આપણી ઓળખ

                                                                               પ્રવીણ ક. લહેરી

કોઈ એક સવારે અરીસા સામે ઉભા રહીને આ૫ણા પ્રતિબિંબના દર્શન સાથે જાતને પ્રશ્ન પૂછીએ કે, ‘‘હું કોણ ?’’ આ ટૂંકા સવાલનો જવાબ ઘણો દીર્ઘ અને જટીલ છે. આધ્યાત્મિક ચિંતનના બે છેડાની માન્યતા છે. ‘‘હું કશું જ નથી, શૂન્યવત્‌ છું.’’ ‘‘આ અમાપ બ્રહ્માંડમાં પૃથ્વી જ જ્યાં રજકણથી પણ અલ્પ છે ત્યાં વ્યક્તિનું શું મહત્ત્વ ?’’ આપણે આ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ નહીં પણ વ્યવહારિક રીતે આપણી પહેચાન કરવી જરૂરી છે. આપણા મનમાં આપણા અંગે જે ધારણાઓ, માન્યતાઓ અને સંચિત પૂર્વગ્રહો હોય છે તે આપણા વિચાર-વાણી અને વર્તનને પ્રભાવિત કરે છે. પશ્ચિમમાં સ્વતંત્રતા, સમાનતા અને વ્યક્તિવાદના કારણે તેમજ માનવતાની રીતે દરેક માણસને સીધી સાદી ઓળખ ‘‘તે માણસ છે’’ તેમ માનીને અન્ય વ્યવસ્થાઓ ગોઠવવાનો અભિગમ છે. આપણા દેશમાં આ સ્થિતિ સાવ જ વિપરીત છે. આપણું બંધારણ ભલે સ્વતંત્રતા, સમાનતા, ન્યાય અને બંધુત્વના ચાર પાયા પર રચાયું હોય પણ વાસ્તવિકતા તો સાવ અલગ છે. આપણા મનના ઊંડાણમાં ‘‘કર્મનો સિદ્ધાંત’’, ‘‘હરિ કરે સો હોઈ’’ જેવી પ્રારબ્ધવાદી માન્યતાઓ ખૂબ મજબૂત રીતે ગોઠવાયેલી છે. આપણે તો માનીએ છીએ; ‘‘જે ગમે જગત્‌ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે અંતરે એક ઉદ્વેગ ધરવો.’’ ‘‘મારી આજની સ્થિતિ છે તે મારા કર્મોનું ફળ છે’’ તેમ મોટાભાગના ભારતીયો માને છે. આના કારણે જે જન્મથી આપમેળે નક્કી થતી જ્ઞાતિનું લેબલ ફેવિકોલ કરતાં પણ મજબૂત રીતે આપણી સમગ્ર વ્યવસ્થા સાથ ચીપકેલું છે.

આપણા દેશની જ્ઞાતિપ્રથા અજોડ છે તેટલી જ વિચિત્ર છે. આપણી ઓળખની અનેક નિશાનીઓ છે. નામ, પિતાનું નામ, અટક, વતન, અભ્યાસ, કારકિર્દી, હોદ્દો ઈત્યાદી ધોરણે કોઈપણને ઓળખવામાં આવે છે. ઉદાહરણ રૂપે કોઈ બેંકર તો, કોઈ પ્રમુખ, કોઈ ક્રિકેટર તો કોઈ એકટર, કોઈ રાજકારણી તો કોઈ અધિકારી. કોઈ ગુજરાતી તો કોઈ તામિલીયન. આ પ્રકારની ઓળખ - ચોક્કસ માપદંડના આધારે વર્ગીકરણની પદ્ધતિ હોય તો સમજી શકાય તેમ છે. વ્યક્તિની ઓળખ જ્ઞાતિ પ્રમાણે હોય, તેનો સ્વભાવ અને શક્તિ પણ જ્ઞાતિ મુજબ જ હોય. તેનું સામાજિક સ્થાન પણ કઈ જ્ઞાતિમાં જન્મ થયો છે તે નક્કી કરી જીવનના દરેક પગલે શું ભણવું ? કોણે પરણવું ? શું વ્યવસાય કરવો ? શું પહેરવું ? કઈ રીતે વર્તવું તે અંગેની આચારસંહિતા અગાઉ તો એટલી કડક હતી કે વ્યક્તિ માટે તે સ્વીકાર્યા સિવાય કોઈ વિકલ્પ ન હતો. બૅરિસ્ટરનું ભણવા જનાર ગાંધીને તેમની જ્ઞાતિએ નાત બહાર મૂકેલા અને તેના પરિવાર પાસે પ્રાયશ્ચિત પણ કરાવેલું. ગાંધીજી ૧૯૧૫માં ભારત પરત આવ્યા ત્યારે તેમની આફ્રિકાની હિંદીઓના હિતરક્ષકની કામગીરી બિરદાવવા માટે અનેક માન-સન્માન આપવામાં આવ્યા તેમાં તેમની જ્ઞાતિ અગ્રસ્થાને હતી. ત્યારે ૨૫ વર્ષમાં અમુક જ્ઞાતિની વ્યક્તિએ દરિયાપારના દેશમાં ન જવાનો પ્રતિબંધ હળવો થયો હતો. આજે તો અમેરિકામાં મોટેલ-પોટેલની બોલબાલા છે. ૧૯૬૦-૭૦ના સમયગયાળામાં વિદેશ સંચરતા વિદ્યાર્થીઓના માનમાં પરિવાર કે જ્ઞાતિ ધોરણે યોજાતા સન્માન સમારંભોમાં વારંવાર હાજરી આપવાનું થતું. આજે પણ વ્યક્તિ પોતાની જહેમતથી રમતગમત, અભ્યાસ, રાજકારણ, ઉદ્યોગ, કારકિર્દી વગેરેમાં સફળતા મેળવે તો આપણને તે અંગે વર્તમાનપત્રમાં જે જાહેરાત જોવા મળે તેનું શિર્ષક હોય ફલાણી ફલાણી જ્ઞાતિનું ગૌરવ ! વ્યક્તિ કરતાં જ્ઞાતિનું મહત્ત્વ વધારે છે તેવું આપણી યુવાપેઢી માની લે છે કે તેવું તેને ઠસાવી દેવામાં આવ્યું છે. આગામી ૪૦-૫૦ વર્ષ સુધી તો જ્ઞાતિ આધારિત સામાજિક વ્યવસ્થા જડબેસલાક રહેશે. સામાન્ય રીતે આપણને કોઈનો પરિચય થાય ત્યારે અટક પરથી જ્ઞાતિનો અંદાજ બાંધી લેવાની આદત સામાન્ય છે. આમાં સ્હેજ પણ શંકા લાગે તો સીધું પૂછી લેવાનું ‘‘તમે કેવા ?’’ જવાબ આપવાનું મન તો થાય; ‘‘તમે જુઓ છો તેવા.’’ આવું કહેવું ઉચિત ગણાય કે નહીં તે હું જાણતો નથી. શ્રી રામમનોહર લોહિયાએ ‘‘જ્ઞાતિ તોડો, અટક છોડો’’ની ઝૂંબેશ ચલાવી હતી. તે મહ્‌દઅંશે નિષ્ફળ ગઈ. વિધીની વક્રતા તો એ છે કે તેમણે ઉછેરલો સમાજવાદી પક્ષ આજે જ્ઞાતિવાદનો ગઢ બન્યો છે. સાબરમતી આશ્રમમાં રહેતા  ખાદી બોર્ડના એક કર્મચારી ‘‘સુમન ભારતી’’ મારા પરિચિત. તેમણે મને કહેલું કે ‘ભારતી’ અટક દ્વારા તેઓ જ્ઞાતિવિહિન સમાજમાં વ્યક્તિની અટક જાતે નક્કી કરી જ્ઞાતિપ્રથાનો લોપ થાય તે માટે પ્રયત્નશીલ છે. કોરોના જેમ જ્ઞાતિની પક્કડ ખૂબ મજબૂત છે. કોરોનાની રસી શોધાઈ છે પણ જ્ઞાતિ માટે કોઈ વેકસીન નથી. આઝાદી સમયે અનુસૂચિત જાતિ-જનજાતિ માટે પૂના કરાર પ્રમાણેની જોગવાઈ બંધારણમાં સામેલ થઈ ત્યારે તે અંગે સંવેદના હતી, સમજણ હતી અને તેના દ્વારા દેશની એક ભયંકર અન્યાયી સમસ્યાનું યોગ્ય નિરાકરણ થશે એવી આશા હતી. ૧૯૮૦-૯૦ના દસકાઓમાં સામાજિક-શૈક્ષણિક રીતે પછાતવર્ગો અનામત આપતી સમયે પણ જ્ઞાતિ આધારિત જોગવાઈ થઈ એટલે અનામતના મુદ્દે બે પ્રવાહો ઉદ્‌ભવ્યા. ‘‘અમને પણ અનામતનો લાભ આપો’’ ‘‘અનામતને સમૂળગી નાબૂદ કરો’’ આ વિચારધારાઓના સંઘર્ષના કારણે ઉગ્ર આંદોલનો થયા, આર્થિક રીતે નબળા વર્ગોને ૧૦ ટકા અનામત આપી હાલ તો સ્થિતિ નભી રહી છે. આમ છતાં અનામતના મુદ્દે વારંવાર માંગણીઓ, આંદોલન થશે તેવી દહેશત અસ્થાને નથી. કારકિર્દી દરમિયાન અનામતની હકારાત્મક અસરોના અનેક કિસ્સાઓ મેં જોયા છે. સમાજ પરિવર્તનના માધ્યમ તરીકે તે અસરકારક નીવડે તેવી સંભાવના હતી. આજે ત્રણ પેઢીઓ બદલાય છે ત્યારે ચિત્ર ધૂંધળું બન્યું છે. ૧૯૮૨-૮૩ મા હું શિક્ષણ વિભાગમાં સંયુક્ત સચિવ હતો ત્યારે એન્જિનીયરીંગ, મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે હાઈકોર્ટમાં અનેક રીટ થતી હતી. પ્રવેશ સમિતિ અને શિક્ષણ વિભાગ જુલાઈ-ઑગસ્ટમાં આ કેસોની સુનાવણી રોકાયેલા રહેતા હતાં. ગુજરાતના એક ઉચ્ચ અધિકારીની પુત્રીને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સારા માર્ક આવ્યા તેની પસંદગીના વિષયમાં એન્જિનીયરીંગ કૉલેજમાં પ્રવેશમાં મળી શકે તે નહીં તે શક્યતાની તપાસ કરવા તે દીકરી મને મળી. મેં અગાઉના કટ ઓફ લેવલ જોઈને કહ્યું કે તેને અનામતનો લાભ મળે છે એટલે પસંદગી મુજબ વિષય-કૉલેજમાં ઍડમિશન મળશે. તેણીએ મને કહ્યું; ‘‘સર, મને મારા માતા-પિતાએ ખૂબ સારું શિક્ષણ આપ્યું છે. મારે કોઈ રીતે મજબૂરી કે અન્યાય સહન કરવો પડ્યો હોય તેવું હું માનતી નથી. મને સામાન્ય ઉમેદવારની કક્ષામાં જે પ્રવેશ મળે તે જ લેવો છે.’’ જનરલ કેટેગરીમાં તેણીનીપસંદગીના વિષયમાં પ્રવેશ મળ્યો પણ ખરો. ત્યારબાદ તેણીએ યુ.પી.એસ.સી.ની સ્પર્ધાત્મક પરીક્ષા આપી. ત્યારે પણ અનામતનો લાભ ન લેતાં તેને આઈએએસને બદલે કેન્દ્રીય સેવામાં નિમણૂક મળી તે તેણીએ આનંદથી સ્વીકારી. મેં ત્યારે પણ તેને વાત કરી ‘‘શા માટે તું આવી તક જતી કરે છે ?’’ તેનો જવાબ હતો; ‘‘હું અનામતો લાભ લઉં તો જેમના ઉત્થાન માટે આ જોગવાઈ છે તે હેતુ બર ન આવે.’’ મેં મનોમન આ યુવતિની સંવેદના અને સમજણને વંદન કર્યાં. ૨૦૧૫ના અનામત આંદોલન પ્રસંગે એક જાહેર મંચ પરથી નિવૃત્ત જસ્ટીસ શ્રી બી. સી. પટેલે એક માર્મિક સલાહ આપી હતી; ‘‘આપણે મનથી સંકલ્પ કરીએ કે મારે સાચા વૈષ્ણવજન થવું છે. પીડ પરાઈ જાણી પરદુઃખે ઉપકાર કરી તેનું અભિમાન મનમાં ન જન્મે તો આપણી અનેક સામાજિક સમસ્યાનો ઉકેલ આવી જાય.’’ જ્ઞાતિપ્રથા એ એક અન્યાયી, અમાનવીય, શોષણયુક્ત વ્યવસ્થા છે તો તેનો અંત લાવવા માટે આપણે કશું ન કરી શકીએ તે કેવું ? જ્ઞાતિ અંગે આપણે નીચેના પાંચ વિધાનો સ્વીકારી સક્રીય થઈએ તો સંભવ છે કે આ સમસ્યાનો ઉકેલ શોધી શકાય.

(૧) જન્મથી વ્યક્તિનું સામાજિક સ્થાન કાયમ માટે થોપી દેતી જ્ઞાતિ વ્યવસ્થા એક મોટું અનિષ્ટ છે અને તેને મીટાવવું જ જોઈએ.

(૨) હું કદી જ્ઞાતિ આધારિત સમારંભ, માન-સન્માન કે ચળવળમાં કદી સામેલ થઈશ નહીં. 

(૩) કોઈપણ વ્યક્તિ આ કે અન્ય જ્ઞાતિની છે તેમ જાણીને તેના સ્વભાવ-શક્તિ-સમજણ કે અન્ય બાબત અંગે બીબાઢાળ પૂર્વધારણા બાંધીશ નહીં. 

(૪) મારા સંતાનોને જ્ઞાતિ અંગે સાચી સમજણ આપી તેનાથી દૂર રહીને વ્યક્તિ વિકાસ કરવા માટે સમજાવીશ.

(૫) જ્ઞાતિ સંગઠ્ઠનો જ્ઞાતિ આધારિત ન રહેતા સાર્વજનિક બની સૌ વંચિતો-જરૂરિયાતમંદોને મદદ કરે તે માટે પ્રયાસ કરીશ.

અમુક જ્ઞાતિ મંડળો તેની સગવડો-સુવિધાઓ સૌ માટે ખુલ્લા મૂકે છે તે આવકાર્ય છે. જ્ઞાતિવિહીન સમાજની રચના કરવી તે ખૂબ મોટો પડકાર જરૂર છે પણ આપણા પૂર્વજોએ જે ભાવનાઓના આધારે બંધારણનું નિર્માણ કર્યું છે તેમાં શ્રદ્ધા રાખી ધીરજથી આ દિશામાં દૃઢતા અને સમર્પણભાવથી કાર્ય કરીએ.

અંતમાં, અંગત રીતે મારી ઓળખ શું તેમ વિચારું ત્યારે જણાય છ કે નશાબંધી પાળતા ગુજરાતમાં મેં કદી કોઈ માદક દ્રવ્યનું સેવન નથી કર્યું પણ ગુજરાતના સૌ લોકોમાં મને ‘‘પી. કે. લહેરી’’ તરીકે જ સહેલાઈથી ઓળખે છે તો કરવું શું ?

Comments

Popular posts from this blog