આતંકનું પિયર : અફઘાનિસ્તાન
પ્રવીણ ક. લહેરી
આરબ દેશો અને ઈઝરાયલ વચ્ચે જે દીર્ઘકાલિન ઝઘડો ચાલ્યો આવે છે તેમાં ૧૯૭૦માં વિમાનના અપહરણ સાથે જે આતંકનો આરંભ થયો તે ક્રમશઃ વિસ્તરીને આજે સમગ્ર વિશ્વને પરેશાન કરી રહ્યો છે. આબર ઈઝરાયેલ વચ્ચેના તનાવ અને યુદ્ધ પહેલાં પાકિસ્તાને તેના જન્મ સાથે જ તા.૨૨ ઑકટોબર ૧૯૪૭ના રોજ પશ્તુન આદિજાતિના કબીલાવાલા શસ્ત્ર સજ્જ લૂંટારાઓ દ્વારા કાશ્મિર કબ્જે કરવા હૂમલો કર્યો. સરદારે મક્કમતાથી લશ્કર મોકલીને તેને આગળ વધતાં રોક્યા. જો કે ત્યાં સુધીમાં તેમણે જન્મુ-કાશ્મિર રાજ્યનો ૩૫ ટકા ભાગ તેમના કબ્જે કરી લીધો હતો. તત્કાલિન ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટને વડાપ્રધાન જવાહરલાલ નહેરુને આ અંગે યુદ્ધવિરામ કરી જૈસે થે વૈસે સ્થિતિ સાથે યુનાઈટેડ નેશન્સમાં પ્રશ્ન લઈ જવા સમજાવી લેતાં આ પ્રશ્ન ભારત પાકિસ્તાન વચ્ચે છેલ્લાં ૭૪ વર્ષથી શિરદર્દ બન્યો છે. જો કે બે વર્ષ પહેલાં ભારતના ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે તા.૫ ઑગસ્ટે ૨૦૧૯માં બંધારણની કલમ ૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મિરના વિશેષાધિકારો રદ કરીને તેને ભારતનું અવિભાજ્ય અંગ બનાવ્યું. છેલ્લાં બે વર્ષમાં અલગતાવાદી કે સ્વાયત્તાના બહાને મનમાની કરવા ટેવાયેલ રાજનેતાઓને અંકુશમાં રાખી સ્થાનિક પ્રજામાં નવા વિશ્વાસનો સંચાર થઈ રહ્યો છે ત્યારે અફઘાનિસ્તાનના તાજેતરના બનાવોએ કાશ્મિરના ભારત વિરોધી તત્ત્વોને નવો પ્રાણવાયુ પૂરો પાડ્યો છે. મહેબુબા મુફ્તિનો દાવો ‘‘અમારી ધીરજનો અંત આવશે તો ભારતના હાલ અમેરિકાના અફઘાનિસ્તાનમાં થયા તેવા થશે’’ આ ધમકીભરી ભાષા દર્શાવે છે કે મુખ્યમંત્રી પદે બિરાજેલા આ મહિલા આગેવાન કે તેના પિતા સહિતના પૂર્વ મુખ્યમંત્રીઓ જેની થાળીમાં ખાધું તેમાં જ છેદ કરવાની નીતિ અપનાવી પોતાના રોટલા શેકવા સિવાય બીજી કોઈ લોકોપયોગી કામગીરી કરી નથી. અમેરિકા શસ્ત્રોની દૃષ્ટિએ ખૂબ શક્તિશાળી છે. તેના માટે ભૂમિ પર ખાસ કરીને ગેરીલા યોદ્ધાઓ સામે લડવાની ક્ષમતા હવે શંકાસ્પદ બની છે. કોરિયા, ઈરાક, વિયેટનામ હોય કે અફઘાનિસ્તાન અમેરિકા ભૂમિ પર કબ્જો જાળવીને સ્થાનિક લોકોમાં વિશ્વાસ પેદા કરવામાં કેમ વારંવાર નિષ્ફળ રહે છે તે એક પેચીદો પ્રશ્ન છે. સ્થાનિક કહેવાતા અમેરિકી ટેકેદારો અને સંભવતઃ અમેરિકી સશસ્ત્ર દળોમાં વ્યાપક ભ્રષ્ટાચાર હોય તો જ આવો કરુણ રકાસ શક્ય બને. આ મુદ્દે અમેરિકા માટે આત્મનિરીક્ષણ કરવાનો છે.
આપણા માટે અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની રીતસરની પીછેહઠ, પાકિસ્તાનની ડબલ ઢોલકી વગાડી અમેરિકા-રશિયાને છેલ્લાં ૪૦ વર્ષમાં છેતરવાની કળા માટે નીચો અંદાજ બાંધવો તે વાસ્તવિક નથી. પાકિસ્તાન આતંકના પાલન-પોષણ માટે સમગ્ર વિશ્વમાં નામચીન છે. તેના કરતૂતો જગજાહેર છે. તેની વિશ્વસનીયતા તળીયે બેઠી છે. આર્થિક પાયમાલીની કગાર પર ઉભું છે. આમ છતાં છેલ્લાં ૭૦ વર્ષથી અમેરિકા દ્વારા તેને ભરપૂર લશ્કરી અને આર્થિક સહાય આપવામાં આવી છે. સાથે સાથે ૪૭ વર્ષથી તેનું ચીન સાથેનું ઈલુ ઈલુ પણ ચાલે છે. હવે તેમાં રશિયા પણ ભળી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ આપણા માટે ખતરાની ઘંટડી વગાડી રહ્યો છે. ભારત વિરોધી તાકાતો મુખ્યત્વે પાકિસ્તાન-ચીનને જો રશિયાનો ટેકો મળતો રહે તો તેઓ ભારત સાથે અવળચંડાઈ કરવામાં કોઈ કસર છોડશે નહીં. ઈતિહાસ સાક્ષી છે કે ઈ.સ. પૂર્વે ૩૨૬માં સિકંદર અને પોરસ વચ્ચે થયેલા યુદ્ધનો માર્ગ અફઘાનિસ્તાનમાંથી પસાર થયો હતો. પોર્ટુગીઝો (૧૫મી સદી) અંગ્રેજો, ડચ (વલંદા), ફ્રેંચ એમ યુરોપના વેપારીઓ સમુદ્ર માર્ગે આવ્યા તે પહેલાંના તમામ આક્રમણો વાયવ્ય સરહદેથી આવ્યા હતાં. પાણીપતના ત્રીજા યુદ્ધ ઈ.સ. ૧૭૬૧ સુધી આ આક્રમણોનો સિલસિલો ચાલુ રહ્યો.
આજે ફરી વાયવ્ય સરહદે સ્થિતિ સ્ફોટક બની છે. જમ્મુ-કાશ્મિરના લગભગ અડધા હિસ્સા પર ગેરકાયદે કબ્જો જમાવી બેઠેલા પાકિસ્તાન અને ચીન માટે અફઘાનિસ્તાનનો ઉકળતો ચરુ એક અનોખો અવસર છે. છેલ્લા ૪૦ વર્ષથી આતંકી કૃત્યો દ્વારા આપણને હેરાન-પરેશાન કરનાર આ પાડોશી દેશો માટે કાશ્મિરમાં ઉંબાડીયા કરવા માટે અફઘાની જેહાદીઓ ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે. જો આપણે આ શત્રુઓને ઉગતાં ડામી ન શકીએ તો તે તેમની હરકતો વધારતા રહેશે તેવી દહેશત અસ્થાને નથી. હકીકતમાં આપણા માટે આ ક્રુર, ધર્માંધ, લાલચુ અને સંસ્કારહીન નરરાક્ષસ જેવા તાલિબાનોને અંકુશમાં રાખવામાં ન આવે તો તેઓ ક્યાં કેટલું નુકશાન કરશે તેનો અંદાજ આવવો અશક્ય છે. ઓસામા બિનલાદેનના અલકાયદા દ્વારા ૯/૧૧ ના અમેરિકા ઉપરના હુમલાઓએ ૨૦૦૧માં જ સાબિત કરી આપ્યું હતું કે પાકિસ્તાનની ચશ્મપોશી સાથે અફઘાનિસ્તાનમાં આતંકીઓનું સંરક્ષણ અને સંવર્ધન બેરોકટોક ચાલે છે. ફરી પાકિસ્તાનને ધર્મના નામે જીહાદ અને કાફિર જેવા શબ્દો સાથે ભારતની સુરક્ષા પર ખતરો પેદા કરવા માટે ખૂબ સાનુકૂળ વાતાવરણ બન્યું છે.
આપણા દેશ માટે પણ ‘જેવા સાથે તેવા થઈએ તો દુનિયામાં રહીએ’ જેવી ઉક્તિ પ્રમાણે તાલિબાનો થકી આતંક આપણી દિશામાં આગળ ન વધે તે માટે સતત જાગૃતિ અને સુદૃઢ વ્યવસ્થા કરવી અનિવાર્ય છે, તાકીદની અને ગંભીર બાબત છે. તાલિબાન એક એવો સમૂહ છે કે જેના પર કોઈ બાબતે વિશ્વાસ કરી શકાય તેમ નથી. તેમની માનસિકતા વિકૃત બની ચૂકી છે. તેમના માટે માનવતાના મૂલ્યોનું જરા પણ મહત્ત્વ નથી. પોતાના કે પારકા કોઈ પર હિંસા કરવામાં તેને સ્હેજે ક્ષોભ નથી. માનવીય હક્ક જેવો શબ્દ તેમણે કદી વિચાર્યો નથી કે સમજ્યા નથી. તેમનો શરિયતનો કાયદો એટલે મારે તેની તલવારનો ન્યાય છે. જે પાંચેક વર્ષ તેમણે અફઘાનિસ્તાનમાં શાસન કર્યું ત્યારે તારાજી અને ખૂનામરકીનો ખેલ અવિરત ચાલતો રહ્યો. તેમની જમીન અને માણસોને ઝનૂનપૂર્વક ધર્મના નામે યુદ્ધ કરીને લૂંટ, બળાત્કાર, ગુલામો બનાવવા સહિતના તમામ ગુન્હાઓ સાધારણ ઘટના છે. જે સંહારલીલા સમગ્ર વિશ્વના આત્માને ઢંઢોળે છે તેનાથી તાલિબાનોનું રૂંવાડું સુદ્ધાં ફરકતું નથી.
અફઘાનિસ્તાનમાંથી નીકળવાના સમયે અમેરિકાએ જે શસ્ત્ર સરંજામ અને સુવિધાઓ છોડી છે તેનો કેટલો દુરુપયોગ તાલિબાનો ક્યાં અને ક્યારે કરશે તે નક્કી નથી. હા, એક વાત નિશ્ચિત છે. તાલિબાનો જંપશે નહીં અને કોઈને જંપવા દેશે નહીં. તેમનો ઉપદ્રવ અફઘાનિસ્તાનની સરહદો બહાર ન જાય તે માટે ચાંપતી વ્યવસ્થા કરવી જરૂરી છે. આપણી વિદેશનીતિ આજે કસોટીની સરાણે ચડી છે. આપણે શું કરવું જોઈએ.
આપણી ચિંતાનો વિષય એ છે કે કાશ્મિરના મુદ્દે આતંકી હૂમલાઓ સાથે પાકિસ્તાનના પીઠ્ઠુ એવા કાશ્મિરી આગેવાનો માટે ચીન-રશિયાનું પીઠબળ મળે તો તેનાથી આપણને નુકશાન થાય. અમેરિકા ભારતને કેટલી મદદ નિઃશુલ્ક અને નિઃસ્વાર્થભાવે કરે તે એક યક્ષપ્રશ્ન છે. રશિયાએ છેલ્લા પાંચેક વર્ષોમાં તેમની નારાજગી સાથે પણ ભારતને મદદ કરવા માટે ચીન અને પાકિસ્તાનને રોક્યા છે. શસ્ત્ર સરંજામની ખરીદી રશિયા પાસેથી ભારત કરે છે અને તેની જૂની મિત્રતાના આધારે આપણા સ્થાનીય ભૌગોલિક કારણો ધ્યાને રાખીને યોગ્ય વ્યૂહરચના સાથે સશસ્ત્ર રીતે સામનો કરવાની ક્ષમતા વધારવી તે એક માત્ર અસરકારક વિકલ્પ છે.
Comments
Post a Comment