સ્મરણ સરદારનું
પ્રવીણ ક. લહેરી
વીસમી સદીનો પૂર્વાધ ભારતના ઈતિહાસમાં અનોખો કાળખંડ છે. ૧૯૦૧ થી ૧૯૨૦ના વર્ષો દરમિયાન બંગભંગ આંદોલનથી જાગી ઉઠેલી રાષ્ટ્ર્ીય ચેતનાને લાલ (લાલા લજપતરાય) બાલ (બાલ ગંગાધર ટિળક) અને પા (બિપીનચંદ્ર પાલ)ની ત્રિપુટી દ્વારા વિશેષ પ્રજ્જવલિત કરવામાં આવી. બ્રિટીશ સામ્રાજ્ય સૌથી મોટું અનિષ્ઠ છે. દેશની પ્રજાની ગુલામી દૂર કરવી તેમાં જ રાષ્ટ્ર્હિત છે. બ્રિટનની હકુમતનો અંત આણવા આપણે સક્ષમ છીએ. જરૂર છે દેશપ્રેમની, હિંમતની, શહાદતની સહનશીલતાની, દેશ માટે મરી ફીટવું તેવો માહોલ નિર્માણ થયો હતો. ‘વંદે માતરમ્’ના જયઘોષ સાથે લવરમૂછીયા નવજવાનોએ કશા ડર વિના ફાંસીનો ફંદો ગળી પહેરી લીધો હતો.
૧૮૫૭થી ૧૯૦૫ સુધીમાં સ્થિર થયેલા બ્રિટીશ શાસન દ્વારા થઈ રહેલું શોષણ દિન-પ્રતિદિન વધી રહ્યું હતું. દેશમાં દારિદ્રય સામે આવેલી જાગૃતિના જુવાળને ખાળવા માટે બ્રિટીશ સરકારે સામ, દામ, દંડ, અને ભેદની નીતિનો અમલ શરુ કર્યો હતો. ક્રાંતિકારીઓને કાળાપાણીની સજા અથવા ફાંસી દ્વારા ફરી ભયનું વાતાવરણ પેદા કર્યું હતું. ભારતીયોની સત્તામાં ભાગીદારી માટે આઈ.સી.એસ.ની નોકરીથી માંડીને સરકારમાં સામેલ કરવા સુધીની છૂટછાટો આપવાની શરુઆત કરી હતી. દેશના લોકો ગભરાય તે માટે જુલ્મ કરવો જ જોઈએ તેવી માન્યતાવાળો અધિકારી વર્ગ મોટો હતો. કોમી તોફાન, જલિયાંવાળા બાગનો નરસંહાર, બિહારની ગળીની ખેતીમાં તીન કઠીયાની પ્રથા, લાઠીચાર્જમાં લાલા લજપતરાયનું અવસાન, ટિળકને બર્માના માંડલેમાં ૬ વર્ષનો જેલ વાસ, વીર સાવરકરને કાળાપાણીની ડબલ સજા, આમ એકંદરે આઝાદીની ચળવળને બળપૂર્વક, હિંસાથી, ત્રાસથી ડામી દેવાનો મનસૂબો સ્પષ્ટ હતો.
૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની સફળતા બાદ સ્વદેશ પરત ફરેલા ગાંધીજીએ ૧૯૧૭માં ચંપારણ સત્યાગ્રહ અને વિરમગામ સત્યાગ્રહ દ્વારા દેશની જનતામાં એક નવો પ્રાણ પૂર્યો હતો. પાશવી સત્તા સામે એક થઈને સમર્પણ સાથે પ્રતિકાર કરવામાં આવે તો થોડા હજાર ગોરાઓ દેશની કરોડોની જનતા ઉપર શાસન કરી શકે નહીં તેવા વિશ્વાસ હતો. રચનાત્મક કાર્યક્રમો દ્વારા દેશભક્તિના પ્રવાહમાં ભારતના ગામડાંઓને જોડવાનું શ્રેય ગાંધીજીને જાય છે. અસ્પૃશ્યતા જેવા ધાર્મિક કલંકો દૂર કરવા, મહિલને સમાનતા-સ્વતંત્રતા મળે તે માટેના તેમના પ્રયાસો અને આઝાદી છેવાડાના માનવીના ઉત્થાન માટે છે તેવી વાત દૃઢતાપૂર્વક ક્યારેક વિરોધના વંટોળ વચ્ચે કરતાં ગાંધી માટે દેશની જનતાને અનોખું આકર્ષણ થયું હતું. લાખો નવયુવાનોએ અભ્યાસ, કારકિર્દી અને પરિવાર છોડીને ગાંધી ચિંધ્યા રસ્તે જનતાને તૈયાર કરવાના કામમાં ખૂંપી જવાનું સાહસ કર્યું હતું. ખૂબ વ્યાપક અને વ્યવસ્થિત રીતે લોકશક્તિ ઉજાગર થઈ જેના થકી સામ્રાજ્યના પાયામાં લૂણો લાગ્યો.
ગાંધી યુગ (૧૯૨૦-૧૯૪૫) દરમિયાન આપણા દેશને અગણિત સંખ્યામાં સક્ષમ સમર્પિત અને સંસ્કારી નેતાઓ મળ્યા. આ મહાપુરુષો અને મહિલાઓનો આપણે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. તેઓ આપણી આઝાદીની ઈમારતના પાયાના પત્થરો છે. આજે સ્વતંત્રતાની ૭૫ વર્ષની અમૃત ઉજવણીમાં આપણે તેનું ઋણ સ્વીકારી સંકલ્પ કરીએ કે તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે યથાશક્તિ, યથામતિ દેશની અને તેની પ્રજાની સેવા કરવા માટે મહત્તમ પ્રયત્નો કરીશું. કોઈ પણ રાષ્ટ્ર્નું ઘડતર કે વિકાસ તેની પ્રજાની સક્રીય ભાગીદારી વિના શક્ય નથી.
ગાંધી ચિંધ્યા માર્ગે મક્કમતાપૂર્વક ચાલનાર તેમના કરોડો અનુયાયીઓ અને પ્રશંસકો વચ્ચે એક નામ સૌથી મોખરે તરી આવે છે તે છે શ્રી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ જેમને આપણે દેશના લોખંડી પુરુષ સરદાર પટેલના નામથી ઓળખીએ છીએ. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કરતાં પણ જેમણે નેતૃત્વને વધારે ઊંચાઈ બક્ષી હતી તેવા સરદારનું સ્મરણ તો હંમેશાં થાય જ. જ્યાં સુધી આપણી સમક્ષ પેચીદા પ્રશ્નો છે, ગંભીર પડકારો છે અને વાતાવરણ ધૂંધળું છે ત્યારે આપણને એક જ વિચાર આવે છે; ‘‘કાશ, સરદાર આજે આપણી વચ્ચે હોત તો ?’’ જેની ગેરહાજરીનો જાહેર વહીવટીતંત્રમાં ડગલે ને પગલે અભાવ સાલતો હોય તેવા આ નરબંકાનું જીવન અનેક આરોહ-અવરોહોથી ભરેલું છે.
‘‘સરદારમાં નીડરતા તો બાળપણથી હતી. પરિશ્રમમાં જરા સરખો પ્રમાદ ન કરવાની ટેવ સ્વભાવગત હતી. જે કામ હાથ પરલે તે સુપેરે પૂરું કરવાની આવડત તેમણે સિદ્ધહસ્ત કરી હતી. તેમના વ્યક્તિત્વમાં સૂરજ જેવું આકરું તેજ હતું. આત્મવિશ્વાસથી છલકતા શ્રી વલ્લભભાઈનો ઉછેર એક સામાન્ય ગ્રામીણ પરિવારમાં થયો હતો. ખેતીની મર્યાદિત આવક અને શિક્ષણની અગવડ વચ્ચે તેમણે મેટ્ર્ીક પરીક્ષા પસાર કરી. નાણાંના અભાવે ઉચ્ચશિક્ષણ શક્ય નહોતું ત્યારે વકીલાતની સનંદ માટેની પરીક્ષા પસાર કરી તેમણે વર્ષમાં વકીલાત શરુ કરી. બેરિસ્ટર બનીને ધૂમ કમાણી કરવાનું તેમનું સ્વપ્ન સાકાર થવામાં હતું ત્યાં તેનો લાભ જયેષ્ઠ બંધુને આપવામાં સરદાર પળભર વિચાર કે વિલંબ નહોતો કર્યો. ‘કરતાં જાળ કરોળિયા’ના ન્યાયે ફરી બચત કરી ઇંગ્લેન્ડમાં જઈ મીડલ ટેમ્પલ ઈનમાંથી બેરિસ્ટરની પદવી હાંસલ કરી ભારત પરત આવ્યા. અર્જુનને મત્સ્યવધ સમયે માત્ર પક્ષીની આંખ દેખાતી હતી તેમ સરદારે અભ્યાસ દરમિયાન જે એકાગ્રતાથી જહેમત કરી સુવર્ણચંદ્રક સાથે પ્રથમ રહેવાની સફળતા મેળવી તે તેમની વિકસિત બુદ્ધિમત્તાનું પ્રમાણ છે. અમદાવાદમાં સ્થિર થઈને ફોજદારી કેસોની સુનાવણીમાં તેમણે ભારે નામના અને નોંધપાત્ર આવક મેળવ્યા હતાં. જીવનના મોજશોખમાં રત એવા વલ્લભભાઈને ગાંધીની વાતો કરતાં બ્રીજની રમત વધારે પ્યારી લાગી હતી. નીયતિની ગતિ અકળ છે. ગાંધીપદ્ધતિ- ઉપદેશ; ‘‘સંડાસ જાતે સાફ કરો, ઘઉંમાંથી કાંકરા વીણો, સૂતર કાંતો, કાપડ વતો, સાદગી અપનાવો વગેરેમાં સરદારને શ્રદ્ધા ન હતી અને તેની હાંસી ઊડાડવામાં સંકોચ પણ ન હતો.
ગુજરાત રાજકીય પરિષદના ૧૯૧૭ના ગોધરા અધિવેશનમાં એક જ મંચ પર શ્રી બાળગંગાધર ટિળક, શ્રી મહમદઅલી ઝીણા અને શ્રી મોહનદાસ કરમચંદ ગાંધીની ઉપસ્થિતિ હતી. સરદારે બારિકાઈથી ગાંધીને નિહાળ્યા. તેમની વિચિત્ર જણાતી પદ્ધતિનું હાર્દ તેમને સમજાયું. સાબરમતી આશ્રમમાં જઈને ચર્ચાઓ કરી. હવે વલ્લભાઈને મોહન નામના પારસમણિનો સ્પર્શ થઈ ચૂક્યો હતો. ગોધરામાં ગાંધીજીની નીડરતા, સત્યનિષ્ઠા, હિંમત અને સમર્પણની ઘેરી અસર સરદારના મન પર પડી. જ્યારે સરદારને ૪૨ વર્ષની ઉંમરે ખાતરી થઈ કે, ‘‘આ માણસના વિચારો, વાણી અને વર્તનમાં એકવાક્યતા છે. તેનો ચિંધેલો માર્ગ દેશને આઝાદી ભણી દોરી જશે.’’ ત્યારે સરદારે જે સંકલ્પ કર્યો તે તેમના જ શબ્દોમાં; ‘‘કોઈકે મારી સરખામણી મહાત્માજી સાથે કરી. કોઈકે તો મે તેનાથી વધારે મહત્ત્વના કામો કર્યાં છે તેમ પણ કહ્યું. મારે તો એટલું જ કહેું છે કે મારામાં જો મહાત્માની શક્તિનો એક ટકો શક્તિ હોત તો મેં કર્યા છે તેના કરતાં હજારગણા કામો કરી શક્યો હોત.’’ આગળ વધીને સરદારે કહ્યું; ‘‘હું મહાત્માજીને મળ્યો ત્યારે મારી પ્રેકટીસ ધમધોકાર ચાલતી હતી. મારી જીવનશૈલી વૈભવી હતી. આ અડધાવારની પોતડી પહેરેલી વ્યક્તિ પાછળ હું સઘળું છોડીને ચાલી નીકળું તેવો ભોળો હું હતો જ નહીં. પણ જ્યારે મને ખાતરી થઈ કે આ માણસની પાછળ ચાલવાથી જ દેશ આઝાદ થશે ત્યારે મેં મનથી હવન કર્યો; ‘‘મેં તેમાં મારા તમામ અરમાનો, પરિવાર, સંપત્તિ હોમી દીધા અને તેનો અનુયાયી બન્યો.’’
ગાંધીજીનું અને દેશનું સદ્ભાગ્ય કે તેમને સરદાર પટેલ જેવા અનુયાયી મળ્યા. ખેડા સત્યાગ્રહના અંતે જ ગાંધીજીએ પ્રમાણિત કર્યું કે; ‘‘મને વલ્લભભાઈ ન મળ્યા હોત તો જે કામ થયું તે થઈ જ ન શક્યું હોત.’’ વલ્લભાઈ ઉંમરમાં ગાંધીજી કરતાં માત્ર ૬ વર્ષ નાના હતાં. તેમની સાથે જોડાયા ત્યારે પીઢ હતાં. જીવનમાં સફળ અને સંપન્ન થવાનું સ્વપ્ન સંઘર્ષ બાદ સાકાર કરી ચૂક્યા હતાં. સાવ અચાનક સરદારનું જીવન પરિવર્તન પામ્યું. તેઓના જીવનનો ઉદ્દેશ ગાંધી ચિંધ્યા માર્ગે દેશસેવા કરવી, જે મુશ્કેલી/યાતના આવે તે હસતે મોઢે ભોગવવી, લોકશક્તિ કેળવવી અને મોહ-લોભથી મુક્ત રહેવું. આ સંકલ્પ નિષ્ઠાપૂર્વક પાળનાર સરદારની સિદ્ધિઓ પર હવે નજર નાખીશું.
Comments
Post a Comment