અવસર જેવું કેમ લાગે છે ? આજ કોઈ અવતર્યુ લાગે છે ?
- પ્રવીણ ક. લહેરી
૧. જન્મદિન :
તા.૨૮મી માર્ચ ૨૦૨૧ના રોજ મારા જન્મદિન પહેલાં એકાદ અઠવાડિયે સૂરજ મેષ રાશીમાં પ્રવેશ્યો હોય, વસંતની કુંપળો પાન-ફૂલ બનીને વૃક્ષોને નિખારી રહી હોય, ગ્રીષ્મની ગરમી તેનું સામ્રાજ્ય જમાવવા તત્પર હોય અને સાથે કોરોનાનો કહેર હોય, વિદ્યાર્થીઓ પરીક્ષાની અનિશ્ચિતતાથી પરેશાન હોય, વૅકેશનમાં ફરવા જવામાં અગણિત સમસ્યાઓ હોય અને ચૂંટણી રેલી સિવાય ભીડ કરીને ઉજવણી કરવી એ ગુન્હો હોય તેવા સમયે ૭૭મો જન્મદિન આવીને જાય તેમાં શું ? સમયનો પ્રવાહ અવિરત છે. આપણે તે પ્રવાહમાં નાના-નાના મુકામો રહ્યા છે. સેકન્ડ, મિનીટ, કલાક, દિવસ, સપ્તાહ, પખવાડિયું, મહિનો, વર્ષ વગેરે વગેરે. આ ક્રમમાં આપણે અગાઉ જન્મની -તિથી અને હવે તારીખ પ્રમાણે ઉજવણી કરીએ છીએ. અખિલ બ્રહ્માંડમાં તદ્ન અલ્પ, ક્ષુલ્લક અને નગણ્ય અસ્તિત્વ ધરાવતા આપણે જન્મદિને સૌ સ્નેહીઓની શુભેચ્છા અને વડીલોના આશિષોથી વિરાટ સ્વરુપનો અનુભવ કરીએ છીએ. આ દિવસ આપણા અહ્મને આખા વર્ષનું પોષણ આપે છે. આપણને વિશેષ હોવાની અનુભૂતિ કરાવે છે. પોતીકાં અને પારકાના ભેદ ભૂલાવીને આપણને સૌની સ્નેહવર્ષા ભીંજવે છે. સાચું કેટલુંક અને ઔપચારિકતા કેટલી ? તેવા પ્રશ્નો અસ્થાને છે. સંશયાત્મા વિનિશ્યતીના ન્યાયે જન્મદિને જે પ્રાપ્ત થાય તેનો સહજ સ્વીકાર એટલે આનંદની હેલી. તમારી ઉંમર વધે ત્યારે ત્રણ વસ્તુઓ બનવી સહજ છે. પ્રથમ તો તમારી યાદશક્તિ ઘટે અને તેથી જ બાકીની બે વસ્તુ યાદ આવશે ત્યારે જણાવીશ ! જીવન એક અદ્ભૂત વરદાન છે. ઓપ્રાહ વિન્ફ્રી કહે છે; ‘‘તમે જેમ જેમ જીવનને વખાણો અને ઉજવવો તેમ તેમ તમને જીવવાનો વધારે આનંદ મળે છે.’’ કોઈકે અનુભવ્યું કે જન્મ દિવસ એટલી જિંદગીનું અંત તરફ આગળ વધવું. સમયની ગતિ કેમ ધીમી કરવી તે પ્રશ્ન છે. તેનો ઉત્તર પણ અનુભવીએ માર્મિક રીતે આપ્યો છે. ‘‘સમય સામે કોર્ટમાં કેસ દાખલ કરી દો પછી ચાલશે ત્યારે પણ ધીમે ધીમે જ ચાલશે.’’
૨. યુગ પરિવર્તન :
વરિષ્ઠ નાગરિક માટે ૬૦ વર્ષથી વધારાના વર્ષોને ‘બોનસ’ ગણવામાં આવે છે. આર્થિક સ્થિતિ સારી હોય તો જરૂરથી બોનસ છે. અન્યથા આ વર્ષો દુઃખનો પર્યાય બને. ૭૫ વર્ષથી વધારાની વયના લોકો જન્મ્યા તેમણે દેશને ગુલામીમાંથી આઝાદીમાં પ્રવેશતા જોયો પણ તે ઘટના સમજવા તે સૌ નાના હતાં. ગાંધીયુગમાં જન્મ્, અનુગાંધી યુગમાં ઉછેર-શિક્ષણ, આધુનિક યુગમાં નોકરી-કામધંધા અને અનુઆધુનિક યુગમાં નિવૃત્તિ એમ કહીએ તો ગુજરાતી સાહિત્યના વિવેચકોએ નક્કી કરેલ યુગ પરિવર્તનોના અમે સાક્ષી છીએ. અમારી પેઢીએ ચોંકવનાર, અકલ્પ્ય પરિવર્તનો જોયા છે, માણ્યા છે અને અમુક અંશે પચાવ્યા પણ છે. ભૂતકાળની વાતો કરીએ ત્યારે સાંભળનાર બાળક-યુવાનને પરિકથાનું શ્રવણ કરતાં હોય તેવી અનુભૂતિ થાય. અમારી પેઢી માટે તો ‘માણ્યું તેનું સ્મરણ કરવું તે ય એક લ્હાવો છે’ તેવી માન્યતા વાજબી છે. હવે આ કૃત્રિમ બુદ્ધિમત્તા (આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ) સ્વયં સંચાલિત યંત્રો (રોબટ્સ) દ્વારા ડિઝીટલ દુનિયા કેવી હશે તેની કલ્પના કરીએ કે નહીં પણ બીજા ૧૫-૨૦ વર્ષ ખેંચી કાઢ્યા તો પરિવર્તનના ખૂબ શક્તિશાળી પ્રવાહનો અનુભવ થશે.
૩. અનુભવોનું ભાથું :
જેમ જેમ જીવન આગળ વધે છે તેમ તેમ અનુભવનો ભંડાર ભરાતો જાય છે. અનુભવ એ આપણો સૌથી મોટો શિક્ષક છે. અનુભવના આધારે આપણે સારા અને સાચા નિર્ણયો કરી શકીએ છીએ. આ અનુભવ એટલે આપણી કરેલી ભૂલો. ભૂલોમાંથી શીખીએ તો અનુભવનો ઉપયોગ છે અન્યથા આદત મુજબ, ઈચ્છા પ્રમાણે અને ઉતાવળે જીવવામાં સુખ કરતાં દુઃખ પ્રાપ્તિનો અવકાશ વધારે છે. ઉપદેશથી કોઈ સુધરતું નથી પણ અનુભવની ઠોકર જ અહંકારીની સાન ઠેકાણે લાવે છે. જીવનમાં હરવું-ફરવું, ખાવું-પીવું, કમાણી કરવી, ખર્ચ કરવો, વસ્તુ વસાવવી, સંબંધો સાચવવા, પ્રેમ આપવો અને મેળવવો, હસવું અને રડવું, ઉત્સાહ અને નિરાશા વચ્ચે ઝૂલવું. આ સઘળું આપણા અનુભવોને સમૃદ્ધ કરે છે. વયસ્ક નાગરિક માટે શાંત મન, ઉદાર દિલ, સ્મિતભર્યો ચહેરો, અન્ય માટે સંવેદના, ધીરજ, ક્ષમા અને સમતાના ગુણો કેળવવા ખૂબ જરૂરી છે. આ ગુણો હશે તો શરીર અને મન નિરોગી રહેશે. જીવનનો આનંદ માણી શકાશે.
૪. જીવનનું મૂલ્યાંકન :
જીવન સુખી છે, સફળ છે, ઉત્સવ છે કે બોજરૂપ છે, સમસ્યાઓથગી ઘેરાયેલું છે તેનો આધાર વ્યક્તિ અને સંજોગો પર છે. અનેકનું જીવન શાંતિ અને સગવડ વચ્ચે વિતે છે. ઘણાંને જિંદગી જીવવા તીવ્ર સંઘર્ષ કરવો પડે છે. આપણે ત્યાં નસીબદાર વ્યક્તિ માટે ‘‘ભાગ્યનો બળીયો છે’’ તેમ કહેવત છે. જ્યારે દુઃખમાં સબડતા માટે ‘‘બાળોતીયોનો બળેલ છે’’ તેવો શબ્દપ્રયોગ પ્રયોજવામાં આવે છે. જીવનનું મૂલ્યાંકન કરવાના માપદંડો દરેક યુગે, દરેક સમાજમાં અને વિવિધ વ્યક્તિઓ માટે અલગ અલગ હોય છે. કોણ કોને કેટલું મહત્ત્વનું ગણે છે તેના પર મૂલ્યાંકન આધારિત છે. ૭૬ વર્ષની જીવનયાત્રા બાદ હું એટલું તો વિશ્વાસપૂર્વક કહી શકું કે આપણા સુખ દુઃખના ઘડવૈયા આપણે છીએ. સંજોગો ભલે વિપરીત હોય દૃઢ મનોબળ, અવિરત પરિશ્રમ અને ધીરજ-કુશળતાવાળી વ્યક્તિ સફળતા મેળવે છે. કદાચ અપેક્ષાથી ઓછી હોય તો પણ પુરુષાર્થ સાવ વ્યર્થ નથી જતો. અલબત્ત ઈશ્વરકૃપા, માબાપની પરવરીશ, મિત્રોની હુંફ, સાથીઓનો સહયોગ અને પતિ કે પત્નીનો પ્રેમ જીવનની સફળતામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જીવનનો હેતુ સુખ અને આનંદ હોય તો ચિંતા છોડી અને ખૂબ હળવાશથી જીવો.
૫. સુખનું સરનામું :
સૌને સુખની તલાશ છે. સુખ એ ક્ષણિક અનુભૂતિ છે. તેને ટકાઉ બનાવવા માટે આપણે સદાય જાગૃત રહીને હકારાત્મ્ક ઉર્જા અને પરોપકારની ભાવના સાથે દરેક કાર્ય કરીએ તો તેનું ફળ મધુર જ હશે. હા, જિંદગીમાં નિષ્ફળતા વિના કોઈ સફળતા ન પણ મળે. અનેક અંતરાયો અને અગવડો વચ્ચે જાતને સુખી કરવા સાથે ‘‘સર્વે સુખીનો સન્તુઃ’’નો ઉપનિષદનો સંદેશ યાદ રાખવો જરૂરી છે. મનુષ્ય સામાજિક પ્રાણી છે. સૌના સુખમાં જે પોતાનું સુખ શોધે છે તે નથી નિષ્ફળ થતો કે નથી નિરાશ થતો. વ્યસ્ક નાગરિકો સાત સાત દાયકાના અનુભવ પછી પણ સુખનું સરનામું શોધવામાં ગુંચવાય તો તેમાં અન્ય કશું ન કરી શકે. આપણા દોષો, આપણી મર્યાદાઓ, આપણી ભૂલો સહજ છે. તેનો પરિચય થાય એટલે તે ક્રમશઃ દૂર કરવાની જવાબદારી આપણી છે. જ્યારે વ્યક્તિ મનની મોજના દરિયામાં તરે છે ત્યારે સુખનું સરનામું શોધવાની જરૂર નથી રહેતી. સુખ સામેથી જ બારણે ટકોરા મારે છે. આપણા કવિ બાલાશંકર કંથારિયાની પંક્તિઓ;
‘‘રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે,
દિલે જે દુઃખ કે આનંદ કોઈને નહિ કહેજે,
....રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે,
જગત બાજીગીરીના તું બધા છલબલ જવા દેજે.
....કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઈ,
નિજાનંદ હંમેશાં બાલ’ મસ્તીમાં મઝા લેશે.
સુખ અને દુઃખ આપણા પરિવારના સભ્યો નથી, એ તો મહેમાન છે.
આ અતિથિઓ આવશે, થોડું રોકાશે, પાછા જશે. ચાલ્યા કરશે.
જો એ ન આવે તો આપણે સમજણ અને અનુભવથી વંચિત રહી જઈએ.’’
6. શ્રેય માર્ગ :
આપણી ઈચ્છાઓની તૃપ્તિ એટલે આનંદ એ પેય માર્ગની ઓળખ છે. વ્યક્તિ સ્વકેન્દ્રી બને અને તેનું સુખ ઈચ્છા પૂરી કરવા પર નિર્ભર રહે ત્યારે સુખ દુઃખની ઘટનાઓ અવિરત બનતી રહે. જ્યારે વ્યક્તિ સ્વમાંથી સેવામાં પ્રવેશ કરે ત્યારે વ્યક્તિ સુખની શાશ્વત અનુભૂતિ કરે છે. શ્રેય અને પ્રેય બંને માર્ગ ખુલ્લા છે. પ્રેય માર્ગે સુખ કે આનંદ ઈચ્છાપૂર્તિ પર અવલંબન રાખશે, જ્યારે શ્રેય માર્ગ સુખ કર્તવ્યપાલન માત્રથી જ અનુભવાશે.
૭. શરીરમાંદ્ય ખલુ ધર્મસાધનમ્ :
વૃદ્ધાવસ્થા - અંગમ્ ગલિતમ્ પલિતમ્ મૂંડમ્ની સ્થિતિ. મનની અધૂરી આશાઓની પૂર્તિમાં શરીરનો સાથ ન મળે તેવી પરિસ્થિતિ. વૃદ્ધોએ શરીરની કાળજી કરવી તે ટોચની અગ્રતા છે. શરીર વિના આત્માની જે સ્થિતિ હોય પણ તેનો અનુભવ આપણે કરી શકતા નથી. અન્યના શબ્દો પર ભરોસો રાખી આત્માના ગુણો અંગે માન્યતા બાંધીએ પણ હકીકતમાં તો કબીરજીનું નિરક્ષણ સાચું છે. ‘‘આપ મુઆ પીછે ડૂબ ગઈ દુનિયા’’ મૃત્યુનો ડર છોડવો જરૂરી છે પણ મરણ બાદ સ્વર્ગની ઝંખના કે નર્કની યાતનાના વિચાર કરવા કરતાં વર્તમાનની દરેક ક્ષણ જીવી લેવામાં જ ડહાપણ છે.
જન્મ દિવસનું તો નિમિત્ત છે. મનમાં ઘોળાતા વિચારોનો વિસ્ફોટ થાય તેમાં ક્યાંક તો ચિનગારી જોઈએ ને ? ૭૬ વર્ષનું મૂલ્યાંકન કરવું સહેલું નથી પણ જિંદગીની સાંકળમાં દુઃખ કરતાં સુખની કડીઓ વધારે હોય ત્યારે ફરિયાદ શેની ?
ડૉ. સેજલ દેસાઈનું કાવ્ય સુખ દુઃખના ત્રાજવા સમતોલ કરી આપે છે.
સુખ અને દુઃખ બે ભાગ જીવનના,
સ્વિકારી લો સહજ તે સાથી મનના.
દુઃખ શું છે, અપેક્ષિત ઘટના,
કરીએ દહન દુઃખોનું ભાગે ભ્રમણા.
સુખ શું છે, મનગમતી બીના,
વહેંચીએ જો સુખને થાય બમણાં.
સુખદુઃખની આવનજાવન જીવનમાં,
હળવા રહેશે જે આવકારે બંનેને સરખાં.
આ ઉપરાંત જન્મદિને જિંદગીનું મૂલ્યાંકન કવિયત્રી અમૃતા
પ્રિતમમાં શબ્દોમાં કરીને ફૂંક મારીને ચિંતા, ઈર્ષ્યા, વેર અને
લાલચની મીણબત્તીઓ ઓલવી નાંખીએ.
‘‘તૂં જિંદગી જૈસી ભી હૈ
જો ખુદી સે દૂર હૈ,
વહ ખુદાસે દૂર હૈ,
છોડકર મૈં જાઉંગા કિસ જહાંમેં
હર તરફ તૂ હી તૂ
ઔર - તેરા હી નૂર હૈ’’
Comments
Post a Comment