે માન્યતામાં વજુદ છે. ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, વિલંબ અને વિકૃતિના કારણે જાહેર વહીવટીતંત્ર બદનામ છે. શાસનના સારા કામો થોડા અને ઉપદ્રવો વધારે તેવો માહોલ ગમે તે પક્ષની સરકાર હોય પણ જેમનો તેમજ રહે છે. વહીવટી સુધારણાની નાની જરૂરિયાતસૌ કોઈ સ્વીકારે છે. સ્વરાજથી સુશાસન તરફની આપણી યાત્રા માત્ર ધીમી નથી પણ ચીલો ચાતરી ગઈ છે. અબજો રૂપિયાના દેવાના બોજ તળે દબાયેલી સરકારોએ જાહેર નાણાંના ઊપયોગમાં શિસ્ત જળવી નથી અને ધનિકો કે કરચોરો સામે અસરકારક કાર્યવાહી કરી નથી તે હકીકત છે.
બંધારણમાં ભાઈચારાને પણ આદર્શ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. આ ભાઈચારો ભારતીયો વચ્ચે હોવો જોઈએ. તેના બદલે ‘‘આ તો આપણો જ્ઞાતિબંધુ છે’’ ‘‘આ તો અપનેવાલા છે’’ જેવા વાક્યો દરરોજ કાને પડે છે. સૌથી ગંભીર બાબત એ છે કે જ્ઞાતિ-ધર્મ-જૂથનો સભ્ય સરાસર ખોટું કરે તો પણ તેના બચાવમાં બળપ્રદર્શન કરી આરોપીને પોલિસ કસ્ટડીમાંથી છોડાવવાના કિસ્સા છાશવારે બને છે. આવી વિષમ સ્થિતિમાં દેશમાં નાગરિકો દેશને પ્રથમ મૂકે અને જ્ઞાતિ,ભાષા,ધર્મ, સંપ્રદાયને દેશની સામે ગૌણ ગણે તો જ સુદૃઢ અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ શક્ય છે તે વાત સૌએ ખાસ કરીને આગામી પેઢીએ સુપેરે સમજવી આવશ્યક છે.
આપણા દેશના રાજ્ય બંધારણની ઘણી વિશેષતાઓ છે. આ વિશેષતાઓ ચોક્કસ વાસ્તવિકતાને ધ્યાને લઈને દાખલ કરવામાં આવી હતી. કમનસીબે આજે અનેક બંધારણીય જોગવાઈઓની ઉપેક્ષા અથવા ભંગ થઈ રહ્યો છે. પાયાના મુલ્યો અંગેની પ્રતિબદ્ધતાનો લોપ થયો છે. રાષ્ટ્રની ઉન્નતિ અને સ્થિરતા માટે નાગરિકોએ સજાગ અને સક્રિય થવાની જરૂર છે. બંધારણ લેખન સમિતિના અધ્યક્ષ ડૉ.બાબાસાહેબ આંબેડકરે એ ચિંતા ત્યારે વ્યક્ત કરી હતી. ‘‘આપણે ગમે તેવું સારું બંધારણ બનાવીશું પણ લોકજાગૃતિ અને તકેદારી વિના તેનો અસરકારક અમલ થઈ શકશે નહીં. બંધારણની વિભાવનાઓથી વાસ્તવિકતાચ ઘણી ભિન્ન છે. આપણા સંનિષ્ઠ પ્રયાસોને સાર્થક કરવા માટે આપણે હજી ઘણી લાંબી મંઝિલ તય કરવાની છે.’’ ૭૨ વર્ષનો સમયગાળો નાનો નથી. અનેક સફળતાઓનો યશ બંધારણીય વ્યવસ્થાને આભારી છે પણ બંધારણની મૂળ વિભાવનાએ ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાના આદર્શો સાકાર કરવા માટે સંકલ્પબદ્ધ થવાનો આ અવસર છે. આપણે જવાબદાર નાગરિક થઈશું તો રાષ્ટ્ર તેના ઉન્નત આસને અવશ્ય બિરાજશે. બંધારણના મૂલ્યો આધારિત સમાજનું અસ્તિત્વ શક્ય બને તે માટે જરૂર છે; જાગૃતિની, પ્રતિબદ્ધતાની અને અવિરત પ્રયત્નોની.
Comments
Post a Comment