ગુજરાતના સામાયિકોનું ભવિષ્ય
પ્રવીણ ક. લહેરી
પરિવર્તન અનિવાર્ય છે. સૃષ્ટિના ચક્રનું સતત ફરતાં રહેવું અને ઉથલપાથલ થવી અને તેના થકી જૂનાનું વિસર્જન અને નવાનું સર્જન એ અવિરત ચાલતી પ્રક્રિયા છે. એક કવિના કાવ્યમાં પરિવર્તનનો અનોખો મહિમા રજૂ થયો છે. ‘‘પરિવર્તનના ચક્ર પર માનવે ફરવું પડે.’’ બીજા શાયરે પરિવર્તન અંગે લખ્યું છે;
‘‘ઈચ્છા પૂર્તિ માટે પરિવર્તન કરવું પડે છે,
પાણીને પણ તરવા માટે બરફ બનવું પડે છે.’’
આજે પરિવર્તનની ઝડપ ખૂબ વધી છે. ટૅકનોલોજીએ આપણી જીવનશૈલી ધરમૂળથી બદલી નાંખી છે ત ઘટનાને ૨૫૦-૩૦૦ વર્ષ જ થયા છે. આપણી વચ્ચેની માહિતીની આપ-લે, જ્ઞાનયુક્ત માહિતીનું દસ્તાવેજીકરણ, પુસ્તકો, સામાયિકોનું છાપકામ આ ક્ષેત્રે આજે એક મોટો વળાંક આવીને આપણી સામે ઊભો છે. આ છે છાપેલી માહિતી સામે ડિઝીટલ માહિતી જે આપણે મોબાઈલ, લેપટોપ, કમ્પ્યૂટર વાંચી શકીએ છીએ અને સાથે સાથે સચિત્ર રીતે જોઈ પણ શકીએ છીએ. ઈન્ટરનેટ ઉપરના વિવિધ પ્લેટફોર્મ, એપ્લીકેશન અને સાધનોને કારણે આપણી સંવાદશક્તિમાં અકલ્પનીય લાગે તેવી વૃદ્ધિ થઈ છે. આ પ્રક્રિયા હજી ચાલુ જ છે અને ખૂબ ઝડપથી આગળ વધી રહી છે.
૧૮૫૪માં ગુજરાતી ભાષાનું પહેલું સામાયિક ‘બુદ્ધિપ્રકાશ’ પ્રગટ થયું તે આજે ૧૫૭ વર્ષો બાદ પણ ચાલુ રહ્યું છે. આ ગુજરાતના સૌથી જૂના મેગેઝીનના તમામ જૂના અંકોનું ડીઝીટલ વર્ઝન પણ ઉપલબ્ધ છે. હાજી અલારખા દ્વારા ‘વીસમી સદી’ની શરુઆતે તે સાથે પ્રકાશિત થયેલા સામાયિકે આગવી છાપ ઊભી કરી હતી. તે બંધ પડ્યું પણ શ્રી રજનીકુમાર પંડ્યા અને સાથીઓએ આશાપુરા કંપનીના શ્રી નવનીતલાલ શાહના આર્થિક સહયોગથી તેના જૂના અંકોનું ડીઝીટલ વર્ઝન ઈન્ટરનેટ પર મૂક્યું છે. કલકત્તાથી શરુ કરેલ ‘નવચેતન’માં તંત્રી હતા શ્રી ચાંપશીભાઈ ઉદ્દેશી. તેના ચલચિત્રના અવલોકનો વાંચવા માટે નવચેતનની માંગ એટલી રહેતી હતી કે જાહેર પુસ્તકાલયોમાં તેની માટે ખાસ પ્રતીક્ષા યાદી રહેતી હતી. અમુક વૃશ્રિક રાશીવાળાઓનું નામ નવચેતન પાડવામાં આવતું હતું. શાળાઓ માટે પણ નવચેતન શબ્દનું આકર્ષણ હતું. આ સામાયિકે ૧૦૦ વર્ષ પૂરા કર્યાં છે. શ્રી ચાંપશીભાઈના માનસપુત્ર સમાન શ્રી મુકુંદભાઈ શાહ અને તેમના પરિવારે આર્થિક નુકશાન વેઠીને પણ નવચેતને ૧૦૦ મા વર્ષે પ્રકાશિત કરવાનું ચાલુ રાખ્યું છે. ગુજરાતનું લબ્ધપ્રતિષ્ઠ અખબાર ‘કુમાર’ તેની આગવી ગુણવત્તા જાળવી રહ્યું છે પણ તેનો ફેલાવો અતિ મર્યાદિત થતાં તેના માટે પણ આર્થિક સંકડામણ ભોગવવાનો સમય આવ્યો છે. સસ્તા સાહિત્યના સ્થાપક શ્રી ભીક્ષુ અખંડાનંદજી દ્વારા શરુ થયેલ ‘અખંડ આનંદ’ અખંડ છે. જો કે મજૂરો સાથેના વિવાદમાં ૮ મહિના બંધ રહેતા તેના સંચાલનમાં પણ આર્થિક મુશ્કેલી સામે આવી રહી છે. અનેક સારા સામાયિકો બંધ થયા છે તેમાં જાણીતા કવિ ઉમાંકર જોશીનું ‘સંસ્કૃતિ’ પણ સામેલ છે. અંગ્રેજી ભાષામાં ટાઈમ્સ ઑફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત ‘ઈલસ્ટ્ર્ેટેડ વિકલી ઑફ ઈન્ડીયા’ હિન્દીમાં પ્રકાશિત થતું ‘ધર્મયુગ’ બંધ પડ્યા ત્યારે સોંઘવારીનો જમાનો હતો પરંતુ તેને બચાવી ન શક્યા તે હકીકત છે. બંગાળીમાં વર્ષોથી સારા સામાયિકોનું લવાજમ ભરીને મંગાવવા અને વાંચવા અંગે સજાગતા છે. આના કારણે બંગાળી કવિઓ-લેખકોને ખૂબ મોટો અવકાશ મળે છે.
ગુજરાતમાં કોરોના પહેલાં લગભગ ૩૫૦ જેટલાં માસિકો, પખવાડિકો અને સાપ્તાહિકો પ્રસિદ્ધ થતાં હતાં. કોરોનાને કારણે અનેક સામાયિકો છાપેલા અંકો પ્રકાશિત ન કરી શક્યા. અમુક સામાયિકોએ સમય ઓળખીને ઈ-કોપી પ્રકાશિત કરી છે. જે છાપેલા અંકોની સાથે જ પ્રકાશિત કરવાનું રાખ્યું છે. ગુજરાતમાં મેગેઝીનોની લગભગ ૨૮ લાખ નકલો ગ્રાહકોને પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. ગુજરાતની સાડા છ કરોડની વસ્તી પ્રમાણે અંદાજે ૧.૬૫ કરોડ કુટુંબો છે. ગુજરાતના ૧૦ ટકાથી ઓછા પરિવારો સામાયિકો મંગાવે છે. ‘જનકલ્યાણ’ દર માસે ૧,૨૫,૦૦૦ થી વધારે નકલો સાથે સૌથી આગળ છે. ‘સાધના’ સાપ્તાહિકની પણ ૭૦,૦૦૦ આસપાસ નકલો દર અઠવાડિયે વિતરીત થાય છે. આ બંને મેગેઝીનના આજીવન ગ્રાહકોની સંખ્યા પણ નોંધપાત્ર છે.
મેગેઝીનોમાં વિવિધ વિષયો, વાર્તા, કવિતા, નિબંધો સાથે ડાયજેસ્ટ પ્રકારની સામગ્રી પીરસવામાં આવી રહી છે. અમુક મેેગેઝીનો માત્ર ભાષા અને સાહિત્યને આવરે છે. મહિલા માટેના, બાળકો માટેના મેગેઝીનો એક સમયે ખૂબ લોકપ્રિય હતા જેમાં ‘રમકડું’, ‘ઝગમગ’, ‘ચાંદામામા’નો ઉલ્લેખ કરી શકાય. ધાર્મિક સામાયિકો મુખ્યત્વે સાંપ્રદાયિક ધોરણે ચાલી રહ્યા છે. અમુક મેગેઝીનો ધર્મ, અધ્યાત્મ, યોગ, તત્ત્વજ્ઞાન વગેરે અંગેનો આપણો પ્રાચીન વારસો ઉજાગર કરે છે. જ્ઞાતિ આધારિત સામાન્ય રીતે જાહેરાતોના ટેકા સાથે સંખ્યાની દૃષ્ટિએ સતત વધી રહ્યા છે. કૃષિ, પશુપાલન અને ગ્રામીણ વિકાસ અંગે ઉપયોગી માહિતી આપતા સામાયિકોનો અભાવ છે. ખેતી-પશુપાલન ક્ષેત્રમાં ખરીદાતી વસ્તુઓની અને ખેત અને ડેરી ઉત્પાદનનું બજાર ખૂબ વિશાળ છે તેના પ્રમાણમાં તે ક્ષેત્રમાં સારા સામાયિકોનો અભાવ છે. ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાત’ પાક્ષિક પ્રસિદ્ધ થાય છે જેમાં સરકારી કાર્યક્રમોના દસ્તાવેજીકરણ સિવાય અલ્પ ઉપયોગી માહિતી મળે છે. જો કે અનેક ક્ષેત્રને આવરી લેતો ગુજરાતનો દળદાર દિવાળી અંક હંમેશાં સાચવી રાખવા જેવો મૂલ્યવાન હોય છે. ભારત સરકારનું સામાયિક ‘યોજના’નું ગુજરાતીપણું અદૃશ્ય થઈ ગયું છે પણ રાષ્ટ્ર્ીય મુદ્દાઓ અંગે ખાસ કરીને તેમના વિશેષાંકો અભ્યાસ અને સંશોધનના માધ્યમથી ખૂબ ઉપયોગી માહિતી આપે છે. અનેક શૈક્ષણિક સંસ્થાઓના મુખપત્રો ઉત્કૃષ્ટથી સાવ સામાન્ય કક્ષામાં પ્રકાશિત થતાં રહે છે. અગાઉ નવલકથા, હાસ્યરસ અને કવિતા અંગે પ્રકાશિત થતાં સામાયિકો ખૂબ લોકપ્રિય હતા પણ હવે તે ક્ષેત્ર સુષુપ્ત અવસ્થામાં છે.
લગભગ ૭૦મા વર્ષમાં પહોંચવા આવેલું ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ગુજરાતીઓમાં ઘરઘર વંચાતું હતું. વજુ કોટકના લેખો, હરકીશન મહેતાની ધારાવાહિક નવલકથાઓ, નગીનદાસ સંઘવીના રાજકીય વિશ્લેષણવાળા લેખો, ઈશિતાનું છેલ્લું પાનું, મહેન્દ્ર દેસાઈની વલોપાત જેવી ધારાવાહિક જેમાં માફિયા પ્રવૃત્તિનું તલસ્પર્શી વિવરણ હતું તે સઘળા કારણે તેની અમાપ લોકપ્રિયતા હતી.
આજે ગુજરાતી સામાયિકોના અસ્તિત્વ સામે ખતરો પેદા થયો છે. આમાંથી બચવા માટે અનેક પગલાંઓ લેવા જરૂરી છે.
૧. સમાન હેતુ અને એક જ વિષયમાં સામગ્રી રજૂ કરતાં સામાયિકોએ એકબીજામાં વિલીન થઈ પોતાનો ગ્રાહક અને વાચકવર્ગ વધારવો જરૂરી છે.
૨. ગુજરાતના ઔદ્યોગિક ગૃહોએ જાહેરાત દ્વારા મેગેઝીનોને ટેકો આપવો જરૂરી છે. દરેક ઉદ્યોગગૃહ મહિને પસંદગીના પાંચ-પાંચ મેગેઝીનોને જાહેરાત આપે તો કોઈપણ મેગેઝીનને આર્થિક ભીડ ન ભોગવવી પડે. જાહેરાત વિના સામાયિક ચલાવવું તે સૌથી કપરું કાર્ય છે.
૩. ગુજરાતનો દરેક સંપન્ન અને શિક્ષિત પરિવાર પોતાની રૂચિ પ્રમાણે ચાર-પાંચ મેેગેઝીનોનું લવાજમ અવશ્ય ભરે. જેની કુલ રકમ રૂા.૧૫૦૦ થી ૨૦૦૦ વાર્ષિક થાય તે વધારે પડતી નથી. જે માતૃભાષા પ્રેમી છે તેમણે મેગેઝીનોના ગ્રાહકો વધારવા અભિયાન હાથ ધરવું આવશ્યક છે.
૪. સોશ્યલ મિડીયા અને તેના વ્યસનમાંથી ઉગતી પેઢીને મુક્ત કરવી હોય તો રસપ્રદ વાંચનની વ્યવસ્થા કરવી જરૂરી છે. સુવાંચનથી જ વ્યક્તિત્વનો વિકાસ, સંસ્કારોનું સિંચન થશે. ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે ભાવિ પેઢીમાં વાંચનની ટેવ કેળવવી જરૂરી છે. ગુજરાતી ભાષાના અનેક સામાયિકો જ્ઞાનસભર છે. આ જ્ઞાનગંગામાં પ્રવેશ્યા વિના વિચાર-વાણી-વર્તનમાં શુદ્ધતા નહીં આવે. ચાલો, આજથી જ આપણે સૌ ઓછામાં ઓછા દરરોજ ૧ કલાક વાંચન માટે સંકલ્પ કરીએ. સ્વાધ્યાય-અભ્યાસથી આપણી જાતનો વિકાસ કરીને આપણે નૂતન સમાજના ઘડતરમાં સમર્પિત થઈએ.
Comments
Post a Comment