કોરોના કાળમાં માનસિક આરોગ્ય

                                                                                                       - પ્રવીણ ક લહેરી

ઈ.સ. ૨૦૨૦નું વર્ષ સમગ્ર વિશ્વ માટે કટોકટીનું વર્ષ રહ્યું. સંપૂર્ણ લોકડાઉને જનજીવનને થંભાવી દીધું. હવે આપણે અનેક ક્ષેત્રોમાં સામાન્ય સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરી રહ્યા છીએ. આજે આપણને સૌથી વધારે ચિંતા બાળકો અને યુવાનોની છે જે છેલ્લા એક વર્ષથી શાળા-કૉલેજોથી વંચિત રહ્યા છે. ધો.૧૦ અને ધો.૧૨ની જાહેર પરીક્ષાઓ મે-૨૦૨૧માં યોજવાનું આયોજન છે. કોરોના પર કાળજી અને વેકસીનથી નિયંત્રણ આવશે તો પરીક્ષા લેવાાં સુગમતા રહેશે. યુરોપમાં જે રીતે ફરી કોરોનાએ અનેક દેશોને પૂર્ણ કે આંશિક લોકડાઉનની ફરજ પાડી તેનાથી આપણી ચિંતા વધી છે. આ મહામારીએ આબાલ-યુવા-વૃદ્ધો, સૌની માનસિક પરિસ્થિતિ પર અસર કરી છે. મહામારી પૂરી થાય પણ આપણે મનથી અનેક રીતે વ્યગ્ર હોઈએ તો સ્વાભાવિક છે કે તેની વિપરીત અસરો દરેક ક્ષેત્રમાં પડે. ગુજરાતના લોકો વેપાર ધંધાની જેટલી ચિંતા-કાળજી કરે છે તેટલી શિક્ષણ-આરોગ્યની નથી કરતા તેનો પૂરાવો આપણા માનવ વિકાસના સૂચકાંકોમાં આપણું રાજ્ય પાછળ રહે છે. આર્થિક રીતે અન્ય કરતાં સમૃદ્ધ, અબજોપતિઓની મોટી સંખ્યા ધરાવતી આપણી અર્થવ્યવસ્થા, સમાજસેવાની મહાજન પરંપરા અને અનેક મઠ, આશ્રમ, મંદિરો, જગ્યાઓના માહાત્મ્ય વચ્ચે આપણી આરોગ્ય-શિક્ષણની ઉપેક્ષા આશ્ચર્યજનક છે. આવી નિરાશાજનક સ્થિતિમાં આપણા જાણીતા મનોવૈજ્ઞાનિક અને તેમના અભ્યાસ અને સંશોધન પત્રો માટે વૈશ્વિક કક્ષાએ આદર-સન્માન પ્રાપ્ત કરનાર પ્રો. અશ્વિન જનસારીએ તાજેતરમાં એક ભગીરથ કાર્ય સંપન્ન કર્યું છે. આપણા દેશની વસ્તીની લગભગ ૪૦ ટકા સંખ્યા બાળકોની છે. કોરોનાના સમયમાં તેઓનો સાહજિક વિકાસ અને પ્રવૃત્તિઓમાં અવરોધો આવ્યા છે.આમ પણ દર પાંચ બાળકમાંથી એક બાળક કોઈને કોઈ પ્રકારની માનસિક મુશ્કેલી અનુભવે છે. માબાપ, સગાં-સંબંધી, શિક્ષકો કે સમાજ આ બાળકનું બીનજરૂરી બ્રાન્ડિંગ કરી દે છે; ‘‘એ તો એવો જ છે, મુંઝાયેલો રહે છે, જ્યારે જુઓ ત્યારે તે ગુમસૂમ બેસી મોબાઈલમાં કાંઈક જોયા કરે છે, અરે, તેનો પગ ઘરમાં ટકતો નથી, બસ રખડ્યા કરે છે, એને કોઈ મિત્ર જ નથી, આખો દિવસ ઉધામા કરતો ફરે છે, વાંચવામાં રસ નથી, અભ્યાસમાં એકાગ્રતા જ નથી, ગણિત-વિજ્ઞાન તો સમજી શકતો નથી.’’ આવા મહેણાં-ટોણા મારીને આપણે બાળકનું મનોવિશ્વ સમજવાને બદલે ન્યાયાધિશની જેમ ચૂકાદાઓ જાહેર કરીએ છીએ. બાળકો આવતીકાલનું મહામૂલું ધન છે, આપણી સંસ્કૃતિ અને મૂલ્યોના વારસ છે. બાળકમાં ઈશ્વરમાં દર્શન ન કરી શકીએ પણ આપણે જરૂરથી તેના ભાવજગતને સમજવા નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરી શકીએ. પ્રો. ડૉ. અશ્વિન જનસારી અને પ્રા. ડૉ. મૂકેશ પ્રજાપતિએ ‘‘બાળકોનું જગત’’ પુસ્તક સંપાદિત કરી આપણા પર એક મોટો ઉપકાર કર્યો છે. ગુજરાતી ભાષામાં મનોવિજ્ઞાનનું આવું મૌલિક પુસ્તક વાંચ્યા બાદ હું નિઃસંકોચ રીતે કહી શકું; ‘‘ડૉ. અશ્વિન જનસારી અને ડૉ. મૂકેશ પ્રજાપતિએ પોતાના વિષયમાં તજજ્ઞોએ સંપર્ક કરી ૮૩ જેટલાં મુદ્દાઓ પર જે અભ્યાસપૂર્ણ, વ્યવહારિક રીતે ઉપયોગી અને વ્યાપક ફલકને આવરીને જે જ્ઞાનનું ભાથું પીરસ્યું છે તે આનંદ અને ગૌરવની ઘટના છે. આ લેખો માનસશાસ્ત્રીઓ ઉપરાંત વકીલ, પત્રકાર, સમાજસેવક જેમ મનોવિજ્ઞાન સાથે સંકળાયેલા તજજ્ઞોએ જે જહેમત અને ઉંડાણથી લખ્યા છે તે વાંચતા આપણને પ્રતિતી થાય છે કે ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે મૌલિક સંશોધન અને વિદ્વતાનો અભાવ છે તેવી લાગણી સાચી નથી.

બાળકોનું જગત કેવું અગોચર છે. કુમળીવયના ઝડપથી વિકસતા બાળકો-યુવાનો માટે ઝવેરચંદ મેઘાણીએ સાચું જ કહ્યું છે; ‘‘ઘટમાં ઘોડા થનગને, આતમ વિંઝે પાંખ’’ અણ દીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ’’ આજે તો વીજ અને વિજાણું દ્વારા આપણી સમગ્ર જીવનશૈલી બદલાય ચૂકી છે ત્યારે બાળકો માટે આગામી ૧૫-૨૦ વર્ષ પછી કેવી દુનિયા હશે તે પ્રશ્નનો ઉત્તર આપવાની મારી સજ્જતા કે હિંમત નથી. આગામી પેઢીએ ખૂબ ઝડપી ક્રાંતિકારી પરિવર્તનો વચ્ચે અનુકૂલન સાધવાનું છે. આપણને એ વાતની ખુશી છે કે ઘણાં નવા ટૅકનોલોજી આધારિત કામો યુવાનો જ નહીં પણ બાળકો પણ ખૂબ દક્ષતા અને ઝડપથી કરી શકે છે. બાળકોના જગતમાં વિષયોનું વૈવિધ્ય છે અને સાથે સાથે મનોવિજ્ઞાન ક્ષેત્રના ૩૦-૪૦ વર્ષના અનુભવી મહારથીઓના લખાણ સાથે કારકિર્દીના શ્રીગણેશ કરી રહેલાં યુવાન-યુવતીઓના લેખો છે. બંને સંપાદકોને અભિનંદન કે તેમણે પેઢીઓ વચ્ચે જ્ઞાન અને સમજણનો સેતુ રચી આપ્યો છે.

આ પુસ્તકનું મને ગમી ગયેલું સૌથી વિશેષ તો ડોરોથી લો હોર્ટઝના પાછળના પૃષ્ઠ પરના આ વિધાનો છે..

(૧) બાળકો જેવું અનુભવે છે તેવું શીખે છે.

(ર) બાળક ટીકા વચ્ચે જીવે છે તો સૌની ટીકા કરે છે.

(૩) બાળક શત્રુભાવ વચ્ચે રહે છે તો સૌ સાથે ઝઘડે છે.

(૪) બાળક અપમાન વચ્ચે જીવે છે તો અપરાધભાવમાં રહે છે.

(૫) બાળક શરમ સાથે જીવે છે તો અપરાધભાવમાં રહે છે.

(૬) જો બાળક સહિષ્ણુતા વચ્ચે રહેશે તો ધૈર્યવાન બનશે.

(૭) જો બાળકને પ્રોત્સાહન મળશે તો તેનો આત્મવિશ્વાસ વધશે.

(૮) જો બાળક પ્રશંસા વચ્ચે રહેશે તો બીજાની કદર કરશે.

(૯) જો બાળક તટસ્થ વાતાવરણમાં રહેશે તો ન્યાયી બનશે.

(૧૦) જો બાળક સલામતિ વચ્ચે ઉછરશે તો શ્રદ્ધાવાન બનશે.

(૧૧) જો બાળકનું સાચું મૂલ્યાંકન થશે તો તે પોતાની જાતને પસંદ કરશે.

(૧૨) જો બાળક સ્વીકાર અને મિત્રતાના વાતાવરણમાં રહેશે તો વિશ્વમાં સ્નેહની ખોજ કરશે અને સુરક્ષા વચ્ચે મોટું થયેલું બાળક અન્યની સુરક્ષા માટે જીવન બચાવવા પ્રવૃત્ત રહેશે.

આપણે આપણા બાળપણનું વિશ્લેષણ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણા વ્યક્તિત્ત્વની અમુક ત્રૂટિઓ આપણા ઉછેરમાં રહી ગયેલ ખામીને આભારી છે. એક જવાબદાર વ્યક્તિ તરીકે આપણે આ ગ્રંથીઓમાંથી બહાર આવવું જોઈએ. સાથે સાથે બાળકો સાથેના વ્યવહારમાં આપણે ઉપર મુજબના સોનેરી સૂત્રો યાદ રાખી આત્મસાત્‌ કરવા જોઈએ. સંપાદકોનો ઉદ્દેશ્ય સૌનું સાચું માર્ગદર્શન કરવાનો છે.

આપણે સૌ સુશિક્ષિત છીએ કે આપણા સમાજમાં તનાવના કારણે માનસિક રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ડૉ. અજય ચૌહાણના લેખમાં ખાસ કરીને બાળકો અને કિશોર/કિશોરીઓના માનસિક આરોગ્યની સ્થિતિ માટે જવાબદાર પરિબળોની વિદ્વતાપૂર્ણ છણાવટ કરે છે. શ્રી સુરેશ મજમુદાર બાળક સાથે શિક્ષાત્મક વર્તન કરવાના પરિણામોથી આપણને વિગતે વાકેફ કરે છે. સંપાદક શ્રી અશ્વિન જનસારીનો લેખ ‘સ્માર્ટ ફોન - એક ગળચટ્ટુ વખ (મધુર ઝેર)’ની ઉપમા સાથે માનવજાત પર સૌથી વિશેષ પ્રભાવ પાડનાર આ સાધનના કાયદા અને નુકશાન દ્વારા તેના ઉપયોગમાં સંતુલન અને વિવેક રાખવાની સમજણ આપે છે. ગાંધીનગર સ્થિત અનોખી ચિલ્ડ્રન યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલસચિવ છે. આ યુનિવર્સિટીમાં હાલનો નાણાંકીય સંસાધનો, સજ્જતા અને અસરકારકતાનો અભાવ છે તે દૂર કરવાના ઉપાયો સૂચવ્યા હોત તો લાંબાગાળે ફાયદો થાત.

ડૉ. રાજુલ મલ્લિક, ભાવના પંડ્યા, ડૉ. અનિતા મારવાડી, ફરહાના બેંગાલી વગેરે માનસિક ક્ષતિઓ દ્વારા ઉભી થતી સમસ્યાઓ તરફ અંગુલીનિર્દેશ કરે છે. આવા દિવ્યાંગ બાળકો માટે આપણા ગુજરાતમાં જે સવલતો અને સહયોગની જરૂર છે તેમાં હજી અનેકગણી જહેમત કરવાની છે. ગુજરાતના અંદાજે ૧૦ લાખ બાળકોને સરકારની કે સ્વૈચ્છિક સંસ્થાની મદદ મળે છે. ‘બાળકોનું જગત’ પુસ્તકમાં કુલ ૮૩ લેખો છે. જેમાંથી ૪૬ ગુજરાતીમાં, ૪ હિન્દીમાં અને ૩૩ અંગ્રેજીમાં છે. આ ત્રિભાષી પુસ્તક સાંપ્રત સમયની બાળકોના માનસિક આરોગ્યની સમસ્યાઓ, તેના ઉપાયો અને તે માટેના પરિબળોની ખૂબ જ્ઞાનસભર ચર્ચા/રજૂઆત કરે છે. દરેક શિક્ષક માટે આ પુસ્તકનું વાંચન તેમની દૃષ્ટિને વિશાળ બનાવશે અને તેમની કામગીરીને સક્ષમ બનાવશે. દરેક શાળા માટે આ પુસ્તક લાયબ્રેરીમાં ન હોય તો તે મોટી ઊણપ લેખાશે. કમનસીબે આપણું શિક્ષણ વિષયવસ્તુ અંગે જેટલું ધ્યાન આપે છે તેટલું ધ્યાન વ્યક્તિના ઘડતર પ્રત્યે નથી આપતું તે સર્વવિદિત છે. અભ્યાસક્રમથી માહિતી-જ્ઞાનમાં જરૂર વૃદ્ધિ થાય છે પણ તે જ અભ્યાસક્રમ તનાવનું કારણ બને તો બાળક, વાલી અને સમાજ માટે મુંઝવણથી શરુ કરીને આત્મઘાત સુધીના ગંભીર પ્રશ્નો પેદા થાય છે.

આ પુસ્તકનો અભ્યાસ કરતાં કરતાં મને વિચાર આવ્યો કે આમાં જે સૌને ઉપયોગી વાતો છે તે બહોળા જનસમુદાય સુધી પહોંચાડવી હોય તો શું કરવું ? મને લાગે છે કે દરરોજ એક ગુજરાતી અને એક હિન્દી/અંગ્રેજી લેખ સોશ્યલ મિડીયા પર મૂકી શકીએ તો ગુજરાતના જ નહીં પણ વિશ્વના અનેક પરિવારો, તજજ્ઞો, માતા-પિતા, શિક્ષકોને પહોંચી શકીએ. સંપાદકો અને લેખકોએ જે ઉદાત્ત ભાવના સાથે પરિશ્રમ કર્યો છે તે આવકાર્ય છે. તેમાં આલેખાયેલી વૈજ્ઞાનિક બાબતો સ્વીકાર્ય બને તો શિક્ષણ અને બાળઉછેર ક્ષેત્રે ક્રાંતિ સર્જાય તેમાં શંકા નથી.

Comments

Popular posts from this blog