ભારતીય વહીવટી સેવાનો ઈતિહાસ
- પ્રવીણ ક. લહેરી
ગુજરાતીઓની સાહસવૃત્તિના કારણે વેપાર-ધંધા, ઉદ્યોગો દ્વારા મબલખ કમાણી કરવાની પ્રબળ ઈચ્છાને કારણે તેમજ ભણવામાં તેજસ્વી હોય તો ડૉકટર કે ઈજનેર બનવાના બે વિકલ્પો જ પસંદ કરતા યુવાન-યુવતીઓ માટે અન્ય રાજ્યોની તુલનામાં સ્પર્ધાત્મક પરીક્ષાનું આકર્ષણ ખૂબ ઓછું રહ્યું છે. દિલ્હી યુનિવર્સિટી હોય કે જવાહરલાલ નહેરુ (જે.એન.યુ.) અલ્હાબાદ (પ્રયાગરાજ) ચેન્નાઈ, કલકત્તા, ચંદીગઢ એ તમામ જગ્યાએ યુવાનો ધો.૧૨ થી ૪ કેન્દ્રીય જાહેર સેવા પંચ (ેંઁજીઝ્ર) અથવા રાજ્ય સેવા આયોગની ગેઝેટેડ જગ્યાઓની સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા તત્પર હોય છે, તૈયારીમાં લાગી જાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર્ જેવા આર્થિક રીતે આગળ પડતાં રાજ્યોના યુવાનોને દેશની અને રાજ્યની મહત્ત્વની જગ્યાઓ પ્રત્યે આકર્ષણ ન હતું. હવે ક્રમશઃ આપણા યુવાન-યુવતીઓ આ ક્ષેત્રમાં રસ લઈ, માહિતગાર થઈને તૈયારી કરી રહ્યા છે તે સારી વાત છે.
કોઈ પણ દેશના શાસનમાં ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા મહત્ત્વની અને નિર્ણાયક હોય છે. બ્યુરોક્રસીને (નોકરશાહી) યુરોપીયન દેશોએ લોકશાહી અને કાયદાના શાસન માટે અગત્યનું અંગ ગણ્યું છે. જો કે વંશપરંપરાગત સત્તાના સ્થાને લાયક વ્યક્તિને જાહેર વહીવટમાં લાવવાની શરુઆત સ્પર્ધાત્મક પરીક્ષાના ધોરણે ચીને ૯મી, ૧૦મી સદીમાં કરી હતી. આપણા દેશમાં રાજ્યસત્તાને અંકુશમાં રાખવા ધર્મસત્તાની મહત્તા સ્વીકારવામાં આવી હતી. મધ્યકાલિન મુગલ, રાજપૂત, પલ્લવ, ચોલા જેવા વંશીય શાસનમાં વંશપરંપરાગત નિમણૂકો ઉપરાંત શૂરવીરો અને નિષ્ઠાવાનોને જાગીરો આપી સન્માનવામાં આવતા હતા. ચાપલૂસી કરનારોને તો શાસનનો ફાયદો કેમ ઉઠાવવો તે કળા હસ્તગત હોય છે.
ઈતિહાસનો એક અકસ્માત છે કે ઈ.સ. ૧૬૧૨માં સૂરતમાં ધંધાર્થે આવેલા ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારીઓને કલ્પના પણ નહીં હોય કે તેમની કંપની ૧૭૫૭ સુધીમાં ‘‘કંપની બહાદુર’’નું નામ મેળવી હિન્દુસ્તાનના ઘણાં ભાગો પર પોતાનું શાસન કરતી હશે અને અન્ય રાજ્યોને ખંડીયા બનાવી પોતાની આણ વર્તાવતી હશે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ૧૭૬૫માં બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દિવાની હક્કો (મહેસૂલ વસુલવાની સત્તા મેળવીને) સામ્રાજ્યના શ્રી ગણેશ કર્યાં. વેપારી પેઢી માટે શાસન ચલાવવાનું કામ સહેલું ન હતું. વેપાર ઉપરાંત સરકારી વહીવટ ગોઠવવાનું કામ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ એક નવું માળખું રચીને પાર પાડ્યું. ઈ.સ. ૧૭૬૫ થી ૧૮૫૩ સુધી કંપનીના વહીવટમાં લશ્કર, પોલીસ અને કરવસૂલ કરનાર અધિકારીઓ મહત્ત્વના હતાં. કંપનીના ડાયરેકટરો પોતાના વિશેષાધિકાર તરીકે કરવેરા માટેના અને વહીવટ માટેના અધિકારીઓની નિમણૂકો કરતાં હતાં. લાગવગ અને ભાઈ-ભત્રીજાવાદ બેરોકટોક ચાલતો હતો. બ્રિટીશ સંસદે આ અધિકાર સીમિત કરવા પ્રયત્નો કર્યાં તે વારંવાર નિષ્ફળ રહી પણ ૧૮૫૩ના સુધારાના કાયદા હેઠળ મેકોલે કમિટીની ભલામણ મુજબ સિવિલ અધિકારીની નિમણૂક લાયકાત ગુણવત્તાના આધારે કરવાની જોગવાઈ કરવામાં આવી. મેકોલે કમિટીની ભલામણ; કંપનીમાં સિવીલ અધિકારીની નિમણૂક વ્યક્તિગત મેળવેલ રેન્કના આધારે મેળવેલા હક્ક મુજબ જ થઈ શકશે. આ નિમણૂક વ્યક્તિની આવડત અને જહેમત પર નિર્ભર છે. કંપનીના સિવીલ અધિકારીઓ વિનયન શાખામાં ઓક્સફર્ડ કે કેમ્બ્રીજ યુનિવર્સિટીની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. ઈ.સ. ૧૮૫૩નો બ્રિટીશ સંસદનો કાયદો ભારતીય સિવીલ સરવીસ (આઈ.સી.એસ.)નો જન્મદાતા છે. ઈ.સ. ૧૮૫૮ના આઝાદી વિદ્રોહ બાદ ઈ.સ. ૧૮૫૮માં બ્રિટીશ મહારાણી વિકટોરીયાએ હિન્દુસ્તાનનો વહીવટ સંભાળતા સિવીલ સરવીસ માટે અલગ કાયદો કરવામાં આવ્યો. ૧૮૫૮ થી ૧૯૪૭ ઈન્ડિયન સિવીલ સરવીસ (આઈ.સી.એસ.)ના ૯૦ વર્ષનો ઈતિહાસ ભાતીગળ છે. એ જાણવું રસપ્રદ થશે કે ૧૮૫૮માં એક હજાર જેટલા તેજસ્વી યુવાનોની ભરતી કૅમ્પસ પ્લેટમેન્ટ જેવી પદ્ધતિથી થઈ હતી. ત્યારબાદ વાર્ષિક સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા મેરીટ લીસ્ટના આધારે નિમણૂકો થઈ હતી. અમુક સંસ્થામાં બઢતી કે શિરપાવ તરીકે પણ આઈ.સી.એસ.માં સ્થાન પ્રાપ્ત થતું હતું. આઝાદી સમયે ૧૯૪૭માં ભારતમાં ૬૮૮ બ્રિટીશરો અને ૩૨૨ ભારતીયો એમ ૧૦૧૦ આઈ.સી.એસ. અધિકારીઓ હતાં.
આઈ.સી.એસ.ની ભરતી માટે સૌ પ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા ૧૮૫૫માં યોજવામાં આવી. ધીમે ધીમે આઈ.સી.એસ. અધિકારીને મહેસૂલી, દિવાની અને ફોજદારી કેસો સહિત લશ્કરી કાર્યવાહી માટે અધિકૃત કરવામાં આવ્યા. ૧૮૭૮માં લોર્ડ એસ્લબરીએ સ્પષ્ટ કર્યું કે; ‘‘આઈ.સી.એસ. અધિકારી રાજ્યોમાં ગમે ત્યાં ગમે તે કામગીરી કરવા માટે બંધાયેલા છે.’’ આનાથી એ લાભ થયો કે આઈ.સી.એસ. સમગ્ર વહીવટમાં છવાઈ ગયા. ઓગણીસમી સદીના અંત ભાગે આઈ.સી.એસ.ને અપાયેલ વહીવટી અને ન્યાયિક સત્તાઓ અલગ કરવાની જરૂરિયાતનો સ્વીકાર કરવામાં આવ્યો. આઈ.સી.એસ. કલેકટરને જિલ્લાના વડા ગણીને પોલીસ, આરોગ્ય, શિક્ષણ, વન, મહેસૂલ, વગેરે વિભાગો તેમની હેઠળ મૂકવામાં આવ્યા. લશ્કરના અધિકારી સામે તેમને બ્રિગેડીયર સમકક્ષ ગણી લશ્કરના નીચેના અધિકારીને આદેશ આપવાનું પણ કલેકટરને સોંપાતા કલેકટર એટલે ‘જિલ્લાનો રાજા’ તેવી ઉક્તિ પ્રચલિત બની.
હિન્દુસ્તાનમાં આઈ.સી.એસ.ની આગેવાની હેઠળ જે તંત્ર ગોઠવાયું તે અંગે જુદા જુદા સમયે અનેક ટીકાઓ થઈ છે. સંક્ષિપ્તમાં કહીએ તો; ‘‘હિન્દુસ્તાનમાં અન્ય ક્યાંય પ્રચલિત હોય તે કરતાં વધારે લખાપટ્ટીનું મહત્ત્વ છે. સામાન્ય બાબતો પણ લખવાનું ફરજિયાત છે. કોઈનો વિશ્વાસ ન કરવો તેવી માનસિકતા છે. દિવસે દિવસે નવા નવા નિયમો બને છે અને ‘મેન્યુઅલો’ ખૂબ મોટા થતાં જાય છે. અધિકારી કર્મચારીઓનો મોટાભાગનો સમય ભાતભાતના પત્રકો ભરવામાં જાય છે. ઈ.સ. ૧૮૫૮ થી ઈ.સ. ૧૯૪૭ના બ્રિટીશ શાસનમાં આંતરમાળખાકીય સુવિધાઓ - રસ્તા, રેલ્વે, પોસ્ટલ (ટપાલ) વ્યવસ્થા, પોલીસ દ્વારા સુરક્ષા એમ અનેક હકારાત્મક બાબતો અસ્તિત્વમાં આવી. આ ૯૦ વર્ષના સમયગાળામાં હિન્દુસ્તાનના લોકોનું શોષણ, સંસાધનોની લૂંટ અને અનેક ભયંકર દુષ્કાળના લીધે પ્રજાનું હીર ચૂસાય ગયું. ઘણાં આઈ.સી.એસ. અધિકારીઓએ દેશના વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું પરંતુ મોટાભાગના અધિકારીનો અહ્મ અને તોછડાઈનો ઈતિહાસ લાંબો છે. આથી જ પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે, ઈન્ડિયન સિવીલ સરવીસમાં કશુંઈન્ડિયન (ભારતીયપણું) નથી, સિવીલ શબ્દ (વિનય) તેમના માટે તદ્દન અજાણ છે અને સરવીસ તેને સેવા ગણવી તે હાંસીપાત્ર છે.
આ આઈ.સી.એસ. આઝાદી બાદ નવા નામ સાથે ‘ઈન્ડિયન એડમિનિસ્ટ્ર્ેટીસ સરવીસ (આઈ.એ.એસ.) તરીકે અસ્તિત્વમાં આવી. આ ઘટનાને ૭૩ વર્ષ થયા. આઈ.એ.એસ. દ્વારા કેવી કામગીરી થઈ ? તેનો પ્રભાવ કેટલો, તેની મર્યાદાઓ શું છે ? તેમનું ભવિષ્ય કેવું છે જેવા અગણિત પ્રશ્નોના ઉત્તરો મેળવવા જરૂરી છે. આઈ.એ.એસ.ની સ્થાપનાનો ઈતિહાસ રસપ્રદ છે. દેશ આઝાદ થયો તે સાથે વિભાજન થતાં લગભગ ૧/૩ અધિકારીઓ, ૧/૩ વસ્તુઓ પાકિસ્તાનને ફાળવવામાં આવ્યા. સાથે સાથે દેશી રજવાડાના વિલીનીકરણને કારણે પ્રાંતો અને કેન્દ્ર હસ્તક અનેક પ્રદેશનો વહીવટ આવ્યો. ૨૨૨ જેટલાં રજવાડાંઓ સૌરાષ્ટ્ર્માં હતા તેને એકત્ર કરી ‘બી’ વર્ગનું રાજ્ય સ્થાપવામાં આવ્યું. કચ્છનો વિશાળ વિસ્તાર ‘ક’ વર્ગમાં મૂકી તેને આજના કેન્દ્ર શાસિત પ્રદેશ જેવો દરજ્જો મળ્યો. દેશી રજવાડાના દિવાનો, મહેસૂલી, પોલીસ અધિકારીઓ, ન્યાયાધિશોને સરકારી સેવામાં સમાવવામાં આવ્યા. અમુકને નવી રચાયેલી ભારતીય વહીવટી સેવામાં નિમણૂકો આપી.
ભારતના બંધારણના ઘડતર સમયે સરદાર પટેલે અખિલ ભારતીય સેવામાં (ઓલ ઈન્ડિયા સરવીસ) ભારતીય વહીવટી (પ્રશાસન) સેવા અને ભારતીય પોલીસ સેવાની સ્થાપના કરી તેનો બંધારણમાં સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. તમામ આઈ.સી.એસ. અધિકારીઓને તેમના સ્થાને ચાલુ રાખી બ્રિટીશ સરકારે આપેલ પગારો, પેન્શન, નોકરીની શરતો, વગેરે ચાલુ રાખવા બાંહેધરી આપતું બિલ રજૂ કર્યું. સરદારના આ પગલાંઓના કારણે ઉહાપોહ મચી ગયો. અનેક કોંગ્રેસી આગેવાનોનું કહેવું હતું કે જે આઈ.સી. ઑફિસરો સામ્રાજ્યને વફાદાર હતા, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓને ત્રાસ આપવામાં જોડાયેલા હતા તેને શા માટે ચાલુ રાખવા ? આ ઉપરાંત તેની નોકરીની જૂની શરતો શું કામ યથાવત્ રાખવી ? રાજાજી, કનૈયાલાલ મુન્શી, વી.એન.ગાડગીલ જેવા સરદારના ચુસ્ત સમર્થકો સિવાય બંધારણ સભામાં આ ‘બાબુશાહી’ અંગેની જોગવાઈઓ અંગે આક્રોશ હતો. રાજ્યો (પ્રાંત)ના વડાપ્રધાનો પણ અખિલ ભારતીય સેવા દ્વારા રાજ્યની ઉચ્ચ જગ્યાઓનું સંચાલન થાય તેની વિરુદ્ધ હતાં.
સરદારે પ્રાંતના વડાપ્રધાનોને સમજાવ્યા અને બંધારણ સભામાં તો સ્પષ્ટ કહ્યું કે; ‘‘જો તમે આ જોગવાઈઓનો અસ્વીકાર કરો તો હું અહિંથી કામ છોડીને ચાલ્યો જઈશ.’’ સરદારના મતે ‘‘આ લોકો (આઈ.સી.એસ.) જાણકાર, અનુભવી અને કાર્યકુશળ છે. દેશમાં અરાજકતા ન આવે તે માટે આપણને તેની સેવાની જરૂર છે. તેઓની દેશભક્તિ માટે શંકા કરવા જેવું નથી.’’ અખિલ ભારતીય સેવાઓ અંગે જણાવ્યું; ‘‘આપણે જો અખિલ ભારતીય સેવાની રચના નહીં કરીએ તો ભારતને અખંડ રાખવામાં મુશ્કેલી પડશે. આપણે એવા પ્રશાસકોની જરૂર છે જેમની પસંદગી ગુણવત્તાના આધારે થઈ છે. જેઓ પોતાના અભિપ્રાયો સ્વતંત્ર રીતે કોઈ ભય, રાગદ્વેષ વિના રજૂ કરી શકે તેવી વ્યવસ્થા રાષ્ટ્ર્હિતમાં છે.’’ સરદારની દૂરંદેશી અને દૃઢતા, વ્યવહાર કુશળતા અને માણસોની પરખ વગેરે બાબતોનો વિચાર કરીએ ત્યારે ખાતરી થાય છે કે આ દેશના વહીવટીતંત્રના ભિષ્મ પિતામહ સરદાર પટેલ છે. પ્રશ્ન એ છે કે અખિલ ભારતીય સેવાઓએ સરદાર સાહેબની અપેક્ષાઓ પૂર્ણ કરી છે કે તેમાં કાંઈક ચૂક થઈ છે ?
Comments
Post a Comment