ભારતીય વહીવટી સેવાનો ઈતિહાસ-૨

                                                                                                                              - પ્રવીણ ક. લહેરી

૧૯૪૭થી શરુ થયેલ અખિલ ભારતીય સેવાઓ ભારતીય વહીવટી (પ્રશાસન) સેવા અને ભારતીય પોલીસ સેવા ૭૪ વર્ષ પૂરાં કરે છે ત્યારે તેના દ્વારા સાત દાયકાથી વધારે સમયમાં કેટલી, કેવી અને કઈ રીતે કામગીરી થઈ છે તેનો અંદાજ મેળવવાનો આ પ્રયાસ છે. અખિલ ભારતીય સેવાના સ્થાપક સરદારે પટેલે અધિકારીઓના તાલીમ કેન્દ્ર, મેટકાફ હાઉસમાં જે પ્રવચન ૨૧મી એપ્રિલ ૧૯૪૭ના રોજ આપ્યું હતું તે આજે પણ વહીવટી તંત્ર માટે માર્ગદર્શક તો છે અને સાથે સાથે તે કાર્યને મૂલવવા માટેના માપદંડો પણ પૂરા પાડે છે. સરદારની સલાહ સોનેરી છે. યુરોપ, અમેરિકાની લોકશાહી અને ભારતના જાહેર જીવનની સ્થિતિની વાસ્તવિકતાને ધ્યાને લઈને સરદારે જે મુખ્ય મુદ્દાઓ કહ્યા તેનું મહત્ત્વ નહીં સમજીએ તો દેશના વહીવટનું મજબૂત માળખું ક્ષતિગ્રસ્ત થશે. આના પરિણામો સારા નહીં હોય. દેશની એકતા, વ્યક્તિની સલામતી અને સમાજમાં સ્વતંત્રતા માટે ઘાતક હશે. કોઈ પણ દેશના સંચાલન માટે યોગ્ય લાયકાતવાળા, ક્ષમતાવાળા, પાયાના મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવનાર અને પ્રજાને સમર્પિત અધિકારીઓ હોવા જરૂરી છે. તેમની તટસ્થતા, પ્રમાણિકતા, નિડરતા અને અનાસક્તિ પણ અતિ આવશ્યક છે.

૧. સંવેદના :

તા.૨૧મી એપ્રિલ ૧૯૪૭માં ભારતીય પ્રશાસન સેવાના તાલીમાર્થી અધિકારોને સંબોધન કરતાં સરદારે કહ્યું હતું ; ‘‘તમારા પુરોગામીઓનો એવી પરંપરામાં ઉછેર થયો હતો કે તેઓ પોતાની જાતને સામાન્ય માણસોથી અલિપ્ત રાખતા હતા. હવે એ તમારી પવિત્ર ફરજ છે કે તમે આ દેશના સામાન્ય નાગરિક સાથે આત્મિયતા કેળવશો. મહાત્મા ગાંધીની તાલિમે સરદારને ઉદાર અને સહનશીલ બનાવ્યા હતાં. ગાંધીજીની પીડ પરાઈ જાણવાની વાત માત્ર આદર્શ ન રહેતાં વહીવટીતંત્ર માટે પથદર્શક બને તેવી સરદારની સલાહનું મૂલ્ય આંકી શકાય નહીં. જનતા જનાર્દન પ્રત્યેની સંવેદના વહીવટીતંત્ર અને અધિકારીઓ/કર્મચારીઓનું ચાલકબળ બની રહે તેવી અપેક્ષા પૂરી થાય ત્યારે જ સ્વરાજનું સુરાજમાં રૂપાંતર થશે.

૨. કાર્યકુશળતા :

સરદાર માટે વહીવટીતંત્ર અને તેના અધિકારીઓમાં કાર્યકુશળતાનો ગુણ અનિવાર્ય હતો. અખિલ ભારતીય સેવાઓની જરૂરિયાત સમજાવતાં સરદારે કહેલા શબ્દો આજે કદાચ વધારે પ્રસ્તુત છે; ‘‘તમને ખ્યાલ આવવો જોઈએ કે છેલ્લા એક વર્ષમાં સરકારે દેશમાં શાંતિ જાળવી પ્રગતિ તરફ આગળ વધવા માટે આ પોલાદી માળખા પર અવલંબન રાખવું જરૂરી હતું. આજે આઈ.સી.એસ.ની સેવા વેરવિખેર થઈ રહી છે. ૫૦ ટકાથી વધારે અધિકારીઓ વિદેશી હોવાથી વતન પરત ફર્યાં છે. દેશના વિભાજને આ સેવાને વધારે નબળી બનાવી છે. આ સેવાની કદર બહારની વ્યક્તિઓ નહીં કરી શકે. આમાના અનેક દેશપ્રેમી અને વફાદાર છે. તેઓ રાત-દિવસ જોયા વિના અમારી સાથે કામ કરે છે તેથી જ આપણે પુનઃ સ્થિરતા મેળવી શક્યા છીએ. આપણે જે કાંઈ હાંસલ કર્યું છે તે તેમની નિષ્ઠા અને પૂરા દિલથી કરેલી કામગીરીને આભારી છે.’’ સરદારની આ અંજલિ ભારતીય વહીવટી સેવાના સૂત્ર ‘‘યોગઃ કર્મસુ કૌશલ્ય’’ને સાર્થક કરે છે. 

૩. તટસ્થતા :

અખિલ ભારતીય સેવા પાસેથી સરદારની ત્રીજી અપેક્ષા એ હતી કે તે સંપૂર્ણપણે તટસ્થ હોય. કોઈ કોમ, ધર્મ, ભાષા, પ્રાંત કે સત્તા તરફી તેનો ઝૂકાવ ન હોય. તેમણે સલાહ આપી હતી કે; ‘‘તમે સૌ ધાર્મિક સંગઠ્ઠનો અને રાજકીય પક્ષોથી સલામત અંતરે રાખીને કાર્ય કરજો.’’ ભારતના રાજ્ય બંધારણમાં સરકારી નોકરોને જે રક્ષણ આપ્યું છે તેના કારણે દેશનું વહીવટીતંત્ર વિકાસની પ્રક્રીયામાં અંતરાયરૂપ બન્યું છે તેવી માન્યતાને ખોટી ઠેરવવા માટે આજની નવી પેઢીના અધિકારીઓએ ખાસ કાળજી કરવાની જરૂર છે. ભારતીય વહીવટી તંત્રનું મૂલ્યાંકન કરતી સમયે એક અભ્યાસુએ નોંધ્યું છે; ‘‘સદ્‌ભાગ્યે ઈતિહાસની મહત્ત્વની ઘડીએ સરદાર વહીવટનું સંચાલન કરતા હતાં. તેઓએ જે ભારતીય પ્રશાસન સેવાનું સર્જન કર્યું તે આજે પણ વહીવટની કરોડરજ્જુ છે. જે સરદારે આઝાદી આંદોલન દરમિયાન આઈ.સી.એસ. અધિકારીઓ સામે આક્રોશ સાથે મક્કમ લડત આપી હતી તે સરદારે પોતાના વ્યક્તિગત અનુભવો વિસરીને દેશહિતમાં જે જરૂરી હતું તે કરવા માટે પોતાની પૂરેપૂરી રાજકીય શાખ અને તાકાત કામે લગાડ્યા ત્યારે જ બંધારણ સભા અને અને રાજ્યોના પંત-પ્રધાનોએ આ વ્યવસ્થા સ્વીકારી તે ઈતિહાસના પાને નોંધાયેલ હકીકત છે.

૪. પ્રમાણિકતા :

સરદારે પોતાની સલાહમાં સૌથી વધારે ભાર અધિકારીઓ લાલચથી દૂર રહે અને ભ્રષ્ટાચાર ન થાય કે ન ચલાવી લેવાય તે પર મૂક્યો હતો. આજે ખાસ કરીને છેલ્લા ૪૦ વર્ષમાં દેશનું વહીવટીતંત્ર ભ્રષ્ટાચારના કળણમાં ખૂંપી ગયું છે. સરકારના દરેક નિર્ણયની કોઈક કિંમત ચૂકવે છે તેવી માન્યતા જ નથી પણ અનુભવના આધારે થતું નિરીક્ષણ છે. અમુક અધિકારીઓ પાસેથી કરોડો, સો સો કરોડની સંપત્તિ ઝડપાય છે ત્યારે લોકો હવે આશ્ચર્યચકિત નથી થતાં. હા, કોઈ અધિકારી સીધી-સાદી જિંદગી આનંદથી મર્યાદિત આવક સાથે જીવતા હોય તો તેને પ્રશ્ન પૂછે છે; ‘‘તમે સત્તામાં હતા ત્યારે કેમ કાંઈ ન કર્યું ?’’ અનેક અધિકારી-કર્મચારીની જીવનશૈલીએ અખિલ ભારતીય સેવાના અધિકારીઓ માટે સરદારે ધારેલા ગુણોથી અતિ દૂર છે જે ખરેખર ચિંતાનો વિષય છે.

૫. નિડરતા :

અખિલ ભારતીય સેવાના અધિકારીઓમાં નિડરતાનો ગુણ પણ સરદારે મહત્ત્વનો ગણ્યો હતો. તેમની રજૂઆત ‘‘આજે મારા સચિવો મારા મંતવ્યો વિરૂદ્ધ નોંધ લખી શકે છે. મેં આ છૂટ મારા તમામ સચિવોને આપી છે. મેં તમને સ્પષ્ટ રીતે કહ્યું છે. તમે તમારા મંત્રી નારાજ થશે તે કારણથી કે ડરથી તમારો સાચો અભિપ્રાય નહીં આપો તો બહેતર છે કેત મે આ નોકરી છોડી દેજો. અમે અન્ય વ્યક્તિ કે જે નિષ્પક્ષ, નિષ્ઠાવાન અને નિડર હોય તેને શોધી આવીશું.’’ સરકારના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રી, મુખ્યમંત્રી અને વડાપ્રધાન સાથેના સંબંધો ખૂબ નાજૂક છે. આ સંબંધો જળવાઈ રહે અને ઉભયપક્ષે એકમેકના મંતવ્યોને દેશહિતમાં જોવાની ટેવ ન પડે તો અરાજકતા સર્જાવાનો ભય છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગણતરી વહીવટીતંત્રથી અલગ હોય તે તો સમજી શકાય પણ જાહેર વહીવટીતંત્રનો ઉપયોગ લોક-પ્રતિનિધિઓ અન્યાય, શોષણ, લાલચ, અહ્‌મ કે ખોટી સલાહ સ્વીકારીને કરે ત્યારે અનેક પ્રશ્નોનું સર્જન થાય છે.

૬. દેશ અને પ્રજાહિતનું રખોપું :

અખિલ ભારતીય સેવાઓનું અસ્તિત્વ દેશ અને પ્રજાહિતની રખેવાળી માટે છે. જ્યારે અધિકારીને ખાતરી થાય કે પ્રજા કે દેશહિત વિરૂદ્ધ કોઈ નિર્ણય કે કાર્યવાહી થઈ રહી છે ત્યારે પ્રથમ તો તેમણે સંબંધિત સૌને સમજાવવા માટે ભગીરથ પ્રયત્નો કરવા જોઈએ. ૧૯૭૫માં જે રીતે તત્કાલિન ગૃહસચિવે કટોકટી વિરૂદ્ધ અભિપ્રાય આપીને સરકારની નારાજગી અને અન્યાય સહીને પણ સાચી વાતને વળગી રહેવાનું સાહસ દાખવ્યું હતું તે વહીવટી તંત્ર માટે એક આદર્શ ઘટના છે. કમનસીબી એ વાતની છે કે ક્રમશઃ સરકારી તંત્રમાં લોકપ્રતિનિધિઓ અને અધિકારી, કર્મચારીઓ સમાન રીતે સ્વકેન્દ્રી, સ્વાર્થી અને સંકુચિત વિચારધારાનો ભોગ બન્યા છે. આના કારણે દેશના અનેક વિસ્તારો અસલામત, પછાત રહીને અન્યાય, શોષણના વિષચક્રમાંથી મુક્તિ મેળવી શક્યા નથી. થોડા ચુનંદા અધિકારીઓએ જોખમો ખેડીને સ્થિતિ સુધારવા પ્રયત્નો કર્યાં છે તેની નોંધ ન લેવાય તો તે અનુચિત લેખાય.

અંતમાં, સરદારે બંધારણ સભાને સિવિલ સર્વિસીઝ માટે જે શબ્દો કહ્યા હતા તે સૌ લોકપ્રતિનિધિઓને પણ સમજાય તો જ સરદારના આદર્શોને સાકાર કરી શકે. ‘‘એક અનુભવી વ્યક્તિ તરીકે હું તમને કહું છું કે તમે જે સાધનોથી કામ કરો છો તેનો દોષ ન કાઢો. નકામો કારીગર જ તેના હથિયારની ખોડ-ખાંપણ શોધે છે. દરેક વ્યક્તિને કંઈક પ્રોત્સાહન જોઈએ છે. જે વ્યક્તિની જાહેરમાં દરરોજ નિંદા થાય કે તેને ઉતારી પાડવામાં આવે તો તે કદી સારું કામ કરી શકશે નહીં.’’

સરદાર સિવિલ સર્વિસીઝ પાસે કાર્યદક્ષતા, શિસ્ત અને સંતોષવૃત્તિની અપેક્ષા રાખતા હતાં. કામમાં આળસ કે ઢીલાશ તે સહન કરી શકતા ન હતા. કુશળતા અને પ્રમાણિકતાથી કામ કરવું તે પાયાનું મૂલ્ય છે. સરકારી કામકાજમાં રાજકીય દખલગીરી અંગે સરદાર અને રાજાજી જેવા દક્ષ રાજપુરુષોની દૃઢ માન્યતા હતી. ‘‘વહીવટી સેવાઓ પક્ષીય રાજકારણથી દૂર રહેવી જોઈએ. તેમના કામમાં રાજકીય હસ્તક્ષેપ ન્યુન્તમ હોવો જોઈએ અને શક્ય હોય તો બિલકુલ ન હોવો જોઈએ.’’ બિહારના એક જિલ્લા ન્યાયાશીધનું હાઈકોર્ટમાં બઢતી માટે નામ વિચારણામાં હતું ત્યારે કોઈ રાજકારણીએ તેના માટે ભલામણ કરતાં સરદારે તે ન્યાયાધીશ બઢતી માટે લાયક નથી તેમ નિર્ણય કર્યો હતો. આજે વહીવટી અને ન્યાયતંત્ર માટે સરદારના આદર્શોને વાસ્તવિક બનાવવાનો પડકાર છે. ૨૧મી એપ્રિલ ૨૦૨૧ના સિવિલ સર્વિસીઝ દિને સૌ સુરાજ માટે સુદૃઢ અને ન્યાયી વહીવટીતંત્ર માટે સંકલ્પબદ્ધ અને સમર્પિત બનીએ.

Comments

Popular posts from this blog