આશ્રમ ભજનાવલી
- પ્રવીણ ક. લહેરી
કવિ હસમુખ પાઠકને રાજઘાટ પરની પુષ્પાંજલિ જોઈને આશ્ચર્ય થયું, ‘‘આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો હશે ?’’
ગાંધીજીનું જીવન એટલે એક અનાસક્તભાવે કર્મઠ અને સમર્પિત જીવન. ગાંધીના વિરોધીઓ, ટીકાકારો, ખોટી અફવા ફેલાવનારાઓ અને દ્વેષથી પીળા પડી ગયેલા સૌને આપણે અનેક પ્રશ્નો જરૂર પૂછી શકીએ. શું આપણે કે અન્ય કોઈએ આ રાષ્ટ્ર્ને તેમની જેટલી ઉત્કંઠતાથી ચાહ્યું છે ? શું આપણે દેશ માટે સર્વસ્વ છોડવા તૈયાર છીએ ? શું સત્યની ખોજમાં જીવન ખપાવી દેવા સંકલ્પબદ્ધ છીએ ? શું આપણે નીડતરથી અન્યાય સામે અવાજ ઉઠાવવા તત્પર છીએ ? પરિણામની ચિંતા કર્યા વિના સત્યને વળગી રહેવાની - જરૂર પડ્યે એકલા જગતથી ઉલ્ટી દિશામાં ચાલવાની હિંમત છે ? વીર સાવરકરની દેશભક્તિ, ત્યાગ, હીંમત, સહનશક્તિને સલામ કરીએ પણ તેમના જીવનનો ઉત્તરાર્ધ તેના પૂર્વાધની સિદ્ધિઓને ઝાંખી પાડે છે. તેમનો ગાંધી દ્વેષ અસૂયાને કારણે છે. નથુરામ ગોડસેની માનસિકતા હિંસા દ્વારા પોતાના અધકચરા અભિપ્રાયોને જે અનુકૂળ નથી તેવા ૭૯ વર્ષના વિશ્વનો આદર પામેલા વૃદ્ધ ગાંધીને ત્રણ ગોળીથી મારીને પોતાનું જીવન સાર્થક કર્યાનો ભ્રમ અનુભવે છે. આ ભ્રમ આજે ફેલાઈ રહ્યો છે ત્યારે યુવાપેઢી અપપ્રચારનો ભોગ બનશે તો ગાંધીના અમૂલ્ય વારસાથી વંચિત રહેશે. ગાંધીએ તો જે પુરુષાર્થ કરવો હતો તે પૂર્ણ નિષ્ઠા, ત્યાગ અને સમર્પણથી કર્યો છે. કવિને એટલે જ તો માન્યામાં નથી આવતું કે ગાંધી ક્ષણ માટે પણ નિષ્ક્રીય ન હોઈ શકે.
જીવનની પળે પળ વિશ્વના શ્રેયાર્થે ઉપયોગમાં લેનાર ગાંધીને મહાત્મા કહો કે અલ્પાત્મા, રાષ્ટ્ર્પિતા કહો કે દેશદ્રોહી, વિભાજન, હિંદુ-મુસ્લિમ એખલાસ કે દલિતોના જુદા મતદાર મંડળોનો વિરોધ કરનાર કહો પણ ઈતિહાસની એ નક્કર હકીકત બદલી શકાય તેમ નથી કે ગાંધી વીસમી સદીના પૂર્વાધના યુગ પુરુષ હતા, છે અને રહેશે. તેમનું પ્રદાન જીવનના તમામ ક્ષેત્રમાં છે. લગીરે જંપ્યા વિના તેમણે જે લખાણો કરેલા છે તે ૧૦૦ જેટલા દળદાર ગ્રંથોમાં સમાવાયા છે. ભારતના ખૂણે ખૂણે પાકિસ્તાન સહિત સર્વત્ર તેના પગલાંની ભૂંસી ન શકાય તેવી અમીટ છાપ આજે પણ જોઈ શકાય છે, અનુભવી શકાય છે. જે કોઈ ગાંધી પર ધૂળ ઉડાડવાની કોશિષ કરે છે તેની આંખો મલીન થાય છે. આમ છતાં ગાંધીને ભૂંડા ચીતરવાનો વાયરસ ફેલાવવામાં ઘણા લોકો ગળાડૂબ છે. ઈશ્વર તેમને સન્મતિ આપે તેટલી પ્રાર્થના આપણે અતૂટ શ્રદ્ધા સાથે કરતાં રહેવી.
ગાંધીના વ્યક્તિત્વનો પ્રકાશ ઘણાંને વિહ્વળ કરી મૂકે છે. પરંપરાગત માન્યતાઓ, ચીલાચાલુ પદ્ધતિઓ, અંધશ્રદ્ધા, સ્થાપિત હિતોનો પ્રબળ વિરોધ કરનાર ગાંધી માટે તેના વિચારોનો ઉગ્ર વિરોધ થાય તેમાં કશું નવાઈભર્યું ન હતું.
ગાંધીને કોણે માર્યા ? ગાંધીના કૃશકાય શરીરમાંથી તેનો પ્રાણ હરી લેવામાં ગોડસેની ત્રણ ગોળીઓ નિમિત્ત બની પણ આજે આ જધન્ય ઘટનાના ૭૩ વર્ષ બાદ શા માટે ગાંધીને કેન્દ્રમાં લાવીને ભાતભાતના ગપગોળા ઉડાવવામાં આવે છે ? આનો ઉત્તર તો ગાંધી ખુદ આપી ગયા છે. ‘મારા શરીરનો નાશ કરી શકશો પણ હું મારા મરણ બાદ પણ બોલતો રહીશ.’’ ગાંધીના શબ્દો, વિચારો, અભિપ્રાયો, આગ્રહો અને નીડરતાપૂર્વકની હઠ ત્યારે પણ અનેક લોકોને આકુળ-વ્યાકુળ કરતા હતા. આજે પણ તે સ્થિતિ છે અનેકદાચ હંમેશાં રહે પણ ખરી. આપણને સાચી સલાહ ખટકે છે. પૂર્વગ્રહો અને ગેરસમજણના મુદ્દાઓને લાંબાગાળાની દૃષ્ટિથી તટસ્થતાથી વિચારીએ તો સંભવ છે કે અનેક લોકો અસ્વસ્થતા અનુભવે. આનો ઉપાય શું ? ગાંધીજીની વાતો યોગ્ય સંદર્ભમાં માનવજાતના ભાવિ અંગેના પરિપ્રેક્ષ્યમાં, શાંતિ અને ધીરજથી બુદ્ધિગમ્ય રીતે સમજાવવાનો પ્રયાસ કરીએ તો આપણે આપણી ફરજ અદા કર્યાનો સંતોષ માણી શકીએ. આવા ટાણે આપણને મુનિ ચિત્રભાનુના કાવ્યની પંક્તિ યાદ આવે; ‘‘માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ મારગની તો યે સમતા નિત્ય ધરું’’ મુનિ ચિત્રભાનુએ આ કાવ્ય ગાંધીના નિધન પહેલાં લખ્યું હોત તો ગાંધીજી તેનો આશ્રમ ભજનાવલીમાં સમાવેશ કરત તેમાં શંકા નથી.
ગાંધીજીના અગણિત કાર્યોમાંથી આશ્રમની પ્રાર્થના અને ભજનોની પસંદગી માટે ગાંધીજી અને તેમના અંતેવાસીઓએ જે જહેમત કરી છે તે કાબિલેદાદ છે. તેમને ગમતાં કાવ્ય તરીકે નરસિંહ મહેતાનું ‘‘વૈષ્ણવજન’’ તો દેશ-વિદેશની અનેક ભાષામાં, અનેક આંતરરાષ્ટ્ર્ીય કલાકારો દ્વારા સંગીતના સાથે રજૂ થયું તેનો યશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને પ્રાપ્ત થયો છે. ‘વૈષ્ણવજન’ની સાથે આશ્રમ ભજનાવલીના તમામ ભજનો, પ્રાર્થનાઓ, શાસ્ત્રો ધર્મગ્રંથોનો વિસ્તૃત અભ્યાસ કરી પસંદગી કરવામાં આવી છે.
આશ્રમ ભજનાવલીના સંગ્રહ અંગે સવાઈ ગુજરાતી કાકાસાહેબ કાલેલકર લખે છે; ‘‘અમારી પ્રાર્થનાઓમાં ઉપનિષદ, રામાયણ, મહાભારત, કુરાન, સંત સાહિત્ય વગેરેમાંથી પસંદગી કરી છે. ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, અંગ્રેજી, એરેબીક, સંસ્કૃત સહિત જ્ઞાન, ભક્તિ અને કર્મ માર્ગનો અમૂલ્ય ખજાનો છે. ગાંધીજીએ આ ભજનો-પ્રાર્થનામાં ક્યાંય ચમત્કાર, અંધશ્રદ્ધા, કર્મકાંડ કે વહેમને સ્થાન ન મળે તેની તકેદારી રાખી છે. ભજનોનો મૂળ હેતુ ઈશ્વરના ગુણોનું વર્ણન અને નીતિ માર્ગે ચાલવાની પ્રેરણાનો રહ્યો છે. ગાંધીજી માટે અદૃશ્ય ઈશ્વરનું અસ્તિત્વ દૃશ્યમાન જગતથી વધારે નિશ્ચિત હતું. પ્રાર્થનાની જરૂરિયાત ખોરાક કરતાં વધારે હતી. ગાંધીજીના વિચારો સાથે સહમત થઈએ કે નહીં પણ ઈતિહાસના યુગપુરુષોમાં ગાંધીજીએ નવી ભાત પાડી છે.
હિન્દીમાં લખાયેલ ભક્તિ સાહિત્યમાંથી સુરદાસ, કબીર, તુલસી, મીરાં, નાનક, રૈદાસ જેવાની ઉત્કૃષ્ટ રચનાઓથી આપણી ભાવિ પેઢી અજ્ઞાત છે. વિમુખ થઈ રહી છે. હકીકતમાં તેમના માટે તો ભક્તિયુગનો ખજાનો આંગળના ટેરવે છે. ઈન્ટરનેટ પર લખાણ સ્વરુપે જ નહીં પણ સુમધુર ગાનરુપે આ સઘળું ઉપલબ્ધ હોય પણ તેનું વાંચન ઘટતું જાય ત્યારે ચિંતા જરૂર થાય. તે સમયના ટાંચા સાધનો વચ્ચે ‘આશ્રમ ભજનાવલી’ જેવું સંચય પુસ્તક તૈયાર કરી પ્રકાશિત કરવાનો વિચાર ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં જ આવ્યો હતો. કોઈપણ વાત ગાંધીજીને યોગ્ય લાગે તો તેનો અમલ કરવો જ તેવી તેમની દૃઢ માન્યતાઓ આપણને અનેક નવી અને ઉપયોગી વસ્તુઓ આપી છે.
નવી પેઢીને મારી બે હાથ જોડીને વિનંતી કે ગાંધીજીએ ‘‘સરદારને અન્યાય કર્યો; ‘‘ખિલાફતને ટેકો એ ભયંકર ભૂલ હતી’’, ‘‘પાકિસ્તાનને ભાઈ-ભાગના રૂા.૫૫ કરોડ આપવા જોઈએ તેવો વચન પાલનનો આગ્રહ યોગ્ય ન હતો.’’ ‘‘ગોડસેએ એક રાક્ષસ જેવા આ બુઢ્ઢા, બોખા, દુર્બળ ૭૯ વર્ષના વૃદ્ધનો વધ કરીને મોટું પરાક્રમ કર્યું છે.’’ ‘‘હત્યારો દેશભક્ત છે.’’ ‘‘ગાંધીજીને રાષ્ટ્ર્પિતા ન માની શકાય’’ જેવી હેતુપૂર્વક ફેલાવાતી વાતોથી ગેરરસ્તે ન દોરતા.
ગાંધીએ તો માનવજાતિના ઉત્ક્રાંતિનું મહત્ત્વનું સોપાન છે. પશુબળ સામે આત્મબળ કેળવવાનું આહ્વાન છે. ગાંધીજી દેશભક્ત, નીડરતા અને ત્યાગમાં શિરમોર છે. ગાંધીએ સામાન્ય શક્તિની વ્યક્તિ જીવનમાં કેટલું અસામાન્ય હાંસલ કરી શકે તેનું ઉદાહરણ છે. ગાંધીએ તો ભારતના વૈદિકજ્ઞાન, ભક્તિમાર્ગ અને કર્મનો ત્રિવેણી સંગમ છે. ગાંધીને ભલે ન વાંચો પણ તેણે અને તેના ચુનંદા મર્મજ્ઞોએ તૈયાર કરેલી આશ્રમ ભજનાવલીના બે-ત્રણ પાના વાંચજો, ગાઈ શકતા હો તો ગાજો, ગુણગુણાવજો અને તમારા અજ્ઞાત મનમાં ચેતનાનો દીપક પ્રજ્જવલ્લિત કરજો. તમને નવા બળ અને પ્રેરણા પ્રાપ્ત થશે. વ્યક્તિના વિકાસમાં ભણતર, પૈસો, સામાજિક બાબતો ચોક્કસ ભાગ ભજવે છે પણ ભક્તિ જે શક્તિ આપે છે તે અજોડ છે.
અંતમાં, બે ટૂંકા બોધપ્રદ કાવ્યો-ભજનો માણીએ...
‘‘મત કર મોહ તૂ, હરિ-ભજન કો માન રે,
નયન દિયે દરસન કરને કો, શ્રવણ દિયે સુન જ્ઞાન રે,
વદન દિયા હરિગુણ ગાને કો, હાથ દિયે કર દાન રે,
કહત કબીર સુનો ભાઈ સાધો, કંચન નિપજત ખાન રે.’’
સુમરન કર લે મેરે મના,
તેરી બિતિ જાતિ ઉંમર, હરિ નામ બિના,
કૂપ નીર બિનુ, ધેનુ છીર બિનુ, ધરતી મેહ બિના,
જૈસે તરુવર ફળબિન હીના, તૈસે પ્રાણી હરિનામ બિના..
દેહ નૈન બિન, ચન્દ બિન, મંદિર દીપ બિના,
જૈસે પંડિત વેદ બિહિના, તૈસે પ્રાણી હરિનામ બિના,
કામ, ક્રોધ, મદ, લોભ, નિહારો છાંડ દે અબ સંત જના,
કહે નાનકશા, સુન બુધમંતા યા જગમાં નહિ, કોઈ અપના’’
Comments
Post a Comment