દિનચર્યા - ત્યારે અને અત્યારે
- પ્રવીણ ક. લહેરી
આપણી વૉટ્સઅપની દુનિયા નિરાળી છે. તેમાં વરિષ્ઠ નાગરિકો જે ૭૦-૮૦ વર્ષની ઉંમર પાર કરી ગયા છે. તેમના મનમાં અગાઉની અને હાલની પરિસ્થિતિના ખૂબ મોટા તફાવતની સરખામણી થતી રહે છે. હા, એક હકીકત છે કે વીસમી સદીના ઉત્તરાર્ધમાં (૧૯૪૫ થી ૨૦૦૦)ના સમયગાળામાં ટૅકનોલોજી આધારિત શોધખોળના કારણે અનેક સાધન સુવિધાઓનું નિર્માણ થયેલ છે જેની કલ્પના આજથી ૫૦-૬૦ વર્ષ પૂર્વે કરવી પણ અશક્ય નહીં તો પણ ખૂબ મુશ્કેલ હતી. આ ફેરફારોની અસરો સિનીયર સિટીઝન માટે ખૂબ મહત્ત્વની છે. અગાઉની અગવડો દૂર થઈ છે અને અનેક સાધન-સુવિધા જીવનના અભિન્ન અંગ બની ગયા છે.
દિનચર્યા એ આપણા જીવનની રોજિંદી ઘરેડનું બીજું નામ છે. સવારે ઊઠવાથી શરુ થતા કામો અને રાત્રે સૂતા સુધીમાં ે પ્રવૃત્તિઓ કરીએ છીએ તેનો ઢાંચો ગોઠવાય જાય છે. જેકવેલીન કૅનેડી કહે છે; ‘‘આ ઘરેડમાં બંધાશો નહીં. જીવનમાં ચીલાચાલુ કામો ઉપરાંત ઘણાં મહત્ત્વના કામો પણ છે.’’ જીવન એટલે સિમીત સમયગાળો. સમયનો જેટલો સારી રીતે ઉપયોગ કરી શકીએ તેટલું સાર્થક છે. બેન્જામિન ફ્રેન્કલીને અમેરિકાના બંધારણના ઘડતરમાં પ્રદાન કર્યું છે. તેટલું અગત્યનું કામ સમયના સદુપયોગ માટે કર્યું છે. તેમના મતે; ‘‘આપણે વગર વિચાર્યે જીવનનો કિંમતી સમય વેડફી નાખીએ છીએ. જીવનના કામોની અગ્રતા નક્કી કરીને તેમાં મહત્ત્વના લક્ષ્યો હાંસલ કરવા માટે પૂરતો સમય ફાળવશો તો જ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.’’ મારી ઉંમર પણ ૭૬ વર્ષની થઈ. જીવનના પ્રથમ ૧૬ વર્ષ મારા વતન રાજુલા અને બાજુના મહુવા તેમજ મોસાળ જાફરાબાદમાં વિત્યા ત્યારે આ નાનકડા નમણાં નગરોની જીવનશૈલી આજની આપણી દિનચર્યા કરતાં ખૂબ અલગ હતી. આના થોડા સંસ્મરણો વાગોળવાનું મન થાય છે કારણ કે છેલ્લા એક વર્ષથી કોરોનાએ આપણા સૌની દિનચર્યા ધરમૂળથી બદલી નાખી છે. આજનો આપણો સંઘર્ષ માંદગીથી બચવાનો છે. ‘‘પહેલું સુખ તે જાતે નર્યા’’ની ઉક્તિ અંગે કોઈ મતભેદનો હવે અવકાશ નથી.
રાજુલા એટલે ૧૦ હજારથી ઓછી વસ્તીનું ખોબા જેવડું પછાત ગામ. ત્રણ વખત ૯ કિ.મી.નો રાજુલા સીટીથી રાજુલા જંકશન સુધી પ્રવાસ કરતી ટ્ર્ેનોની સગવડ એ જ બહારની દુનિયા સાથેનું જોડાણ. નજીકના નગરો ગામડાં સુધી જતી ૩ બસોના ૯-૧૦ રૂટ એટલી જ પરિવહનની સુવિધા. સાયકલ હોવી એ મોભાની નિશાની. બાકી તો બળદગાડા એ જ વાહન. મહુવામાં ઘોડાગાડીઓ ખરી પણ રાજુલા-જાફરાબાદમાં તે પણ નહીં. કાઠી દરબારો અને સુખી ખેડૂતો (ત્યારે પણ ખૂબ થોડા ખેડૂતો જ સુખી હતા) ઘોડો રાખે તેવી પ્રથા હતી. રાજુલાવાસીઓએ ડામરની સડક ૧૯૫૫માં જોઈ અને વિજળી ૧૯૫૯માં નળ દ્વારા પાણીના વિતરણની વ્યવસ્થા ૧૯૬૪માં થઈ. રેડીયો વસાવવાનું શ્રેય કોલેજીયન પાન હાઉસ અને પટેલ સોડાવાળાને ભાગ્યે ૧૯૫૮માં નોંધાયું. દર બુધવારે રાત્રે ૧ કલાક માટે આ દુકાનો સામે મોટા ટોળાઓ એકત્ર થઈને રેડીયો સિલોન પરથી બિનાકા ગીતમાળાનું સમૂહશ્રવણ કરે તે દૃશ્ય યાદ કરું તો આજની રાજકીય રેલીઓ ફિક્કી લાગે !
દિનચર્યા નક્કી થવામાં અનેક પરિબળો ભાગ ભજવે છે પણ સૌથી વિશેષ તો પરિવારની ભૂમિકા છે. સંયુક્ત કુટુંબની પરંપરા મુજબ ત્યારે મારા પરિવારમાં મારા માતા-પિતા, કાકા-કાકી, દાદીમા, મારા પિતાશ્રીના બે મામી, અમે ચાર ભાઈઓ, એક બહેન, પિતરાઈમાં ૪ ભાઈઓ - બે બહેનો, મારા નાની ઉંમરે અવસાન પામેલા ફઈના દીકરા-દિકરી સાથે ૨૦ માણસોનો પરિવાર રાજુલા-મહુવા બંનેમાં લાતીઓ એટલે બંને ઘરે અનુકૂળતા મુજબ રહે. રાજુલામાં અમે ૧૦-૧૨ સભ્યો તો હોઈએ. કૂકડો બોલે ત્યારે સવાર થાય એ પ્રશ્ન આજે તો વિચિત્ર લાગે પણ ત્યારે રંગબેરંગી પીંછાવાળો મરઘો ઊંચી ડોક કરીને જે અવાજ કાઢે તે મોબાઈલના ફોનના એલાર્મથી વધારે અસરદાર. જો કે મારા બા તો ગમે તે ઋતુ હોય સવારે ૫-૩૦ વાગે ઊઠીને ઘરના અગણિત કામો પતાવવામાં વ્યસ્ત થઈ જાય. નોકરી કરતાં જેમણે પરિવારમાં આત્મિય સભ્યનું સ્થાન હાંસલ કર્યું હતું તેવા કાળાભાઈ પંચોલી સવારે ૬ વાગે આવીને અમારા સવારના વપરાશ માટે ઘડા, હાંડા, ત્રાંબાકુંડી, ડોલ વગેરે ડંકી (હેન્ડ પમ્પ) ધમીને ભરી રાખે. મારી બા રાત્રે મેળવેલા દહીંને ગોળીમાં નાખી, વલોણું તૈયાર કરે. કાળાભાઈ માખણ ઉપર આવે ત્યાં સુધી વલોણું ફેરવી આપે. વલોણાનો ધ્વનિ ‘ધમ રે ધમ’ એક અદ્ભૂત લયનો અનુભવ કરાવે. કાળાભાઈ આ કામો કરે ત્યારે મારી બા ઘઉં-બાજરો ઘરઘંટીમાં દળવામાં શ્રમપ્રચૂર કામગીરી પતાવે. અમે છોકરાઓ ક્યારેક વહેલાં ઊઠી જઈએ તો માખણ કાઢવામાં કે ઘંટી ફેરવવામાં મદદ કરવાનો આનંદ માણીએ. બાકી તો મારી બા ‘‘જાગતે જાદવા કૃષ્ણ ગોવાળીયા’’ જેમ અમને જગાડવા ‘‘ભાઈ, હવે તો ઊઠ, સૂરજ ઉગે તે પહેલાં ઉઠે તે સાજા-સારા રહે.’’ અમારા દિવસની પ્રવૃત્તિઓ ભોંયતળીયે આવેલ રસોડું, ઓશરી અને એક મોટા ઓરડા પૂરતી સિમીત હતી. ઉપરના માળે એક અગાસી, એક ગેલેરી અને મોટો ખંડ અમારા સૌ માટે શયનકક્ષ હતું. બાની બે-ચાર ઠપકાભરી બૂમો બાદ ઉઠીને ગાદલા ઓઢવાના, ઓશિકાનો ડામચીયો બનાવીએ. તેના પરથી કૂદવાનો આનંદ પણ લઈએ. ટૂથબ્રશ કે ટૂથપેસ્ટના અસ્તિત્વથી અમે અજાણ હતા. બાવળનું લીલું છમ દાતણ, બંદર છાપ કાળા દંતમંજનથી જ દાંતની સફાઈ અને કોગળા ફળિયામાં કરીને સ્નાનવિધી - મુશ્કેલી એ કે છ-સાત મહિને ડંકીમાંથી ખૂબ ઓછું પાણી મળે. પાણી પીવા લાયક એટલે આડોશપાડોશમાંથી દરેક કુટુંબ એક હેલ (ઘડો + હાંડો) ભરી જાય તે તેમનો વણલખ્યો માનવ અધિકાર. પુષ્ટિમાર્ગીય પરિવારમાં મારી બા સ્નાન પહેલાં ખાવાનું તો નહીં જ તેવી દૃઢ માન્યતા ધરાવે. અમે છોકરાઓ ૨ કિ.મી. દૂર નદીના સામે કાંઠે આવેલ સંન્યાસ આશ્રમ ભણી દોડ મૂકીએ. ત્યાં કૂવામાં પાણી સારું. મોટા લાકડાંને ફીક્સ કરીને એક બાજુ મોટા પત્થરને બાંધીને બનાવેલ ઢીંકવાથી પાણી કાઢવાની વ્યવસ્થા. અમારા માટે તો બે-ત્રણ જણાં સાથે મહેનત કરીએ તો ડોલવાળો ભાગ કૂવામાં ઉતારી શકીએ. મોટેરાઓ અમને પાણી કાઢી પત્થરની ૪ ફૂટ ઉંચી કુંડીમાં નાખી આપે. કુંડીમાં એક નાળચું-ડૂચા મારીને બંધ કર્યું હોય તે ખોલી ઝડપથી બે-ત્રણ જણા ખંખોળીયું ખાય લઈએ. ઘરે આવી રાતે ઘડેલા ટાઢા રોટલા, નવશેકું દૂધ અને માખણ એ અમારું શિરામણ. ક્યારેક થેપલાં-ભાખરી પણ હોય. રવિવારે કે કોઈ મહેમાન આવ્યું હોય તો એક શેર ગાંઠીયા, પપૈયાની છીણ અને મરચાં પણ લાવવાના. શિરામણ બાદ કોઈ હોમવર્ક કરે તો કોઈ શેરીમાં રમવા જાય. મારા માટે નજીકની શાકમાર્કેટમાં જઈ હરાજી જોઈ - હરાજી કરનાર ચતરા (ચત્રભૂજ)ભાઈની મદદથી ૧૦-૧૨ માણસો માટે અને ૮-૧૦ અણધાર્યા મહેમાનો માટે ચાર-પાંચ કીલો શાકભાજી-મસાલા, ગાજર-કાકડી બધાની કિંમત લગભગ ૧ રૂપિયો થાય. ૧૬ આના (૬૪ પૈસા) જૂના એ ૧૦૦ નવા પૈસા. ૧૯૫૯માં જૂના અને નવા સિક્કાનું સાથે ચલણ. જૂના ૬૪ પૈસા બરાબર નવા સો પૈસા. સરકારે આ માટે કોષ્ટક બહાર પાડેલું. હવે તો સિક્કાનો રણકાર સંભળાતો નથી. મોટા ચાંલ્લા જેવો તાંબાનો નવો એક પૈસો પણ મુલ્યવાન હતો. તેનો પણ રૂઆબ હતો. દરરોજ એક ઢબ્બુ (૨ આના) કે ૧૦ નવા પૈસા પોકેટ મની તરીકે મળે તેની બાદશાહી અલગ હતી. ચૂલો, છોલ (ભુસાની) સગડી અને પ્રાયમસ એમ ત્રણ જગ્યાએ રસોઈ થાય ત્યારે જે ઘરમાં મહિલાઓ-છોકરીઓની સંખ્યા સારી હોય ત્યાં સરળતા પણ અમે ૮ ભાઈઓ (પિતરાઈ) સહિત અને ત્રણ બહેનો. મારી બા એ અમને સૌને વારાફરતી તમામ પ્રકારના ઘરકામની તાલીમ આપી હતી.
કોરોના કાળમાં આ તાલીમ કેટલી ઉપયોગી નીવડી છે ! સવારે ૧૦-૩૦ વાગે સૌ સાથે બેસીને જમી લઈએ અને પોત પોતાની શાળાએ જવા નીકળીએ. સાંજના પાંચ સુધી શાળાઓ સમય. તે જમાનાની ગામડાંની શાળા એટલે સંપૂર્ણ સ્વતંત્રતાનું સ્થળ. શિક્ષણમાં શિસ્ત, જ્ઞાન, સંસ્કાર, વિવેક, કૌશલ્ય, ચાર્તુય એમ ઘણું શીખવવાની નીતિ હશે પણ અમારા માટે તો મિત્રો સાથે મળીને ધીંગા-મસ્તી, તોફાન કરી જીવનનો આનંદ માણવાનો અવસર. શિક્ષકો સાલસ સ્વભાવના. કોઈનો કડકપ હોય તો તે દૂર કરવાના નુસ્ખાઓ વિદ્યાર્થીને હસ્તગત. અમારા શિક્ષકો ધો.૧૧ભણેલાં-ગ્રેજ્યુએટમાં તો આચાર્ય અને સંસ્કૃત માટેના શાસ્ત્રીજી. આજના ઓનલાઈન, ઓફલાઈન જેવી કોઈ માથાકૂટ નહીં પણ વિદ્યાર્થી માટે ત્રણ વિકલ્પો.
(૧) શિક્ષકો પોતાની મર્યાદા મુજબ ભણાવે તેમાં સંતોષ માનવો. અજ્ઞાની પણ સુખી રહી શકે છે તેવી શ્રદ્ધા રાખવી. (ર) જાત-મહેનત - સ્વાધ્યાય કરવો (૩) અન્ય મિત્રો-વડિલોના માર્ગદર્શન હેઠળ ભણવું. મેટ્રિ્કની પરીક્ષામાં કુટમુટીયા - પરીખ-ઝાલાના મેગેઝીનો અને ગાઈડોની મદદ સારી. શાળા એટલે આનંદમાં દિવસ પસાર કરવાની સગવડ.
Comments
Post a Comment