સ્મરણ સરદારનું-૨ 

                                                                                         પ્રવીણ ક. લહેરી

ઈ.સ. ૧૯૧૭માં ગાંધીજી સાથે જોડાયેલા શ્રી વલ્લભભાઈ પટેલ એક અનુયાયી તરીકે, એક સાથી તરીકે, એક સંગઠ્ઠક તરીકે એવી રીતે કાર્યરત રહ્યા કે કોઈકે તો એમને ગાંધીજીના અંધ અનુયાયી કહ્યા. રાજાજીએ સરદાર અંગે ચોખવટ કરતાં કહ્યું; ‘‘સરદાર એક જ એવી વ્યક્તિ છે જે ગાંધીજીનું અનુકરણ ખુલ્લી આંખ રાખીને કરે છે. મહાત્માને વફાદાર રહીને તેને સમજવામાં સરદાર સિવાય કોઈનું ગજુ નથી.’’ નેતાથી સુભાષચંદ્રને તો સરદારમાં ગાંધીજીના દુષ્ટ પણ ચબરાક અને પ્રતિભાશાળી સાથી તરીકે દર્શન થયા હતાં. આઝાદીની લડતમાં સત્યાગ્રહોને સફળ બનાવવામાં સરદારનો સિંહફાળો હતો. ખેડા, બોરસદ, નાગપૂર, બારડોલી અને દાંડીકૂચની સફળતામાં સરદારનું આયોજન, ચીવટ અને લોકસંપર્કોએ અગત્યનો ભાગ ભજવ્યો હતો. સરદારે કોંગ્રેસ પક્ષને મજબૂત રીતે સંગઠ્ઠિત કર્યો. સરદાર જાણતાં હતાં કે જાહેરસેવાના ઓઠાહેઠળ અનેક તકવાદી લોકો સ્વાર્થ સાધવામાં પાવરધા હોય છે. તેમણે સંગઠ્ઠનમાં કે કોંગ્રેસની પ્રાંતિય સરકારોમાં એવી ચુસ્ત વ્યવસ્થા કરી કે જેના કારણે આવા લેભાગુ તત્ત્વો ખુલ્લા પડી ગયા અને તેમને રૂખસદ આપવામાં સરદારે ન તો કોઈ વિલંબ કર્યો કે ન તો કોઈ સંકોચ કર્યો. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શ્રીમાન ખેર હોય કે મુંબઈના બેતાજ બાદશાહ ગણાતા નરીમાન હોય, વિઠ્ઠલભાઈના વિલના લાભાર્થી સુભાષચંદ્ર બોઝ હોય કે ભોપાલના નવાબ હોય જેમણે સરદારનો વિશ્વાસ ગુમાવ્યો તેને સબક શીખવવામાં સરદારે ક્યારેય પાછી પાની ન કરી. લોર્ડ વેવેલે સરદારનું સાચું મૂલ્યાંકન કરતાં કહેલું; ‘‘ભારતમાં સરદાર પટેલ એક જ એવી વ્યક્તિ છે જે ગાંધીજી સહિત કોઈપણને રૂબરૂ પોતાને સાચી લાગતી વાત નિર્ભયપણે કરી શકે છે. કોંગ્રેસ સંગઠ્ઠન પાસે ધાર્યું કામ કરાવી શકે છે.’’

ગાંધીજી સાથે જોડાયેલા સરદારનો મિજાજ મહાત્મા કરતાં સાવ અલગ હતો. ગાંધીજીની ચિંતા સાધ્ય સાથે શુદ્ધ સાધનો હોવા જ જોઈએ તેવો હતો. સરદાર માટે સાધનોની શુદ્ધતાના કારણે હાર થાય અને ધ્યેય જ ચૂકી જવાય તેના કરતાં વ્યવહારિક બની જવાબદારી નીભાવવી પડે. જૂનાગઢમાં આરઝી હકૂમત, હૈદ્રાબાદ માટે ઑપરેશન પોલો અને કાશ્મિરમાંથી કબાઈલીઓ હાંકી કાઢવા માટે લશ્કરનો ઉપયોગ કરવામાં સરદાર એક મિનીટ માટે પણ અહિંસાનું શું તેવો વિચાર સુદ્ધાં ન જ કરે. હૈદ્રાબાદના નિઝામના ગણ્યાગાંઠ્યા લશ્કરી વિમાનો ભારતના મોટા શહેરો પર હૂમલો કરશે તેવી ડરામણી વાત કરતાં અંગ્રેજ કમાન્ડર ઈન ચીફને સરદારેફોન પર જ કહ્યું; ‘‘જુઓ તમે તો લશ્કરી માણસ છો. લડાઈમાં આવું બધું બનવાની સંભાવના હોય તે તો જાણો છો. આપણે યુદ્ધ કરીએ ત્યારે આપણને નુકશાન થાય તેનાથી ડરવાની વાત કાયરતા ગણાય. તમે હૈદ્રાબાદ પર કોઈ ચિંતા કર્યા વિના આયોજન પ્રમાણે આક્રમણ કરો.’’ એ જ વિજયી સરદાર હૈદ્રાબાદના વિમાની મથકે તેમના સ્વાગત માટેઆવેલ હારી ચૂકેલા નિઝામનું માન-સન્માન જાળવી તેની પાસે વિલીનીકરણના દસ્તાવેજમાં સહી કરાવી, સૌથી વધારે મોટી રકમનું સાલિયાણું બાંધી આપી, તેમની નિમણૂક ‘રાજપ્રમુખ’ તરીકે કરે ત્યારે સરદારમાં રહેલા ગાંધી મૂલ્યો ખીલી ઊઠે છે. ગાંધીજી જેમ સરદાર અન્યાય, શોષણ, અપમાન કે જોહૂકમી સહન કરી શકતા નથી. ગાંધીજી તેનો પ્રતિકાર સંયમ, સ્વયાતના અને અહિંસક ધોરણે કરવામાં માને છે. સરદાર વિરોધીઓ સાથે કામ પાડવામાં જરા સરખી પણ ઢીલ આપવા માંગતા નથી. તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટી ના ગોરા કમિશ્નર હોય કે ખેડાનો કલેકટર હોય, સરદાર ઉપવાસથી નહીં પણ સચોટ સામનો કરીને તેની સાન ઠેકાણે લાવવામાં પૂરી શક્તિ લગાડી દે છે.

કુશળ સંગઠ્ઠક સરદાર ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને ગુજરાતમાં ખૂબ અસરકારક રીતે અમલ કરાવે છે. ગાંધીજીના કચ્છના પ્રવાસમાં એક સભામાં દલિતો માટે બેસવાની અલગ વ્યવસ્થા જોતા ગાંધીજી અકળાઈને સભા છોડી જવાની તૈયારી કરે છે. સરદાર મંચ પરથી ઊભા થઈને દલિતો વચ્ચે જઈને બેસી જાય છે. આયોજક ભીંસમાં આવી જાય છે. સરદારને મંચ પર પાછા આવવા સમજાવે છે. સરદાર ના કહે છે અને અનેક લોકો દલિતોને બેસાડેલા અલગ આવીને પંડાલમાં બેસે છે. આયોજકોનો પૂર્વગ્રહ એક પણ શબ્દ વિના, એક પણ વિવાદ વિના, એક પણ ઉપદેશ વિના પોતાની વર્તણૂકથી જ કાર્ય સિદ્ધ કરનારા સરદારની સુઝબુઝ આગવી હતી. આઝાદીની લડતમાં જોડાયેલા અને રચનાત્મક પ્રવૃત્તિમાં રોકાયેલા સૌ ગાંધી અનુયાયી પ્રત્યે તેમનો ભાવ કૌટુંબિક હતો. અનેક કાર્યકરોને માર્ગદર્શન, ટેકો અને મદદ પૂરી પાડી ગુજરાતમાં ભીલસેવા સંઘ, વેડછી આશ્રમ, હરિજન સેવા સમિતિ જેવી પાયાનું કામ કરતી સંસ્થાઓને સુદૃઢ કરવામાં સરદારનું યોગદાન અનોખું રહ્યું હતું.

આઝાદીની લડતના દરેક તબક્કે સરદારે કુશળતાપૂર્વક આયોજન કરી નાનામાં નાની બાબતની કાળજી કરીને જે નેતૃત્વ પૂરું પાડ્યું તે ‘મૅનેજમેન્ટ’ની ઉત્તમ કેસ સ્ટડી બને તેમ છે. નાગપૂર સત્યાગ્રહમાં દરરોજ ધ્વજ સાથે સિવીલ લાઈન્સમાં સરઘર કાઢી સ્થાનિક ગોરા અધિકારીઓને ખાતરી કરાવી કે ધરપકડ, જેલવાસ કે સજાથી કશું નહીં થાય. સમગ્ર દેશમાં આઝાદીના લડવૈયાઓને એકત્ર કરી સરદારે વહીવટી તંત્ર માટે એવું વાતાવરણ સર્જ્યુ કે ખંધા અંગ્રેજોએ પણ સમાધાન દ્વારા ઉકેલ કરવાનું મુનાસિબ માન્યું. બારડોલીમાં સરદારની વાણીમાં જે ચમત્કાર સર્જયો તે ઘટના ‘કોમ્યુનિકેશન’ ક્ષેત્રે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સરદારની સૌથી નોંધપાત્ર શક્તિનો ઉલ્લેખ કરવો હોય તો તે છે; ‘‘પહેલી નજરમાં માણસને માપી લેવો, તેના ઈરાદાઓ ઓળખીને કોઈ ભ્રમમાં રહ્યા વિના તડ અને ફડ કરીને સંભવિત બદમાશી રોકી લેવી. સરદારની કૂનેહ પણ આગવી છે. હૈદ્રાબાદમાં રઝાકરોના ઉપદ્રવ અંગે તેના આગેવાન રીઝવીને દિલ્હી બોલાવી, માન-સન્માનથી ભોજન કરાવી સરદાર તેમને કશી હાનિ કર્યા વિના હૈદ્રાબાદ પરત પહોંચાડે છે. કાસમ રીઝવી પર તેમણે એટલે કોઈ કાર્યવાહી ન કરી કારણ કે ભારતના રેસીડન્ટ કમિશ્નર ક. મા. મુન્શી સહિત સૌ પર જોખમ આવે. હૈદ્રબાદના આતંક અંગે પોતાની સલામતિની ચિંતા કરતાં ક. મા. મુન્શીને સરદારે કહ્યું; ‘‘કનુભાઈ, ચિંતા શા માટે કરો છો ? સૌએ એક દિવસે મરવાનું છે. તમને કાંઈ થશે તો તમારું સ્મારક બનાવવાની જવાબદારી મારી.’’ આટલું કહીને ખડખડાટ હસી પડેલા સરદારની વાત સાંભળતા જ મુન્શીનો મૂડ સુધરી ગયો. આઝાદી બાદ પાકિસ્તાનના ગવર્નર જનરલ અને સ્થાપક શ્રી મહમદઅલી ઝીણાના અવસાનના સમાચાર જાણી પશ્ચિમ બંગાળના તત્કાલિન મુખ્યમંત્રી ડૉ. બી.સી. રૉયે સરદારને ફોન કરી રાજ્યમાં શોક પાળવો કે કેમ તે પૂછયું ત્યારે જ સરદારે વેધક પ્રત્યુત્તર આપવા કહ્યું કે એ શું કોઈ તમારો સગો થતો હતો ? સરદારના શબ્દોમાં સત્ય અને કટાક્ષ, ટૂંકો પણ ચોટદાર, સ્પષ્ટ અને વ્યવહારિક ઉત્તર સાંભળતા જ સામી વ્યક્તિ પ્રશ્નના મૂળને સમજી જાય. ગાંધીજીએ કહ્યું હતું કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત તો મેં આપધાત કરી લીધો હતો. સરદારની વિનોદવૃત્તિ, હાજર જવાબીપણું અને તનાવમુક્ત વિચારણાના કારણે અનેક ગુંચવણો ઉકેલવામાં સરળતા રહી. ૧૯૩૦ થી ૧૯૩૧માં ૧૬ માસ જેલમાં ગાંધીજી સાથે રહેલા સરદાર અંગે મહાદેવ દેસાઈએ અનેક પ્રસંગો શબ્દસ્થ કર્યાં છે. મહાત્માજીના આગ્રહોની હાંસી ઉડાવવાની હોય કે કોઈ પત્ર લખનારની બેહૂદી વાત હોય સરદાર એક ઘા અને બે કટકા જેમ જવાબ આપી ગાંધીજીને હસાવતા રહેતા. ગાંધીજીએ કહ્યું કે સરદારે અમને જેલમાં પણ પેટ પકડીને હસાવ્યા, પેટ બેવડ વળી જાય તેવો સરદારનો વિનોદ હોવાથી અમારો દિવસ ક્યારે પૂરો થયો તેની જાણ ન રહે. અહમદનગર જેલમાં ૧૯૪૨ થી ૧૯૪૫ ત્રણ વર્ષ સુધી સરદાર સાથે રહેલાં અનેક કોંગ્રેસી આગેવાનોએ નોંધ્યું છે કે સવારના નાસ્તાના ટેબલ પર એક તળપદી ગુજરાતી કહેવત કહીને સરદાર તેની રમુજી રજૂઆતથી સૌની સવાર સુધારી દેતા હતાં.

સરદારમાં ગાંધીજીની જેવો સત્યપ્રેમ, દેશભક્તિ, સંવેદના, કાર્યનિષ્ઠા, કુશળતા, ચીવટ અને રમુજીવૃત્તિ હતાં. ગાંધીજી આદર્શવાદી રહેવાનું જરૂરી માનતા હતા. જ્યારે સરદારની કોઠાસુઝ, નિખાલસતા, જરૂર પડે જેવા સાથે તેવા થવાની તૈયારી અને લક્ષ્યસિદ્ધિની એકાગ્રતા અદ્‌ભૂત હતી. ગાંધી સરદાર આપણા પૂર્વજો છે. તેમના જીવનને સમજીએ તો આપમેળે આપણો વ્યક્તિત્વ વિકાસ થાય તેમાં શંકા નથી.

Comments

  1. હાલની પેઢી માટે સમજવા જેવી વાત

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog