આપણું સુખ કોણ છીનવી લે છે ?

                                                                                            પ્રવીણ ક. લહેરી

તાજેતરમાં થોડા મિત્રો ભૂટાનના પ્રવાસે જઈ આવ્યા. ત્યાંના હિમાલયના અદ્‌ભૂત સૌંદર્ય ઉપરાંત ભૂટાનની પ્રજાની ખુશહાલી જોઈને તેમને આશ્ચર્ય થયું. ભાગ્યે જ કોઈ અપવાદ સિવાય જીવનને સુખમય બનાવી આનંદ અને મસ્તીથી રહેતાં લોકો વિશ્વના સૌથી ખુશખુશાલ માણસો છે. ભલે જીવનનું અંતિમ સત્ય મૃત્યુ હોય પણ જિંદગીનો હેતુ તો આનંદ, મોજ, ખુશી, ઉમંગ અને ઉત્સાહથી જીવીએ તો જ તે સાર્થક થાય. વિજ્ઞાન અને ટૅકનોલોજીએ માણસની અનેક અગવડો નિવારવા અને સવલતો પૂરી પાડવા માટે છેલ્લા અઢીસો (૨૫૦) વર્ષમાં અકલ્પનીય સિદ્ધિઓ હાંસલ કરી છે.  ટૅકનોલોજીનો વિકાસ જે ઝડપથી થઈ રહ્યો છે તેનો વિચાર કરીએ તો આપણે આશ્ચર્યની નવી દુનિયામાં ખોવાય જઈએ છીએ.

સુખની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે પણ સૌ ચિંતકો એક વાતમાં સહમત છે કે સુખ એ મૂળભુત રીતે આપણા મનની સ્થિતિ છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો વર્ણવતાં અર્જુનને જે કહે છે તેમાં એક વાક્ય ખૂબ મહત્ત્વનું છે. શ્રીકૃષ્ણ કહે છે કે અશાંતને સુખ ક્યાંથી મળે ? મનના તરંગો, ઈચ્છાઓનો અવિરત પ્રવાહ, રાગદ્વેષ, ભય, ઈર્ષ્યાના ભાવો હોય તો વ્યક્તિ માટે સુખની અનુભૂતિ કરવાની સંભાવના નહિંવત્‌ છે. વર્ષો પહેલાં અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ, ઘનાઢ્ય ચિંતકે એક પુસ્તક લખ્યું - ‘‘ચિંતા છોડો સુખથી જીવો’’ તેની અંદાજે અત્યાર સુધીમાં ૬૦ લાખથી પણ વધુ નકલો વેચાઈ અને આજે પણ તેમાં વર્ણવેલી સ્થિતિ આપણે સર્વત્ર જોઈ શકીએ છીએ. આપણા શાસ્ત્રોની સત્‌, ચિત્ત, આનંદ સચ્ચિદાનંદની ભાવના પણ મનને નિર્મળ રાખીએ તો જીવનમાં બસ આનંદ આનંદ જ છે. એક જાગૃત મનુષ્ય તરીકે આપણે સદા-સર્વદા સુખની અનુભૂતિ કેમ કરતા રહીએ તે પ્રશ્નનો ઉત્તર દરેકે જાતે શોધવો રહ્યો. સુખને અવરોધતા પરિબળોને ઓળખીએ અને મનને ખુશ રાખવા માટે યોગ્ય વલણો, વૃત્તિઓ અને વર્તન બાબત હકારાત્મક અભિગમ અપનાવીએ. સુખને આપણાથી દૂર રાખતી બાબતો કઈ છે ? આ અવરોધો નિવારવા માટે તેને ખૂબ શાંત ચિત્તે સમજવા જરૂરી છે. 

૧. ચિંતા :

ગુજરાતી ભાષાની એક કહેવત છે કે ‘ચિંતા ચિતા સમાન છે.’ આપણને ચિંતા થાય છે કારણ કે આપણા પાસે વિચારશક્તિ છે. સામાન્ય રીતે ભવિષ્યમાં આમ થશે તો ? મને ધંધામાં ખોટ જશે તો ? હું પરીક્ષામાં નાપાસ થઈશ તો ? મને નોકરી નહીં મળે તો ? મને કોરોના થશે તો ? આવી ભવિષ્યની કલ્પનાઓ આપણને ઘટના પહેલાં જ તેના દુઃખથી ઘેરી વળે છે. ચિંતા થાય તે કદાચ સ્વાભાવિક ગણી શકાય પણ તે આપણા પર હાવી ન થઈ જાય તેની કાળજી કરવી અનિવાર્ય છે. ૧૯૮૨માં કાપડની મિલો ટપોટપ બંધ પડવા માંડી. અનેક લોકોએ સાવ અચાનક નોકરીઓ ગુમાવી. આ સમયે મારા એક પરિચિત મિલમાં ઉચ્ચ હોદ્દા પર હતાં. તેમની પણ નોકરી છૂટી ગઈ. તેમને પોતાના ભવિષ્ય અને પરિવારના ભવિષ્યની ચિંતાથવા માંડી. પરિવાર-સ્નેહીઓએ ખૂબ સમજાવ્યું કે આપણી પાસે પૂરતી બચત છે. આ કપરો સમય વિતી જશે. નવી નોકરી માટે પ્રયત્ન કરીએ. કમનસીબે તે મિત્ર નિરાશા અને હતાશાને કારણે થોડા સમયમાં અવસાન પામ્યા. આનાથી વિપરીત અને હળવાશનું મહત્ત્વ જણાવતો ટૂચકો પણ જાણવા જેવો છે. લશ્કરમાં એક જવાનને તેના ઉપરી ખૂબ ખરાબ શબ્દો સાથે કડક ભાષામાં ઠપકો આપી રહ્યા હતાં. જવાન તેનો આક્રોશ સ્વસ્થતાથી ઝીલવા સાથે વારંવાર ઘડિયાળ જોતા રહેતા હતાં. અધિકારીનો પિત્તો વધારે ઉછળ્યો. તે તાડૂકી ઉઠ્યો કે કેમ વારંવાર ઘડિયાળ જોયા કરો છો ? સૈનિકે જે જવાબ આપ્યો તે સરળ પણ દાર્શનિક છે. તેણે કહ્યું; ‘‘સાહેબ, હું ઘડિયાળ જોઈને મારા મનને ધરપત આપું છું કે આ સમય પણ વિતી જશે.’’

૨. ભય :

ભય એ ચિંતાનો સગો ભાઈ છે. ચિંતાનું કારણ અને પરિણામ બંને માટે મનમાં રહેલી ભયની લાગણી છે. અભય-નિર્ભય જેવા વિશેષણો પ્રચલિતછે. ચિંતા પાછળ ભય હોય છે અને સાથે સાથે જ્યારે ચિંતા વધે ત્યારે ભય પણ વધે છે. સંસ્કૃતના એક સુભાષિતમાં સાચું જ કહ્યું છે; ‘‘માણસ ભયભીત હોય ત્યારે રસ્સીમાં પણ તેને સાપ દેખાય છે. ભયનું નિવારણ સહેલું નથી. માનસશાસ્ત્રીઓ આપણને કહે; ‘‘જ્યારે જ્યારે માણસ સામે મુશ્કેલી કે પડકાર આવે છે ત્યારે તેની પ્રતિક્રીયા બેમાંથી એક પ્રકારની હોય છે. કાં તો લડો અથવા ભાગો. આપણને જ્યારે અહેસાસ થાય છે કે આ સ્થિતિને હું પહોંચી શકીશ, પડકાર ઝીલી શકીશ ત્યારે આપણે તન-મનથી સજ્જ થઈને પ્રતિકાર માટે તૈયાર થઈ જઈએ છીએ. આપણને આપણી શક્તિ પૂરતી નથી, હૂમલા કે મુશ્કેલીનો સામનો કરવામાં અસમર્થ છીએ તેવી ખાતરી થતાં આપણે દૂર નાસીને આપણી જાતને સુરક્ષિત કરવા પ્રયાસ કરીએ છીએ. ચિંતા અને ભયની લાગણી ક્યારેક ખૂબ નકારાત્મક પ્રતિભાવ તરફ દોરી જાય છે. સમગ્ર વિશ્વમાં લગભગ ૩૩ કરોડ લોકો માનસિક તનાવની ગંભીર બિમારીમાં સપડાયા છે. દુનિયામાં સરેરાશ દર વર્ષે ૮ લાખ માણસો આત્મહત્યા કરે છે. ભારતમાં ૧.૩૭ લાખથી ૨.૪૧ લાખ લોકો વર્ષ દરમિયાન આત્મઘાત કરે છે. આપણે ત્યાં માનસિક રોગોની સારવારની સવલતો પ્રમાણમાં અલ્પ છે. ભયનો વિરુદ્ધ શબ્દ બેકાળજી થકી દર વર્ષે ૧.૫૦ લાખથી વધારે વ્યક્તિઓ રોડ એક્સિડન્ટમાં જાન ગુમાવે છે. ૬ લાખ જેટલાં માણસો ઈજાગ્રસ્ત/અપંગ થાય છે. બેદરકારીના સમયે ભયનો ખ્યાલ જ નથી રહેતો. સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે તેમ આહાર, નિદ્રા, ભય અને મૈથુન માનવી અને પશુ પંખી સૃષ્ટિમાં સમાન છે. ભય એ એક કુદરતી વૃત્તિ છે. તેનાથી રક્ષણ થાય છે કે સામનો કરવાનો સંકલ્પ દૃઢ બને છે.

૩. ઈચ્છાઓ :

સુખ અને ઈચ્છા વચ્ચેનો સંબંધ ખૂબ રસપ્રદ છે. સામાન્ય રીતે આપણે સૌ માનીએ છીએ કે ઈચ્છાપૂર્તિ સુખ આપે છે. ઈચ્છા થાય તે ચીજ પ્રાપ્ત થતાં મનને આનંદ થાય છે. સાથે સાથે ઈચ્છા આપણને વિહ્‌વળ બનાવ છે. ક્યારેક વિવેકભાન ભૂલાવે છે. ભગવદ્‌ ગીતામાં સ્થિતપ્રજ્ઞના લક્ષણોમાં ભગવાન કૃષ્ણે કહ્યું; ‘‘પ્રજાહાનિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન’’ સ્થિતપ્રજ્ઞ બની શાશ્વત સત્‌, ચિત્ત અને આનંદ માટે ભગવાન કૃષ્ણે જે પૂર્વશરત મૂકી છે તે ખૂબ કઠીન છે. તમામ ઈચ્છાઓ આપણે ખરેખર છોડી શકીએ ? મારો ઉત્તર છે ના. આપણે ઈચ્છાઓનું નિયંત્રણ અવશ્ય કરી શકીએ પણ સંપૂર્ણ ઈચ્છારહિત થવું અસંભવ જણાય છે. આપણા અનેક ચિંતકોએ એમ દર્શાવ્યું કે આનંદ ઈચ્છાતૃપ્તિમાં છે તેના કરતાં ઈચ્છાના સતત પ્રવાહ વચ્ચે જો વિરામનો સમયગાળો મળે તો તે સમય સાચા સુખનો છે. ઉદાહરણરૂપે મને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય, મને આઈસ્ક્રમ ખાવા મળે પરંતુ તુરંત મને કૉફી પીવાની ઈચ્છા થાય. જ્યાં સુધી મને કૉફી ન મળે ત્યાં સુધી હું બેચેની અનુભવું. મને ભોજનની ઈચ્છા થઈ અને મેં ભોજન કરી તૃપ્તિ મેળવી તે ક્ષણે જ્યાં સુધી મારા મનમાં બીજી ઈચ્છા ન થાય તો હું સુખ અનુભવી શકું. ધ્યાન, તપ, ઉપવાસ, પ્રાર્થના વિગેરે દ્વારા મનને સંયમમાં (સુખમાં) રાખવા ઉપયોગી સાધનો છે. તેથી જ દરેક ધર્મમાં આનું આગવું મહત્ત્વ છે. આપણા જાણીતા કવિ હરિન્દ્ર દવેનું કહેવું છે કે સંબંધમાં કચાશ નથી હોતી પણ આપણી અપેક્ષાઓ વધારે હોય છે તે ખૂબ વિચારવાલાયક માર્મિક ટકોર છે. જૈન ધર્મની ઉપાસના કઠીન છે કારણ કે તેના મૂળમાં વિભાવના છે કે ઈચ્છાઓ, જરૂરિયાતો, આડંબર વગેરે ઘટાડીએ તો જ શાશ્વત સુખ-શાંતિ મળી શકે. અહિંસા, અપરિગ્રહ, સંયમ, મૈત્રીભાવ જેવા મૂલ્યો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ઈચ્છાઓ સાવ ત્યજવામાં ગુંચવણો પેદા થાય છે. આ હકીકત બુદ્ધ ભગવાન ઉગ્ર તપસ્યા-ઉપવાસ બાદ જાણી શક્યા. એક મહિલાએ ખીર સાથે તેમને પારણાં કરાવ્યા ત્યારે તેમને મધ્યમ માર્ગનું મહત્ત્વ સમજાયું. ઈચ્છા કરતાં તેનો અતિરેક આપણને જ નહીં પણ સમાજને પણ હાનિ કરે છે. સમ્રાટ થવાના સપનાંઓ, વિશ્વ વિજય કરવાની મહત્ત્વાકાંક્ષા, કુબેર ભંડારી જેવું ધનસંચય કરવામાં કે જ્ઞાન, કિર્તી અને શક્તિમાં સૌથી અગ્રેસર થવામાં માનવી જીવન વેડફી નાંખે છે. ઊંચું નિશાન અવશ્ય રાખીએ પણ આપણા પગ ધરતી રહે અને આપણે વાસ્તવવાદી બનીએ તે જરૂરી છે. ઈચ્છા એક શક્તિ છે, ઉર્જા છે, ચાલકબળ છે અને અનેક સિદ્ધિઓના પાયામાં તેનો પ્રભાવ છે. સાથે સાથે ઈચ્છાઓ જ્યારે અમર્યાદ બને છે ત્યારે માણસમાં ઝનૂન પેદા થાય છે. વિવેકબુદ્ધિ નષ્ટ થાય અને સર્વના સુખનો વિચાર છોડી સ્વકેન્દ્રી બની વ્યક્તિ થવાની સતત અજંપામાં જીવે છે.                                                                                                                     

Comments

Popular posts from this blog