સમાજનું દર્પણ : અખબાર
- પ્રવીણ ક. લહેરી
માણસ જાત માટે અનેક શોધ થઈ છે. તેમાં અખબારનું મહત્વ સવિશેષ છે. માનવીને તેમની આસપાસમાં અને હવે તો સમગ્ર વિશ્વમાં બનતી ધટનાઓ જાણવાની સહજિક વૃત્તિ રહેલી છે. ઈન્ટરનેટ અને અનેક સોશ્યલ મિડિયાના પ્લેટફોર્મ પરથી મહિતીનો વિસ્ફોટ થયો છે. આપણા કલાકોના કલાકો અનેકવિધ સંદેશા વાંચવામાં, વિવિધ દેવ-દેવીઓના દર્શન, વન્ય જીવનની જીવંત તસ્વીરો, સુભાષિત, ટૂચકાઓ, વાર્તાઓ, અભ્યાસ પૂર્ણ લેખો જોવામાં વ્યતિત થાય છે. આ વિપુલતા આપણને અમુક અંશે જરૂરી અને ઉપયોગી હોય છે પણ એકંદરે ૭૦ થી ૮૦ ટકા સંદેશાઓ બિનઉપયોગી હોય છે. ઈન્ટરનેટ અને સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરનાર સૌ કોઈએ સામેની વ્યક્તિઓનો સમય કિંમતી છે. તે આપણા સંપર્કમાં છે તેથી તેનાપર માહિતીના કુડા-કચરાનો ધોધ વહાવવાનો પરવાનો આપણને નથી મળતો તે વાત સમજવી પડે. આજે સોશ્યલ મિડિયામાં વિવિક, વિનય, નમ્રતાની જગ્યાએ આક્રોશ ભરેલી ભાષા, અપશબ્દો, અહંકારી અભિપ્રાયો અને જેમની વિરોધી માન્યતા છે તેમની બદનામી અને જેમને આદર્શ તરીકે સ્વીકાર્યા છે તેમની સત્યથી વેગળી પ્રશંસા વાંચીએ ત્યારે મન ખિન્ન થાય છે. વોટસઅપ, ફેસબુક, ઈન્સટાગ્રામ વિગેરે મુલ્યવાન જીવનના મર્યાદિત કલાકો બેફામ રીતે વેડફી નાખવાનું સૌથી મોટું કારણ બન્યા છે. આ એક નશો છે, વ્યસન છે અને મનના સુખ શાંતિનો નાશ કરે છે. આપણે જો સમજણ નહીં કેળવીએ તો એક પંગુ સમાજનું નિર્માણ થશે. આ સમયે માત્રને માત્ર શબ્દોના વિતંડાવાદ અને જુગુપ્સા પ્રેરક ચિત્રો, હળાહળ જુઠ અને નબળી વૃત્તિઓને બહેકાવવાથી અંકુશમાં ન રાખી શકાય તેવો અજંપો નિર્માણ થશે. હકીકતમાં આજે સામાન્ય લોકોની સહનશક્તિ ઘટી છે. ક્રોધ અને અહમ્ સાથે ગેરવર્તનના કિસ્સાઓ વધી રહ્યા છે. હિંસા અને ધૃણા જંગલના દાવાનળ જેમ ફેલાય રહ્યા છે. જે વ્યક્તિઓ ઓછો આત્મવિશ્વાસ ધરાવે છે, અંતર્મુખી છે, સહેલાયથી ચિંતા અને મુંઝવણ અનુભવે છે તે અપધાત કરવા જેવા અંતિમ છેડે જાય છે.
કોરોના કાળમાં જે કહેર મચ્યો છે તેમાં અનેક નકારાત્મક ધટનાઓના અહેવાલો આવે છે. હોસ્પિટલના દૃશ્યો, એમબ્યુલન્સો, કણસતાં દર્દીઓ, મૃતદેહો, સ્મશાનો, વિગેરેના સચિત્ર અહેવાલો અને તેના પર બૂમબરાડા સાથેની ટીવી ચર્ચાઓ અને અખબારોની હેડલાઈનથી કોઈપણ વિચલિત થઈ જાય તેવા સમયે અમુક લોકોએ પ્રશ્ન ઉઠાવ્ય છે કે સૌએ નકારાત્મક મુંઝવણ વધારે તેવા ફોટોગ્રાફ્સ અને લખાણો ટાળવા જોઈએ. સામા પક્ષે એવી દલીલ છે કે શું વાસ્તવિકતા છૂપાવવાથી કોઈ લાભ થશે, શાહમૃગી નીતિ અપનાવીને રેતીમાં માથુ ધાલી દેવાથી ક્રુર વરુઓનું ટોળું નાસી જશે ? ૯-૧૧ની ભયંકર દુર્ધટના સમયે અમેરિકા અને પશ્ચિમી દેશોએ સમાચાર માધ્યમોમાં સંયમ રાખ્યો હતો. મૃત્યુના અહેવાલો અને મૃતકોની સંખ્યાની વિગતની કોઈ જાહેરાત કે જાહેર ચર્ચા કરવાનું ઉચિત મનાયું ન હતું. મારી દીર્ધ સરકારી કારર્કિર્દી દરમ્યાન દુષ્કાળ, પાણીની અછત, વાવાઝોડા, ધરતીકંપ, પૂર, આગના અગણિત બનાવો અંગે જે માહિતી આપીએ તેમાં પ્રચાર માધ્યમો શંકાની નજરે જુએ. ક્યાંય સરકારી માહિતીમાં હકીકત દોષ હોય તો તે ભૂલ સ્વીકારવી પડતી હતી. ૨૧મી સદીમાં પોસ્ટ ટ્રથ-અસત્યને સત્યના વાધા પહેરાવવાની કામગીરી એટલી ફાલીફૂલી છે કે હકીકત અને પ્રચાાર વચ્ચેની ભેદરેખા દોરવી તે એક દુષ્કર કાર્ય બન્યું છે. આવા સંજોગોમાં શું કરવું જોઈએ તે પ્રશ્ન અંગે મંથન કરતા મને વિચાર આવ્યો કે મીડીયામાં કેટલા નકારાત્મક મથાળાઓ - હેડલાઈન્સ આવે છે તેનું અવલોકન કરીએ. પ્રસ્તુત છે થોડા નકારાત્મક સંદેશાઓ - સમાચારો આમાં અતિશ્યોક્તિ નથી કે હકીકત દોષ નથી તેની મેં શક્ય તેટલી કાળજી કરી છે.
૧. વડોદરામાં કોરોનાની સારવાર લેતા ૭૯ લોકોના એક દિવસમાં મોત થતા હાહાકાર.
૨. વલસાડ સિવીલ હોસ્પીટલમાં લાશોનો ખડકલો, મૃતદેહો દુર્ગંધ મારવા માંડ્યા.
૩. કોરોનાથી થતાં મોતના આંકડા ઓછા બતાવવાનો કારસો, દુધેશ્વર સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર બાદ મૃતકના સ્વજનને અપાયેલ પાવતીમાં ચેક ચાક.
૪. ગુજરાત હાઈકોર્ટે કહ્યુ. “સરકાર દ્વારા જાહેર થતા આંકડા વાસ્તવિક આંકડાથી વિપરીત છે.”
૫. સરકારી કોવીડ હોસ્પીટલ ખાનગી ડોકટરોને સોંપી દેવાઈ. ગરીબ પરિવારો લુંટાશે.
૬. ગુજરાતના ૨૦ જિલ્લાની સરકારી હોસ્પીટલમાં સીટીસ્કેન મશીન જ નથી. કોરોનાનું નિદાન કેવી રીતે કરવું ? દર્દીઓ રામ ભરોશે.
૭. દેવગઢ બરીયાની સીવીલ હોસ્પીટલના સ્ટોર રૂમમાં આગથી દોડધામ.
૮. રાજકોટમાં ઓક્સિજનની નળી વડે ગળાફાંસો ખાઈ(ખાય) કોરોનાના દર્દીની આત્મહત્યા.
૯. કોવીડના દર્દીનું અચાનક મૃત્યુ થતાં પરિવારજનોની સીવીલમાં તોડફોડ. તબીબી સ્ટાફ પર બેદરકારીનો આક્ષેપ.
૧૦. જરૂર ન હતી તેવા દર્દીઓના નામે ઈન્જેકશનો મેળવીને હોસ્પીટલ સ્ટફ દ્વારા કાળા બજાર : રેમડેસીવીર ઈન્જેકશનો અધિકારીઓએ કોર્નર કરી મળીતીયાઓને અપાવ્યા.
૧૧. રસીની અછતની બુમો વચ્ચે ૫૮ લાખ ડોઝ વેક્સીન વેડફાઈ ગઈ. હવે વિચારો આ માહિતી જાહેર થવી જાઈએ કે નહી ? સાચી હોય તો તે સ્વીકારી સરકારે તેની દુરસ્તી માટે લીધેલા પગલા જાહેર કરવા જોઈએ કે નહી ? આ હકીકતો સ્વીકારી ઉચિત ઉપાયો કરવામાં કશું શરમાવા જેવું નથી જ. વૈશ્વિક મહામારી છે વિકસિત દેશોમાં પણ લોકોએ હાડમારી ભોગવી છે. આપણે પણ ભોગવીએ છીએ. ઈટલીના દૃશ્યો ગયા વર્ષે આપણી ચિતાંમાં વધારો કરતા હતાં પણ આજે ઈટલી લોકડાઉન ઉઠાવી, હવે ઈઝરાઈલ જેમ માસ્ક પણ જરૂરી ન રહે તેવી સ્થિતીએ પહોંચે છે. ઈટલી વિશ્વની બીજા નંબરની સુસજ્જ વ્યવસ્થા હતી. ત્યાં ન બનવા જેવું બન્યું. સરકાર અને સમાજે થોડે ખેંચતાણ બાદ સહયોગ કર્યો અને સલામતી મેળવી. આ ઉદાહરણમાંથી આપણે શિખવામાં સંકોચ શું કામ કરવો ?
* હવે થોડા ગુનાઓને લગતી હેડલાઈન્સ જાઈએ.
૧. કારનું ચેકીંગ કરવાના બહાને રૂ.૨૮ લાખ પડાવીને ફરાર.
૨. જામનગરની જયેશ પટેલ ગેંગ સામે ગુજસીટોકની કાર્યવાહીના ૬૦,૦૦૦ (સાઈઠ હજાર પુરા) પાનાની ચાર્જ શીટ વેપારી, વકીલ, બીલ્ડર, પુર્વ પોલીસ કર્મી સામે ગુના નોંધાયા. આ કાર્યવાહીમાં થયેલા વર્ષોના વિંલબ માટે સાંસદ અને વિશાળ ઔદ્યોગિક ધરાનાના વરિષ્ઠ અધિકારીના જાહેર આક્રોશ બાદ આ ધટના બની. ૬૦,૦૦૦ પાના ભરાય તેટલી ગુન્હાની વિગત હોય તો તે સમય દરમ્યાન કોઈ નાગરીક પુછી શકે તે તંત્ર આ સમય ક્યાં હતું ? શું કરતું હતું ?
૩. દિવાલની આરપાર જોઈ શકાય તેવા ચશમાનું કહી રૂ.૩૧.૧૩ લાખની છેતરપીંડી. નટવરલાલો અમર છે ! લોકોનું ભોળપણ અકબંધ છે !
૪. નેતાઓની આખલા લડાઈમાં જનતા જ નહીં, પક્ષના કાર્યકરોની ખસ્તા હાલત કોઈ સાંભળતું નથી કે કોઈ નેતા ફોન ઉપાડતા નથી.
૫. લાંચ નામની મહામારી સામે કોઈ વેક્શીન નથી.
હજી બીજા અનેક વિષયો અંગે હકીકત લક્ષી કડવું સત્ય ઉજાગર કરીને નક્કી કરીએ કે આ ભેળસેળીયા યુગમાં સત્યની ઓળખાણ કેમ કરવી ? સત્ય કડવું હોય, વિહવળ કરનારું હોય કે કોઈને માઠુ લાગે તેવું આવા સંજોગોમાં પત્રકારનો ધર્મ શું હોય શકે ?
(ક્રમશઃ)
Comments
Post a Comment