કુપોષણ 

                                                                                       - પ્રવીણ ક. લહેરી

કુપોષણની વ્યાખ્યા તો સાવ સરળ છે. જ્યારે શરીરમાં જરૂરી પોષક તત્ત્વોની ઊણપ સર્જાય છે ત્યારે વ્યક્તિ કુપોષિત ગણાય છે. ખાસ કરીને વૃદ્વિ પામતા બાળકો માટે કુપોષણની સમસ્યા ખૂબ મહત્ત્વની છે. કુપોષણના ચાર પ્રકારો વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. (૧) નિયત માપદંડ કરતાં ઓછું વજન (૨) સામાન્ય ઊંચાઈ કરતાં ઓછી ઊંચાઈ (૩) ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજન અને (૪) શરીરમાં સૂક્ષ્મ પોષક તત્ત્વોનો અભાવ. બાળકોનો વિકાસ સારી રીતે થાય તે માટે જન્મના પ્રથમ પાંચ વર્ષમાં તેનું સ્વાસ્થ્ય કેવું જળવાય છે તેનું મહત્ત્વ જીવનમાં લાંબાગાળા સુધી રહે છે. કુપોષણની સમસ્યા સામે વિશ્વની વસ્તીમાંથી નોંધપાત્ર સંખ્યા વધારે વજન-સ્થૂળતાથી પીડિત છે. દુનિયાભરમાં ૮૨.૧ કરોડ વયસ્ક વ્યક્તિઓ કુપોષિત છે પણ તે સામે ૧૧૯ કરોડ લોકો સ્થૂળતાનો ભોગ બન્યા છે. પાંચ વર્ષથી નીચેના બાળકોના મરણના કિસ્સાઓમાંથી ૪૫ ટકા જેટલા મૃત્યુ માટે કુપોષણ જવાબદાર છે. કુપોષણ માટે અપૂરતો, અસંતુલિત આહાર કારણભૂત હોય શકે. સાથે સાથે પાચનક્રીયામાં રોગ અથવા અન્ય કારણસર ખોરાકમાંથી શરીર પોષણ ગ્રહણ ન કરી શકે તેવા સંજોગોમાં પણ કુપોષણની સમસ્યા પેદા થઈ શકે છે.

કુપોષણનો વૈશ્વિક ધોરણે વિચાર કરીએ તો કુલ આઠ અબજની વસ્તીમાંથી અંદાજે ૮૨.૧ કરોડ લોકો કુપોષણથી પીડિત છે. આ અંદાજ વર્ષ ૨૦૧૬ આસપાસનો છે. જો કે ૧૯૯૦માં કુલ વસ્તીની ૨૩ ટકાની જનસંખ્યા કુપોષણની સમસ્યાનો સામનો કરી રહી હતી. ૧૯૫૬માં આ મુદ્દે ગોમેઝ અને ગાલવાન નામના બે તજજ્ઞો દ્વારા ઓછું વજન ધરાવતા બાળકો માટે ધોરણ મુજબ ૧૦૦ થી ૯૦ ટકાનું વજન ધરાવનારાને સારા, ૭૫ થી ૮૯ ટકા વજનવાળાને હળવું, ૬૦ થી ૭૫૪ ટકા વચ્ચેના માટે વિશેષ અને ૬૦ ટકાથી ઓછું વજન હોય તેના માટે ચિંતાજનક એમ વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઊંચાઈ, ચામડી નીચેની ચરબી, પોષક તત્ત્વોની ઉણપ વગેરે માપદંડ સાથે વિશ્વ આરોગ્ય સંસ્થાએ અગાઉ દર્શાવ્યા મુજબ જે ચાર કક્ષામાં વર્ગીકરણ કર્યું છે તે આજે ચલણમાં છે. અતિશય કુપોષણ માટે વિવિધ શબ્દપ્રયોગો પણ અસ્તિત્વમાં આવ્યા છે. જેમ કે ધાનાની ભાષાનો શબ્દ ‘‘કવાશીઓરકોર’’ જેનો અર્થ ‘સ્થાન ગુમાવેલ બાળક’ એમ થાય છે. આ પ્રકારના બાળકોમાં સોજા, લીવરની બીમારી અને અપૂરતા પોષક તત્ત્વો જોવા મળે છે. આવી જ રીતે ‘મારાસમસ’ શબ્દ પણ ઓછા વજન અને ઓછી ઉંચાઈ ધરાવતા બાળક માટે વાપરવામાં આવે છે. કુપોષણ માટે સામ (જીટ્ઠદ્બ), મામ (સ્ટ્ઠદ્બ) અને પેમ (ીઁદ્બ)એ વર્ગીકરણ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. સામમાં અતિશય ગંભીર કુપોષણ તો મામમાં મધ્યમ કહી શકાય તેવું કુપોષણ જોવા મળે છે. પેમમાં પ્રોટિન અને એનર્જીનો અભાવ હોય છે.

કુપોષણના અન્ય માપદંડોમાં લોહતત્ત્વની ઉણપ, કેલ્શિયમની ઉણપ અથવા આયોડીનનો અભાવ પણ હોઈ શકે છે. વોલ્ટર જહૉન કોનાર્ડ નામના પોષણ અંગેના નિષ્ણાતે આ ક્ષેત્રે કામ કરીને વિવિધ દૃષ્ટિકોણથી કુપોષણની સમસ્યા મુલવવા માટે નોંધપાત્ર સંશોધન કરી તારણો આપેલા છે.

કુપોષણની સમસ્યા અંગેનો મારો એક અનુભવ વર્ણવવો જરૂરી જણાય છે. ૨૦૦૩ના જૂન માસમાં તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ (હાલના વડાપ્રધાને) શાળામાં તમામ બાળકો ભણે તે માટે પ્રવેશોત્સવ નામની ઝુંબેશ હાથ ધરી. ત્રણ દિવસ માટે દરેક મંત્રીશ્રી, તમામ વરિષ્ઠ અધિકારીઓ ૧૨-૧૫ ગામોમાં રૂબરૂ જઈ મેળાવડો યોજી વાજતેગાજતે નાના બાળકોનો શાળા પ્રવેશ કરાવે. આ બાળકોને દફતર, પાટી-પેન, નોટબુક, પેન્સિલ, રંગો ભેટ આપે અને નાસ્તો કરાવે. લગભગ ૮૦ સિનીયર અધિકારીઓ ગામડામાં જઈને આવ્યા બાદ રિવ્યૂ મિટીંગમાં પૂછયું કે પ્રવેશોત્સવની ખાસ નોંધપાત્ર બાબત કઈ જણાય ? લગભગ સૌનો જવાબ હતો કે અમે બાળકોમાં જે કુપોષણ     જોયું તેનાથી આશ્ચર્ય થયું કે આર્થિક રીતે વિકાસશીલ ગુજરાતમાં આવું કેમ ? કુપોષણની બાબતે એક ખૂબ મોટો વિરોધાભાસ છે. 

આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે જો ચાર-પાંચ મહિના આયોજન સાથે કાળજી કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ આવે છે. વર્ષ ૨૦૧૧ની ૧૧મી ઑગસ્ટે તત્કાલિન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ શ્રી સોમનાથજીના દર્શન માટે આવ્યા હતાં. તે પ્રસંગે પોષણ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ કશું વિશેષ કરે તેવો કલેકટર શ્રી સી.એમ. પટેલનો આગ્રહ. શ્રી સોમનાથ ટ્ર્‌સ્ટે તલ-મગફળી અને ગોળની ખાસ તૈયાર કરાવેલી ખાવામાં સરળ, પૌષ્ટિક અને શુદ્ધ સ્વચ્છ ચિક્કીનું વિતરણ આંગણવાડીમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું. સતત ૪ વર્ષ ૧૦૦ દિવસ માટે કુપોષિત - અતિકુપોષિત બાળકોને ચિક્કી વિતરણની કામગીરી જિલ્લા પંચાયતે વ્યવસ્થિત રીતે કરી. તેના પરિણામે આંગણવાડીના કુલ બાળકો ૪૬૦૦૦  જેટલાં અને તેમાંથી ૫૪૦૦ કુપોષિત, અતિકુપોષિત હતાં. આ સંખ્યામાં પ્રથમ વર્ષે ૫૫ ટકા બાળકો અને ત્યારબાદ દર વર્ષે સરેરાશ ૧૪ ટકા બાળકો કુપોષિત-અતિકુપોષિત કક્ષામાંથી બહાર આવ્યા. આજે ગીર-સોમનાથ જિલ્લો કુપોષણ નિવારવામાં સફળ થયો છે. કુપોષણ દૂર કરવાનો પ્રશ્ન વિચારીએ ત્યારે મધર ટેરેસાની એક સલાહ યાદ આવે છે; તમે ભલે ૧૦૦ માણસોને જમાડી ન શકો પણ એકને પૌષ્ટિક ભોજન આપો તો પણ ઘણું સારું’’ ગુજરાતી દાનવીર પ્રજા અને સ્વૈચ્છિક સંસ્થા સંકલ્પ કરે તો માત્ર ૩ વર્ષમાં ગુજરાતમાંથી કુપોષણની સમસ્યાનું ૯૭ થી ૯૮ ટકા સમાધાન થાય. ૨-૩ ટકા બાળકો બિમારીનો ભોગ બન્યા હોય તો તેમની સારવાર શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ કરાવીએ તો ગુજરાતના માનવ વિકાસ સૂચકાંકમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થાય તેમ મને સંદેહ નથી.

કુપોષણમાં છેલ્લા દસકામાં ૪ ટકા જેટલો ઘટાડો થયો છે. અગાઉ વર્ષ ૨૦૦૫માં ૧૫ ટકા કુપોષણના કેસો સામે ૨૦૧૬માં ૧૧ ટકાનું પ્રમાણ છે. આ સુધારાનો દર ઘણો ધીમો છે. આપણે દૃઢ સંકલ્પ કરી અગ્રતાના ધોરણે કામ કરીએ તો વિશ્વમાંથી કુપોષણ નાબુદ કરવામાં ત્રણ વર્ષથી વધારે સમય લાગે નહીં. વર્ષ ૨૦૧૦માં વિશ્વના ૬૦ લાખ જેટલા નાના બાળકોના મોત થતાં હતાં તેમાં ઘટાડો થઈતે તે સંખ્યા ૨૦ લાખની વર્ષ ૨૦૨૦માં નોંધાઈ છે. ભારતના એક તજજ્ઞનું નિરીક્ષણ; ‘‘વિશ્વમાં સૌને માટે પર્યાપ્ત અનાજ ઉપલબ્ધ છે. પરંતુ તેની વહેંચણી ન્યાયપૂર્વકની નથી. આના કારણે એક બાજુ વિશ્વમાં ૨૦૦ કરોડ (બે અબજ) લોકો વધારે વજન સ્થળૂતાથી ગ્રસ્ત છે અને ૮૨ કરોડ ઓછા વજનથીર્‌સ્ત છે અને ૮૨ કરોડ ઓછા વજનથી કુપોષિત છે.’’ આ અસંતુલિત નિવારણ કરવામાં જે બાધાઓ છે તેની ચર્ચા કરીએ તો અનેક મુદ્દાઓ વિચારવા યોગ્ય છે.

સૌથી પ્રથમ તો વધારે વસ્તી ધરાવતા દેશો, આફ્રિકાના દેશો અને પાણીના અભાવવાળા પ્રદેશોમાં કુપોષણનું પ્રમાણ વધારે છે. વિશ્વની ત્રીજા ભાગની વસ્તી સાધન સંપન્ન છે પણે બે તૃતીયાંશ વસ્તીનું જીવન આજીવિકા અને ખર્ચના બે છેડા ભેગા કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે. નેલ્સન મંડેલાનો સ્પષ્ટ અભિપ્રાય; ‘‘ગરીબી નિવારણ તે કોઈ ધર્માદા કાર્ય નથી, પરોપકારનું કામ નથી, તે કામ તો સૌને સમાન ધોરણે ન્યાય આપવાનું છે.’’ સોશિયલ મિડીયામાં સાંપ્રત સ્થિતિ પર કટાક્ષ કરતાં કોઈક લખે છે; ‘‘જો હું હજાર માણસોને ભોજન આપું તો હું સંત તરીકે ઓળખ મેળવીશ પણ જો હું પૂછીશ કે કેમ આટલા બધા લોકોને ભોજન મળતું નથી તો મને સામ્યવાદી ગણી ધુત્કારવામાં આવશે.’’

ભારત માટે ચિંતાનો વિષય એ છે કે કુપોષણના ક્રમમાં ભારતનો ક્રમાંક ૧૦૭ દેશોમાં ઠેઠ ૯૪મો છે. આંગણવાડી મિડ ડે મીલ યોજના પછી પણ છેલ્લાં ઘણાં વર્ષોથી આપણે ત્યાં કુપોષિતોની સંખ્યા ઘટતી નથી. કોમ્પટ્ર્‌ોલર અને ઓડીટર ઓડીટર જનરલ (સીએજી) એ અગાઉ રૂા.૧૦૪૨ કરોડ પોષણ અંગેની બજેટ ફાળવણી સામે રૂા.૯૦૮ કરોડ જ વપરાયા હતા. કોરોનાને કારણે ચાલુ વર્ષે બજેટોમાં પોષણના માટેની જોગવાઈઓમાં ચિંતાજનક ઘટાડો થયો છે. આપણે માનીએ છીએ કે બાળકો પ્રભુના પયગંબરો છે, બાળકો રાષ્ટ્ર્‌નું ભવિષ્ય છે, બાળવિકાસ જ આપણને જગદ્‌ગુરુ બનાવશે.’’ પ્રશ્ન એ છે કે આ બાળકોનું કુપોષણ દૂર કર્યા વિના આપણો વિકાસ અધૂરો છે.

આપણે ૨૧મી સદીના ૨૧મા વર્ષે એક એવો દૃઢ નિર્ણય કરીએ કે આગામી ૨૧ માસમાં માર્ચ ૨૦૨૩માં ગુજરાતના બાળકોની કુપોષણની સમસ્યા ઉકેલીને જ જંપીશું તો કેવું ?

Comments

Popular posts from this blog