અમેરિકાના પ્રમુખોનું પ્રદાન
- પ્રવીણ ક. લહેરી
દર ચાર વર્ષે અમેરિકામાં ૨૦ જાન્યુઆરીના રોજ નવા પ્રમુખ કે પુનઃ ચૂંટાયેલા પ્રમુખ સત્તા સંભાળે તે પ્રસંગે ઈનઓગ્યુરલ એડ્રેસ (ગુજરાતીમાં આપણે શુભારંભ પ્રવચન કહી શકીએ) આપે તેનું અનેરું મહત્ત્વ છે. જહૉન કૅનેડીએ કહ્યું હતું; ‘‘તમે એ ન પૂછો કે રાષ્ટ્ર્ે તમારા માટે શું કર્યું છે ? તમે એ પૂછો કે તમે રાષ્ટ્ર્ માટે શું કર્યું છે.’’ પ્રમુખના પ્રવચનો લખનાર દરેક શબ્દની પસંદગી, વાક્ય રચના અને બોલવામાં અસરકારક કેમ રહે તેવું ભાષણ તૈયાર કરવામાં અનેક દિવસ-રાતનો પરિશ્રમ કરે છે. દરેક વાક્ય એક સુભાષિત બને તેની કાળજી કરે છે. આમ છતાં આ ખૂબ જહેમતથી કરેલા પ્રવચનો હંમેશાં યાદગાર નથી બનતા. અબ્રાહમ લિંકનનું ગેટીસબર્ગના રણમેદાન પરનું સૌથી ટૂંકુ પણ યાદગાર પ્રવચન બન્યું. લોકોથી, લોકો દ્વારા, લોકો માટે ચાલતી વ્યવસ્થા એ લોકશાહી એવી વ્યાખ્યા ચિરંજીવ બની છે. અન્ય દ્વારા તૈયાર થયેલા પ્રવચનની એક ખામી હોય છે કે તેનામાં વક્તાનું વ્યક્તિત્વ, સંવેદના, અનુભૂતિ વગેરે સ્વયંભૂ રીતે પ્રગટ થવા જોઈએ તેથતાં નથી. નવા પ્રમુખ જો બિડનનું શુભારંભ પ્રવચન તૈયાર કરવામાં ભારતીય મૂળના એક શ્રીમાન રેડીનો હિસ્સો નોંધપાત્ર રહ્યો હતો.
૧૯૫૬ થી મને અમેરિકાના પ્રમુખોના શુભારંભ પ્રવચનો વાંચવાનો અને હવે પ્રત્યક્ષ જોઈને શ્રવણ કરવાનો લ્હાવો મળ્યો છે. બીજા વિશ્વયુદ્ધના અંત બાદ જનરલ આઈઝનહોવર રિપલીકન પક્ષના ઉમેદવાર તરીકે જીત્યા ત્યારે હારી જનાર ઉમેદવાર (ડેમોક્રેટિક) શ્રી અડલાઈ સ્ટીવન્સન એક પ્રખર વિદ્વાન અને બૌદ્ધિક રીતે ખૂબ વધારે સજ્જ હતા. જનરલ આઈઝન હોવરને અમેરિકાની જીતનો યશ મળ્યો હતો તેથી તેની સામે સ્ટીવન્સન બે વખત ચૂંટણી હારી ગયા. ૧૯૬૦માં જહૉન કૅનેડી પણ એક સુખી સંપન્ન પરિવારના યુદ્ધમાં ભાગ લઈ ચૂકેલા અને આકર્ષક દેખાવ, હાવભાવ, પ્રભાવક અને ઉત્તમ વક્તા હતાં. તેની હત્યા બાદ બેન જોહનસન અને પછી રીચાર્ડ નિક્ષન પ્રમુખપદે આવ્યા. બેન જોહનસન એક વિચિત્ર, મનોવિકૃતિ અને દંભી હતા. નિક્ષન તો જુઠ્ઠા, શંકાશીલ, અભદ્ર અને તુમાખીભર્યાં હતાં. આ બંને પ્રમુખોની નકારાત્મક વાતો મહ્દઅંશે દબાયેલી રહી. જો કે વિરોધીઓની વાતો ટેપ કરવાના વોટરગેટ કૌભાંડે નિક્ષનને પ્રમુખપદ છોડવાની ફરજ પાડી. આ નાલેશીભરી ઘટના બાદ પ્રમુખ બનેલા જેરાલ્ડ ફોર્ડ સાધારણ કહી શકાય તેવા ભલા પ્રમુખ રહ્યા. ફોર્ડને હરાવીને પ્રમુખ બનનાર જીમી કાર્ટરને આજે પણ એક ઉદાત્ત, ઉદાર, નખશીખ સજ્જન તરીકે આદરથી જોવામાં આવે છે. જો કે ૧૯૮૧માં તેમણે પણ હાર પામીને પ્રમુખપદ જાણીતા સિનેકલાકાર રોનાલ્ડ રેગનને ચાર્જ સોંપ્યો. રેગન એ રૂઢિચુસ્ત, મૂડીવાદી અને ભાવુક વ્યક્તિ હતા. તેમનું ઈતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્રનું જ્ઞાન મર્યાદિત હતું પણ વાતચીતમાં, પ્રવચનમાં તેની કુશળતા અને વ્યવહારિક સુઝબુઝના કારણે તેમનો ૮ વર્ષનો કાર્યકાલ એકંદરે અમેરિકી પ્રજાને પસંદ પડ્યો. તેના આર્થિક પગલાંઓ રેગનોમિક્સ તરીકે જાણીતા છે. ત્યારબાદ ૧૯૮૯માં સીઆઈએના ડિરેકટર રહી ચૂકેલા જ્યોર્જ એચ ડબલ્યુ બુશ પ્રમુખ બન્યા. તેઓમાં આઈઝનહોવર જેવી લશ્કરી શિસ્ત, રેગન જેવી વ્યવહાર કુશળતા અને રિપબ્લિકનોની રૂઢિચુસ્તતા હતી. આ રિપબ્લિક પ્રમુખો વચ્ચે ૧૯૯૩ થી ૨૦૦૧ દરમિયાન ડેમોક્રેટિક પ્રમુખ શ્રી બીલ ક્લિન્ટન એટલે મોહક વ્યક્તિત્વ, વિદ્ધતા અને વાચાળતાનો ત્રિવેણી સંગમ એમ કહી શકાય. હાજર જવાબી, તેજસ્વી અને યુવાન એવા બિલ ક્લિન્ટનને પોતાની મદદનીશ મોનિકા સાથેના લફરાને કારણે મહાઅભિયોગનો સામનો કરવાનો આવ્યો પણ સદ્ભાગ્યે તેમાં બચી ગયા. બિલ ક્લિન્ટનની ખરડાયેલી પ્રતિભાના કારણે અગાઉના પ્રમુખ બુશના પુત્ર જુનીયર બુશને ૨૦૦૧ થી ૨૦૦૯ એમ ૮ વર્ષ પ્રમુખપદે બિરાજવાનો અવસર મળ્યો. ૨૦ વર્ષમાંથી ૧૨ વર્ષ પિતા-પુત્ર પ્રમુખ રહ્યાનો વિક્રમ બુશ (સિનીયર) અને બુશ (જુનિયર)ના નામે છે. રિપબ્લિકનોમાં વંશવાદ, શ્વેતલોકોની ઉચ્ચ અને આગવું સ્થાન જેવા બિનલોકશાહી મૂલ્યો પાંગર્યાં છે. તેના ફળ સ્વરુપ ખૂબ સંઘર્ષ બાદ અશ્વેત પિતા અને શ્વેત માતાના સંતાન બરાક ઓબામા અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યા. તેમની સજ્જતા, કૂનેહ અને માનવતાવાદી અભિગમ, ત્રાસવાદ સામેની લડત વગેરેના કારણે ૨૦૦૯ થી ૨૦૧૭ના સમયગાળામાં તેમણે કરેલા અનેક મહત્ત્વના કામોનું દુરોગામી પરિણામ આવે તે પહેલાં એક અજીબ ઘટના બની.
અનેક કાવાદાવા, કરચોરી અને ધૂપ્પલ ચલાવીને અબજોપતિ બનેલા ડોનાલ્ડ ટ્ર્મ્પ કોઈ રાજકીય અનુભવ વિના ‘અમેરિકા ફર્સ્ટ’ના નારા સાથે રિપબ્લિકન પક્ષના ઉમેદવાર બન્યા. ટી.વી. શોના એન્કર તરીકે જાણીતા હતા પણ મહિલાઓની છેડતી સહિત અનેક કુકર્મો જેમના નામે લખાયેલા તેવા શ્રીમાન ટ્ર્મ્પને રૂઢિચુસ્ત શ્વેત લોકોનું જબરજસ્ત સમર્થન સાંપડ્યું એ થોડા માર્જીનથી બિલ ક્લિન્ટન પત્ની હિલેરી ક્લિન્ટનને હરાવી પ્રમુખ બન્યા.
શ્રીમાન ડોનાલ્ડ ટ્ર્મ્પનો ૪ વર્ષનો શાસનકાળ એટલે રોલર-કોસ્ટરની રાઈડ જેમ અચંબો, ભય, અનિશ્ચિતતા વચ્ચ ઘટતી અકલ્પ્ય ઘટનાઓનો સિલસીલો. વાણીમાં રૂક્ષ, વિચારોમાં સ્વકેન્દ્રી અને વ્યવહારમાં ઉગ્ર અને અવિશ્વસનીય એવા ટ્ર્મ્પે મનસ્વી રીતે અમેરિકાનું શાસન સંભાળ્યું. નાટોની સંરક્ષણ સમજૂતિ હોય કે પૅરિસનું પર્યાવરણનું જતન કરવાનો કરાર હોય, ચીન સાથેનો વેપાર હોય કે ઉત્તર કોરિયા સાથેના સંબંધો હોય, ઈરાન સાથેનો શાંતિ કરાર હોય કે ઓબામાની હૅલ્થકેરની યોજના હોય, કોરોના પર અંકુશ કરવાની વાત હોય કે રશિયા સાથેની મંત્રણા હોય, ટ્ર્મ્પે પોતાને સૂઝયું તે સત્ય એવા સમીકરણ સાથે ઘણું ઊંચું-નીચું કરી નાખ્યું. અગાઉના કોઈપણ પ્રમુખ કરતાં તેમના મંત્રી મંડળમાંથી અને વ્હાઈટ હાઉસ સ્ટાફમાંથી ટૂંકાગાળામાં અનેક તજજ્ઞોએ રાજીનામાં ધરી દીધા. બેનન નામનો તેમનો મિત્ર શ્વેતની જ સત્તા હોવી જોઈએ જેવા એજન્ડા સાથે જે કાર્યો કર્યા તેના કારણે જેલની સજા પામ્યો પણ પ્રમુખપદ છોડતાં પહેલાં તેને માફી બક્ષી મુક્ત કર્યો. અફવા સાચી માનીએ તો અનેક ગુન્હેગારો પાસેથી લાંચ લઈને તેમને પ્રમુખની વિશેષ સત્તા વાપરી માફી બક્ષી. દરેક નિર્ણયમાં તરંગ અને આપખુદશાહીની છાંટ પડતાં અમેરિકા ઘણી વખત હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાયું. સૌથી શક્તિશાળી દેશના વડા તરીકે તેમને અમેરિકા માટે ગર્વ હોય તે સમજી શકાય પણ અમેરિકાના હિત ખાતર અન્યના હિતોની ધરાર ઉપેક્ષા કરવાની તેમની વૃત્તિએ સર્વત્ર અજંપો પેદા કર્યો.
નવેમ્બર ૨૦૨૦ની ચૂંટણીમાં કોરોનાના કારણે પોસ્ટથી આવેલા મતો ગણવામાં વિલંબ થયો તેનો લાભ લઈને પોતાની હાર સ્વીકારવાને બદલે અમેરિકાના ઈતિહાસમાં અભૂતપૂર્વ કટોકટી સર્જી વિરોધપક્ષ ડેમોક્રેટોએ ચૂંટણીમાં ગેરરીતિઓ કરી છે અને પોતે જ સાચા વિજેતા છે તેવા દાવા સાથે નવા પ્રમુખને સત્તા સોંપવામાં તેમણે જે કાવાદાવા કર્યા તેનાથી સૌ હતપ્રભ થયા. ચૂંટણીના પરિણામના સ્વીકાર માટે એકત્ર થયેલ સેનટ અને પ્રતિનિધિ સભા (કોંગ્રેસ)ના સદન કેપિટલ હીલ પર પોતાના સમર્થકો દ્વારા હુમલો કરીને તેમણે અમેરિકા અને વિશ્વને ચોંકાવી દીધું. અમેરિકાના રાજ્યોના ચૂંટણી અધિકારીઓ, ન્યાયાધીશો, સેનેટરો, ઉપપ્રમુખ માઈકલ પેન્સ અને મિડીયાએ લોકશાહીનું રક્ષણ કર્યું.
શ્રીમાન જો બિડન ૭૮ વર્ષની વયે સૌથી વૃદ્ધ પ્રમુખ બન્યા. સાથે અશ્વેત-મહિલાને ઉપપ્રમુખ તરીકે પસંદ કરીને નવી શરુઆત કરી. બરાક ઓબામા સાથે ૮ વર્ષ ઉપપ્રમુખ રહેલા બિડેનનો રાજકીય ઈતિહાસ ૫૦ વર્ષથી વધારે લાંબો છે. તેમના અગાઉના અનેક મંતવ્યો, કાયદાના મુસદ્દાઓ ભારત વિરોધી રહ્યા છે. ભારતીય માતાની સંતાન ઉપપ્રમુખ કમલા દેવી હેરીસના અભિપ્રાયો સાથે આપણે સહમત થઈએ તેવું નથી. જો બિડનની ટીમ સંતુલિત છે, અનુભવી છે. અમેરિકાની લોકશાહી પરંપરાને વફાદાર છે. જો બિડને ટ્ર્મ્પની અનેક મનસ્વી કાર્યવાહી અટકાવી છે કે રદ કરી છે. ઉંમરના કારણે ૨૦૨૪માં ચૂંટણી લડવાના નથી. સ્વાભાવિક ક્રમમાં કમલાદેવી હેરિસને ડેમોક્રેટિક પક્ષ પ્રમુખપદ માટે પસંદ કરે તો શ્વેતોની સત્તાના સમર્થકો તેનો ખુલ્લેઆમ વિરોધ કરશે. રિપબ્લિકન પક્ષમાં ડોનાલ્ડ ટ્ર્મ્પ દાવેદાર હશે પણ નિવૃત્ત ઉપપ્રમુખ માઈક પેન્સ માટે પ્રમુખપદની ઉમેદવારી સરળ હશે તેમ લાગે છે. જો બિડન અમેરિકામાં ઉભરેલા શ્વેતોની સત્તામાં અશ્વેતો અવરોધરુપ છે તેવી માન્યતા ધરાવતા ઉગ્ર જૂથોનું માનસ પરિવર્તન કરી શકશે તે યક્ષ પ્રશ્ન છે. તેનો ઉત્તર તો સમય જ આપશે.
Comments
Post a Comment