ભાષા અને પરિવર્તન

                                                                                            પ્રવીણ ક. લહેરી

અંગ્રેજીની એક કહેવત છે કે; ‘તમે એક નદી બીજીવાર પાર નથી કરી શકતા’. નદીનો જળપ્રવાહ સતત વહેતો રહે છે. આપણે પાણીમાં પગ મૂકીએ ત્યારે તો ક્ષણ પહેલાંનું પાણી આગળ વહી જાય છે. ગતિશીલતા અને પળે પળે બદલવું તે નદીની પ્રકૃતિ છે, ધર્મ છે. આપણે બંધો બાંધીને પાણીને રોકી શકીએ. બંધથી નદીનો પ્રવાહ અટકે એટલે તે સરોવર બની જાય. ઘણી નદીનું મૂળ સરોવર છે તો અનેક નદીઓનો અંતિમ પડાવ પણ સરોવર છે. ભાષાની પ્રકૃતિ પણ નદ જેવી છે. શબ્દોની આવન-જાવનમાં ઝડપ છે. ક્યારે નવો શબ્દ ઉપયોગમાં આવી જાય અને જૂનો શબ્દ વિસરી જવાય -લુપ્ત થઈ જાય તેની આગાહી કરવી અશક્ય છે. હું ભાષાવિદ્‌ નથી પણ ૭૬ વર્ષ પહેલાંના દરિયાકાંઠાના ગામ રાજુલા - સમુદ્રથી ૭-૮ કિ.મી દૂર અને મોસાળ જાફરાબાદમાં બાળપણમાં બે વર્ષનો અભ્યાસ - ત્યારની ભાષા અને શબ્દભંડોળ અને આજની સ્થિતિની સરખામણી કરું ત્યારે મનમાં આ વિરોધાભાસનું ધમાસણ મચી જાય. ક્યાં ગઈ તે જમાનાની વસ્તુઓ, ક્યાં ગયા તે શબ્દો ? કેમ ગુજરાતીની જગ્યાએ આટલા બધા શબ્દો અંગ્રેજીના સાવ સાહજિક રીતે બોલીએ છીએ ? ક્યાં શું ખોવાયેલા શબ્દો કદી ફરી પ્રચલિત બનશે ? સંભવ છે કે આ વસ્તુઓ અને તેની ઓળખના શબ્દો તો હવે કોઈ સંગ્રહસ્થાનમાં જ મળશે.

કવિ દલપતરામે પોતાની કવિતામાં એક સંગીતજ્ઞ કંજૂસ શેઠ પાસે મદદ માંગે છે. પોતાના સંગીતના સાધનોના વાદનથી તેને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. લોભી શેઠ એમ થોડા ઉદાર થાય ? તે સંગીતકારને કહે છે; ‘‘પોલુ છે તે વાગ્યુ તેમાં કરી તે શી કામગીરી, સાંબેલુ વગાડે તો હું જાણું કે તું શાણો છે.’’ આ પંક્તિ સાંભળીને વાદક તો નિરાશ થયો હશે પણ આપના આજના વિદ્યાર્થીઓ તો આ પોલુ અને સાંબેલું શબ્દ સાંભળતા ગુંચવાઈ જાય છે. ગાંધીજીના નિર્ભેળ સત્યના આગ્રહને બિરદાવતા કવિ કાગ કહે છે; ‘‘પોલું જૂએ તો પાડી નાખે’’ - છાપાંઓ જાહેરતંત્રની ટીકા કરતાં લખે છે; ‘‘રસ્તામાં પહેલાં વરસાદે ખાડાઓ, મોન્સૂન પ્લાનમાં પોલંપોલ કે લોલંલોલ !’’ આજ આપણી મેંાકાણ (ભારે મુસીબત) છે. કોર્પોરેશન (મહાનગરપાલિકા) મોન્સૂન (વરસાદી) પ્લાન (યોજના) બનાવે છે. કૌંસમાં લખેલા ગુજરાતી શબ્દો વાપરીએ તો રજૂઆત નબળી પડે તેવી ઋણ માનસિકતાથી આપણે પીડાઈ રહ્યા છીએ અને આ અલકમલકનું સાંબેલુ - અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને રીતસર વાગે છે. દલપતરામની પંક્તિ વાંચીને તેને વિચાર આવતો હશે કે સાંબેલું નક્કી કોઈ સંગીતનું સાધન હશે. ખાંડણીયા વગર સાંબેલું શું કામનું ? દરેક ઘરની ઓસરીમાં પત્થરનો અથવા લાકડાંનો મોટો ખાંડણીયો - અનાજ કૂટવા-ખાંડવા માટે હોય. ઘરે ન હોય તો પાડોશીનો ખાંડણીયો પ્રેમથી વપરાય. હવે તો ખાંડણીયો ય નથી અને સાંબેલું પણ અદૃશ્ય થયું છે. ટૅકનોલોજીએ સૌથી વિશેષ આપણું ઘર, તેમાં રહેતા સાધનો અને અનેક વસ્તુઓ સાવ બદલી નાંખી છે. હમણાં મારે ‘‘કિચન એન્ડ રેફ્રીજરેશન ઈકવીપમેન્ટ મેન્યુફ્રેકચર એસોસીએશન આફ ગુજરાત’’ના તૃત્તિય વાર્ષિક અધિવેશનમાં જવાનું થયું. આ નામ શુદ્ધ અંગ્રેજીમાં રાખ્યું છે અને તેનો ગુજરાતી તરજુમો તમે જાતે કરી જોજો. ભદ્રંભદ્ર યાદ આવે તો ગંભીર થઈને વિચારજો - પ્રશ્ન પૂછજો કે કેમ આ અંગ્રેજી શબ્દોની પેશકદમી આપણી માતૃભાષામાં રસોડું - રસોઈઘર રસને લાડ લડાવવાની જગ્યાને આવું રસિક નામ આપ્યું. કિચન તો લેટીન ભાષાના કવીકોન - રાંધવા પરથી વપરાશમાં આવેલો શબ્દ છે. આજે તેનો અર્થ ઘરના જે ભાગમાં રાંધવામાં આવે છે તેવો છે. ઘરમાં અંગ્રેજીમાં બાથરૂમ (નવાણીયું) ડ્રોઈંગરૂમ (દિવાનખાનું) બેડરૂમ (શયનગૃહ) જેવા શબ્દો છે પણ કિચનને કુકીંગરૂમ (રાંધવાનો ઓરડો) કહેતા નથી કારણ કે આ જગ્યાની ઓળખ સવિશેષ છે. અમેરિકાના લીલીયન નામના બહેનને ૧૨ પૂત્રો હતા. સાતપુત્રવતી ભવનો આશીર્વાદ હશે તેમાં પણ જંગી વધારો, આ મહિલાએ મૅનેજમેન્ટ ગુરુની અદાથી કિચનમાં સમય બચાવવા - થાક ઓછો કરવા શું શું ગોઠવણ કરવી, કઈ રીતે કામ નિપટાવવું તેની યાદી કરી. આમાંથી પાણીની વ્યવસ્થા, મોડ્યુલર કિચન ફર્નિચર પ્રેશર કૂકર, ગૅસ-ઈલેકટ્ર્‌ીક સ્ટવ (હા આપણી સગડી) સીંક (વાસણ સાફ કરવા) સહિત ઘણી જોગવાઈ કરી. નીચેના ચુલાની જગ્યાએ પ્લેટફોર્મ આવ્યું. ગામડાંઓમાં ઊભા ઊભા રસોઈ કરવાનો ખ્યાલ હાસ્યાસ્પદ જણાતો હતો. લાકડા બાળતો ચૂલો, છોલ-ભૂસાની કે કોલસાની સગડી-મોટા હોય તો સગડાનો વપરાશ સામાન્ય હતો. હા, સૌથી પ્રથમ અંગ્રેજી શબ્દની એન્ટ્ર્‌ી પ્રાયમસ શબ્દે ઘૂસ મારી ત્યારથી થઈ. આજે તો રસોડું - કિચન જાતજાતના અને ભાતભાતના અંગ્રેજી શબ્દોથી ભરપૂર છે. ઓવન, મિક્સર, રેફ્રીજરેટર, હેન્ડ બ્લેન્ડર,  પ્રેશર કૂકર, ટેંસ્ટર, જ્યુદર, ફ્રાઈંગ પાન, નોન-સ્ટીક, ડીશવોશર વગેરેથી શોભાયમાન બને છે. જો કે હવે ચપ્પુ, ચમચી, થાળી, વાટકા, તપેલી, સાણસી, ચિપીયો, વેલણ, ખરલ-દસ્તો (આ એમેઝોન પણ ઓનલાઈન દેશ-પરદેશમાં વેચે છે) વઘારીયું વગેરેમાં ગુજરાતી સચવાયું છે. પ્યાલાની જગ્યા કપ-ગ્લાસે પડાવી લીધી છે. ખાનું હવે ડ્ર્‌ોઅર બની ગયું છે. પ્રેશરકૂકરમાં વ્હીસલ અને સિટી બંને વાગે છે. કાંટો અને ફોર્ક બંને શબ્દોનું સહઅસ્તિત્વ નભે છે. તાંબા, પિત્તળ, કાંસાના વાસણો માત્ર શોભા વધારે છે. અમુક જણા સ્ટેઈનલેસ સ્ટીલની (કાટ પ્રતિરોધક પોલાદ) જગ્યાએ આવા ધાતુના વાસણો વાપરે છે. પતરાળાનું સ્થાન હવે પ્લાસ્ટિક, થરમોકોલના ડિસ્પોજીબલે લીધું છે. ઘણી વસ્તુઓ વાપરો અને ફેંકોના ધોરણે ઉપયોગમાં લેવાય છે તેથી આરોગ્ય અને પર્યાવરણને હાનિ થાય છે. કિચન-રસોડું લોકડાઉનમાં તો ખૂબ કામમાં આવ્યું. સૌએ સાથે રાંધણ કળા શીખવાનો આનંદ માણ્યો. રસોઈ શો (ગુજરાતી-અંગ્રેજીનું મિશ્રણ-સેળભેળ) તો ગુજરાતી ગૃહિણીઓ માટે સૌથી એકાગ્રતાથી જોવાય છે. તે જોતાં જોતાં મોંમાં પાણી આવે તો સ્વીગી-ઝોમેટોના નંબર તો મોબાઈલમાં સેવ કર્યા જ હોય છે.

ગુજરાતની ગૃહિણીઓ રસોડાને પોતાની આગવી માલિકીની જગ્યા ગણે છે. તેની સ્વચ્છતા, સુઘડતા, વ્યવસ્થા અને જાળવણીની કાળજી કરવામાં ગૃહલક્ષ્મી કોઈ કચાશ રાખતી નથી. અમુક મહિલા માટે તો રસોડું શિરદર્દનો પર્યાય હોય છે. ગૅસેથી દાઝી જવાય, ચપ્પુથી વાગી જાય, કાંઈક ઢોળાય તો કશુકં ઉભરાય જાય. મીઠું વધારે પડી જાય કે ધાણાજીરું ઓછું લાગે. આ રસની સૃષ્ટિ પણ અનેરી છે. જીવનમાં આહારનું મહત્ત્વ શ્વાસ અને પાણી પછી મૂકી શકાય. કાચું માંસ ખાતો આદિ માનવ અને પંચતારક હૉટલનું ૨૦૦ વાનગીઓનું બૂફે - માનવજાતની પ્રગતિની પારાશીશી છે. જો કે શિક્ષણમાં જીવનોપયોગી બાબતો શીખવવા સામે સૂગ છે. સ્વચ્છતા હોય, સલામતિ હોય, આરોગ્ય હોય, સંભાષણ કળા હોય કે ભોજન બનાવવાનું - આ તમામ આવશ્યક  અને ઉપયોગી બાબતો શિક્ષણના દાયરામાં સમાવવામાં આવતી નથી. જો કે અમદાવાદની એક શાળાએ વિદ્યાર્થીઓને દર અઠવાડિયે એક વાનગી રાંધતા શીખવવાનો વર્ગ રાખ્યો હતો. આ જ કારણસર ઘણાં માબાપ પોતાના સંતાનને તેમાં દાખલ કરતાં સંકોચ અનુભવતા હતાં. શયનકક્ષ આરામનું, દિવાનખંડ સામાજિક સ્નેહનું, બાથરૂમ સ્વચ્છતાનું પ્રતિક છે તો રસોડું તો ભોજનના ષટ્‌રસનું પ્રતિનિધિત્વ કરે છે. મધુર, તીક્ષ્ણ, (તીખું) ખાટું, ખારું, તુરું અને કડવું એ છ રસોની ખીલવવાનું નામ રસોઈ છે. કઈ વાનગીમાં આ છ એ છ રસોનું અદ્‌ભૂત સંયોજન છે તો તેનો જવાબ છે ગુજરાતી કઢી. ગોળ (ગળ્યું), મરચું (તીખું), દહીં (ખાટું), મીઠું (ખારું), ધાણાજીરું (તુરું) અને મેથી (કડવી). પાચક, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ કઢી તમામ સુપ કે સાંભારનો વિકલ્પ બની શકે. જર્મનીમાં રસ્તાની એક રેસ્ટોરન્ટે જ્યારે ૧૯૯૦માં મારા જેવા ચુસ્ત શાકાહારી માટે ખાસ વાનગી બનાવી તે આપણી કઢી જેવી હતી. મેં તેને રસોડામાં જઈ એને કઢીની મહત્તા અને પ્રક્રીયા સમજાવ્યા એટલે તે પરિવાર ખુશ ખુશ થઈ ગયો હતો.

‘સારી ભૂખ સારા સ્વાસ્થ્યની નિશાની છે, સારી ઊંઘ શાંત મનનો સંકેત છે.’ મહાત્માજીના આશ્રમના અગિયાર વ્રતોમાં આસ્વાદ ઘણાંને માફક ન આવતો હતો. ગુજરાતીઓનો ખાવાનો શોખ - ખવડાવવાનો પણ ખરોે -  હવે આંતરરાષ્ટ્ર્‌ીય ફલેકે વિસ્તર્યો છે. લંડનના ભાઈ રમેશ પટેલે ‘મંદિર’ રેસ્ટોરેન્ટ (વીશી) થકી લાખ ફિરંગીઓને - વિલાયતીઓને શાકાહારી બનાવ્યા તે ગુજરાતી પાકશાસ્ત્રની સિદ્ધિ છે. ગુજરાતી ભાષાનું ભવિષ્ય ગુજરાતી વાનગીઓમાં સમાયેલું છે. આપણે ચીની મન્ચુરીયન કે ઈટલીના પિત્ઝા-પાસ્તાનું ગુજરાતીકરણ કરી જાણીએ છીએ પણ તેની સાથેના વિદેશી શબ્દોનું ગુજરાતીકરણ થાય તો કેવું સારું ? 

Comments

Popular posts from this blog