સમાજનું દર્પણ : અખબાર                                                          

                                                                         - પ્રવીણ ક. લહેરી

                                                                                                                                         ક્રમશઃ


અમુક ચિંતકોનું કહેવું છે કે સમાચાર સમાચાર હોય છે. તેમાં નકારાત્મક કે સકારાત્મકનો ભેદ તો આપણે પાડીએ છીએ. જે ધટના ઘટી છે તે હકીકતનો અહેવાલ સાચો હોય તેટલી અપેક્ષા પૂરતી છે. તેના વાંચવાથી કોઈને ડર લાગે, બિહામણ સ્વપ્નો આવે, મુંઝવણ થાય, નિરાશાના વમળમાં ડૂબવાની લાગણી થાય તો તે વ્યક્તિગત પ્રકૃતિ પ્રમાણેને પ્રક્રીયા-પ્રતિભાવ છે. એ જ સમાચાર વાંચીને અન્યને તેના મૂળમાં જઈને તે કેમ નિર્મુળ થાય તેનો વિચારો આવે, ભોગ બનેલા પ્રત્યે સહાભૂતિ થાય, સંવેદના જાગૃત થાય, સેવા કરવાની વૃત્તિ દૃઢ બને અને જરૂર લાગે ત્યાં વિરોઘ કરવાનો દૃઢ સંકલ્પ પણ જન્મે. દા.ત.દર્દીનું રાહત ફંડ ચલાનારા દર્દ-દર્દીઓમાં જ રચ્યાપચ્યા રહે છે તેવું કહેવું એ માનવાતાના મુલ્યોનો ઈન્કાર છે. “માનવી માનવ થાઉં તો ઘણું” એ આપણા કવિની ભાવના અને આશા છે. આપણી જવાબદારી છે. પત્રકારોનું કર્તવ્ય શું છે તે કહેવાની મારી લાયકાત અને અનુભવ ન હોય તો પણ હું એટલું ચોક્કસ પણે માનું છું કે નિષ્ઠા અને નિડરતા વિનાનું પત્રકારત્વ વાંઝણું છે. તટસ્થતા વિનાનું પત્રકારત્વ અનૈતિક અને જોખમી છે.

નકારાત્મક સમાચારો સમાજમાં પેઠેલા સરકારના વ્યાપ દષણો અને સડાના લેબોરેટરી રીપોર્ટ છે. આ રીપોર્ટ સાચા હોય તે અનિવાર્ય છે. તેના વિના તજજ્ઞ ડૉકટરો પણ સાચું નિદાન કે યોગ્ય સારવાર ન કરી શકે. કમનસીબે આટલી સીધીસાદી વાત સ્વીકારવામાં જે માનસિક અવરોધો છે તેમણે જ સત્યનો ટાંકપીછોડો કર્યો છે. આવી વૃત્તિ કે પ્રવૃત્તિ થોડા ચિંતાજનક સમાચારો તરફ નજર કરીએ.


૧. તબેલા માટે લોન મંજુર કરાવવા માટે રૂ.૩ લાખનું દેવું કર્યું.

૨. લેણદારોને રૂપીયા ચૂકવવા ૧૦ ટકાના વ્યાજે (માસિક) કાર ગીરવે મુકનાર દંપતિનું અપહરણ.

૩. આર્થિક સંકડામણથી જામનગરના વેપારીએ ફાંસો ખાય આપઘાત કર્યો.

૪. નિવૃત ડેપ્યુટી કાર્યપાલક ઈજનેર ચુની ધારસીયાની રૂ.૫.૪ કરોડની અપ્રમાણસર સંપત્તિ, વર્ષો બાદ કેસ દાખલ.

૫. ચોટીલા તાલુકાની ૩૧૭ હેકટર સરકારી જમીન ખેરાત. અબજોનું જમીન કૌભાંડ. ત્રણ અધિકારીઓ સામે ગુન્હો દાખલ.

૬. કાશ્મીરમાં કલંકિતોને મલાઈદાર પદ, દાયકા જૂના કેસમાં કોઈ કાર્યવાહી નહી.

૭. જખો પાસે દરિયામાં રૂ.૩૦૦/- કરોડના હેરોઈન સાથે ૮ પાકિસ્તાનીઓ ધરપકડ. કોસ્ટ ગાર્ડે એક વર્ષમાં રૂ.૫૨૦૦/- કરોડનું ડ્રગ્ઝ પકડ્યું.

૮. લુખ્ખી દાદાગીરી, શાકભાજીનો વેપાર કરનાર પર કોઈપણ કારણ વગર છરી વડે હુમલો.

૯. મધ્યપ્રદેશના મંત્રીનું વિવાદસ્પદ નિવેદન : “ઉંમર પૂરી થાય તો મરવું પડે”

૧૦. મહામંડળેશ્વરનું નિવેદન. “કોરોનાથી થતા મોતના ડરના કારણે કુંભ મોકુફ ન રખાય. મૃત્યુ તો નિશ્ચિત છે.”


ભ્રષ્ટાચાર, શોષણ, સંવેદનહીનતા, વિલંબ સહિતના અનેક મુદ્દાઓ આ સમાચારો ઉજાગર કરે છે. કોઈ નાગરિક લાંચ રૂશ્વતની ફરિયાદ કરે તો તંત્ર નારાજ થઈ જાય છે પણ વર્ષના અંતે અમે ભ્રષ્ટાચારના એટલા કેસો કર્યા તેમ કહીને યશ ખાટવામાં સરકારને સંકોચ નથી થતો. આવા સમાચારને નકારત્મક કહેવા કે રચનાત્મક તે પ્રશ્નનો ઉત્તર આપણા મુલ્યો પરથી નક્કી થાય છે. આપણે હકીકતો છૂપાવીને સારા હોવાનો દંભ કરીએ તો આપણે આપણી જાતને અને દુનીયાને છેતરવાનો પ્રયત્ન કરીએ છીએ. આવા સંજોગોમાં ગુજરાતી ઉક્તિ “પાપ તો છાપરે ચડીને પોકારે છે” તેનું સ્મરણ થવું સ્વાભાવિક છે. ટેલિવિઝનની ચર્ચામાં કોણ શું બોલશે તો પક્ષીય કે વૈચારિક ભૂમિકાના આધારે નક્કી જ હોય છે. આ ચર્ચાના વિધાનોને સત્યની એરણ પર ચકાસીએ તો ખોટા મોતી જેમ તેનો ભાંગીને ભુક્કો થઈ જાય છે. વકતાઓનું તો એવું છે કે સિંથરી બળી જાય પણ વળ ન મુકે. લોકશાહીમાં           હોવા જરૂરી છે પણ પક્ષ પ્રત્યેની વફાદારી સત્ય સ્વીકારવામાં બાધક બને ત્યારે ચિંતા કરવા જેવું ખરૂં. સમાજમાં જેમના પાસે ધન છે, સત્તા છે. કુશળતા છે, ઘાર્મિક નેતૃત્વ છે તે સૌની જવાબદારી વિશેષ છે. કમનસીબે આજે તમામ ક્ષેત્રોમાં ખોટા રૂપીયાઓના ચલણે સાચા સિક્કાને બહાર ફેંકી દીધા છે.

લોકશાહીમાં શિક્ષણ ભાવિ પેઢીને રાષ્ટ્રભક્તિ, શિસ્ત, વિવેક, નીતિમત્તા અને નાગરિક ધર્મ શીખવશે તેવી અપેક્ષા હતી જે સાકાર થઈ નથી. નવી શિક્ષણ નીતીના ૮૦૦ પાનાના દળદાર દસ્તાવેજ પર ઘણાં વિદ્ધવાનો છણાવટ કરતાં હતાં ત્યારે અને નિવૃત્ત શિક્ષકને તેમનો અભિપ્રાય વ્યક્ત કરવાની તક મળી. તેમણે કહ્યું “મારી ઉંમર છે આંખે ઝાંખપ છે. હું આટલા પાનાંઓ વાંચી ન શકું પણ મારૂં તો એટલું જ કહેવું છે કે નવી કે જુની જે નીતિ રાખવી હોય તો રાખો પણ શિક્ષણમાં નીતિ ટકાવી રાખજો ” આજની શિક્ષણ જગતની સ્થિતી એટલે ખાટલે મોટી ખોડ.....ધર્મ, શિક્ષણ, સત્તા, વેપાર, ઉદ્યોગ, વ્યવસાયમાં આગળ પડતી વ્યક્તિની ટીકા થાય ત્યારે તોફાન સર્જાય છે. આનું કારણ એટલું જ છે કે આવા સમાચારોના કારણે તેઓ જે દંભમાં રહે છે તેનો પર્દાફાશ થાય છે. સત્ય એ તો સર્જરી જેવું છે. તેનાથી પીડા અવશ્ય થાય પણ રોગ નિર્મૂળ થાય. જૂઠ એ દર્દશામક (પેઈન કિલર) જેવું છે તેનાથી તાત્કાલિક હંગામી રાહત મળે છે પણ આડઅસર કાયમી રહી જાય છે.

ખરાબ સમાચાર અંગે એક ચિંતકે કહ્યું છે કે આપણા મગજમાં કાંઈક એવું ગોઠવાયું છે કે આપણે દુર્ધટના, અસામાન્ય વર્તન કે વિચિત્ર વાતો પ્રત્યે સૌથી પ્રથમ આકર્ષાય જઈએ છીએ. અન્યની સલાહ છે “ભલે સમાચાર ખરાબ હોય આપણે તેના સાથે કામ પાડીને સુધારો કરવાનો જ છે.” કોઈ પોલિસ સ્ટેશનનું એફ.આઈ.આર. રજીસ્ટર વાંચીએ અને તેમાંથી આપણને સારા સમાચાર મળશે તેવી આશા ઝાંઝવાના જળ સમાન છે. નકારાત્મક, ગુન્હાહિત અને અનૈતિક ધટનાઓના વર્ણનમાં એક મોટું જોખમ છે. તેનાથી ધણાંને તેવું કરવાના વિચાર આવે છે. પ્રેરણા મળે છે. સમાચારોની મુલવણી માટે લોકશિક્ષકની જરૂર છે. ગાંધીજીએ ચોરીચોરાની હિંસાને કારણે આંદોલન પરત ખેંચ્યુ ત્યારે જવાહરલાલે લખ્યું કે                       “છૂટી છવાયી હિંસાથી આઝાદી આંદોલનનો વેગથી ચાલતો રથ કેમ રોકી શકાય ?” ગાંધીજીનો જવાબ હતો કે                “હિંસા-પ્રતિહિંસાનો દોર ચાલશે તે તેનો લાભ શક્તિશાળી સામ્રાજ્યને થશે. આપણી તાકાત સત્ય અને મુલ્યો પર આધારિત છે તેમાં જરા સરખું પણ સ્ખલન થાય તો તેનાથી આઝાદીની લડત નબળી જ પડશે.”

અમેરિકાના બાંધારણના પ્રથમ સુધારામાં પ્રેસની-અભિવ્યક્તિની સ્વતંત્રતા મુલ્યવાન છે. જો કે જુઠ્ઠાણાના મારા દ્વારા, હરકતો દ્વારા શ્રીમાન ટ્રમ્પે આમાં અવરોધો પેદા કર્યાં. તેનું પરિણામ તેની વિરુદ્ધ આવ્યું. આજે જ્યારે અખબારો, ટેલિવિઝન અને સોશ્યલ મિડિયા આપણને દર્પણ દેખાડી સત્ય દર્શન કરવા છે ત્યારે આવું ન કરવું જોઈએ તેવી કાગારોળ સાવ તર્કહીન છે. શબ્દો અને ચિત્રોમાં વિવેકની અપેક્ષા જરૂર રાખી શકીએ પણ હકીકતોનો ઈન્કાર કરવો તે લોકતંત્રમાં  ચોથી જાગીરની જવાબદારીનો ઈન્કાર છે. નાગરિક ધર્મની ઉપેક્ષા છે. ગુજરાતની પંરપરા યાદ કરીએ તો સત્ય કહેવામાં કરશનદાસ મૂળજીની કલમ અને વીર નર્મદનાં દાંડીયો ચાલતા રહેવા જોઈએ. ત્યારે અને અત્યારે આવું કરવાથી શું લાભ તેવા પ્રશ્નો ઉઠાવનાર કે સુફીયાણી સલાહ આપનારે અખબાર રૂપી દર્પણને દોષ આપવા કરતાં ચહેરો ધોવાની જરૂર છે.


                                                               “સત્યમેવ જ્યતે”

Comments

Popular posts from this blog