પ્રજ્ઞાચક્ષુઓના પર્થદર્શક : ડૉ. નિલકંઠરાય છત્રપતિ

                                                                         પ્રવીણ ક. લહેરી

અંગ્રેજી ભાષાના કવિ જહૉન મિલ્ટનને સ્વર્ગ ગુમાવવું અને સ્વર્ગની પુનઃપ્રાપ્તિ જેવા ગ્રંથોના સર્જન સમયે જ આંખોની રોશની ગુમાવી પણ નાહિંમત થયા વિના તેમણે આ મહાકાવ્યો પૂર્ણ કર્યાં. આપણા દેશમાં અંધજન માટે પ્રજ્ઞાચક્ષુ શબદનો પ્રયોગ જ આપણું આગવું વલણ અને સમજણ ઉજાગર કરે છે. કવિ જહૉન મિલ્ટને અંધાપા અંગે કહ્યું હતું; ‘‘અંધાપો આવવો દુઃખ કે દયાપાત્ર થવા યોગ્ય નથી. અંધાપો ન જીરવવાની શક્તિ એ જ દુઃખ કે દયાપાત્ર છે.’’ ચાર વેદોના મૌખિક પાઠને ગ્રંથસ્થ કરનાર સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી પ્રજ્ઞાચક્ષુ હતાં. તેમના શિષ્ય અને જાણીતા સંસ્કૃત વિદ્વાન ડૉ. ગૌતમભાઈ પટેલ ગુરુજી સાથેના સંસ્મરણો વાગોળતા યાદ કરે છે કે એક જ વાર સાંભળીને તે માહિતી સંપૂર્ણપણે યાદ રાખી શકનાર સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજીની ગ્રહણશક્તિ, સ્મરણશક્તિ અને વિશ્લેષણની શક્તિ આપણે સહેલાઈથી માની ન શકીએ તેટલી વિકસીત હતી. દિવ્યાંગોના પ્રેરણાસ્ત્રોત સમાન હૅલન કેલરે સાચું કહ્યું છે; ‘‘વિશ્વની સૌથી સુંદર ચીજો નથી તો જોઈ શકાતી કે નથી તો સ્પર્શી શકાતી, તેની અનુભૂતિ તો હૃદયની લાગણીથી જ થાય છે.’’ જીવનમાં અંધાપા કરતાં પણ વધારે દુઃખદાયક એ છે માત્ર જોઈ શકતી વ્યક્તિઓમાં દુરંદેશી દૃષ્ટિનો અભાવ હોય છે. પ્રજ્ઞાચક્ષુઓએ કઠિન પરિશ્રમથી કપરા સંજોગોમાં જે અનોખી સિદ્ધિઓ હાંસલ કરી છે તેની યાદી કરીએ તો તે ગ્રંથ પણ હજારો પાનાંનો થાય તો પણ તેમાં સૌનો સમાવેશ ન થઈ શકે. મહાપ્રભુજી વલ્લભાચાર્યના અષ્ટસખામાના સૂરદાસનું શ્રીકૃષ્ણની બાળલીલાનું વર્ણન વિશ્વ સાહિત્યની કોઈ પણ ઉત્તમ કોટિની રચનાઓ સામે પ્રભાવશાળી રીતે સ્પર્ધા કરી શકે તેમ છે. પ્રજ્ઞાચક્ષુ સૂરદાસના નામમાં જ તેનું ગીત-સંગીત પ્રત્યેનું સમર્પણ ઉજાગર થાય છે.

ગુજરાતના પ્રજ્ઞાચક્ષુઓ માટે જો કોઈને પણ સૌથી મહત્ત્વની વ્યક્તિ તરીકે ઓળખ આપવી હોય તો તે છે; ડૉ. નિલકંઠરાય છત્રપતિ - જેના પ્રયત્નોના કારણે ગુજરાતમાં અંધજનો માટે શિક્ષણની શરુઆત થઈ. સૌથી ઉલ્લેખનીય અને યાદગાર કાર્ય તો એ થયું કે ફ્રાંસના લુઈસ બ્રેઈલે શોધેલી ડોટ-ફીલ (ટપકાંથી ઓળખ) પદ્ધતિનો ઉપયોગ ભારતની તમામ પ્રાદેશિક ભાષાઓ (જેમાં નાગરીલિપિનો સમાવેશ છે) માટે શક્ય બનાવ્યો.૧૮૫૪માં જન્મેલા અને ૧૯૨૨માં અવસાન પામ્યા તે ૬૮ વર્ષના જીવનકાળ દરમિયાન શ્રી નિલકંઠરાય છત્રપતિએ જે સંઘર્ષ કર્યો, જે પરિશ્રમ કર્યો અને જે સિદ્ધિઓ હાંસલ કરી તેનો ઈતિહાસ વાંચીએ ત્યારે આપણા મુખમાંથી ઉદ્‌ગાર સરી પડે; ‘‘બહુરત્ના વસુંધરા’’. ‘‘આવો તપસ્વી પણ હોય શકે ?’’ 

અમદાવાદની આઈ.પી. મિશન સ્કૂલમાં અંગ્રેજી શિક્ષણ લઈને મેટ્ર્‌ીકની પરીક્ષામાં ઉત્તિર્ણ થયા બાદ મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાંથી ઉચ્ચ ગુણો સાથે તબીબ થયા. ૧૮૮૦માં તેમણે અમદાવાદમાં ખાનગી પ્રેકટીસ શરુ કરી. થોડા સમયની પોતાની પ્રેકટીસ બાદ તેમણે પ્રથમ રણછોડલાલ છોટાલાલ (આર.સી.) સાર્વજનિક હૉસ્પિટલમાં અને ત્યારબાદ ઘીકાંટાની સિવિલ હૉસ્પિટલમાં સફળ અને યશસ્વી સેવા આપી. તેમની કુશળતા, નિષ્ઠા અને સેવાની ધગશના કારણે તેઓએ લોકપ્રિયતા અને સફળતા મેળવી. નોકરી સાથે મેડિકલ શિક્ષણમાં પ્રોફેસર તરીકે અને તબીબી વિદ્યાર્થીઓના ગૃહપતિની ફરજો પણ સુંદર રીતે બજાવી. ડૉ. નિલકંઠરાય છત્રપતિની બુદ્ધિ તેજસ્વી, સ્વભાવથી અભ્યાસુ, પ્રયોગો કરવામાં કુશળ અને સેવાભાવમાં રત હોવાના કારણે તે તેમના સમયના ખૂબ લોકપ્રિય તબીબ હતા. તેમના અભ્યાસ લેખો ઇંગ્લેન્ડના લબ્ધ પ્રતિષ્ઠિત મેડીકલ જર્નલ ‘લેન્સેટ’માં પ્રકાશિત થવા લાગ્યા. તેનાથી તેમનું નામ સમગ્ર વિશ્વના આરોગ્યક્ષેત્રમાં જાણીતું થયું. વર્તમાનપત્રો અને સામાયિકોમાં આરોગ્યના લેખો લખવાની બાબતે તેઓ અગ્રગામી હતાં. ડૉ. નિલકંઠરાય છત્રપતિએ (૧) દારૂ (૧૮૯૨), (૨) હિંદુસ્તાનના ગામડાંમાં આરોગ્ય (૧૮૯૭), (૩) સાધારણ પદાર્થનું રસાયણ (૧૮૯૭), (૪) ઘરઘરમાં વપરાતી ચીજોનું રસાયણ (૧૮૯૯), અકસ્માત વખતે મદદ અને ઈજા (૧૯૦૦), (૬) નવરાશના સમયમાં ગમ્મત સાથે જ્ઞાન (૧૯૦૧), માંદાની માવજત (૧૯૦૧), (૮) લોકોપયોગી શરીરવિદ્યા (૧૯૦૮).

આ પુસ્તકો દ્વારા તબીબી જ્ઞાન સામાન્ય લોકો સુધી પહોંચાડવાની તેમની ખેવના અને લોકશિક્ષણ દ્વારા આરોગ્ય સુધારણા માટે તેમણે પાયાનું કાર્ય કર્યું. ગુજરાતમાં ત્યારે દારુબંધી ન હતી. અમુક કોમોમાં દારુના વ્યસનના કારણે બરબાદી થતી હતી. ડૉ. નિલકંઠરાયે દારુ-નશામાંથી લોકોને છોડાવવા કેન્દ્ર સ્થાપ્યું. તેમના પુસ્તકમાં દુર્લભજી શ્યામજી ધ્રુવની આ પંક્તિઓ સમાવી તેમણે લોકોને ચેતવ્યા;

ભરી બજાર ભોંય પડે, તે નશો તણો કરનારો,

માબાપનું માન ઘટાડે, વણમોતે મરનારો,

યારો દારુ દુઃખ દેનારો...

પૈસો એકે રહે નહીં પાસે, પછી ફેર ફટકારો,

ચોરી, જૂઠ ને જુગારનો રાત-દિન રમનારો,

યારો દારુ દુઃખ દેનારો...

૧૯૩૯ થી દાખલ થયેલી નશાબંધીને ૮૨ વર્ષ થયા. આજની વાસ્તવિકતા શું છે તે પ્રશ્નનો ઉત્તર એટલો જ કે લોકો પૂછે છે કે શું ગુજરાતમાં ખરેખર દારુબંધી છે ? કમનસીબે શિક્ષિત વર્ગ પણ વ્યસનોની ચુંગાલમાં ફસાયો છે.

૧૮૯૧માં માત્ર ૩૭ વર્ષની ઉંમરે તેની આંખોને જીવંત રાખતી નસો સૂકાવા લાગી અને તેમણે આંખોનું તેજ ગુમાવ્યું. અંધાપાથી આવા તેજસ્વી તપસ્વીની સાધનામાં ખૂબ મોટી રૂકાવટ આવી. તેમના આરોગ્યના પ્રશ્ને સરકારે તેમને એક વર્ષની પગાર સાથેની રજા આપી. ડૉ. નિલકંઠરાયનો મત કામ નહીં તો પગાર નહીં. તેમણે તુરત જ નોકરીમાંથી રાજીનામું આપ્યું. સરકારે ટૂંકી નોકરીનો મુદ્દો ધ્યાને લઈ તેમનું માસિક પેન્શન માત્ર રૂા.૨૭ નક્કી કર્યું. ડૉ. નિલકંઠરાય છત્રપતિની ૧૮૯૨થી અગ્નિ પરીક્ષા શરુ થઈ. ગમે તેવી મજબૂત વ્યક્તિ ઢીલી પડી જાય, મુંઝાય જાય કે નિરાશ થઈ જાય. ત્રણ પૂત્રો સાથે અનેક સામાજિક જવાબદારી નિભાવવી, પુત્રીના લગ્ન કરાવવા જેવી બાબતોના કારણે શરુઆતમાં ડૉ. નિલકંઠરાય છત્રપતિ મુંઝાય ગયા. તેમના મિત્રો અને હિતચિંતકોની સહાયથી તેઓએ નિરાશામાંથી બહાર આવી જીવનને સક્રીય અને સાર્થક બનાવવા કમર કસી. મહારાજા સયાજીરાવ, પારસી ડૉ. નાણાંવટી, નાનાભાઈ હરિ પ્રસાદ છત્રપતિ વગેરેની મદદથી તેમણે અંધજનના શિક્ષણક્ષેત્રે સક્રીય થવાનો સંકલ્પ કર્યો.

અંધજન માટેની બ્રેઈલ લીપીથી સંસ્કૃતના અક્ષરો, પ્રાદેશિક ભાષાના અક્ષરો ઉકેલવા માટે તેમણે બ્રેઈલ લિપીનો ઉપયોગી હિન્દી, મરાઠી અને ગુજરાતી જેવી ભાષા માટે થઈ શકે તેવું કાર્ય કર્યું. આ લિપીની સહાયથી અંધજનો ભણી શકે તે માટે પોતાના હિસાબે અને જોખમે શાળા શરુ કરી. ડૉ. નિલકંઠરાયની દુરંદશીનો પરિચય ત્યારે થાય છે જ્યારે તેમણે અંધજનોને આજીવિકા માટે સંગીત, સીવણ, નેતર ગુંથણ સહિત અલગ અલગ વ્યવસાયિક વિષયોની તાલીમ પણ આપી. પોતાની આર્થિક મર્યાદાઓ વચ્ચે પણ તેમણે પ્રજ્ઞાચક્ષુના સર્વતોમુખી વિકાસના સંકલ્પને સાકાર કરવામાં કોઈ કસર ન રાખી. નસીબને પણ પુરુષાર્થ પાસે ઝૂકવું પડે છે. દરેક સમસ્યાઓનો ઉકેલ તો હોય છે.

ડૉ. નિલકંઠરાય છત્રપતિના જીવનમાં ક્રમશઃ સુધારા આવ્યા. મુંબઈ પ્રાંતના શિક્ષણ નિયામકે તેમની શાળાની મુલાકાત લઈ તે શાળાને સરકારી ગ્રાન્ટ મળે તેવી ભલામણ કરી પણ સરકારે તે ભલામણ ન સ્વીકારી. પોતાના ટૂંકા પેન્શન અને વીસ હજારની મૂડીના વ્યાજમાંથી ગુજરાન કરતાં ડૉ. નિલકંઠરાયને સી.એન. વિદ્યાલય જેમના નામે છે તે ચીમનલાલ નગીનદાસે ડૉ. છત્રપતિને મૂડીનું સારું વ્યાજ-વળતર આપ્યા. મીલમાં ડિરેકટર પણ બનાવ્યા. જે મુંબઈ પ્રાંતની સરકારે તેમની અમદાવાદની અંધજન શાળાને સહાય આપવા ઈન્કાર કરેલો તે સરકારે આ તમામ વિદ્યાર્થીઓને મુંબઈની વિકટોરીયા અંધજન શાળામાં સરકારી ખર્ચે ભણાવવાનું સ્વીકાર્યું. ડૉ. છત્રપતિને ૧૯૦૧માં તે શાળાના નિયામક તરીકે નિમણૂક થઈ. તેમણે સરકારી અધિકારીઓની સહાયથી ‘‘બ્લાઈન્ડ રિલીફ એસોસીએશન’’ની સ્થાપના કરી સમગ્ર દેશના પ્રજ્ઞાચક્ષુઓના શિક્ષણ માટેની ભૂમિકા તૈયાર કરી.

ભારતની વિવિધ ભાષાઓ માટે બ્રેઈલ લિપી તૈયાર કરાવવામાં વિકટોરીયા સ્કૂલની અહ્‌મ ભૂમિકા રહી. આજે અંધજનોના શિક્ષણ-કારકિર્દી માટે જે તકો ઉપલબ્ધ છે તેના પાયામાં ડૉ. નિલકંઠરાય છત્રપતિ જેવા સેવાભાવી સજ્જનનું પ્રદાન આપણે વિસરી ગયા છીએ. ફિલ્મી ઍકટર, એકટ્ર્‌ેસીસ અને ક્રિકેટરો પાછળ ઘેલી થતી યુવાપેઢીમાં સારા અને સાચા સંસ્કારનું સિંચન થાય તે માટે ડૉ. નિલકંઠરાય છત્રપતિ જેવા મહામાનવનું જીવન અભ્યાસક્રમમાં હોય તો કેવું સારું ? શ્રી અશોક ઠાકરે ડૉ. નિલકંઠરાયનું જીવનચરિત્ર એક પુસ્તકમાં આલેખ્યું. ડૉ. કુમારપાળ દેસાઈ અને જાણીતા કૅન્સર સર્જન ડૉ. પંકજભાઈ શાહે તેને લોકો સુધી પહોંચાડ્યું. હવે આપણી ફરજ છે કે આ પ્રેરક જીવનનો ખૂબ બહોળો પ્રચાર થાય અને ભાવિ પેઢીને પ્રેરણા મળે તેવા પ્રયત્નો કરીએ.

Comments

Popular posts from this blog