‘‘ભારતીય રાષ્ટ્ર્‌ીય કોંગ્રેસ : ઐતિહાસિક પરિપેક્ષ્યમાં’’

                                                                                                                   - પ્રવીણ ક. લહેરી

લોકશાહીમાં રાજકીય પક્ષોની ભૂમિકા ખૂબ મહત્ત્વ ધરાવે છે. આપણા દેશમાં ભારતના ચૂંટણી પંચ સમક્ષ હજારો પક્ષો નોંધાયેલા છે. પંચના માપદંડો પ્રમાણે અમુક પક્ષો સ્થાનિક રાજ્યકક્ષાએ માન્યતા ધરાવે છે તો કેટલાક થોડા રાજ્યોમાં સક્રીય છે. બહુ મર્યાદિત સંખ્યાના પક્ષોને રાષ્ટ્ર્‌ીય પક્ષો તરીકે માન્યતા મળી છે. આ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી હોવાનું ગૌરવ ભારતીય રાષ્ટ્ર્‌ીય કોંગ્રેસનો પ્રાપ્ત છે. અગાઉ વર્ષો પહેલાં પટ્ટાભી સિતારામૈયાએ કોંગ્રેસનો વિસ્તૃત ઇતિહાસ લખ્યો હતો. આઝાદી પહેલાંના સમયખંડ માટે આ ગ્રંથ અનેક રીતે પ્રમાણભૂત ગણાય છે. ગુજરાતમાં રાજકીય પક્ષો, તેના નેતાઓ, તેની વિચારધારા, તેની ઉપલબ્ધિઓ, તેની નિષ્ફળતાઓ અંગે વર્તમાનપત્રોમાં અનેક લખાણો આવે છે. સોશ્યલ મિડીયા તો પક્ષીય રાજકારણનું નવું સમરાંગણ બન્યું છે. આક્ષેપો, પ્રતિ-આક્ષેપો, ઐતિહાસિક હકીકતો અને મનઘડંત જુઠ્ઠાણાઓના કારણે ઇતિહાસને સાચી રીતે સમજવામાં અંતરાયો ઉભા થયા છે. આવા વિષમ સમયે જીવનભર કોંગ્રેસ પક્ષની કંઠી બાંધીને અનેક જવાબદારીઓ નિભાવીને વિવિધ સ્તરે સક્રીય રહીને અનેક ઘટનાના સાક્ષી રહેલા શ્રી પ્રમોદભાઈ શાહે ભારતીય રાષ્ટ્ર્‌ીય કોંગ્રેસ : દર્શન અને ચિંતનના શિર્ષક હેઠળ ૪૩૫ પાનાંનો દળદાર ગ્રંથ પ્રકાશિત કરીને દસ્તાવેજીકરણના ક્ષેત્રે ખૂબ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. શ્રી પ્રમોદભાઈ શાહ માતૃસંસ્થાને વરેલા છે, જ્યારે કોંગ્રેસના ઇતિહાસમાં તેની સૌથી માઠી દશા ચાલી છે ત્યારે નિષ્ઠાપૂર્વક પક્ષ દ્વારા લોકસેવામાં રત રહેવા માટે શ્રી પ્રમોદભાઈ આપણા અભિનંદનના અધિકારી છે. ૮૦ વર્ષની જૈફ વયે તેમણે જે અભ્યાસ, પરિશ્રમ અને પ્રતિબદ્ધતાના દર્શન કરાવ્યા છે તે એક ગૌરવશાળી ઘટના છે. તેમનું આ પુસ્તક ગુજરાતના જ નહીં પણ દેશના રાજકારણમાં રૂચિ ધરાવતાં, વિશ્લેષણો કરતાં કે આગાહી કરતાં સૌ કોઈ અભ્યાસુ માટે એક ઉત્તમ સંદર્ભ ગ્રંથ બન્યો છે તેમ હું નિઃસંકોચ કહી શકું છું. બાલ્કન જી બારીથી માંડીને ભારત જેૈન સમાજના અધ્યક્ષ તરીકે તેમણે સેવાઓ આપી છે. પયુર્ષણ વ્યાખ્યાનમાળાઓના પ્રવચનો, તેના પુસ્તકોના પ્રકાશન ઉપરાંત પાંજરાપોળ-ઝવેરીવાડ અંગેના રસપ્રદ પુસ્તકો પણ તેમણે આપણને આપ્યા છે. તેમના સ્નેહી શુભેચ્છકોએ ‘‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું’’ નામના અભિનંદન ગ્રંથ દ્વારા તેમની દીર્ઘ જાહેરજીવનની કારકિર્દીને ઉજાગર કરી છે. 

આજે પણ વિકટ પરિસ્થિતિ વચ્ચે તેમણે કોંગ્રેસના એક અદના કાર્યકરની હેસિયતથી લોકસેવાની ધારા અખંડ રીતે વહેતી રાખી છે. તેમના લખાણમાં સરળતા સાથે રસમયતા છે. સમયના ક્રમને બદલે ચોક્કસ બાબતોના શિર્ષકો હેઠળ તેમણે ૧૩૫ વર્ષનો ઇતિહાસ જે રીતે મુદ્દાસર લખ્યો છે તે સંક્ષિપ્ત છે પણ સંપૂર્ણ છે. તેમણે ગાગરમાં સાગર સમાવવાની કામગીરી કુશળતાપૂર્વક પાર પાડી છે. કોંગ્રેસના ઇતિહાસમાં તેમણે પક્ષની ભૂલો, આગેવાનોની ક્ષતિઓ, વિવાદોને પક્ષ પ્રત્યેની વફાદારી અને નિષ્ઠાને છોડ્યા વિના વર્ણવેલ છે. તેમાં તટસ્થતાનો અભાવ લાગે પણ જેમણે પક્ષને દિલથી ચાહ્યો છે, જેમણે સ્વાર્થ ત્યજીને લોકસેવાને જીવનમંત્ર બનાવ્યો છે તે પક્ષના બચાવમાં અડીખમ ઉભા રહેવાનો વિકલ્પ પસંદ કરે તે સ્વાભાવિક છે. તેમના જ શબ્દોમાં કહીએ તો; ‘‘મેં આ ગ્રંથ લખતાં ઘણું છોડી દીધું છે, ઘણું રહી ગયું છે, ઘણું છૂટી પણ ગયું છે, આ ગ્રંથમાં કેટલીક વિગતો અને માહિતી તથા અજાણી વાતો મારા દિમાગમાં તણખાં જેમ હજુ ઘૂમી રહી છે જે ઠોસ પૂરાવાના આધારે (અભાવે) અહીં રજૂ કરી શક્યો નથી.’’ કુલ ૫૮ પ્રકરણોમાં ૨૯ જેટલાં પુસ્તકોની સંદર્ભસૂચિ સાથે શ્રી પ્રમોદભાઈએ ભારતીય રાષ્ટ્ર્‌ીય કોંગ્રેસના ૧૩૫ વર્ષના ઇતિહાસને રજૂ કર્યો છે. એક દૃષ્ટિએ જોઈએ તો તેમનું આ કાર્ય ડૉક્ટરેટની થિસીસ કક્ષાનું છે. જેમ પીએચ.ડી.નો વિદ્યાર્થી અનેક સંદર્ભો સાથે પોતાના વિષયના એક વિધાનની યથાર્થતા ચકાસી અભિપ્રાય સાથે મહાનિબંધ લખે તેમ શ્રી પ્રમોદભાઈએ સમગ્ર ગ્રંથનું આલેખન કર્યું છે.

આપણામાનાં અનેક પરિવારોના પૂર્વજો વીસમી સદીના પૂર્વાધમાં આઝાદી સંગ્રામ સમયે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા તે એક સામાન્ય ઘટના હતી. ત્યારબાદ ૧૯૨૦-૧૯૩૦ અને ૧૯૪૨ની આઝાદીની લડતોમાં મહાત્મા ગાંધીના પગલે ચાલી જે કોઈએ દેશ માટે તર્પણ કર્યું હતું. તેમાનાં થોડા વિનોબાજીના સર્વોદય માર્ગે ચાલ્યા, થોડા લોકોએ રચનાત્મક કાર્યો, ખાદી ગ્રામોદ્યોગ, અસ્પૃશ્યતા નિવારણ અને નશાબંધી ક્ષેત્રે જીવન ખપાવી દીધું. અનેક મહિલાઓએ સ્ત્રી સંરક્ષણ અને સશક્તિકરણ ક્ષેત્રે અસરકારક કામ કર્યું. અનેક લોકોએ કોંગ્રેસ પક્ષ મારફત સત્તા સ્થાનોએ બિરાજી લોકસેવા અને વિકાસ માટે કાર્ય કર્યું. તેમાનાં અનેકનાં કાર્યો સચિત્ર રજૂ કરીને શ્રી પ્રમોદભાઈએ ભાવિ પેઢીને ખૂબ ઉપયોગી થાય તેવું મહત્ત્વનું કાર્ય કર્યું છે. અગ્રણી રાષ્ટ્ર્‌ીય નેતાઓ, વડાપ્રધાનો, રાષ્ટ્ર્‌પતિ અને મંત્રીઓની ટૂંકી જીવન ઝરમર અને પ્રદાનને વર્ણવીને શ્રી પ્રમોદભાઈએ સૌના સામાન્ય જ્ઞાનમાં વધારો થાય તેવી માહિતીનો ખજાનો આપણા સમક્ષ ખુલ્લો મૂકી દીધો છે.

આજે કોંગ્રેસ તેના અસ્તિત્વને કેમ ટકાવવું તેની મથામણમાં છે. હવે રાજકારણમાં વિચારધારાનો પ્રભાતવ નહિવત્‌ છે. જે છે તે પણ મતો મેળવવાની પ્રક્રીયાનો ભાગ છે. જો જીતા વો સિકંદરના ન્યાયે ચાલતા રાજકારણમાં અવસરવાદ એ જ એકમાત્ર વાદ રહ્યો છે. બાકી બધા વિવાદોમાં વિચારોની પ્રમાણિકતા ક્યાંય જોવા મળતી નથી. ટેલીવિઝન પરની ચર્ચા હોય કે ઈન્ટરનેટ પ્લેટફોર્મ પરના સંદેશાઓ હોય, તમામ જગ્યાએ ‘‘જીસકી તડ મેં લડ્ડું ઉસકી તડમેં હમ’’ એ માર્ગદર્શક સિદ્ધાંત છે. કોંગ્રેસના જે કાર્યકરો, નેતાઓએ માતૃસંસ્થાના ભવિષ્યમાંથી શ્રદ્ધા ગુમાવી છે તેના પૂરાવાઓ રૂપે હજારો પક્ષાંતરના કિસ્સા આપણી સામે છે. કોંગ્રેસની મૂળ સંસ્કૃતિ નાશ પામી છે કે અદૃશ્ય થઈ છે તેનો નિર્ણય કરવો સહેલો નથી. હા, વંશવાદ, એક જ પરિવારની ઈચ્છાથી થતાં નિર્ણયો અને નિષ્ઠા, પ્રમાણિકતા તેમજ સમર્પણના અભાવે ૧૩૫ વર્ષનો ઇતિહાસ અને વિક્રમો ધરાવતો તેમજ અને દેશના મહાન નેતાઓનો પોષક એવો રાજકીય પક્ષ આજે પ્રાણવાયુ માટે તરફડી રહ્યો છે. શ્રી પ્રમોદભાઈ જેવા નિષ્ઠાવાન અને પ્રમાણિક કાર્યકરે તેમના અભ્યાસ અને અનુભવોના આધારે પક્ષને ચેતનવંતો બનાવવા માટેના સૂચનો કોઈની શેહશરમ રાખ્યા વિના કર્યા હોત તો અનેક કોંગ્રેસી કાર્યકરો માટે તે ઉપકારક થાત.

આપણા દેશના બંધારણને ૭૧ વર્ષ થયાં અનેક ઝંઝાવાતોમાંથી દેશની નૈયા આજે એવા પ્રવાહમાં આવી છે કે તેની ગતિ કઈ દિશામાં થશે તેની અવઢવ છે. આજે ઓકટેવીયન હ્યુમ, એની બિસન્ટ, લોર્ડ ઈરવિન જેવા ભારતપ્રેમી અંગ્રેજો હોવાનો હવે પ્રશ્ન જ નથી. સર્વશ્રી દાદાભાઈ નવરોજી, ફિરોજશાહ મહેતા, લોકમાન્ય ટિળક, લાલા લજપતરાય, બિપીનચંદ્ર પાલ, ચિત્તરંજન દાસ, મોતિલાલ નહેરુ, બદરૂદ્દીન તૈયબજી, મહાત્મા ગાંધી, નેતાજી, સરદાર પટેલ, પંડિત નહેરુ, ચક્રવર્તી રાજગોપાલાચારી, જે. બી. ક્રિપ્લાણી, શ્રી વિઠ્ઠલભાઈ, ડૉ. રાજેન્દ્રપ્રસાદ, ક. મા. મુન્શી, ખાન અબ્દુલ ગફારખાન (સરહદના ગાંધી) જમનાલાલ બજાજ, વિનોદબાજી, ગોવિંદ વલ્લભ પંથ, ડૉ. બિધાનચંદ્ર રૉય, કામરાજ, ડૉ. જીવરાજ મહેતા, જયપ્રકાશ, અરુણા અસફઅલી. આ મહાપુરુષોની યાદી વચ્ચે એક બાબત સમાન છે તે તેનો રાજકીય પક્ષ કોંગ્રેસ હતો. તેમના અનેક મહમદઅલી ઝીણા સહિત કોંગ્રેસથી અલગ થયા. સ્વરાજ પાર્ટી, ફોરવર્ડ બ્લોક, પ્રજા સમાજવાદી પક્ષ એમ અનેક શાખાઓ પ્રશાખાઓ થઈ તેનું વર્ણન શ્રી પ્રમોદભાઈએ સુંદર રીતે કર્યું છે.

એક રાજકીય પક્ષના ઇતિહાસમાં વિવિધતા હોય પણ કોંગ્રેસમાં જે વૈવિધ્ય, સ્વાતંત્ર્ય, સમર્પણ અને ક્ષમતા જોવા મળ્યા હતાં તેનો આજે સર્વત્ર અભાવ છે. રાજકારણમાં રસ ધરાવતા અને જાહેરજીવનમાં અગ્રેસર થવા ઈચ્છતા સૌ માટે આ પુસ્તકનું વાંચન અનિવાર્ય લેખાશે. આ ગ્રંથના અભ્યાસથી જાહેર સેવામાં કાર્યરત તમામને માહિતી સાથે માર્ગદર્શન મળશે, જાણકારી સાથે પ્રેરણા મળશે. ગુજરાતના અને દેશના રાજકારણનો ઇતિહાસ લખીને, પ્રમોદભાઈએ આપણને એક દિવ્ય અર્ક પીરસ્યો છે, તેમણે વહાવેલી આ જ્ઞાનગંગામાંથી કેટલું આચમન લેવું તે આપણી વૃત્તિ પર આધારિત છે.

Comments

Popular posts from this blog