દિનચર્યા - ત્યારે અને અત્યારે (૨)
- પ્રવીણ ક. લહેરી
દિનચર્યાને માટે સ્થળ, ઋતુ, સમય, વ્યવસાય, જીવનશૈલી સહિત અનેક પરિબળો મહત્ત્વના છે. એક જ વાક્યમાં આજથી ૬૦-૭૦ વર્ષ પહેલાંની દિનચર્યા અને વર્તમાન ખાસ કરીને શહેરી વિસ્તારોની આધુનિકતા વચ્ચે જે અંતર છે તે અનેક રીતે સમજવા જેવું છે.
૧. પરિચય-ઓળખ :
ગામોમાં કે નગરમાં જ્યાં ૮-૧૦ હજારની વસ્તી હોય ત્યાં સૌ એકબીજાને ઓળખતા હોય. આ બાબુભાઈ તો આ બચુભાઈ, આ ભોળાભાઈ તો આ ગાંડાભાઈ. સૌ એકબીજાને વ્યક્તિગત રીતે જ નહીં પણ પરિવારની દૃષ્ટિએ પણ ઓળખે. આ આનો છોકરો કે છોકરી, આ આનો ભાણેજ કે ભત્રીજો કે ભાઈ કે બહેન. સૌના સંબંધો સાથેની ઓળખાણ એટલે આત્મિયતાનો પૂરાવો. આજે પણ રાજુલાના ભાઈ કે બહેનના સંતાનો જેમને મેં કદી ન જોયા હોય તે કાકા કે મામાના સંબોધનથી વાત શરું કરે. ગામ એટલે પરિવાર તેવી ભાવના શહેરમાં શક્ય નથી. સૌ મળે ત્યારે આજના જેમ જય શ્રીકૃષ્ણ, જય જલારામ, સતશ્રી અકાલ, જય જિનેન્દ્ર, જય સ્વામીનારાયણ, જય સોમનાથને બદલે સૌને ‘રામ રામ કહેવાની પ્રથા વ્યક્તિ કે પરિવારની ઓળખ જ્ઞાતિ અને પેટાજ્ઞાતિ આધારિત. કોઈ અજાણ્યું મળે એટલે નામ તો પૂછવાનું પણ તેનાથી વધારે અગત્યનો ઓળખ માટેનો પ્રશ્ન; ‘‘તો તમે કેવા ?’’ જ્ઞાતિનો ભાઈચારો, કૌટુંબિક ભાવના અન્ય ગામોના જ્ઞાતિજનો સુધી વિસ્તરેલી હતી. કોઈને જ્ઞાતિવાચક શબ્દથી (વાસ્તવિકતા વર્ણવવામાં કોઈની લાગણી દુભાય તેવું ન બને તેથી શબ્દપ્રયોગ નિવારું છું) બોલાવવામાં કોઈને વિરોધ કે નારાજગી મેં જોયા ન હતાં. જ્ઞાતિ અલગ હોય તો પણ એકબીજા પરિવારો પાડોશમાં હોય કે દૂર હોય તેમના વચ્ચેની દોસ્તી મજબૂત. આજે પણ રાજુલાના અનેક જ્ઞાતિના પરિવાર મારા કુટુંબના સભ્યો હોય તેવી આત્મિયતા જળવાઈ રહી છે. ગામડું એટલે સંતોષનું સરોવર અને વ્હાલનો દરિયો !
૨. પહેરવેશ :
પહેરવેશ તો લગભગ જ્ઞાતિ આધારિત જ હોય. કપડાં કયા પહેર્યાં છે ? પાઘડી કેવી બાંધી છે ? મૂછો છે કે ? જેવી બાબતોથી જ્ઞાતિ નક્કી થાય. કોઈ બ્રાહ્મણ કે વાણીયાએ ભરાવદાર મૂછો રાખી હોય તો ‘‘જો, આ તો દરબાર જેમ મૂછ રાખે છે’’ તેવી ટકોર અચૂક થાય. આજે અમુક જ્ઞાતિના યુવાનો ગામડામાં મૂછ રાખે છે તો હુલ્લડ થઈ જાય છે ત્યારે મને વિચાર આવે કે શું આપણે હજી પણ પ્રાચીન પરંપરાની બેડીઓમાં જકડાયેલા રહીને બંધારણની વિભાવના ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાને ચરિતાર્થ કરવામાં પછાત રહેવું છે ? ભાઈચારો શહેરોમાં જ્ઞાતિ આધારિત થઈ ગયો છે. જો કે કામ, ધંધા, નોકરી, વ્યવસાયના કારણે જ્ઞાતિઓ વચ્ચે સંપર્ક અને લગ્ન વ્યવહારો પણ સામાન્ય બનતાં જાય છે તે એક આશાનું કિરણ છે. પરંપરાગત પહેરવેશમાં ચોયણી, ચોયણાં, કેડીયું, બાંડીયું, લેંઘા, ખમીસ, કફની, અંગરખું, ધોતીયું વગેરે પુરુષો માટે તો ચોળી-ચણીયા, ઓઢણી, સાડી, કાપડું, કમખો, ચૂંદડી વગેરે સ્ત્રીઓ માટે. છોકરીઓ માટે ફ્રોક, સ્કર્ટ પહેરવાની શરુઆત પણ પંજાબી ડ્રેસ અમુક કોમ જ વાપરે તેવી માન્યતા. જીન્સ-ટી શર્ટનો વપરાશ ગામડાં સુધી પહોંચ્યો ન હતો. શહેરોમાં ઘણાં પ્રકારના પરિધાનો નવરાત્રી કે લગ્નપ્રસંગે યોજતાં રાસ-ગરબામાં જોવા મળે છે. ગામડાંની મોટાભાગની વસ્તી માટે પગરખાંની તીવ્ર તંગી. વર્ષે-બે વર્ષે સ્થાનિક ચર્મકાર (મોચી) પાસે માપ (પરમાણુ) આપી ચપ્પલ કે જોડા (બૂટ) બનાવરાવા એટલે શહાબુદ્દીનભાઈના હાસ્યલેખમાં જોડા સીવરાવવામાં પડતી મુશ્કેલી, થતો વિલંબ સૌએ અનુભવેલો. દરજી મોચીના કામમાં થતી ઢીલ માટે ઉક્તિ પ્રચલિત બની હતી. ‘‘દરજીની સવાર ન પડે - મોચીની સાંજ ન પડે.’’
૩. ખોરાક :
સમાજના ભદ્ર વર્ગ તરીકે પોતાને ઓળખાવતી જ્ઞાતિઓમાં ભોજનમાં શિરામણ, બપોરા, રોંઢો, વાળુ એમ સમય સમયના ભોજનનું મેનુ લગભગ ફીક્સ. બપોરના ભોજનમાં સોમવારે મગની દાળ, મંગળવારે કઢી, બુધવારે તુવેરદાળ, ગુરુવારે ચોળી, શુક્રવારે ચણદાળ, શનિવારે અડદ કે અડદદાળ અને રવિવારે વાલની દાળ - ભોજન અંગે મેં મારી બાને એ પૂછતાં નથી જોઈ કે ‘‘આજે શું બનાવીએ’’ દરેક તિથી, તહેવાર, વાર, મહેમાનો વગેરેને ધ્યાને લઈ પરંપરાગત વાનગીઓ બને. શ્રમિકો માટે તો ખૂબ અભાવની સ્થિતિ. સવારે ચા-દૂધ સાથે ટાઢો રોટલો, બપોરે શાક-સંભારા કે ચટણી અને છાશ સાથે રોટલો અને રાત્રે દૂધ સાથે રોટલો જે કશા ફેરફાર વિનાનો ખોરાક. શ્રમિકો માટે જુવાર, બાજરા, મકાઈ જેવા બરછટ અનાજનો વપરાશ વધારે પણ આઝાદી બાદના ૧૫-૨૦ વર્ષ રેશનીંગ-સસ્તા અનાજની દુકાનેથી ઘઉં, બાજરો કે ખાંડ મળતા. ગુજરાતની સ્થાપના બાદ વર્ષો સુધી તેલનો ભાવ સૌથી સંવેદનશીલ મુદ્દો રહ્યો. તેલીયારાજા અને સરકારની સાંઠગાંઠના આક્ષેપો સાથ અનેક નાના મોટા આંદોલન થયા. સનત મહેતા અને અશોક ભટ્ટના વિધાનો; ‘‘તેલ પરવડતું નથી તેથી આંસુના મોણ સાથે બહેનો રોટલીનો લોટ બાંધે છે.’’ ટીપાં તેલ માટે ટળવળતાં પરિવારો - ‘‘નળથી વિખૂટી પડેલી વનમાં વળવળતી વૈદેહીની યાદ અપાવે છે.’’ આજે આ ખાસ અવતરણો (કવૉટેબલ કવૉટ જેવા) આપણને રાજકારણમાં અલંકારિક ભાષામાં વિરોધ કરી શકાય છે તેની યાદ અપાવે છે.
૪. જાણકારી :
અગાઉ ગામડાંઓમાં જાહેર ગ્રંથાલય, શાળાના પુસ્તકાલયોના મર્યાદિત પુસ્તકોના વાંચનથી જાણકારી પ્રાપ્ત થતી હતી. વર્તમાનપત્રો વાંચનારાની સંખ્યા પણ મર્યાદિત હતી. અક્ષરજ્ઞાનની ટકાવારી ૪૦-૪૫ ટકા આસપાસની હોવાથી મોટાભાગના લોકો માટે કાળો અક્ષર ભેંસ બરાબર જેવી સ્થિતિ હતી. લોકો એકબીજાને સરેરાશ લોકોની જાણકારી આજના ૧૦ વર્ષના બાળકથી પણ ઓછી હતી તેમ કહેવામાં હું ભૂલ નથી કરતો. જો કે અનેક લોકોનું પશુ-પક્ષી અંગેનું જ્ઞાન, ઋતુચક્રના પરિવર્તન અને પ્રભાવની સમજણ, રાત્રે આકાશદર્શન સાથે તારા, નક્ષત્રો અને આકાશગંગાની સમજણ ખૂબી સારી હતી. આજનો શહેરીજન આ મુદ્દે નિરિક્ષણના અભાવને કારણે અજ્ઞાન રહે છે તે હકીકત છે.
૫. વ્યવસાય :
ગામડાંની મોટાભાગની વસ્તી ત્યારે જ્ઞાતિ આધારિત ધંધા-રોજગારમાં પ્રવૃત્ત હતાં. પોતાની જ્ઞાતિનો વ્યવસાય છોડીને કોઈ નવી કામગીરી કરે ત્યારે તે સાહસ અંગે ખાસ્સી ચર્ચા થતી. મારા પરિવારે મુંબઈ નજીક વિલાયતી નળીયા બનાવવાના કારખાનામાં ભાગીદારી કરી તો અનેક લોકો પૂછતા હતાં કે કેમ તમે આ કુંભારીકામમાં પડ્યા ? જ્ઞાતિ વ્યવસ્થાની વિચિત્રતાઓ ઘણી હતી. બ્રાહ્મણ અન્યના ઘરે ‘‘દયા પ્રભુની’’ બોલીને લોટ માંગે તો પણ તે પૃથ્વી પરના દેવ-ભૂદેવ મનાતા. અમુક પછાત જ્ઞાતિના યુવાન-યુવતી સારી ભણે તો તેમાં પણ આશ્ચર્ય વ્યક્ત થતું હતું.
૬. સ્ત્રીઓની સ્થિતિ :
પરંપરાગત પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓ સ્વતંત્રતા અને અધિકારોથી વંચિત હતી. જો કે કોઈ મહિલા સાથે ઊંચે અવાજે વાત કરવી તે ઝઘડો કરવો તે સંસ્કાર વિરુદ્ધ ગણાતું હતું. ખેતીકામ, ઢોરની સાચવણ, ઝાડું-વાસીદું, ઘંટીથી અનાજ દળવું - રસોઈ જેવી અનેક પરિશ્રમયુક્ત કામગીરીનો બોજો પરિવારોમાં મહિલાઓ પર થતો. તેમની દિનચર્યા વર્ણવવા માટે ‘‘ઢસરડાનું જીવન’’ એવો શબ્દપ્રયોગ થતો હતો પણ તેમનો બોજો ઘટાડવાનો વિચાર સમાજમાં કોઈ સ્તરે થતો ન હતો.
૭. તહેવારો-ઉત્સવો :
તહેવારો અને ઉત્સવો, તેની પરંપરા, પોશાક, ભોજન, પૂજા, મેળા, શોભાયાત્રા વગેરે અંગે નિશ્ચિત ધોરણો હતાં. લગભગ દરેક તહેવાર કે ઉત્સવ ધર્મની સાથે ગાઢ રીતે સંકળાયેલા હતાં. શિતળાની રસી કરતાં શિતળામાતાની બાધા પૂજાનું મહત્ત્વ વધારે હતું. ઉત્સવોમાં લોકોનો ઉમંગ સ્વયંભૂ રહેતો હતો. ઉત્સવો પાછળનો ખર્ચ જરૂર થતો હતો પણ તેમાં ક્યાંય બીનજરૂરી ખર્ચનો વપરાશ અવકાશ ન હતો.
દિનચર્યામાં જે સાહજિકતા હતી, ઉષ્મા હતી, ઉત્સાહ હતો અને મનમાં શાંતિ-સંતોષ હતાં તે વિકાસલક્ષી ન હોય તો ભલે પણ સુખરૂપ જીવન માણતા ગ્રામીણ લોકોની મોજ અનેરી હતી.
Comments
Post a Comment