ગુજરાતની સ્થાપનાના ૬૧ વર્ષે.


                                          - પ્રવીણ ક.લહેરી

ઈ.સ.૧૮૭૩માં કવિ નર્મદે “જય જય ગરવી ગુજરાત”નું ગાન કર્યું ત્યારથી દરેક ગુજરાતી ભાષી વ્યક્તિને પોતાની ભાષાના વિસ્તાર માટે અલગ રાજ્યની અપેક્ષા હતી. સ્વપ્ન હતું. ગાયકવાડી ૪ પ્રાંતો, ૫ બ્રિટીશ હક્રૂમતના જીલ્લાઓ અને સેંકડો રજવાડામાં વિભાજીત ગુજરાત ઈ.સ.૧૯૪૭માં આઝાદી સમયે કદાચ સૌથી છિન્ન ભિન્ન પ્રદેશ હતો. કાઠિયાવાડના ૨૨૨ રજવાડાઓના વિલીનીકરણ બાદ રચાયેલા સૌરાષ્ટ્ર સંધને બ કક્ષાનું રાજ્ય બનાવ્યું હતું. કચ્છને આજના કેન્દ્રશાસિત પ્રદેશ જેવો ક રાજ્યનો દરજ્જો આપ્યો હતો. ગાયકવાડના ૪ પ્રાંત અ બ્રિટીશ શાસન ૫ જીલ્લાઓ અને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના રજવાડાઓને મુંબઈ રાજ્ય સાથે જોડવામાં આવ્યા હતાં. ૧૯૫૬માં સમગ્ર દેશમાં ભાષાકીય ધોરણે રાજ્યોની પુનઃરચના કરવામાં આવી ત્યારે ગુજરાતી ભાષી રાજ્ય સ્થપાશે તેવી આશા અસ્થાને ન હતી. અચાનક શું થયું ? ભારત સરકારે તદ્દન વિચિત્ર ગણી શકાય તેવો નિર્ણય કરીને મુંબઈના દ્ધિભાષી (મરાઠી-ગુજરાતી) રાજ્યની રચના કરી. મરાઠી લોકોને થયું કે ગુજરાતીઓ મુંબઈને ગુજરાતમાં સમાવવા અથવા કેન્દ્ર શાસિત વિસ્તાર બનાવવા માંગે છે. ‘આમચી મુંબઈ’ના નારા સાથે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિએ મહારાષ્ટ્રમાં તોફાનો મચાવ્યા. મરાઠી-ગુજરાતી પ્રજા વચ્ચે તનાવપુર્ણ સ્થિતી નિર્માણ થઈ. આ તરફ ઈન્દુલાલ યાજ્ઞિકના વડપણા હેઠળ મહાગુજરાત પરિષદે ગુજરાતની રચના માટે મોરચો માંડ્યો. અનેક નવલોહિયા યુવાનોએ મુંબઈના ફ્લોરા ફાઉન્ટન (હવે હુતાત્મા ચોક) અને અમદાવાદના ભદ્રમાં શહિદી વહોરી. આ સમગ્ર પ્રકરણમાં શ્રી મોરારજીભાઈની ભુમિકાએ ગુજરાતની સ્થાપનામાં અંતરાયો ઊભા કર્યા. આમ છતાં ૧૯૫૭ની ચુંટણીમાં મુંબઈના દ્વિભાષી રાજ્યમાં કોગ્રેસની સરકાર રચાય. હવે પાંચ વર્ષ કશો ફેરફાર નહીં થાય તેવા વાતાવરણ વચ્ચે અચાનક ગુજરાતના અલગ રાજ્યની સ્થાપનાનો નિર્ણય થયો. દ્વિભાષી મંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી યશવંતરાવ ચવ્વાણ આમ તો શ્રી મોરારજીભાઈના ચુસ્ત અનુયાયી હતાં પણ તેમણે ભારે કુનેહ પુર્વક શ્રી મોરાજીભાઈ અને પંડિત નહેરુને સમજાવી લીધા. મુંબઈ સાથે સંયુક્ત કહી શકાય તેવા મહારાષ્ટ્રની રચના થતા મરાઠી ભાષી લોકોએ શ્રી યશવંતરાવ ચવ્વાણને સવાઈ શિવાજીનું બિરુદ આપ્યું. મહાગુજરાતની ચળવળના પ્રાણસમા શ્રી ઈંદુલાલ યાજ્ઞિક કોંગ્રેસમાં જોડાયા અને અમદાવાદના સાંસદ તરીકે લાંબો સમય રહ્યા.

તા.૧લી મે ૧૯૬૦, ઉગમણી દિશાએ સૂર્યના કિરણો પ્રસર્યા ત્યારે દેશના ઇતિહાસમાં આગવું સ્થાન ધરાવતા સાબરમતી આશ્રમ, હરિજન આશ્રમ, એમ વિવિધ નામે ઓળખાતી આ પવિત્ર ભૂમિના પ્રાર્થના સ્થળે ગુજરાતના મૂક સેવક શ્રી રવિશંકર મહારાજના વરદ્‌ હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે દિવસને આજે ૬૧ વર્ષ વીતી ગયા છે. સાબરમતિમાં અનેક વર્ષેના પૂર આવી ગયા. સુકીભઠ્ઠ નદીના પટમાં સરકસના તંબુઓ તણાયા અને હવે નર્મદાના પાણીથી બે કાંઠે ભરેલી સાબરમતિ તેના રીવરફ્રન્ટથી સોહી રહી છે. ૬૧ વર્ષની દડમથલમાં ગુજરાતે અનેક કુદરતી આપત્તિઓ જોઈ છે. ભૂંકપ, વાવાઝોડા, પૂર, આગ, દુષ્કાળ અને માનવસર્જિત હુલ્લડોની હારમાળામાંથી પસાર થયેલ ગુજરાતને દેશના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેના કારણે દેશના વિકાસના એન્જીન તરીકે તેની આગવી ઓળખ બની છે. ગુજરાતનો આર્થિક વિકાસ પ્રભાવશાળી હોવાથી તેનો ગુજરાત મોડેલ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. આ ગુજરાત મોડેલના પર્યાય બનેલા શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે દેશના સૌથી લોકપ્રિય નેતા છે. ભારતની પ્રજાને તેમની પાસેથી અગણિત અપેક્ષાઓ છે. ગુજરાતના અસ્તિત્વના ૬૧ વર્ષના લેખા-જોખા કરવામાં આજે તો કોરોનાનું ગ્રહણ લાગેલું છે. સમગ્ર દેશમાં કોરોનાના બીજા મોજાએ જે ખાનાખરાવી સર્જી છે તેમાં સપડાયેલા આપણે સૌ આ સ્થાપના દિનની રગંચંગે ઉજવણી કરીએ તે પહેલાં આપણા સમક્ષ મહામારીને પહોંચી વળવાનો જે પડકાર છે તે નજર સામેથી હટે તેમ નથી. આમ છતાં ૧ લી મે ગુજરાતીઓ માટે મહત્વનો દિવસ છે. ગુજરાતની અસ્મિતાનો દિવસ છે. આજે આપણા રાજ્યનો પરિચય કરીએ અને સાથે સાથે તેની વિશેષતાઓ અને સમસ્યાઓ ઉજાગર કરીએ.

૧,૯૬,૦૨૨ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતું ગુજરાત દેશમાં ક્ષેત્રફળની દૃષ્ટીએ પાંચમાં સ્થાને છે. હાલની ગુજરાતની વસ્તી ૬ કરોડ ૨૭ લાખની અંદાજવામાં આવી છે. ૧૯૬૦માં સ્થાપના સમયે ૧.૭૫ કરોડની વસ્તીની સરખામણીમાં આપણે સાડાત્રણ ગણી સંખ્યામાં છીએ. સૌથી ચિંતાનો મુદ્દો એ છે ભારતમાં લીંગ પ્રમાણ (જેન્ડર રેશીયો) ૯૧૦ સ્ત્રીઓ દર હજાર પુરુષો દીઠ છે જ્યારે આ પ્રમાણ ગુજરાતમાં ૧૦૦૦ પુરુષ સામે ૮૯૦ સ્ત્રીઓ છે. આના માટે જવાબદાર ભૃણ હત્યાના મુદ્દે આજે આપણે જાગીએ અને સંકલ્પ કરીએ કે મારા ગુજરાતમાં એક પણ દીકરીનું કોખમાં મરણ-હત્યા નહીં થાય. ગુજરાતની આબરૂનો આ પ્રશ્ન છે. તેમાં ઉપેક્ષા ન જ કરી શકાય. આ૫ણે ત્યાં પોષણની સ્થિતિ પણ સારી નથી. શ્રી રવિશંકર મહારાજે ગુજરાતની સરકાર લોકોનું શોષણ નહીં પણ પોષણ કરશે તેવી અપેક્ષા રાખી હતી. કમનસીબે આમાં આપણે ઉણાં ઉતર્યા છે. રાષ્ટ્રીય સર્વે મુજબ ૦ થી ૫ વર્ષના બાળકોમાં ૩૯ ટકા બાળકો કુપોષિત છે. તેમાંથી ઘણાંનો શારીરિક વિકાસ રુંધાય છે અને અન્ય બિમારીનો શીકાર બને છે. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં શાળાના તમામ વિદ્યાર્થીની દર વર્ષે આરોગ્ય તપાસ થઈને તેમને નિઃશુલ્ક સારવાર આપે છે. અનેક ગંભીર રોગમાં પણ હજારો બાળકોને આ યોજના નવજીવન આપે છે. આપણે શાળાના બાળકો માટે જે કરી શક્યા તેવું ૦ થીપ વર્ષના બાળકો માટે કરી શકીશું  તેવી મને શ્રદ્ધા છે.

ગુજરાતનું  અર્થતંત્ર મજબૂત અને ગતિશીલ છે. વાર્ષિક રૂા.૧૮ લાખ કરોડના ઘરેલું ઉત્પાદન સાથે ગુજરાત વસ્તીમાં ભલે નવમું સ્થાન હોય પણ આર્થિક હિસ્સામાં પ્રથમ પાંચમાં હોવાનું ગૌરવ અનુભવી શકે તેમ છે. માથાદીઠ વાર્ષિક આવક હવે રૂ.૩ લાખને આંબી જશે તે દિવસ દૂર નથી.

૧૧ ટકાના વિકાસદર સાથે ગુજરાતના અર્થતંત્રમાં કૃષિનો હિસ્સમે ૧૯ ટકા, ઉદ્યોગોનો ૪૫ ટકા અને સેવા ક્ષેત્રનો ૩૬ ટકા હિસ્સો પ્રમાણમાં સંતુલિત કહી શકાય. દેશના અન્ય ભાગો જેમ કૃષિની આવકમાં ઝડપી વધારો થાય તેને અગ્રતા આપવાની જરૂર છે.

દેશની ૮.૬૧ ટકા આદિજાતિ વસ્તી સામે ગુજરાતમાં તેનું પ્રમાણ ૧૪.૭૫ ટકા છે. દલિત વસ્તીનું પ્રમાણ ભારતમાં ૧૬.૬૩ ટકા છે. જ્યારે ગુજરાતમાં  તેનું પ્રમાણ ૬.૭૪ ટકા છે. ગુજરાતની દલિત, આદિજાતિ, વિચરતા સમુદાય, સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે જે પછાત છે તેની સંખ્યા નોંધપાત્ર છે. છેલ્લા ૨૦ વર્ષથી આ વિવિધ જૂથોમાંથી સ્વપુરુષાર્થ અને સરકારી સહાયથી આર્થિક પ્રગતિની સારી શરુઆત છે. લગભગ ૧૭ ટકા વસ્તી આજે પણ ગરીબી રેખા નીચે છે તેમાં જે ઝડપથી અને અસરકારક કામગીરી થવી જોઈએ તેનો અભાવ જણાય છે. આર્થિક સમૃદ્ધિ શહેરોમાં જ અમુક લોકો વચ્ચે મર્યાદિત ન રહેતાં સર્વજન સુખાય માટે સમાનતાના સિદ્ધાંત અંગે જાગૃતિ કેળવવાની જરૂર છે. અમેરિકા જેવા શક્તિશાળી અને સંપન્ન દેશના પ્રમુખ જોન બાઈડન તેમના સંસદના પ્રવચનમાં અમેરિકાના વંચિતો અને મધ્યમવર્ગની સ્થિતિ સુધારવા રોકડ સહાયની દરખાસ્ત કરતાં હોય ત્યારે ગુજરાતે આ બાબતે સંકોચ રાખવાનું કોઈ કારણ નથી. ગુજરાતમાં કુટિર ઉદ્યોગ, લઘુઉદ્યોગ, ગૃહઉદ્યોગ, દૂધની ડેરીઓ, સ્વરોજગારી અને નવા સાહસિકોએ વિકાસમાં જે ફાળો આપ્યો છે. રોજગારી આપી છે તેની નોંધ લઈને તેમને તક આપવાની આવશ્યકતા છે. ગુજરાતની આત્મનિર્ભર યોજના શ્રેષ્ઠ છે. સમસ્યા બેન્કોનો સહયોગ મેળવી તેનો દૂર દરાજના ગામડા સુધી વ્યાપક અમલ કરાવવાનો છે.

માનવ વિકાસ સૂચકાંક (હૃુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્ષમાં) ગુજરાતનું સ્થાન સરેરાશમાં છે. કેરાલા, તામિલનાડુ, હરિયાણા, પંજાબ, દિલ્હી, સિક્કિમ અને ત્રિપુરા કરતાં  ગુજરાત કેમ પાછળ છે તે પ્રશ્ન વર્ષોથી પૂછાય છે. જ્યાં સુધી આપણે શિક્ષણ, આરોગ્ય, ગૃહનિર્માણ, રોજગારી વિગેરે સમાજના વંચિત વર્ગો માટે સારી રીતે જરૂર પડ્યે નિઃશુલ્ક પૂરા ન પાડી શકીએ તો પ્રવર્તમાન પરિસ્થિતિમાં સુધારો નહીં થાય. મહિલાઓમાં પણ લોહતત્વની ઉણપ, આદિજાતિમાં સિકલ સેલની સમસ્યા અને દુષિત પાણીથી થતાં બાળમરણની સંખ્યા ઘટાડવા માટે ખૂબ ઝીણવટભર્યા આયોજન અને ચુસ્ત અમલવારીની જરૂર છે.

વિદેશમાં વસ્તા ર કરોડ ભારતીયોમાં લગભગ ૧ કરોડ ગુજરાતીઓ છે. ૧૨૦ દેશોમાં ફેલાયેલો આ સમુદાય ગુજરાતને મદદ કરી રહ્યો છે પણ ગુજરાતના ગામડાઓની કાયાપલટ કરવામાં, ગુજરાતના દરેક ગામડાને રોજગારી, ઉર્જા, શિક્ષણ (માધ્યમિક સુધી) અને પ્રાથમિક આરોગ્ય સેવા માટે સ્વાવલંબી બનાવી શકાય તેમ છે. સાબરકાઠાંનું પુંસરી ગામ અને રાજકોટનું રાજસમઢીયાળા, ગીર-સોમનાથનું બાદલપુર એમ અનેક ઉદાહરણો છે. જ્યાં ગ્રામિણ વિકાસ કેવું પરિણામ આપી શકે તે આપણે જોઈ શકીએ છીએ.

નાણાંકીય વહીવટમાં ગુજરાત સરકાર છેલ્લા ઘણાં વર્ષોથી મહેસૂલી પુરાંત ધરાવે છે. પણ જાહેર દેવાનું પ્રમાણ ધરેલું ઉત્પાદનના ૨૦ ટકાએ પહોચ્યું છે ત્યારે ગુજરાતી પ્રજાના જન્મજાત કરકસરના ગુણને સરકારમાં અપનાવવાથી સૌને લાંબાગાળે લાભ છે. પર્યાવરણ, સ્થાનિક સ્વરાજની સંસ્થાનો નબળો વહીવટ, શિક્ષણમાં ગુણવત્તાનો અભાવ વિગેરે અનેક સમસ્યાઓ આપણું ધ્યાન દોરે છે.

આજે ગુજરાતનો સ્થાપના દિન મનના દૃઢ સંકલ્પ સાથે ઉજવીએ. “ઉંચી સુંદર તવ જાત, દીસે અરુણ પરભાત” એ નર્મદનું જ નહીં. આપણા સૌનું સ્વપ્ન છે. નર્મદે ૧૪૮ વર્ષ પહેલાં જે આદર્શ ગુજરાતની કલ્પના કરી તેને સાકાર કરીશું. આઝાદીના જંગના સેનાપતિ ગાંધીજી અને તેના પટ્ટશિષ્ય સરદાર પટેલે આપણને સ્વતંત્ર અને એકતા સાથેનું જે ભારત વારસામાં આપ્યુ છે તેને વિશ્વમાં સુયોગ્ય સ્થાન અપાવવામાં ગુજરાતની ભુમિકા અહમ્‌ હશે તેવા વિશ્વાસથી ગરવી ગુર્જર ધરાના આપણે સૌ સંતાનો આજે બુલંદ સ્વરે જય જય ગરવી ગુજરાતનું ગાન કરીએ.

Comments

Popular posts from this blog