ભારતના બંધારણની વિભાવના અને વાસ્તવિકતા

                                                                                       પ્રવીણ ક. લહેરી

ઈ.સ. ૧૯૪૯ની ૨૪મી નવેમ્બરે ભારતની બંધારણ સભાએ લગભગ અઢી વર્ષની ચર્ચા-વિચારણા બાદ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ અપનાવ્યું તે ઘટનાને ૭૨ વર્ષ જેવો સમય વિતી ગયો છે. આ બંધારણ સભાના પ્રતિનિધિઓની ચૂંટણી નિયુક્તિ સંપૂર્ણપણે લોકશાહી પદ્ધતિથી ન હતી તે ઉપરાંત ભારત સરકાર અંગે બ્રિટીશ સંસદે ૧૯૩૫માં મંજૂર કરેલી જોગવાઈઓ યથા તથા સમાવીને એક મજબૂત કેન્દ્ર સાથે સમવાયતંત્રની સ્થાપના કરી. વિશ્વના ઈતિહાસમાં ત્યારે ૩૩ કરોડ લોકોને પુખ્તવયે સમાન મતાધિકાર, મૂળભૂત અધિકારો અને પ્રવર્તમાન અનેક દૂષણોને દૂર કરવા જે પ્રતિબદ્ધતા દર્શાવી તે એક વિરલ ઘટના ગણી શકાય. બંધારણની ૭૩મી વર્ષગાંઠે આપણને એ પ્રશ્ન થાય કે શું બંધારણ દ્વારા આપણે આપણા પૂર્વજોના આદર્શો, સ્વપ્નાઓ સાકાર કરી શક્યા છીએ ? શું આપણે બંધારણની વિભાવનાઓનું વાસ્તવિકતામાં રૂપાંતર કરવામાં કોઈ યોગદાન આપ્યું છે ? આજે ૧૪૫ કરોડ જેટલાં લોકો માટે બંધારણ સુશાસનનો દસ્તાવેજ છે કે ગુજરાતીની કહેવત મુજબ પોથીના રીંગણા જેમ કહેવાનું અને કરવાનું સાવ અલગ છે. ભારતના બંધારણની સિદ્ધિઓની યાદી લાંબી છે. જનતા જે સમસ્યાઓથી ઘેરાયેલી છે તેનો ઉકેલ બંધારણીય માર્ગે મળશે કે કેમ તેની દ્વિધા સર્વવ્યાપી બની છે. આ ઉપરાંત પરિવર્તનના પ્રવાહમાં નવી પેઢી માટે ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાના આદર્શો ઊણપભર્યા હોય તેવું વાતાવરણ છે. શું આ ત્રૂટિઓનું નિરાકરણ કરી ભારતને મહાસત્તા બનાવવામાં બંધારણ ઉપકારક છે કે તેમાં ધરમૂળથી સુધારાઓ કરવા જરૂરી છે તેનો વિવાદ વધતો જાય છે. આપણી યુવાપેઢીના દરેક પાઠ્યપુસ્તકમાં બંધારણનું આમુખ ‘‘અમે ભારતના લોકો....’’ છાપવામાં આવે છે. ઘણાં વિદ્યાર્થીઓ તે ખૂબ લહેકાથી બોલી શકે છે. પ્રશ્ન એ છે કે આ બંધારણના મૂલ્યોની સમજ આપણે શિક્ષણમાં આપીએ છીએ ? આજે ઈતિહાસનું પુનઃલેખનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે તેમાં બંધારણને ગેરલાયક ઠેરવવાનો અને આધુનિક વિચારોને બદલે જરીપૂરાણા ખ્યાલોને સાચા ઠેરવવાનો પ્રયાસ ખુલ્લેઆમ થઈ રહ્યો છે. લઘુમતિને રક્ષણ ઉપરાંત વિશેષ લાભોની મૂળભૂત હક્કોમાં જોગવાઈ કર્યા બાદ તેમની દૃષ્ટિએ બંધારણ કરતાં ધર્મ પ્રથમ આવે છે. અનેક જૂથોને બંધારણના લાભો લેવા છે પણ તેની સાથે જોડાયેલું ઉત્તરદાયિત્વ નિભાવવાની તૈયારી નથી. ભારતના બંધારણના ઘડતર સમયે અનેક લોકોએ શંકા વ્યક્ત કરી હતી કે અભણ અને સંકુચિત સંજોગોમાં રહેતા લોકોને મતાધિકાર આપવામાં જોખમ રહેલું છે. ૭૨ વર્ષ સુધી લોકશાહીની ધબકતી રાખી જનમતના આધારે શાંતિપૂર્ણ રીતે થયેલી સત્તા બદલી એ પૂરવાર કરે છે કે ભારતના મતદારોની કોઠાસૂઝ ભણતર કે સંપત્તિ પર નિર્ભર નથી. વર્ષ ૧૯૭૫માં ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીની કાળરાત્રી બાદ માર્ચ ૧૯૭૭માં યોજાયેલી ચૂંટણીના પરિણામોએ ભારતના મતદારોની વિવેકબુદ્ધિનો અનોખો પરિચય કરાવ્યો. ઈન્દિરા ગાંધી સહિત તેમના પક્ષના તમામ ઉમેદવારોને હાર આપનાર મતદાતાઓએ જનતા પક્ષના આંતરિક ખેંચતાણ અને અસ્થિરતાવાળા શાસનને વર્ષ ૧૯૮૦માં વિદાય આપી પુનઃ ઈન્દિરા ગાંધીને સત્તાના સૂત્રો સોંપવામાં કોઈ સંકોચ અનુભવ્યો ન હતો. ૧૯૮૪માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ પરિવારવાદના જોરે વડાપ્રધાન બનેલા રાજીવ ગાંધીને સહાનુભૂતિના મોજાએ અજોડ બહુમતિ આપી પરંતુ કથિત ભ્રષ્ટાચારના મુદ્દે ૧૯૮૯માં તેમણે સત્તા ગુમાવી. કેન્દ્ર હોય કે રાજ્ય, મતદારોએ હંમેશાં ડહાપણપૂર્વક પોતાનો ચૂકાદો આપ્યો છે. આ લોકશાહીની સફળતા સામે સૌથી મોટું જોખમ હોય તો તે છે જ્ઞાતિવાદની બોલબાલા. તમામ પક્ષોનું ચૂંટણી ગણિત જ્ઞાતિઓના સમીકરણ  મુજબ જ રાખવું એ એક અનિવાર્યતા બની છે.

જો આપણે બંધારણ પ્રમાણે કામ કરવા માટે સંસદ અને વિધાનસભાઓની ભૂમિકા ચકાસીએ તો નીચેના મુદ્દાઓ સ્પષ્ટ બને છે.

૧. સંસદ અને વિધાનગૃહો ઉપદ્રવી આંદોલન અને વિરોધના કારણે પૂરતી ગંભીરતાથી કોઈ કામ કરી શકતા નથી. અનેક દિવસો હોહા દેકારા વચ્ચે જ્યારે ગૃહની બેઠકો મુલત્વી રહે તેમાં સૌનું માથુ શરમથી ઝૂકી જાય તેવા દૃશ્યો આપણને વિચલિત કરે છે.

૨. સંસદ અને વિધાનગૃહોમાં બહુમતિ ધરાવતી સરકારોએ એક નવી કાર્યપદ્ધતિ વિકસાવી છે. સાંસદ કે વિધાનસભ્યોના હાથપગ, શિસ્તના  દોરડાથી બાંધ્યા છે. પક્ષીય પગલાંઓના ભયથી મોઢું પણ સજ્જડ રીતે બંધ છે. લોકહિત માટે શાસકપક્ષનો સભ્ય કોઈ સાચું કહે કે ખોટી વાતનો વિરોધ કરે તે પણ કારોબારી મંત્રીમંડળને સ્વીકાર્ય નથી. આ પ્રકારની પક્ષીય શિસ્તના કારણે શાસકપક્ષના અનુભવી નેતાઓ અને લોકો વચ્ચે કામ કરતાં વિધાનસભ્યો પણ પક્ષની ‘ચૂપ’ દર્શાવતી આંગળીના કારણે અસરકારક કામગીરી કરી શકતા નથી. 

૩. સંસદ અને વિધાનસભામાં પ્રશ્ચોત્તરી, કાપ, બજેટ પરની ચર્ચા દ્વારા સભા મોકૂફીનો પ્રસ્તાવ, ટૂંકી નોટીસ દ્વારા અગત્યના પ્રશ્ને ધ્યાન દોરવાની પ્રથા મૂળભૂત રીતે તો સંસદ અને વિધાનસભાઓ મારફત નાગરિકો સાથેના વહીવટીતંત્રના વ્યહાર પર નિયંત્રણ રાખવા માટે છે. ગૃહોમાં વિરોધ-હરકતો વચ્ચે સમયનો અભાવ, સભ્યોમાં અભ્યાસીવૃત્તિની ગેરહાજરી અને પક્ષના વ્હીપના કારણે ગૃહોમાં ચર્ચાનું સ્તર ઘટ્યું છે તો હકીકત હવે સૌ કોઈ સ્વીકારે છે. આનો ઈલાજ તાકીદે નહીં થાય તો લોકશાહીનું પોત પાખું પડશે તેમાં કોઈ શંકા નથી.

૪. સંસદ અને વિધાનગૃહો વર્ષે સેંકડો કાયદાઓ ઘડે છે. કાયદાના બીલોના ત્રણ વાંચનો ખૂબ ઉતાવળે થાય છે. મહત્ત્વના બીલો લોકમત માટે ઓનલાઈન મૂકાય છે પણપ તેની જોગવાઈઓની મુદ્દાવાર છણાવટ નથી તો સંબંધિત મંત્રીઓ અને અધિકારીઓ તેની કાળજી નથી કરતા કે ન તો વિરોધપક્ષ તે ફરજ બજાવતો. આજે અનેક અધકચરા કાયદાઓને કારણે લોકોની પરેશાની વધી છે. ઘણી વખત તો સરળીકરણના નામે જે સુધારો અમલી થાય છે તેનાથી નાગરિકો, કંપનીઓ વગેરેને ૫રેશાની થાય છે. જી.એસ.ટી.ની જોગવાઈઓ, કંપનીધારામાં અનેક બીનજરૂરી પૂર્તતાની જોગવાઈઓ અને ગૌણ વિધાન (સબઓર્ડિનેટ - લેજીલલેશન)ના કારણે કાયદાના ઘડતરમાં સંસદ અને વિધાનગૃહોની ભૂમિકા સીમિત બની છે. 

૫. સાંસદ અને વિધાનસભ્યો માટે તેમજ મંત્રી મંડળમાં સ્થાન માટે પણ જ્ઞાતિના ધોરણે - નહીં કે ગુણદોષના આધારે દરેક મુદ્દો વિચારવાની મજબૂરી છે. તેઓ માટે વિવિધ મતબેંકો જે ધર્મ-જ્ઞાતિ અને ભાષાના આધારે રચાયેલી છે તેની આળપંપાળ કર્યા કરવાનું અનિવાર્ય છે. આવી સ્થિતિમાં લોકો દ્વારા નહીં પણ જ્ઞાતિહિતને ધ્યાને રાખીને, લોકો અને લોકોની નહીં પણ દબાણ જૂથોના નેતાઓની ઈચ્છા અને ઈશારે ચાલતા વહીવટીતંત્રને નિહાળીએ ત્યારે મનમાં ઉદાસીનતાનો ભાવ આવે છે જે ઉદાત્ત મૂલ્યોનો આદર્શ સ્વીકાર્યો હતો તે અવ્યવહારું છે તેમ આપણે માની લીધું છે. આદર્શો સાકાર કરવામાં જે ઉદારતા, સત્યનિષ્ઠા, સંવેદના, સમજણ અને પ્રતિબદ્ધતા જોઈએ તે આપણે નવી પેઢીઓને નથી શીખવી શક્યા. બંધારણના પાયાની અવહેલનારૂપ ન્યાયિક પ્રક્રિયા વિના જ માનવહત્યા (એનકાઉન્ટર) કરનાર અધિકારીને હિરો ગણતા લોકોને આ પદ્ધતિના જોખમની જાણ અને સમજ નથી હોતી. કટોકટી સમયે ન્યાયતંત્ર માનવહક્કના મુદ્દે પાણીમાં બેસી ગયું હતું તે રીતે આવી અનેક મહત્ત્વની બાબતો અંગે પણ કોઈને ચિંતા નથી થતી. એકાઉન્ટરને તાળીઓ પાડીને વધાવી લેતો વર્ગ ૫ણ છે. આ જ ઉકેલ આતંકવાદનો અંત આણશે તેવી માન્યતા પણ સાવ વજુદ વિનાની તો નથી જ. નાગરિકના મુળભૂત હક્કોની રક્ષા અને આંતરિક સલામતિ વચ્ચે મેળ પડવાનો પડકાર છે તેનો ઉકેલ કરવા સૌએ સામુહિક ચિંતા અને ચિંતન કરવાની જરૂર છે. સંસદ-વિધાનગૃહો ઉપરાંત મંત્રી-મંડળો અને ન્યાયપાલિકાની ભૂમિકાનું વિશ્લેષણ જરૂરી છે.       

Comments

Popular posts from this blog