આપણું સુખ કોણ છીનવી લે છે ?
ભાગ-ર
પ્રવીણ ક. લહેરી
૪. ભૂખ-ગરીબી :
પન્નાલાલ પટેલે માનવીની ભવાઈમાં એક યાદગાર વાક્ય લખ્યું; ‘‘ભૂખ બહુ ભૂંડી છે.’’ આપણામાં કહેવત છે, ‘‘પેટ કરાવે વેઠ’’ આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હવા-પાણી અને ભોજન અનિવાર્ય છે. હવા અને પાણી તો ઈશ્વરની આ સૃષ્ટિમાં નિઃશુલ્ક અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હતાં. આપણે આપણા મનઘડંત વિકાસના પ્રયત્નોથી હવા અને પાણીને પ્રદૂષિત કર્યાં તેનો વેપાર ચાલુ થયો અને કોરોનાના બીજા મોજામાં હજારો લોકોએ ઓક્સિજન-પ્રાણવાયુ વિના તરફડતાં-તરફડતાં પ્રાણ ગુમાવ્યા તેનાથી માનવજાતને શુદ્ધ હવાનું મહત્ત્વ સમજાયું છે. ખોરાક માટે માનવી, પશુ, પંખીએ પ્રયત્ન કરવો પડે છે. ભૂખનું દુઃખ અકથ્ય છે. જેમણે ભોગવ્યું હોય તે જાણે. શબ્દોમાં તે લાગણી વ્યક્ત કરવી મુશ્કેલ છે. કવિધર્મને ધ્યાનમાં રાખીને શ્રી ઝવેરચંદ મેઘાણી કવિને પ્રશ્ન કરે છે;
ધરતીને પટે પગલે પગલે, મૂઠ્ઠી ધાન વિના નાનાં બાળ રમે,
પ્રભુહીન આકાશેથી આગ ઝરે; અહોરાત કરોડ, કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે,
ત્યારે હાય રે કવિ, તને પૃથ્વી અને પાણી તણાં ગીત ગમે ?
આપણા મૂર્ઘન્ય કવિશ્રી ઉમાશંકર જોશીની જાણીતી પંક્તિઓ; ‘‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી લાધશે.’’ ખૂબ સૂચક છે.
સુખની વ્યાખ્યામાં ભૂખની તૃપ્તિ એ ખૂબ મહત્ત્વની છે. સંસ્કૃતમાં તેથી જ કહ્યું છે; ‘‘બુભક્ષતિઃ કિમ ન કરોતી પાપમ્ ?’’ આજે માનવજાત માટે પૂરતું અન્ન પેદા થાય છે તેમ છતાં અનેક પરિવારોને ભૂખ્યા સૂવું પડે છે. આ માટે જવાબદાર પરિબળો પણ અવશ્ય નિવારી શકાય તેમ છે.
૫. દેવું-ઋણ :
ઈસ્લામ ધર્મમાં વ્યાજ લેવું તે હરામ છે. આજે તો બેંકોમાંથી ખર્વો ખર્વો ડૉલરનું ધીરાણ લઈ લોકો વ્યાજ ભરે છે અને તેનાથી વૈશ્વિક અર્થતંત્ર ગતિશીલ રહે છે. પૈસો પૈસાને ખેંચે છે તે ઉક્તિ વ્યાજ અને ચક્રવર્તી વ્યાજ સાચી ઠેરવે છે. દેવાદારને ચેનની નિંદર નથી આવતી તે હકીકત છે. સરકારે દેવા અને વ્યાજ થકી જરૂરિયાતમંદ, ગરજવાનનું શોષણ થાય છે તે રોકવા કાયદા કર્યાં છે પરંતુ ભારતમાં ભાગ્યે જ કોઈ મોટી ઑફિસ હશે જ્યાં ખાનગી શાહુકારોના એજન્ટો પગારના અઠવાડિયામાં બળજબરીથી દેવા-વ્યાજની વસુલાત ન કરતાં હોય. હકીકતમાં આપણા દેશમાં ખેડૂતોની આત્મહત્યા માટે ખાનગી ધીરાણ લેનાર કિસાન અને તેના પરિવારનું શોષણ સતત થયા કરે છે. આ ઉપરાંત ધાક-ધમકી, ત્રાસ, અપહરણ વગેરે કારણે કિસાન આત્મહત્યા કરવા મજબૂર બને છે.
સુખી રહેવા માટે સૌએ શક્ય તે રીતે દેવામુક્ત રહેવાની જરૂર છે. ભવિષ્ય અંગે ખોટા અનુમાનને આધારે ભારે દેવું કરવાથી વ્યક્તિ અને પરિવારે પારાવાર મુશ્કેલી વેઠવાનું બને છે. સામે પક્ષે હજારો કરોડ રૂપિયાનું દેવું કરી વિદેશમાં નાસી જતાં વેપારી-ઉદ્યોગપતિના કિસ્સાઓ વાંચીએ ત્યારે એવી લાગણી થાય છે કે પૈસો મને સુખી બનાવશે. વધારે પૈસા મને વધારે સુખ આપશે તેવી ભ્રામક માન્યતા સમાજમાં સર્વત્ર જોવા મળે છે. દેવું કોણે, ક્યારે કેટલું કરવું તેનો ઉત્તર સરળ નથી. પોતાની શક્તિ અંગે વાસ્તવિક અંદાજ કરી દેવું કરનારને દુઃખી થવાની સંભાવના ઘટી જાય છે. વિશ્વમાં જેમ જેમ બચતોની રકમ, (સરપ્લસ કેપિટલ) વધતી જશે તેમ તેમ દેવાદારોની સંખ્યા વધતી જશે. મકાન માટે લોન હોય કે ક્રેડિટ કાર્ડ માટે, કાર લેવી હોય કે રજા માણવી હોય, દરેક પ્રસંગે ધીરધાર કરવાવાળા હાજર છે. સુખી થવાની કાળજીમાં દેવા-વ્યાજના વિષચક્રમાં ન ફસાવું જોઈએ તે એક પાયાની સમજણ છે.
૬. માંદગી :
તાજેતરમાં આપણે અનુભવ્યું કે એક સૂક્ષ્મ જીવાણું (વાયરસ નામે કોરોના)ના કારણે વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. આ સિવાય પણ સામાન્ય સમયમાં એકલા આપણા ભારત દેશમાં દર વર્ષે ૮ ટકા મધ્યમવર્ગના પરિવારો માંદગી-અકસ્માતની-સારવારના કારણે ગરીબીની રેખા નીચે સરી જતાં હતાં. કોરોનાએ આ સ્થિતિ વણસાવી છે. ‘‘પહેલું સુખ તે જાતે નર્યા’’ની કહેવતને તો આજે સૌ વારંવાર યાદ કરીએ છીએ. આપણા વડવાઓની કોઠાસૂઝ કેટલી સારી અને સાચી હતી કે તેમણે આરોગ્યને સૌથી વિશેષ અગ્રતા આપી. કમનસીબે સમાજનો મોટો વર્ગ આરોગ્ય જાળવવાની મુદ્દે અજ્ઞાત અને બેદરકાર છે. આપણી શિક્ષણપ્રથાની સૌની મોટી ઉણપ એ છે કે તેમાં કોઈ તબક્કે આરોગ્યની કાળજી જેવો વિષય શીખવવામાં આવતો નથી. હકીકતમાં શિક્ષણનો ૨૫ સમય ટકા બાળકો-કિશોરોને શરીરની માવજત શીખવવા માટે ફાળવવો જોઈએ. ‘‘શરીરમાધ્યમ્ ખલુ ધર્મ સાધનમ્’’ કે ‘‘ન ચ શરીરમ્ પુનઃ પુનઃ’’ ની ઉક્તિઓ ધ્યાને લઈને શિક્ષણમાં આરોગ્યની જાળવણી માટે ખાસ જોગવાઈ કરવામાં આવે તે આજના સમયની માંગ છે.
૭. અપમાન :
કોઈપણ વ્યક્તિનું અપમાન થાય છે ત્યારે તેના દિલમાં પારાવાર દુઃખ થાય છે. વેરની ભાવના જન્મે છે. પોતે દુઃખી થવા સામે સામાનું અપમાન, હાનિ અને નાશ થાય તેવી નકારાત્મક વૃત્તિ વિકસે છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ પૂ. શ્રી બ્રહ્મવિહારીજી કહે છે; ‘‘જો તમે ‘ર્ ખ્તૈદૃી’ આપવાનું ન કરી શકો તો ચાલશે પણ મહેરબાની કરીને ‘ર્ ર્કખ્તિૈદૃી’ ભૂલશો નહીં. આ ટૂંકી પણ સચોટ સલાહ છે. સુખ માટે ક્ષમાનો ગુણ અનિવાર્ય છે તેવું બુદ્ધ, મહાવીર, જીસસ ક્રાઈસ, મહાત્મા ગાંધીએ પ્રબોધ્યું છે. મહાભારતમાં દ્રુપદ રાજા અને દ્રોણનો પ્રસંગ જમાં દ્રુપદ રાજા હોવાથી દ્રોણનો મિત્રભાવ હાસ્યાસ્પદ ગણે છે. દ્રોણ વેર વાળવાની પ્રતિજ્ઞા લે છે. આવો જ પ્રસંગ ધનાનંદના દરબારમાં ચાણક્યના અપમાનનો છે. ચાણક્ય પોતાની શિખા ખુલ્લી મૂકીને ધનાનંદનું નિકંદન કાઢવાની ટેક લે છે. અપમાન માટેના શબ્દો શસ્ત્રો કરતાં ધારદાર હોય છે. કટૂ વચનોના ઘા શસ્ત્રોના પ્રહારથી પણ વધારે સમય ચિત્તને વિહ્વળ કરે છે. મુનિશ્રી ચિત્રભાનુએ જેની પ્રાર્થના કરી છે તે ‘‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરો’’ તેવી ભાવના આપણે પણ આત્મસત્ કરીએ તો અનેક સમસ્યાઓનું નિવારણ થશે. સરવાળે સુખનો વ્યાપ વધશે.
૮. ઈર્ષ્યા :
વર્ષો પહેલાં ટેલીવિઝનમાં એક જાહેરાત આવતી હતી. જેમાં પાડોશી પાસે સારો ટેલીવિઝન સેટ છે તેની ઈર્ષ્યામાં તે પોતાનો સેટ તોડી નાખે છે. અદેખાઈ કદી ન પૂરાય તેવી ખાઈ છે. ઈર્ષ્યા જન્મે એટલે સુખનું બાષ્પીભવન થઈ જાય. અંગ્રેજીની કહેવત કે; ‘‘સામાનું ખેતર વધારે હરિયાળું છે.’’ ગુજરાતી કહેવત - ‘‘સામાના ભાણાનો લાડુ મોટો જ દેખાય’’ તે આપણામાં રહેલી અસૂયાવૃત્તિ દર્શાવે છે. બીજાની નકલ કરવામાં સુખ મળશે તેવી માનસિકતા ઈર્ષ્યા તત્ત્વને વકરાવે છે. જાતને મહાન બનાવવાની ઘેલછાએ દુનિયામાં અનેક યુદ્ધો, હિંસા, તારાજી આણ્યા છે. સુખને અવરોધક પરિબળોમાં અસૂયા-ઈર્ષ્યા એક મહત્ત્વનું કારણ છે. આપણા માટે ઈર્ષ્યાભાવ ત્યજવો મુશ્કેલ બને છે. કારણ કે કામ, ક્રોધ, મોહ, મદ, લોભ અને ઈર્ષ્યા એ છ વૃત્તિઓ આપણી પ્રકૃત્તિનો ભાગ છે. માયાના છ લક્ષણો તરીકે પણ તેની ગણના થાય છે.
૯. મન :
સુખ દુઃખનો મૂળ આધાર ‘મન’ છે તેમ માનસશાસ્ત્રીઓ, ચિંતકો, ધર્મગુરુઓ વગેરે આપણને શીખવે છે. કવિ નરસિંહ મહેતા ‘‘સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડીયા, ટળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડીયા’’ એમ કહીને તટસ્થ ભાવ કેળવવાની સલાહ આપે છે. સુખ અને દુઃખ એક અનુભૂતિ છે, લાગણી છે, મનમાં ઉત્પન્ન થતો ભાવ છે. બ્રિટીશ ચિંતક જેરમી બેન્થામના ઉપયોગિતાવાદના (યુટેલીટેરીન) શિર્ષક સાથેના વિચારો દર્શાવે છે કે આપણે સૌ સુખ ઈચ્છીએ, તે પામવા અધીરા થઈએ અને સતત પ્રયત્નશીલ પણ રહીએ છીએ. આમ છતાં આપણે જાણ્યે-અજાણ્યે બીજાને દુઃખ પહોંચે તેવા કાર્યો કરીએ છીએ. આ વાતને હળવાશથી કહેતાં ડાયરામાં એક પ્રસંગ વર્ણવામાં આવે છે. કોઈ એક વ્યક્તિએ સંત પાસે જઈને પૂછયું; ‘‘મહારાજ, મારે સૌની સેવા કરવી છે તો શું કરવું ?’’ સંતે ટૂંકો જવાબ આપ્યો; ‘‘ભાઈ, તું બીજાને નડવાનું બંધ કરે તો ઘણું’’
જિંદગીને શાશ્વત સુખનો પર્યાય બનાવવામાં આપણા મનની ભૂમિકા અહ્મ છે. ઈશ્વર આપણને સૌને સુખ આપે ત્યારે બીજાનો વિચાર કરવાની વૃત્તિ આપે તેવી પ્રાર્થના સહ...
Comments
Post a Comment