આતંકનું આશ્રયસ્થાન

                                                        પાકિસ્તાન-અફઘાનિસ્તાન-૨

                                                                                                           પ્રવીણ ક. લહેરી

માનવજાતિ સમક્ષ અનેક ગંભીર પડકારો છે તેમાં આતંકવાદ અને ધર્માંધતાનો પ્રશ્ન અગત્યનો છે. ૧૯૮૨માં મારે એક સરકારી તાલિમમાં પાકિસ્તાનમાં એક માસ માટે જવાનું થયું હતું. પ્રાથમિક અને પ્રૌઢ શિક્ષણની એક માસની શિબિરમાં અફઘાનિસ્તાનથી માંડીને ફિલીપાઈન્સ સુધીના અનેક દેશોના પ્રતિનિધિઓ હાજર હતાં ત્યારે ચીન સામ્યવાદના ઓછાયામાં બહાર આવ્યું ન હતું. તેની અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ગાઢ બની રહ્યા હતાં. પાકિસ્તાનના જે અનુભવો થયા તે મીશ્ર પ્રકારના કહી શકાય. જ્યારે પણ કોઈ અજાણી વ્યક્તિને કહીએ કે, ‘‘મૈં હિન્દુસ્તાનસેં આયા હૂં’’ એટલે તેમના ચહેરા પર આનંદ અને ઉત્સાહના ભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાય. મજબૂત હસ્તધનૂન કે ભેટીને તે ખુશી વ્યક્ત કરે, આગતા-સ્વાગતા કરે. જો વેપારી હોય અને આપણે કાંઈક ખરીદીએ તો તેનું બીલ ચૂકવવા જઈએ તો કહે, ‘‘આપ તો અપનેવાલે હૈ’’ ક્રિકેટ-ફિલ્મની વાત કરો એટલે દોસ્તી પાકી. હિંદ તો વિશાળ અને શક્તિશાળી મુલ્ક છે. મુંબઈ અને અજમેર જોવાની બહુ ઈચ્છા છે જેવા વાક્યો અચૂક સાંભળવા મળે. મુંબઈ એટલે સમગ્ર પાકિસ્તાનની પ્રજાની સ્વપ્ન નગરી. કારણ કે ત્યાં હિન્દી ફિલ્મો બને છે. હિરો, હિરોઈન, ગીતકાર, સંગીતકાર અને ગાયકો અંગે આપણે જાણીએ તે કરતાં ઘણું વધારે જ્ઞાન સરેરાશ પાકિસ્તાનને હતું. પ્રતિબંધો અને માર્શલ લો વચ્ચે ચોરીછૂપીથી આવેલી વિડિયો કૅસેટ તો ઘરે ઘરે જોવામાં કોઈ સંકોચ કે ભય નહીં. હિંદુઓના રીતરિવાજો, પૂજાવિધીઓ, ઉત્સવોની વિગતોથી પરિચિત સાંસ્કૃતિક એકતા શું છે તેનો ખૂબ સારો અહેસાસ થાય.

બીજી ઈચ્છા અજમેર જોવાની. જે ચિસ્તીના આશીર્વાદથી અકબરને પુત્ર મળ્યો. જેમણે હજારો હિંદુઓના ધર્મપરિવર્તન કરાવ્યા અને જેની બાધા ફળે તેવી શ્રદ્ધા પાછળ હિંદુ ધર્મ પ્રત્યે શંકા-કુશંકા જ નહીં પણ હિંદુ એટલે કાફિર, બૂત પરસ્ત, અનેક દેવ-દેવીઓના ઉપાસક - ઈસ્લામથી વિરૂદ્ધ, ક્રૂર અને કપટી એવું ત્યાંના તમામ પાઠ્યપુસ્તકોમાં શીખવાડવામાં આવે છે. ત્યાંના બલૂચિસ્તાનના શિક્ષણ નિયામક જે માત્ર બલૂચી સારી રીતે બોલી શકતા હતાં અને ઉર્દુ બોલવા-સમજવામાં મુશ્કેલી અનુભવતા હતા તેમની સાથે મારે અને નેપાળના પ્રતિનિધિ બહેન પ્રતિભા રાણા સાથે ચર્ચા કરતાં બલૂચી અધિકારીએ પૂછયું, ‘‘આપ હિંદસે હૈ ઔર હિંદુ હૈ’’ ‘‘મેડમ, આપ ભી હિંદુ હૈ’’. અમે કહ્યું, ‘હા’. તેના હાવભાવમાં મુંઝવણ સ્પષ્ટ રીતે દેખાવા લાગી. તે કહે કે, ‘‘હિંદુ હોતે હુએ ભી આપ લોગ બહુત નેક હૈ. મૈં દેખ રહા હૂં કી આપ સબસે અચ્છી તરહ પેશ  આતે હૈ ઔર સબકો મદદ ભી કરતે હૈ. હમેં તો સિખાયા ગયા હૈ કિ કાફિર જલ્લાદ હોતે હૈ - ઉનસે સાવધાન રહેના ચાહિયે’’. એમને પ્રથમ તો ખૂબ હસવું આવ્યું. અમે સમજાવ્યફું કે દરેક માણસમાં ગુણ-અવગુણ હોય. તેમણે કહ્યું કે, અગાઉ તે કોઈ હિંદુને મળેલો નહીં. બલૂચિસ્તાનના ઉચ્ચ અધિકારીઓને ઈસ્લામાબાદમાં બોલાવી શિબિરમાં જે પાંચ હિંદુ હતા તેને સન્માનપૂર્વક રાત્રી-ભોજન બલૂચિસ્તાન હાઉસમાં યોજી સારી રીતે ભેટ-સુવેનીયર આપ્યા.

પાકિસ્તાન હોય કે અફઘાનિસ્તાન ભારતનો પ્રભાવ આમ આદમી પર છે અને રહેવાનો. મુશ્કેલીનો પ્રારંભ ત્યારે થાય છે જ્યારે હિંદુ અને મુસ્લિમની ભિન્નતા ઉજાગર કરી પ્રજાના કાનમાં સતત ઝેર રેડવામાં આવે છે. શિક્ષણ હોય કે પ્રચાર માધ્યમો, મૌલવીઓ હોય કે રાજનેતા, સૌ માટે હિંદુઓ પ્રતિ દુર્ભાવ કેમ પેદા થાય તેનું સુનિયંત્રિત કાવતરું વર્ષોથી ચાલી રહ્યું છે. આના કારણે પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનની પ્રજા ગુમરાહ છે. ભારત માટેની આ ઉપજાવેલી શત્રૂતાનો સામનો થઈ શકે તેમ છે. આ બંને દેશોની પ્રજામાં જે ગેરસમજણ-વહેમો ફેલાયા છે તે દૂર કરવા એક સશક્ત સાંસ્કૃતિક આક્રમણની જરૂર છે. ભલે તાલિબાનો ફિલ્મ, ટી.વી., નાચગાન-સંગીતને ધિક્કારે પણ તેના ચાહકોની સંખ્યા ન તો પાકિસ્તાનમાં ઘટી શકી છે કે ન તો અફઘાનિસ્તાનમાં આ એક એવી કડી છે જે આપણા ભૂતકાળની એકતાની નિશાની છે. કમનસીબે તમામ રીતે ભ્રષ્ટ બોલીવુડે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોથી તદ્દન વિપરીત છબી છેલ્લા ૪૦ વર્ષમાં ઉભી કરી છે. ઈસ્લામના નામે સંસ્કૃતિનો લોપ કરવાના ઉધામા નિષ્ફળ ગયા છે. આમ છતાં તાલિબાનો, મુલ્લા-મૌલવીઓ સાંસ્કૃતિક ધરોહરનો નાશ કરવા અવિરત પ્રયાસો કરી રહ્યા છે. આપણે આ વિરાસતને ત્યાંની પ્રજામાં સુરક્ષિત રહે અને તેનું સંવર્ધન થાય તે માટે સુયોગ્ય વ્યૂહરચના કરવી જરૂરી છે. ઘૃણા, દ્વેષ, હિંસા, ક્રૂરતા, અન્યાય, શોષણ એ સહેલાઈથી દૂર નથી થતાં પણ ખૂબ ધીરજ અને કૂનેહથી આ કામ કરવામાં લાંબે ગાળે સફળતાની ખાતરી આપી શકાય તેમ છે. જે મૂલ્યો, સંસ્કારો ભારત-પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે સમાન છે તેનું કેમ જતન કરવું તે પ્રશ્ને ચિંતન કરી સર્જનાત્મક ઉકેલો શોધવાની આવશ્યકતા છે.

અફઘાનિસ્તાનનો છેલ્લા ૪૦ વર્ષનો રક્તરંજિત ઈતિહાસ ભવિષ્યે કેવો આકાર લેશે તે નક્કી નથી. મુસ્લિમ લઘુમતિ ઉધૈર લોકોને ધર્મ પાળવાની છૂટ ન આપતાં તેના માનસ પરિવર્તન માટે રીતસરના કોન્સનટ્રેશન કૅમ્પો (ત્રાસવાદી છાવણી) ચલાવનાર ચીન અને તાલિબાનો હાથ મિલાવે ત્યારે તેનો સૂચિતાર્થ શું હોય શકે તે કળવું મુશ્કેલ છે. એક વાત નક્કી છે કે પાકિસ્તાન, ચીન અને તાલિબાનની ત્રિપૂટી આપણા માટે અતિ જોખમી છે. રશિયા જેવું દશકાઓ જૂનું મિત્ર આજે આપણાથી દૂર થઈને આ ત્રિપૂટીને પ્રોત્સાહન આપવા આગળ વધ્યું છે ત્યારે આપણી વિદેશનીતિ સામે એક જબરજસ્ત પડકાર ઉભો થયો છે. સતત ગતિશીલ પ્રવાહી પરિસ્થિતિમાં યોગ્ય દિશામાં અસરકારક કામગીરી થકી રાષ્ટ્ર્‌ીય હિતોની ભારત સરકાર રક્ષા કરવા સમર્થ છે. રાષ્ટ્ર્‌ીય સુરક્ષાના મુદ્દે કોઈ રાજકીય મતભેદને અવકાશ ન હોય શકે. રાષ્ટ્ર્‌ની એકતા, દૃઢ સંકલ્પ-શક્તિ અને સ્પષ્ટ દૃષ્ટિ રાખીશું તો આ આફતને પણ પહોંચી વળશું. ભારતના મુસ્લિમ સંપ્રદાય માટે આ એક કસોટી છે. ધર્માંધતાથી પ્રેરાઈને તાલિબાન માટે જરા સરખી પણ સહાનુભૂતિ લઘુમતિના લાંબાગાળાને હિતોને જોખમમાં મૂકશે. 

તાલિબાનો ઈસ્લામના નામે હજારો મુસ્લિમ સ્ત્રી-પુરુષોને મોતના ઘાટ ઉતારે છે ત્યારે તેનામાં કોઈ ગુણ જોવાની ભૂલ ભારતીય મુસ્લિમો કરશે તો તેનાથી સ્થિતિ વધારે જટીલ બનશે. મારા પાકિસ્તાનના રોકાણમાં પાકિસ્તાન સિવિલ સર્વિસના ૧૯૬૪ના બેચના અધિકારી અકબર અહમદ સાથે પરિચય થયો. લાહોરમાં તેમની મહેમાનગતિ માણી. મૂળ પઠાણ, ખૂબ તેજસ્વી અને ઝીણા પરની ફિલ્મના નિર્માતા અકબરે એક વાત કહી છે તેનું આજે સ્મરણ થાય છે. ‘‘૧૭૭૯ની ઈરાનની ક્રાંતિ અને આયોતોલ્લાની રુઢિચુસ્ત વિચારધારા ખૂબ જોખમી છે. જે ઈરાન આધુનિક, સંપન્ન અને સુખી હતું ત્યાં ખૌમેનીએ સ્વતંત્રતા, સમાનતા અને વૈજ્ઞાનિક અભિગમની જગ્યાએ પશ્ચિમની સંસ્કૃતિ દૂષણ છે તેમ ઠસાવીને જે રીતે ઈરાનને કાળચક્રમાં પાછળ ધકેલ્યું છે તેની અસર સમગ્ર વિશ્વમાં થશે.’’

ઈ.સ. ૧૯૨૧માં કમાલ આતાતુર્કે ટર્કી દેશની સૂરત બદલી નાંખી. રુઢિચુસ્ત, આક્રમક, ઈસ્લામની જગ્યાએ ઉદાર અને વ્યવહારિક ઈસ્લામ દ્વારા ટર્કીને દરેક રીતે પ્રગતિશીલ બનાવ્યું. મહિલાઓને સમાનતા અને પ્રજાને લોકશાહી પ્રાપ્ત થયા. માનવીય અધિકારોનું જતન થઈ શકું. કમનસીબે એર્ડેગોનના પ્રમુખપદે ટર્કીમાં પણ ૧૯૭૯ના ઈરાન જેમ પ્રગતિના કાંટા ઊંધા ફરી રહ્યા છે. સાચું કહીએ તો તમામ ૫૬ ઈસ્લામિક દેશોને જરૂર છે કમાલ આતા તુર્ક જેવા દુરંદેશી ધરાવતા અને વ્યવહારકુશળ ઉદારમતી નેતાની. આવું પરિવર્તન ક્યારે આવશે ? કદી આવશે કે નહીં ? તે પ્રશ્નોના ઉત્તર માટે ભવિષ્યની ગર્તામાં શું છૂપાયેલ છે તે કોણ જાણે છે ?

Comments

Popular posts from this blog