દાંડી કૂચ-ર

                                                                                                                          - પ્રવીણ ક. લહેરી

દાંડીકૂચ પહેલાં  ગાંધીજીએ વાઈસરોય લોર્ડ ઈરવીનને પત્ર લખી જણાવ્યું હતું ‘‘હું જાણું છું કે અહિંસક લડત ઉપાડવામાં હું ગાંડુ સાહસ કહી શકાય તેવું જોખમ ખેડી રહ્યો છું પણ ગંભીરમાં ગંભીર જોખમ ખેડ્યા વિના સત્યનો જય થયો નથી. સૌથી પડકારરૂપ કામગીરી હા પર લેવી તેમાં જે નીડરતા,આત્મવિશ્વાસ, ધીરજ, દૃઢતા અને સમર્પણ જોઈએ તે સત્યાગ્રહીમાં સહજરીતે હોવા આવશ્યક છે તેવો ગાંધીજીનો આગ્રહ આશ્રમવાસીઓએ આશ્રમ જીવનમાં વર્ષો સુધી અનુભવ્યો હતો.

સામે પક્ષે અંગ્રેજી હકૂમતનો તેના તાનમાં હતી. ૧૯૨૨ માં ગાંધીજીને રાજદ્રોહના કેસમાં ૬ વર્ષની સજા થઈ હતી ત્યારે બ્રિટનની સંસદમાં બર્કનહેડે બડાશ મારી હતી. ગાધીજીને પક્ડ્યા છતાં હિન્દુસ્તાનમાં એક કૂતરું પણ ચસ્યું નથી અને અમારો કાફલો (વહીવટ) સુખેથી ચાલી રહ્યો છે. સરદારે ૧૯૩૦ માં આહ્વાન કર્યું હતું કે જો ગાંધીજીની ધરપકડ થાય તો જનતા તેનો જઈદ પ્રતિભાવ આપી લાખોની સંખ્યામાં જેલ ભરી દે. વહીવટ ઠપ થઈ જાય તેવો શાંત પ્રતિકાર કરે. ૧૨ મી માર્ચની વહેલી સવારે ભારે મેદનીના અવાજો વચ્ચે પંડિત ખરેજીએ શાર્યગીત લલકાર્યું. ‘‘ શૂર સંગ્રામકો દેખ ભાગે નહીં,દેખ ભાગે સોઈ શૂર નાહી.... હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને, ગાંધીજીના તેવજસ્વી વ્યક્તિના દર્શન માત્રથી સ્વતંત્રતાના સ્વર્ગની અનુભતિ કરતા લાખો લોકો વચ્ચે ગાંધીજીનું ‘લશ્કર’ચાલ્યું ત્યારે માનવજાતિ માટે અન્યાય,શોષણ,કુશાસન અને ગુલામીની જીંજીરો શાંત અને મક્કમ મને તોડવાનો એવ અનોખો માર્ગ સામે આવ્યો હતો. કૂચ દરમિયાન સરદારનું વારંવાર સ્મરણ કરતાં ગાંધીજી પૂછે છે : ‘‘સરકાર મને અને આ દાઢીવાળાને (દૃબ્બાસ તૈયબજી) કેમ નથી પકડતી ? અમારો ઈરાદો કાયદાનો ભંગ કરવાનો છે.’’ આ દેશની સ્વાવલંબનની પરંપરા યાદ કરી ગાંધીજી મહિલાઓના કામને પંચયજ્ઞ તરીકે યાદ કરે છે. ચૂલા યજ્ઞ,(રસોઈ)સાંબેલા યજ્ઞ, ( અનાજ કૂટવું) સાવરણી યજ્ઞ (સફાઈ) જળયજ્ઞ (પાણી ભરેલું) રેંટીયા યજ્ઞ (કાંતવું ).  પરિવારની પ્રાથમિક જરૂરિયાતમાં જેમ ગૃહિણીના કામનો મહિમા છે તેમ જીવનમાં અગિયાર મહાવ્રતોનો મહિમા છે.

દાંડકૂચ સાથે લોકશિક્ષણ અને જાગૃતિનું કામ કરતા કરતાં ગાંધીજીએ જે વચનો ઉચ્‌ાર્યા તે આજે પણ પ્રસ્તુત છે મહત્ત્વના છે.

(૧) મનમાં ક્રોધને પોષ્યા કરવો અને મરવું તે મરણ સત્યાગ્રહીનું ન ગણાય.

(ર) જો આખું હિન્દુસ્તાન ધણધણી ઊઠે તો એક લાખના પંજામાંથી ત્રીસ કરોડને બહાર નીકળતાં કેટલી વાર લાગે ? ત્રિરાશી તમે જ માંડશો.

(૩) સરદારને ત્રણ માસની સજા કરી શું ત્રણ માસની સજા સરદારને શોભે ? આપણે સૌ સરદાર વલ્લભભાઈ અને દરબાર ગોપાળદાસના માર્ગે ચાલવાનું છે.

(૪) રાજદ્રોહ તો આપણો ધર્મ છે.  આવા રાજ્ય સામે રાજદ્રોહ મારી ફરજ છે. 

(૫) સમર્થ હશે તે દુર્બળ થઈ જશે. શાણાઓ પણ ભૂલો કરશે તે યાદ રાખવા જેવું છે.

(૬) આપણે અભિપ્રાયો ધીરજ રાખીને નક્કી કરવા, પણ એકવાર નક્કી કરીએ તેને પરિશ્રમપૂર્વક વળગી રહીએ.

(૭) સ્વમાન ખોવા કરતાં હિંમતવાન મોતને ભેટશે.

(સજામાફી માટે અરજીનો ઈન્કાર કરનાર ભગતસિંહે પણ આજ વાત કરી હતી )

(૮) આ રાજનિતિનો નાશ ન થાય ત્યાં સુધી ઝઝૂમવાનું છે.

(૯) પગપાળા મુસાફરી કરી રહ્યો છું તેનું કારણ ઊંડું છે. આ તો ધર્મયાત્રા છે. કદીય મારા જીવનની છેલ્લી યાત્રા છે.

(૧૦) મીઠા પર કર નાખનાર રાજ્યને હું રાક્ષસી કહું છું. ગુજરાતીમાં એક કવિતા છે. ‘અંધેરી નગરી અને ગંડુ રાજા’’ અહિંયા તો સાત લાખ ગામડાઓમાં અંધેર પ્રવર્તે છે. કરના બદલામાં સરકાર શું આપે છે. તેની મને ખબર નથી‘‘.

(૧૧) ‘‘અમે એકલા ૮૦ જણા નહી પણ ૩૦ કરોડ નીકળ્યા છીએ.....જ્યારે અમલદારો કહેશે કે હું તમારો નોકર છું, હું અમલ કરવા નહિ પણ સેવા કરવા આવ્યો છું.’’

(૧૨) ‘‘મારો ધર્મ તો એ છે કે પંજાબમાં જુલમ કરનાર ડાયર અને ગોળી મારે અને તેને તરત જ સર્પ કરડ્યો હોય તો હું સર્પદંશ ચૂસીને એનું ઝેર ઉતારું’’

(૧૩) ‘‘બાળલગ્નો કરીને આ જમાનામાં તમે શા માટે ત્રાસ વર્તાવો છો ? આવું કાર્ય ઘોર અજ્ઞાન અને પરાધીનતાનું જ છે.’’

(૧૪) ‘‘સત્યાગ્રહનો અર્થ જ આત્મશુદ્ધિ અને કુરબાની. લોકોના ટેકા વગરનો અને ઈશ્વરકૃપા વિનાનો સત્યાગ્રહ લૂલો, પાંગળો અને આંધળો બની જાય.’’

(૧૫) ‘‘જગત લેણદાર છે, આપણે તેના કરજદાર છે.’’

(૧૬) ‘‘સરકારી કાયદો તોડીને આપણે બનાવીએ તે મીઠુ ચોરીનું ગણાય પણ તેથી શું ? ભગવાન કૃષ્ણે આરોગેલું માખણ પણ ચોરીનું કહેવાયું હતું. દરિયો શું  સરકારનો છે ? એ તો હિંદનો છે. તે ક્યાં વિલાયતથી લાવ્યા હતા ?’’

(૧૭) ‘‘મારી સુરક્ષાની ચિંતા ન કરો. સર્વશક્તિમાન ઈશ્વર જ સાચો રક્ષક છે.’’ 

(૧૮) ‘‘જ્યાં લોભ નથી ત્યાં શસ્ત્રોની જરરૂ પડતી નથી.’’

(૧૯) ‘‘પેલા એક લાખ માણસો (અંગ્રેજો) આપણને લૂંટે છે તે નથી ખમાતું ત્યારે જો આપણે ત્રીસ કરોડ એકબીજાને લૂંટવા લાગશું તો આપણી સ્થિતિ શું હશે ?

(૨૦) ‘‘આવી ભારે બત્તી મારા માથા પર મૂકો તો મારાં તો હાડકાંનો ભૂક્કો જ થઈ જાય. આપણે આપણાં ભાઈઓ (શ્રમજીવીઓ) પાસે આવું કામ કેમ કરાવાય. તે એક દિવસ હિન્દુસ્તાનનો વાઈસરોય પણ થઈ શકે.’’

(૨૧) કરોડોને વગર વાંકે અસ્પૃશ્ય ગણો છો તેનું રોજ બહુ મોટું પાપ કરો છો. મારા જેવાને અસ્પૃશ્ય ગણો તેની હરકત નથી પણ સમાજમાં અસ્પૃશ્યતાનીરૂપી દોષ છે તે નિવારવો પડશે નહીં તો સ્વરાજનો કોઈ અર્થ નથી ? 

(૨૨) ‘‘આજે દાંડી કૃષ્ણનું વૃન્દાવન, રામનું અયોધ્યા અને વિશ્વનાથનું કાશી બની ગયું હતું.’’

(૨૩) ‘‘મારી લડત સત્તા સામે સત્યની છે.’’

(૨૪) ‘‘જે નાના નાના ફેરફાર નહીં કરી શકે તે મોટો ફેરફાર કરવાની કળા કદી હાથ ધરી નહીં શકે ?’’

(૨૫) ‘‘ધન કમાવાની ઘેલછામાં ન્યાય, સત્ય, ઈમાનની અવગણના થાય છે.’’

(૨૬) ‘‘બ્રિટીશ સામ્રાજ્યની ઈમારતના પાયામાં હું આથી લુણો લગાડું છું.’’

દાંડીયાત્રાના ૨૬ દિવસો, આ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી ગુજરાત, તેની પ્રજા અને ભાવિ પેઢીઓ સદાય ગૌરવથી મસ્તક ઊંચું રાખી શકે તેવો આ પ્રસંગ. ૯૦ વર્ષ વિતી ગયા. આજે ૭૦ વર્ષની કે વધારે ઉંમરના લોકોએ દાંડીયાત્રાના સમયમાં સક્રીય સેનાનીઓને નજરે નિહાળ્યા હતાં. આજની પેઢી માટે આ બનાવ દૂરના ભૂતકાળનો દેખાય. તેના સાચા મહત્ત્વને પીછાણ્યા વિના સોશ્યલ મિડીયા સાચો ઈતિહાસ રજૂ કરવાના ઓઠા હેઠળ વિકૃત ઈતિહાસ સ્થાપિત કરવા હવાતીયા મારે છે તે સૌને મારી બે હાથ જોડીને વિનંતી. મિત્રો, આપણા ગૌરવને આપણે હાથે ખંડિત કરીને આપણે શું મેળવ્યું છે.

દાંડીયાત્રા ભરૂચ પહોંચી ત્યારે પંડિત ઓમકારનાથ - આપણા મહાન સંગીતકાર, દેશપ્રેમી, તેમના બુલંદ સ્વરમાં ‘વંદેમાતરમ્‌’ સાંભળવાનો મને અનેરો લ્હાવો મળ્યો છે. કદી જનમનગણ ન ગાનાર પણ વંદેમાતરમ્‌ દ્વારા માભોમને વંદન કરનાર આ ગાયકે ભરૂચમાં ગીત લલકાર્યું : જેનું શિર્ષક હતું - ‘‘ભિષ્મ પ્રતિજ્ઞા’’

‘‘ગિરિ તેં ગીરાઓ, મઝધારમેં બહાઓ,

મહાસાગરમેં ડૂબાઓ, કિન્તુ હાથ નહીં જોડેગેં,

તીખી તેગસે કટાઓ, તત્તે તેલમેં કઢાઓ,

ચાહે ખાલ ખીંચવાઓ, પર મુખ નહીં મોડેંગે,

કાલીનાગ સે ડંસાઓ, ચાહે ભૂમિમેં ગડાઓ,

અથવા શૂલીપેં ચઢાઓ, પર પણ નહીં છોડેંગે.

ભનતે પ્રણવ, હમ સૈનિક સ્વરાજ્ય કે હૈં,

ચિતામેં ખાખ હોતે, ટેક નહીં તોડેગેં.’’

આના પ્રતિભાવમાં ગાંધીજીએ કહ્યુંઃ ‘મને જે આશીર્વાદ મળે છે તેનો પહાડ એટલો મોટો છે કે ગમે તેવી રાક્ષસી સલ્તન પણ ટાઢીબોળ થઈ જાય. અંગ્રેજો માટે ગાંધીજી એક અકળ સમસ્યા હતા. આ માણસને ન તો ધનનો લોભ હતો, ન તો કોઈ લાલચ હતી, મક્કમ હતો પણ નમ્ર હતો, તેનો દેશપ્રેમ દરેક ભારતીય માટે આદર્શ હતો. સામાન્ય માનવીની આંતરિક શક્તિ ઉજાગર કરી તેને નીડર અને શુરવીર કરવાની કળા તેને હસ્તગત હતી. તેનામાં ન તો વેર કે બદલાની ભાવના હતી. મોતનો સ્વીકાર કરી તે કોઈ સંંરક્ષણનો મોહતાજ ન હતો. અન્યને ડરાવીને નહીં પણ પ્રેમથી જીતવાનો તેનો પ્રયાસ હતો. સફળતાની ચિંતા કર્યા વિના ધીરજ અને વિશ્વાસથી કર્તવ્ય અદા કરવામાં તેમણે પાછી પાની નહોતી કરી. અતંમાં, દાંડીકૂચ બાદ મીઠાચોર બનેલો મોહન (ગાંધીજી) કહે છે : ‘‘પ્રજાએ મને મહાત્માના બદલે મીઠાચોરનો ઈલ્કાબ આપ્યો છે એ મને ગમે છે. મહાત્માપણું તો સહેલું છે. ખાવાપીવામાં થોડા ઢોંગ કરે, લંગોટ પહેરે તો આ દેશમાં મહાત્માનું પદ તો સહેલાઈથી મેળવી શકાય છે. મીઠાચોરનું પદ મેળવવું અઘરું છે. વ્યક્તિની સ્વતંત્રતા, રાષ્ટ્ર્‌ની આઝાદી, ન્યાય અને શોષણમુક્ત સમાજની રચના અને સત્ય માટે સમર્પણના મુદ્દે દાંડીયાત્રાનો પ્રકાશ સદૈવ ફેલાતો રહેશે.

Comments

Popular posts from this blog