હું પાલણપૂરી, મારું પાલણપુર

                                                                                                                  - પ્રવીણ ક. લહેરી

‘‘મને કોઈએ પૂછયું ? તમે ગુજરાતી છો ? ના તો તમે મારવાડી છો ? ના,  તમે હિંદુ કે જૈન ? ના, હું તો પાલણપુરી છું.’’ તમારા નવાબ તો મુસ્લિમ હતા કેમ ?’’ ‘‘ના, તે પાલણપૂરી હતાં.’’ પાલનપૂરીઓની રહેણીકરણી, વિચારસરણી, સંસ્કૃતિ, ભાષા, પહેરવેશ પણ અનેકની અસર છે. મારવાડી, મેવાડા, આદિવાસી, જૈન, હિંદુ, મુસ્લિમ, ઉત્તર ગુજરાત, રાજસ્થાન વગેરેના પ્રભાવમાં જે આગવી જીવનશૈલી વિકસી તેનું નામ ‘‘પાલણપૂરી’’ આ શબ્દો છે એક વકીલના. છ દશકાઓ સુધી વકીલાત કરી પાલનપુરના જીવન અને ઈતિહાસ સાથે ઓતપ્રોત થઈ ગયેલા. વધુ ચોકસાઈથી કહેવું હોય તો જેમણે પોતાનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે પાલણપુર માટે ઓગળી દીધું હોય તેવી બહાર ઓછી જાણીતી પણ પાલનપુર માટે સાવ પોતીકા એવા શ્રી શિરીષભાઈ મયાચંદ મોદી. તેનું થોડા સમય પહેલાં અવસાન થયું. થેાજન સંસ્મરણોનું પુસ્તક ‘‘સંભારણા’’ એ પાલણપુરનો અનોખો દસ્તાવેજ છે.

તા.૨૧ ડિસેમ્બર ૧૯૩૮ના રોજ જન્મેલા શ્રી શિરીષભાઈએ જીવનના ૮૨ વર્ષ પ્રમાણમાં સ્વસ્થ રીતે અને સક્રીયતા સાથે વિતાવ્યાં. શ્રી શિરીષભાઈના પરિવારે તેમણે લખેલા વિવિધ લેખોનું પુસ્તક ‘‘સંભારણા’’ શિર્ષક હેઠળ પ્રકાશિત કર્યું છે. તે વાંચતા મને ૧૯૭૪-૭૬ વચ્ચે બનાસકાંઠામાં કલેકટર તરીકેનો સમયગાળો જે પાલણપુરમાં વિતાવ્યો હતો તેના સ્મરણોની સુનામી માનસપટમાં ફરી વળી. આ લેખોનું સંપાદન ઋષિરાજ રાવળે કાળજી અને કુશળતાપૂર્વક કર્યું છે. શ્રી શિરીષભાઈની પુત્રી અનિષાએ ફોન કરીને કહ્યું; ‘‘મારા પપ્પાના ‘સંભારણા’નું પુસ્તક મોકલવું છે તો એડ્રેસ આપો.’’ આ સમાચાર મારા માટે સાનંદાશ્ચર્યથી ભર્યાં હતાં. ૪૭ વર્ષના પરિચિત અનોખા પાલણપુરી શિરીષભાઈ સાથે સંબંધ તો જળવાય રહ્યો. સાથે સાથે તેમની વિશાળ સામાજિક સેવાની વિગતો મળતી રહી. અનેક સંસ્થાઓમાં તેમના નિમંત્રણોથી પ્રવચનો માટે જવાનું થતું રહ્યું.

શિરીષભાઈ પાલનપુરમાં આટલા જાણીતા છે કે તેને સૌ સારી રીતે ઓળખે અને તેનો પણ શહેરીજનો સાથેનો આત્મિય નાતો એ એક વિરલ ઘટના છે. તેમના સંભારણા વાંચતા સૌથી પ્રથમ તો તેની બહુમુખી પ્રતિભાના દર્શન થાય છે. સંપાદક ઋષિરાજના શબ્દોમાં ‘‘બનાસકાંઠાના ન્યાય, શિક્ષણ, કલા, સાહિત્ય અને સેવાના ક્ષેત્રે હંમેશાં જેમનું ઉમદા પ્રદાન રહ્યું તેવા દીર્ઘદૃષ્ટા, દુરંદેશી, મેઘાવી, કુશાગ્ર, બુદ્ધિજીવી, સદાય સેવાકીય પ્રવૃત્તિઓમં અગ્રેસર, નિખાલસ, સંવેદનશીલ અને આકર્ષક વ્યક્તિત્વના માલિક, પ્રખર ધારાશાસ્ત્રી, સફળ શિક્ષણવિદ્‌, કુશળ વહીવટક્તા, કલા રસિક, કલા મર્મજ્ઞ અને જેમની નસેનસમાં વતનપ્રેમ વહેતો હતો તેવા શિરીષકુમાર મોદીના નામ આગળ તમે ગમે તેટલાં વિશેષણો લગાવો તો એ બરાબર સટીક, સાર્થક થઈ જાય.’’ આ સંભારણા એટલે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય માટે સમજણનો સેતુ, પાલણપુર રાજ્યની સ્થાપનાથી સાંપ્રત સમયના ઈતિહાસનો આધારભૂત દસ્તાવેજ અને સ્વાનુભાવોનો શબ્દ થાળ. સાથે સાથે હળવો વિનોદ અને કટાક્ષ, સરળ અને સહજ શૈલી, પ્રસંગો અને વ્યક્તિઓનું સંક્ષિપ્ત, સુરેખ અને સચોટ વર્ણન. ભવિષ્યે જેમણે પાલણપુર અંગે કાંઈ પણ અધ્યયન કે સંશોધન કરવું હશે તેના માટે સંભારણા એ સૌથી ઉપયોગી સંદર્ભગ્રંથ તરીકે સ્વીકારાશે તેમણે યાદદાસ્તના આધારે જે ઝીણવટથી વર્ણન કર્યું છે તે કાબિલેદાદ છે.

પાલણપુર એટલે અત્તરની નગર, દૂધ ઉત્પાદકોનું તીર્થસ્થાન, ગઝલકારોના શેર-શાયરીનું શહેર, આગવી રીતભાત અને ગૌરવવંતી પરંપરાનું સ્થળ. શિરીષભાઈના શબ્દો આ સઘળું સ્પષ્ટ અને સબળ રીતે ઉજાગર કરે છે.

જો શ્રી શિરીષભાઈ પાલણપુરને બદલે અમદાવાદ કે મુંબઈ રહ્યા હોત તો દેશભરમાં જાણીતા ધારાશાસ્ત્રી અથવા હાઈકોર્ટ સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ હોત. ધીકતી કમાણી કરતા હોત અને વકીલાતમાં ખૂબ નામના કમાયા હોત. શિરીષભાઈના જીવનમાં આ જો અને તો તો પ્રશ્ન જ ન હતો. હું પાલણપુરી એ જ સાચી ઓળખ અને મારું કાર્યક્ષેત્ર પાલણપુર જ તે મારી પસંદગી એવા દૃઢ નિર્ધાર સાથે તેમણે પોતાની મરજી મુજબ પાલણપુરના કણકણમાં ભળી જવાનું સ્વીકાર્યું. આ સંકલ્પ સાકાર કરી બતાવ્યો. બે વર્ષ પહેલાં વિદ્યામંદિરના કાર્યક્રમમાં તેમના સાથે વિતાવેલો સમય યાદ આવ્યો. અગાઉ શ્રી બકુલ બક્ષી નિવૃત્ત કસ્ટમ ચીફ કમિશ્નર સાથે કાર્યક્રમોમાં પાલણપુર જવાનું થતું હતું પણ તેમના અવસાન બાદ શ્રી શિરીષભાઈ જ એક જૂના પરિચિત હતા. શિરીષભાઈના સંભારણાની પાત્રોની સૂચિ અને વર્ણન ખૂબ રસપ્રદ છે. નવાબશ્રી તાલે મહંમદખાન, ચંદ્રકાન્ત બક્ષી, આર. જે. મહેતા, શૂન્ય પાલણપુરી, જીવાજી શેઠ,અકબરઅલી, આબીદ મિયાં. એલ. સૈયદ (વિખ્યાત ફોટોગ્રાફર) હરિસિંહ ચાવડા, પુષ્પાબહેન, બી. કે. ગઢવી, દલુભાઈ દેસાઈ, વિશ્વનાથ હાથી, પ્રેમાશંકર રાવળ (ચિત્રકાર), બાગમલ બક્ષી, સૂરજમલ મહેતા, અને ન્યાયાધીશો, કલેકટરો અને ઢીમાના શ્રી ઝુઝારસિંહ વિશે તેમણે જે આલેખન કર્યું છે તે માટે એટલું જ કહી શકાય; ‘‘આ ચરિત્ર લેખન એટલે ગાગરમાં સાગર સમાવવાની ઉપલબ્ધિ.’’

વહોરાજીના સૈયદનાના સ્વાગતમાં પીલી મર્સિડીઝમાં સૈયદુનાના પઢારવાનો પ્રસંગ, સ્પુટનિક નિહાળવામાં શિરીષભાઈની મસ્તી, મારવાડી લગ્નમાં જાનૈયાઓને, મુંગે ધાલિયો, ખૂબ મનવાર કીધો કે કાઠિયાવાડના જજ્જની બેલિફને સૂચના ‘‘માંયલી કોર કોઈને ગરવા ન દેવો’’ અને ચંદ્રકાન્ત બક્ષીનું સન્માન જેવા અનેક પ્રસંગોમાંથી કુદરતી નીપજતું હાસ્ય રીડર્સ ડાયજેસ્ટના હાસ્ય ટૂચકા લાઈફ ઈઝ લાઈક ધેટ કે લાફટર ઈઝ ધ બેસ્ટ મેડિસીનમાં બરાબર શોભે તેવા ટૂંકા પણ રસપ્રદ વર્ણનો, શિરીષભાઈ પોતાની ભાષાને અણધડ કહે છે. પરંતુ તેની શૈલી આગવી છે, રસપ્રદ છે અને સુવાચ્ય છે. મારું સદ્‌ભાગ્ય છે કે શિરીષભાઈના વર્ણવેલા પાત્રોમાંથી અનેકનો પરિચય મને થયો છે. પાલણપુરના આ પાત્રોના પરાક્રમોના વર્ણન માટે તો એક મોટી નવલકથા લખવી પડે. પાલણપુરની ખાસિયતો અનેક છે. સૌથી વધારે નેત્રદીપક બાબત માણસને કોઈ આંતરા વિના, ભેદભાવ વિના માણસ તરીકે જોવાની પરંપરા, વિશ્વના ઈતિહાસમાં પાલણપુરની નવાબશાહી જેટલું અન્ય કોઈએ સર્વધર્મ સમભાવ, ન્યાયપ્રિયતા અને પ્રજા કલ્યાણનો ત્રિવેણી સંગમ રચાયાનું મારા ધ્યાનમાં નથી. નવાબ તાલે મહમદખાન ઇંગ્લેન્ડના અભ્યાસ બાદ બ્રિટીશ સમ્રાટના એડીસી બન્યા હતા. તેમના સાથી હતા લોર્ડ માઉન્ટબેટન. તાલે મહમદ ખાતે ભારતીય સંઘના જોડાણ પ્રસંગે જે સંદેશ-પ્રવચન કર્યું તે સાચા રાજધર્મ અને રાષ્ટ્ર્‌વાદનો અનેરો દસ્તાવેજ છે.

ત્રણ ત્રણ પેઢીની વકીલાત, સામાન્ય સ્થિતિમાંથી સંપન્ન થવું, અનેક ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવવી. સૌથી યુવાનવયે નગરપાલિકા, રોટરી કલબના પ્રમુખ થવું કે ડઝનબંધ સંસ્થાનો વહીવટ નિઃસ્પૃહી રીતે કરવો. સતત પ્રવૃત્તિશીલ, વ્યવસાય અને સેવા સાથે સાહિત્ય-કલા જગતમાં પણ સક્રીય રહીને અનેકની કારકિર્દી ઘડવામાં જેમણે સિંહફાળો આપ્યો છે તેવા શિરીષભાઈના જવાથી પાલણપુરમાં જે શૂન્યાવકાશ સર્જાયો છે તેનો અંદાજ પાલણપુરના વતનીઓને જ આવી શકે. શિરીષભાઈના એક બોલે હજારો માણસો કામે લાગે, તેમની એક ટહેલે લાખો રૂપિયાના દાનનો પ્રવાહ વહે, તેમના એક સંકલ્પે પાલણપુરની પ્રજા માટે નવી સવલત પ્રાપ્ત થાય તેવી ક્ષમતાવાળી વ્યક્તિ પાલણપુરને ફરી ક્યારે મળશે તે યક્ષપ્રશ્નનો ઉત્તર આજે તો આપણી પાસે નથી. પાલણપુરને શિરીષભાઈની ખોટ ડગલે ને પગલે સાલશે.

અનેક સિદ્ધિઓ જેમના નામે છે તેવા શિરીષભાઈમાં દૃઢ સંકલ્પ અને અથાક પરિશ્રમની ઉર્જાનો વિચાર કરીએ ત્યારે આપણને ‘‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.’’ જેવી પંક્તિનું સ્મરણ થાય તે સ્વાભાવિક છે. દરેક સફળ વ્યક્તિની પ્રકૃતિમાં જીદનું તત્વ પણ હોય છે. તેમની પુત્રી અનિષાના શબ્દોમાં ‘‘આ અમારે માટે રોજનું હતું, ના પપ્પા એમની જીદ છોડે, ના હું મારી જીદ છોડું’’ ......એમનો આત્મવિશ્વાસ ઘણીવાર દુરાગ્રહમાં પરિણમતો હતો, જે અમે અનેકવાર અનુભવી ચૂક્યા છીએ. સાચું કહું તો ભોગવી ચૂક્યા છીએ...કોઈ સાથે હોય કે ના હોય એ તો અડગ એમના મંતવ્યમાં’’ મને કલેકટર તરીકે અને અન્ય અનેકને તેમના આ આગ્રહી સ્વભાવનો અનુભવ થયો હતો. પરંતુ ‘તારી સંગાથી કોઈ ના આવે તો તું એકલો જાને રે...એકલો જાને રે...એ સૂત્ર સાર્થક કરવામાં શિરીષભાઈ દૃઢ પણ ક્યારેય અગત સંબંધોમાં કડવાશ, ઈર્ષ્યા કે શત્રુભાવ તેમના મનમાં નહીં. આને જ આપણે ‘‘વ્રજથી કઠોર અને કુસુમથી મૃદુ’’ એવું ઉત્તમ વ્યક્તિત્વ શિરીષભાઈનું હતું તેની ગેરહાજરી અનુભવીએ છીએ. અંતમાં, શૂન્ય પાલનપૂરીના શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપીએ; ‘‘મોતીની તાકાત શી મારી શકે ? જિંદગી તારો ઈશારો જોઈએ, જેટલા ઊંચે જવું હો માનવી, તેટલા ઉન્નત વિચારો જોઈએ.’’

Comments

Popular posts from this blog