૫ર્યાવરણ ક્ષેત્રે પીછેહઠ
- પ્રવીણ ક. લહેરી
ફરી એક વખત તારીખ ૫ જૂન ૨૦૨૧ના રોજ આપણે ‘વિશ્વ પર્યાવરણ દિન’ ઉજવ્યો. કોઈએ વૃક્ષ વાવ્યું તો કોઈએ વૃક્ષ કાપવાની પ્રતિજ્ઞા લીધી. કોઈએ પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરી તેને રિસાયકલ કરવાનું કામ કર્યું તો કોઈએ હવાની શુદ્ધિ માટે યજ્ઞ કર્યો. અનેક વિદ્ધવાનોએ વિવિધ સલાહ આપી. ગંભીર ચેતવણીઓ પણ આપી, અમંગળ આગાહીઓ કરી. વિશ્વ પર્યાવરણ દિન પૂરો થયો અને આપણી જીવનશૈલી તો વોહી રફતારના ધોરણે પૂર્વવત્ ચાલવા માંડી. જળ, જમીન અને વાયુમાં પ્રદૂષણ વધારતી તમામ પ્રવૃત્તિઓ આપણે આદતવશ જેમની તેમ ચલાવતા રહીએ છીએ. ચેતવણીની ઘંટડીઓ કે જોખમોની સાઈરન ભલે વાગ્યા કરે. આપણે તો એક દિવસના નાટકમાં નાનકડો ભાગ ભજવીને પછી તો જેવા હતા તેવા જ બની જઈએ છીએ. પર્યાવરણના પ્રશ્ને ઉકેલની દિશામાં આગળ વધવાના બદલે સતત આપણી પીછેહઠ થઈ રહી છે તે સત્ય સ્વીકારીને ‘દેર આપે પણ દુસ્ત આયે’’ના ન્યાયે આપણા જીવનમાં અનેક ફેરફારો લાવ્યા વિના છૂટકો નથી. જે ઉપાયો જરૂરી છે તે અંગે હવે ઉપેક્ષા સેવશું તો ખૂબ જોખમી દુર્ઘટના ઝડપથી આપણી નજીક આવી રહી છે. આપણે આવા વિનાશને સામેથી નોતરી રહ્યા છે.
પર્યાવરણને પ્રદૂષિત કરી કુદરતની સમતુલા ખોરવી નાખીને આપણે આ નીલા રંગના ગ્રહને દોજખમાં ફેરવવા માટે જે ઉધામા કર્યા છે તેને આપણે માનવજાતની ગૌરવવંતી સિદ્ધિઓ માનીએ છીએ. આ આવિષ્કારો આપણી અનેક ઈચ્છાઓ સંતોષે છે, આપણી સગવડો પણ સાચવે છે, આપણને સુરક્ષા પ્રદાન કરે છે પણ તેમ કરવામાં જે જોખમો પેદા થયા છે તેને નિવારવામાં એક દિવસની ઉજવણી પર્યાપ્ત નથી. આપણને જરૂર છે સતત જાગૃતિને, ચુસ્ત સંયમની અને યોગ્ય સમજણની. પ્રદૂષણનો પ્રશ્ન જટીલ બની ચૂક્યો છે. આપણે અતિ વિલંબ અને લાપરવાહી માટે દ્રોહી છીએ. હવે આપણે ૨૪ ૭ સતત કાર્ય કરીને પરિસ્થિતિને પલટાવવાની છે. સહેજ પણ ગફલત કે થાય છે, થઈ રહેશે જેવા સંગ્દિધ વલણ માટે હવે કોઈ જગ્યા નથી. ખૂબ મોડું થયું છે. વિશ્વની ૮ અબજની માનવવસ્તી પોતાની અને ભાવિ પેઢીની ખેરીયત ચાહતી હોય તો આપણે આપણા તમામ કાર્યોમાં ધરમૂળથી બદલાવ લાવવો પડશે. આપણે છેલ્લા ૨૦૦-૩૦૦ વર્ષમાં જે ઉપભોગની વ્યવસ્થા ગોઠવી છે તે ન હતી ત્યારે પણ આપણા પૂર્વજો તમામ રીતે દુઃખી હતા તેવી માન્યતા ભૂલભરેલી છે. આજે આપણી ઈચ્છાઓની તત્કાલ પૂર્તિ માટે, ક્ષણિક સુખ માટે, અન્યને દેખાડવા માટે, સમજણ વિના કુદરતી સાધનોનો વેડફાટ કરીએ છીએ. પર્યાવરણની ચિંતા કરીએ તો વિકાસ ન થાય, પર્યાવરણના નામે ખોટી રીતે દુનિયાને ગેરરસ્તે દોરવામાં આવે છે તેવી કાગારોળ સાથે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે પર્યાવરણ રક્ષાની સૌથી મહત્ત્વની પૅરિસ સમજૂતિ ફગાવી દીધી હતી. વર્તમાન પ્રમુખ જો બિડેને ફરી અમેરિકાને આ સમજૂતિમાં જોડીને માનવજાત ઉપર ઉપકાર કર્યો છે તેમ કરવામાં કશી અતિશયોક્તિ નથી.
પર્યાવરણને થતી હાનિ માટે અનેક પરિબળો જવાબદાર છે. આ ખૂબ લાંબી યાદીમાંથી આપણે ૫ મહત્ત્વના મુદ્દા અંગે વિશ્વલેષણ કરીએ તો આપણને એ સમજાય છે કે ચિંતાના કારણો કયા છે અને તેના નિવારણ માટે શું કરવું પડે ?
૧.હવામાં ઓક્સિજનની ઊણપ :
સામાન્ય રીતે હવામાં ૭૮ ટકા નાઈટ્ર્ોજન, ૨૧ ટકા ઓક્સિજન અને ભેજ સહિત અન્યનું પ્રમાણ ૧ ટકો હોય તે સામાન્ય ગણી શકાય. શહેરી વિસ્તારોમાં પેટ્ર્ોલ-ડિઝલથી ચાલતા વાહનોને કારણે કાર્બન ડાયોકસાઈડનું અને અન્ય ઝેરી વાયુઓનું પ્રમાણ વધે છે. ઓક્સિજનનું સ્તર નીચે આવે છે. આપણા શ્વસનતંત્ર પર ખૂબ માઠી અસર થાય છે. ખૂબ બારીક રજકણોના કારણે એલર્જી સહિત અનેક રોગો પણ થાય છે. એક ધુમ્રપાન કરનાર વ્યક્તિના ફેફસામાં જે નુકશાન હોય તેવું નુકશાન ધુમ્રપાન ન કરનાર શહેરીજનોના ફેફસામાં જોઈને અગાઉ ડૉકટરો ચોંકી જતા હતા. હવે તેમને પણ ઘટના વ્યાપક સ્વરુપે જોવા મળે છે. કોરોનાના બીજા મોજામાં આપણને ઓક્સિજન-પ્રાણવાયુનું મહત્ત્વ સમજાયું પણ આપણા હવામાનમાં સુધારો કરવા આપણે આપણી જીવનશૈલી બદલવાની જરૂર છે. આપણે કાર, બાઈક, સ્કૂટરનો વપરાશ ઘટાડી, સાઈકલ અપનાવવા તૈયાર છીએ ? આ પ્રશ્નનો ઉત્તર ‘ના’ છે. વાહનોના સંખ્યામાં જે ઝડપી વધારો થયો છે તે ઓક્સિજનના સ્તર માટે જોખમી કક્ષાએ પહોંચ્યો છે. આપણીશહેરી વાહનવ્યવહારની પદ્ધતિ નવેસરથી ગોઠવવાનો પડકાર છે. આપણે ધારીએ તો આ કાર્ય મુશ્કેલ નથી. જરૂર છેે સમજણની, સહયોગની અને સંયમની. પ્રાણવાયુનો શ્વાસોશ્વાસમાં વપરાશ ૨૧ ટકામાંથી પાંચેક ટકા જેટલો છે. તેની જગ્યાએ ઉશ્વાસમાં પાંચ ટકા કાર્બન ડાયોકસાઈડ હોય છે. તે આપણા માટે હાનિકારક છે પણ વૃક્ષો, છોડ માટે આવશ્યક ખોરાક પૂરો પાડે છે.
૨.ભૂગર્ભમાં ઊંડે જતું જળનું સ્તર :
આપણા દેશમાં કુલ સિંચાઈના વિસ્તારમાંથી ૬૦ ટકા વિસ્તારમાં ભૂગર્ભ જળથી સિંચાઈ થાય છે. જ્યારે આ ભૂગર્ભ જળનો વપરાશ વર્ષે થતાં રીચાર્જ કરતાં વધી જાય છે ત્યાં ભૂગર્ભ જળ ખૂબ ઊંડા જાય છે તેમાં જોખમી ક્ષારોનું પ્રમાણ વધી જાય છે. તે વિસ્તારની જમીન પણ ખરાબ થાય છે. દેશમાં કુલ ૬૫૮૪ બ્લોક(તાલુકા) છે તેમાંથી ૧૦૩૪માં ડાર્બ ઝોન એટલે કે તેમાં ભૂગર્ભ જળની સ્થિતિ ગંભીર છે. ગુજરાતમાં ૨૫૨ તાલુકાઓમાંથી ૫૭ તાલુકાઓમાં ડાર્ક ઝોન જાહેર થયું છે પણ સ્થાનિક રાજકીય દબાણને વશ થઈને સરકારે વધારે ટ્યૂબવલોને વીજ જોડાણ આપવાનો નિર્ણય કર્યો છે, તેને પર્યાવરણવિદો દુર્ભાગ્યપણે માને છે. ટપક સિંચાઈ પદ્ધતિ, વોટર હારવેસ્ટિંગ અને રીચાર્જ દ્વારા પરિસ્થિતિમાં સુધારો લાવી શકાય છે પણ આ બાબતે સ્થિતિ દિનપ્રતિદિન ગંભીર બનતી જાય છે. ‘જળ એ જ જીવન’ એમ કહીએ છીએ પણ આપણી જવાબદારી ખૂબ મોટા ફેરફારો માંગે છે. પ્રતિ ઍકર સૌથી વધારે વરસાદનું પાણી ભારતમાં ઉપલબ્ધ છે પણ તેનો ઉપયોગ વ્યવસ્થાના અભાવ સારી રીતે થઈ શકતો નથી. પાણીનો સૌથી વધારે ઉપયોગ સિંચાઈમાં થાય છે તેમાં જરૂરિયાત કરતાં અનેકગણું પાણી વાપરી આપણે ખૂબ મોટી આપત્તિને આમંત્રણ આપી રહ્યા છીએ.
૩.રસાયણ-પેટ્રોરસાયણોનો અતિશય વપરાશ :
છેલ્લા૩૦૦ વર્ષોમાં આપણે અનેક રસાયણો અને પેટ્ર્ોરસાયણો શોધીને તેનો ઉપયોગ અનેક કામોમાં કરીએ છીએ. છાપકામ, મકાનને રંગ, દવાથી માંડીને અવકાશયાન માટે આપણે રસાયણો-પેટ્ર્ોરસાયણો વાપરીએ છીએ. આ રસાયણોના વપરાશને કારણે જળ, જમીન અને વાયુ એમ ત્રણેયનું પ્રદૂષણ થાય છે. અનેક રસાયણોના કારણે જીવસૃષ્ટિ લુપ્ત થઈ છે. દૂધાળા પશુને દૂધ વધારે આપે તે માટે અપાતું રસાયણ (હોર્મોન) વિશ્વમાંથી ગીધની વસ્તી સાવ પાંખી માટે જવાબદાર છે. આપણે તેનું ઉત્પાદન કેમ પ્રતિબંધિત નથી કરતાં તે એક કોયડો છે. રસાયણોના ઉત્પાદનમાં વધતો પ્રવાહી કચરો અને ઉપયોગથી તેની આડઅસરોના કારણે આજે ખોરક, પાણી, હવા અને સ્પર્શમાં આવતી અનેક વસ્તુઓમાં કૅન્સર, લીવર-પેન્ક્રીયાસ, કિડની અને લોહીના વિકારો થાય તેવા તત્ત્વોની મોજુદગી ભયજનક સ્તરે છે. રસાયણિક ખાતરો જંતુનાશકોના બેફામ વપરાશને કારણે જીવસૃષ્ટિની કડીઓ તૂટી રહી છે. આપણી આજની ઉત્પાદન પદ્ધતિઓ, ઉપભોગની વૃત્તિ અને પ્રદૂષણની ઉપેક્ષા બાબત જાગૃત થઈને ધરમૂળથી ફેરફારો કરવા જરૂરી છે.
આ વર્ષે ચીન, યુરોપ, ફિલીપાઈન્સ સહિત અનેક દેશોમાં ભયાનક પૂરો આવ્યા છે અને ભારતમાં મહારાષ્ટ્્ર્, હિમાચલ પ્રદેશમાં જે ઘટનાઓ ઘટી છે તે જોતાં પર્યાવરણ અંગે આપણે જો સમયસર ચેતીશુ નહીં તો અનેક અનર્થ થશે. ગત સપ્તાહે આપણે હવામાં ઓક્સિજનની ઉણપ, ભૂગર્ભમાં ઘટતું જતું પાણીનું સ્તર અને રસાયણોના અતિશય વપરાશની વાત કરી. આ ઉપરાંત પ્લાસ્ટિક અને તેની લગતી સમસ્યાઓ તેમજ પરંપરાગત સંસ્કૃતિનો અનાદર અને કાર્બન ઉત્સર્જનની સમસ્યાનો પણ વિચાર કરવો જોઈએ.
Comments
Post a Comment