સેવાની સુવાસ

                                                                                                                  - પ્રવીણ ક. લહેરી

ગુજરાત રાજ્યમાં મહાજન પરંપરાથી શરુ કરીને માનવસેવાની જ્યોત પ્રજ્જવલિત રાખનાર સંસ્થાઓ અને વ્યક્તિઓની યાદી કરીએ તો અનેક પાનાંઓ ભરાય તો પણ સમગ્ર ક્ષેત્રને આવરી શકીએ નહીં તેવું વિશાળ કાર્ય સામાજિક સેવાના ક્ષેત્રે થયેલું છે. અગાઉની મહાજન પરંપરામાં ઉપનિષદના ‘સર્વે સન્તુ સુખીનો; સર્વે સન્તુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગભવેત’ એ જ સંદેશને સાર્થક કરતી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. શિક્ષણ હોય કે આરોગ્ય, સમાજસુધારણા હોય કે સ્ત્રી સશક્તિકરણ, વિકલાંગનો વિકાસ હોય કે વંચિતોના ઉત્થાનનો પ્રશ્ન હોય  દરેક ક્ષેત્રમાં સેવાકીય સંસ્થાઓ અને સમર્પિત કાર્યકરોની આગવી ભૂમિકા રહેલી છે.

૧૯૨૦માં શરુ થયેલા ગાંધીયુગમાં મુખ્યત્વે રચનાત્મક કાર્યને કારણે અનેક સંસ્થાઓ દુરદરાજના અંતરિયાળ વિસ્તારમાં કાર્યરત થઈ છે. શ્રી ઠક્કરબાપા, શ્રી જુગતરામ દવે, શ્રી નાનાભાઈ ભટ્ટથી માંડીને અનેક લોકોએ ગાંધીચિંધ્યા માર્ગે ચાલીને ગામડાંમાં વસેલા હિન્દુસ્તાનની કાયાકલ્પ માટે કમર કસી હતી. આપણને સૌને વિદિત છે કે જ્યારે જ્યારે કોઈ સુશિક્ષિત અને કુશળ વ્યક્તિ ગાંધીજી સાથે જોડાવા આવી ત્યારે બાપુએ તેને એક જ સૂચન કર્યું હતું કે; ‘ગામડામાં રહીને કામ કરો.’ રચનાત્મક કાર્યક્રમની આ પરંપરા આજે ગુજરાતના હજારો ગામડામાં ધબકે છે. આદિવાસી વિસ્તારની આશ્રમશાળા હોય કે સામાજિક-શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટેની નિવાસી શાળા હોય, નવોદય વિદ્યાલય હોય કે નારી સંરક્ષણ ગૃહ હોય - દરેક કાર્યમાં જીવનભર સમર્પણ કરીને સમાજને ઋણી બનાવતા અનેક લોકો ખરેખર આપણા માટે પ્રેરણામૂર્તિ સમાન ગણી શકાય. 

ગાયકવાડી પ્રાંત તરીકે અંગ્રેજીમાં ૧૯૦૪માં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરીને વડોદરાના મહારાજા પ્રાતઃસ્મરણિય શ્રી સયાજીરાવ ત્રીજાએ આ દેશમાં શિક્ષણક્ષેત્રે એક આગવી કેડી કંડારી હતી. એ જમાનામાં અમરેલીની ઓળખ વિદ્યાનગરી તરીકેની હતી. ગોંડળ અને વડોદરા જેવા પ્રજાવત્સલ રાજ્યોની પ્રજાને આઝાદી પહેલાં પણ શિક્ષણ સુવિધા દ્વારા વિકાસનાં ફળો ચાખવા મળ્યા હતા. આ અમરેલી જિલ્લાના બગસરા ગામે વર્ષ ૧૯૯૮માં વિશ્વ વાત્સલ્ય માનવસેવા ટ્ર્‌સ્ટની સ્થાપના શ્રી દેવચંદભાઈ સાવલિયા, શ્રી ભીમજીભાઈ નાકરાણી, શ્રી પ્રવીણભાઈ ઠક્કર અને મિત્રો દ્વારા કરવામાં આવી. આ સંસ્થાએ કોઈપણ પ્રકારની સરકારી સહાય કે અનુદાન વિના છેલ્લાં ૨૩ વર્ષમાં જે કાર્ય કર્યું છે તે માટે અદ્‌ભૂત વિશેષણ પણ ઓછું ગણાય. આ સ્થાપનાના પાયામાં સત્કાર્યોની ધૂણી ધખાવનાર યુવાદંપતિ શ્રી દેવચંદ સાવલિયા, શ્રીમતી જયશ્રી સાવલિયા અને સેવાભાવી કાર્યકરોની ટીમ છે. આ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિ ઉપર નજર નાંખીએ તો તેનું સૌથી પ્રથમ અગ્રતાનું કામ બાળમંદિર, પ્લે હાઉસ અને શિશુકુંજ વિદ્યામંદિર પ્રાથમિક શાળા ગણી શકાય. બાળકોની સ્વતંત્રતા, સર્જનાત્મકતા અને સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને આ સંસ્થા દ્વારા અનેકવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે હુન્નર અને કૌશલ્ય નિર્માણ, કમ્પ્યુટરની કુશળતા, સંગીત, વિજ્ઞાન સહિત વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવે છે જેથી બાળકોનો વિકાસ સર્વાંગી અને સંતુલિત થઈ શકે. સંસ્થામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત બાળકોની આરોગ્ય તપાસણી, સ્વચ્છતા, વૃક્ષારોપણ, રમતોત્સવ, પ્રાણાયમ, વિવિધ સ્પર્ધાઓ સાથે શિક્ષણને જીવનોપયોગી બનાવવા માટે પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. બાળકોને પોસ્ટ ઑફિસ, બેંક, ખેતર, બજાર વગેરેમાં કેમ કામ કરવું તે પણ શીખવવામાં આવે છે અને તહેવારોની ઊજવણી અને આનંદમેળા દ્વારા દ્વારા જીવનને ઉત્સવ બનાવી માણવા માટેની તાલીમ પણ આપવામાં આવે છે. વિશ્વ વાત્સલ્ય ટ્ર્‌સ્ટ - બગસરા દ્વારા વિચરતી જાતિના સરાણિયા, કુંભારિયા, દેવીપૂજક, પરિવારના ૩૦ જેટલાં બાળકોને છાત્રાલયમાં રાખી નિઃશુલ્ક રહેણાંક, ભોજન, શિક્ષણ અને કૌશલ્યનિર્માણ દ્વારા રોજગારી અપાવી શકાય છે તે સંસ્થાની વિશિષ્ટ સિદ્ધિ છે. સંસ્થામાં વિદ્યાર્થીઓ તેમજ વાલી સાથેની મિટીંગો દ્વારા સમાજમાં પ્રવર્તતી અસમાનતા, ભેદભાવ, ઉંચનીચની લાગણીથી બાળકો અલિપ્ત રહે તે માટે પણ વિશેષ કાળજી કરવામાં આવે છે. બગસરાની આસપાસમાં અતિ ગરીબ અને પછાત વર્ગના લોકો કે જેઓ માટે જીવન એક સંઘર્ષ છે તેમના બાળકો માટે ભણવું એ પણ સ્વપ્ન રહી જાય છે તેવા લોકો માટે કુલ ૮ શિક્ષણ કેન્દ્રો ચલાવી વંચિત બાળકોને સર્વાંગી શિક્ષણ આપવા માટે સફળ પ્રયત્ન કરવામાં આવ્યો છે. બાળકોમાં નાનપણથી જ બચતની ટેવ પડે અને નાણાંનું સાચું મૂલ્ય સમજાય તે માટે અલગ અલગ ગલ્લા પેટી દ્વારા બચત કરાવી તેનું રોકાણ કરવાની પણ તાલીમ આપવામાં આવે છે. રચનાત્મક કાર્યક્રમ હેઠળ ખાદી ઉત્પાદન માટે અંબરચરખા યુનિટ, મહિલાઓ માટે સિલાઈ, શિક્ષણ, રાહત દરે વસ્તુઓના વેચાણ કેન્દ્રનું સંચાલન કરવામાં આવે છે. મહિલા મંડળ દ્વારા ૧૪ જેટલાં ગામોમાં ૮૩૫ બહેનોને બચત અને માર્ગદર્શન દ્વારા પૂરક આવક ઉભી કરવામાં સંસ્થાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. દરરોજ ૨૦૦ થી વધારે પરિવારોને નિઃશુલ્ક છાશ વિતરણ કરીને પરિવારની મહત્ત્વની જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે. લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ આવે, પ્રાથમિક સારવાર અંગેની ક્ષમતા વિકસે અને નાની બીમારીમાં ઘરગથ્થું ઈલાજ થઈ શકે તે માટે નિષ્ણાત ડૉકટરો દ્વારા કૅમ્પો યોજી માર્ગદર્શન આપવામાં આવે છે. પરિવારમાં વડીલોનો આદર, અરસપરસના સંબંધોમાં સ્નેહ અને સંવેદનશીલતા તેમજ પરિવાર વિવાદમુક્ત રહે તે માટે આપણા પરંપરાગત મૂલ્યોનું પણ શિક્ષણ આપવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે સંસ્કાર વિના આપણો સમાજ સંપન્ન થશે પણ સુખી થઈ શકશે નહીં. વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્ર્‌સ્ટ તરફથી આ સત્યને નજર સમક્ષ રાખીને બાળકોમાં સંસ્કાર ઘડતરની સાથે તેના પરિવારના તમામ સભ્યોને મદદરૂપ થાય તેવા કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવે છે.

ગ્રામીણ વિકાસમાં ખેતી કેન્દ્રસ્થાને છે. વર્ષોથી ખેડૂતોએ ‘જય જવાન, જય કિસાન’નો નારો સાર્થક કરી આપણા દેશને અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બનાવ્યો છે એટલું જ નહીં પરંતુ આપણે ખેતીની પેદાશોની નિકાસ કરવામાં પણ ઝડપથી આગળ વધી રહ્યાં છીએ. સંસ્થા તરફથી આસપાસના ૧૫ જેટલાં ગામોમાં જીવન જીવવાલાયક બને અને ગામડાં રહેવા લાયક બને એવા માનવીય મૂલ્યોને કેન્દ્રમાં રાખી ખેડૂતો ગાય આધારિત સજીવ ખેતી કરે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. ૨૦૦ જેટલી ગીર ગાયોની સંખ્યા વધારી ખેડૂતો દ્વારા દવા વગરના શુદ્ધ દેશી તલ, કઠોળ, અનાજ, ઘી વગેરે ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. જળ, જમીન, જંગલની જાળવણી અને મૂલ્ય સંવર્ધન દ્વારા ખેડૂતોને માર્ગદર્શન-સહાય આપવા માટે નાબાર્ડની યોજનાનો પણ અમલ કરવામાં આવી રહ્યો છે. ખેતી માટે પાણી એ પ્રાણ પ્રશ્ન છે. આ વિસ્તારના ૧૦ ગામોમાં ૪૫ જેટલા ચેક ડેમ બાંધી સિંચાઈની વ્યવસ્થા દ્વારા ખેડૂત બે પાક લઈ શકે અને આવકમાં વધારો થઈ શકે તે માટેના સફળ પ્રયત્નો થયાં છે. ખેડૂતો માટે પ્રેરણારૂપ બને એવું એક મૉડેલ ફાર્મ તૈયાર કરી તેમાં સજીવ ખેતીના ઉત્પાદનનું પ્રત્યક્ષ નિદર્શન કરવા માટે પણ કાર્યક્રમ અમલી બનાવ્યો છે. ભાવનગરની શિશુવિહાર સંસ્થાના અનુભવી કાર્યકરો દ્વારા આંગણવાડીની બહેનોની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સજીવ ખેતીની જેમ કુદરતી ઉપચાર થઈ શકે તેવા રોગોના નિદાન અને સારવારનો કૅમ્પ પણ યોજવામાં આવે છે.

બગસરાની આ સંસ્થાની મુલાકાત લઈ તેની પ્રવૃત્તિએ નિહાળનારના મુખમાંથી એક જ ઉદ્‌ગાર સરી પડે છે; ‘‘ભારતના દરેક ગામડાંમાં આવી એક સંસ્થા હોય તો દેશ ખરેખર બદલાય અને લોકોની સુખાકારીમાં નોંધપાત્ર વધારો થાય. અનેક ઉદારદીલ દાતાઓના સહયોગથી આ સંસ્થાએ લાંબી મંઝીલ પાર કરી છે પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગામડાંમાં વંચિતો અને ગરીબો માટે કોરોનાએ અનેકવિધ સંકટોનું નિર્માણ કર્યું છે. આ સંજોગોમાં ગ્રામીણ કક્ષાએ કામ કરતી તમામ સંસ્થાઓ ઉપર ખૂબ મોટી જવાબદારી આવી છે અને તે પૂરી કરવામાં જે કોઈ સહયોગ કરે તે માનવતાની મોટી સેવા કરે છે તેમ હું નિઃસંકોચપણે કહી શકું તેમ છું. અમદાવાદમાં સદ્‌વિચાર પરિવાર છેલ્લાં ૫૬ વર્ષથી સક્રીય છે અને તેના સ્થાપક સ્વ. શ્રી હરિભાઈ પંચાલ એટલે આજીવન સેવાના ભેખધારી. વિનમ્ર અને સંપૂર્ણપણે સમર્પિત સમાજ સેવક. શ્રી દેવચંદભાઈ સાવલીયા અને શ્રીમતી જયશ્રીબહેન સાવલીયાના નામો ગુજરાતના અગ્રણી સમાજ-સેવિકાઓમાં નિઃશંકપણે સામેલ છે. આપણે સેવાની સંસ્થાઓને હુંફ આપીએ, સહયોગ કરીએ અને માર્ગદર્શન કરીએ તો આપણી આવતીકાલ ઉજ્જવલ બનશે.

Comments

Popular posts from this blog