અહંકાર

                                                                                                                       - પ્રવીણ ક. લહેરી

આપણા ધર્મશાસ્ત્રમાં માયાની છ વૃત્તિઓ ઈશ્વરે આપણી પ્રકૃતિ સાથે અભિન્ન રીતે જોડી છે. કામ, ક્રોધ, મદ, મોહ, લાભ અને અસૂયા (ઈર્ષ્યા) જે સ્વભાવ સાથે સંકળાયેલા છે. આ પરિબળોના કારણે અનેક અનિષ્ટો સર્જાય છે પણ આ જ વૃત્તિઓ આપણને ચાલકબળ પૂરું પાડીને કાર્યરત રાખે છે. આ વૃત્તિઓ સહજ છે અને તેના પર જે અંકુશ મેળવે છે તે ‘મહાવીર’ છે. આપણી ઈચ્છાઓનો પ્રવાહ અવિરત છે. શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા સ્થિતપ્રજ્ઞ થવા માટે ‘‘પ્રજહાતિ યદા કામાન, સર્વાન પાર્થ મનોગતાન્‌’ એમ કહીને ભગવાન શ્રીકૃષ્ણ સંપૂર્ણપણે ઈચ્છારહિત થવાનો ઉપદેશ આપે છે. તે પ્રમાણે કરવું શક્ય નથી. ભગવાન બુદ્ધ મધ્યમમાર્ગ અપનાવી સમજણપૂર્વક-વિવેકબુદ્ધિથી ઈચ્છાઓનું નિયમન કરવાની સલાહ આપે છે. ઈચ્છાનુસાર ભોગ ભોગવ્યા કરવાથી સંતોષ મળતો નથી પણ ઈચ્છાનું પુનરાવર્તન થતાં સતત અસંતોષની ભાવના રહે છે. ‘અતિ સર્વત્ર વર્જયેત’ના ન્યાયે સંતુલિત સ્થિતિ જ સુખ આપી શકે. આપણા અનેક ઋષિ-મુનિઓએ સુખ શેમાં છે તે પ્રશ્નનો ખૂબ માર્મિક ઉત્તર આપ્યો છે. ઈચ્છાઓની હારમાળામાંથી હું ઉદાહરણ તરીકે મારી કોફી પીવાની ઈચ્છા પૂરી કરું છું. મને તૃપ્તિ થાય છે પણ ત્યારે જ મને સમોસા ખાવાની ઈચ્છા થાય છે તે પણ ખાધા પછી ફરી મને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય છે. મારી પસંદગી ચોકલેટવાળા આઈસ્ક્રીમની છે જે રેસ્ટોરન્ટમાં નથી. હું સુખની અનુભૂતિ ગુમાવીને દુઃખની લાગણી અનુભવું છું. આનું કારણ માત્ર ઈચ્છાની પૂર્તિ ન થવાનું છે. મેં જે સુખ માણ્યું તે કૉફી પીવાથી કે સમોસા ખાવાથી મળ્યું કે તે બે ઈચ્છા વચ્ચે જે અલ્પ સમયગાળો છે ત્યારે ઈચ્છારહિત હોવાથી મળ્યું. ઋષિ-મુનિઓનો ઉપદેશ છે કે સુખનો સમય એટલે ઈચ્છારહિત ઘડી. બાલાશંકર કંથારીયાએ તેમની ગઝલમાં કહ્યું છે;

‘‘રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે,

દિલે જે દુઃખ કે આનંદ કોઈને નહિ કહેજે,

....કવિ રાજા થયો શી છે પછી પીડા તને કોઈ,

નિજાનંદે હમ્મેશા ‘બાલ’ મસ્તીમાં મઝા લેજે.’’

આ સનાતન સત્ય સમજવામાં આપણને નડે છે આપણો અહંકાર. ‘હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જયેમ શ્વાન તાણે’’ આ પંક્તિ દ્વારા નરસિંહ મહેતાએ એક અદ્‌ભૂત ઉપમા સાથે અહંકારની વ્યાખ્યા કરી આપી છે.  ‘‘હું જે નથી, હું જે નથી કરતો પણ મને વહેમ છે કે હું દેખાડવા માટે માનું છું કે હું જ કર્તા છું તે અહ્‌મભાવ છે.’’ વાસ્તવિકતાની જગ્યા જ્યારે માન્યતા લે છે ત્યારે અહંકારનો જન્મ થાય છે. થોડે વધતે અંશે આપણા સૌમાં આ વૃત્તિ છે જ.તે ન હોય તો આપણે ગંભીર મુંઝારો અનુભવીએ. જે આ અહંકારને જીતે છે, વાસ્તવિકતા અને ઈશ્વરની શક્તિ સમજે છે તે અહંકારની ખુશી કે પીડાથી મુક્ત થઈ શકે છે. મનન ગોહિલે ખૂબ સુંદર રીતે કહ્યું છે;

‘‘સળગી ગઈ લંકા ને રહ્યો કાટમાળ,

જો ને કેટલો નડ્યો લંકેશને એનો અહંકાર ??’’

‘અનુજ’ આ જ વાત ખૂબ સંક્ષિપ્તમાં કહે છે;

‘‘હું તો ‘‘હું’’ એ જ અહંકાર’’

ગર્વ-ગૌરવ અને અહંકાર વચ્ચે ખૂબ મોટો ફરક છે. ગર્વ હકીકત પર આધારિત છે. અહંકાર સ્વઅભિપ્રાય પર નભે છે. અહંકારની વૃત્તિ એક એવી માનસિકતા છે કે આપણને તેની હાજરી જણાતી નથી. આપણામાં તે વૃત્તિ છે તેવી હકીકત સ્વીકારવા તૈયાર નથી. ઈતિહાસમાં અહંકારના ઉદાહરણો અનેક છે. સિંકદરને ખાલી હાથે આવ્યા, ખાલી હાથે જવાનું છે તે સત્ય સમજાયું. નેપોલિયનને સેન્ટ હેલેના ટાપુ પર અંતિમ દિવસોમાં અહેસાસ થયો કે આપણે તો માત્ર રાખના રમકડાં છીએ જેને ભગવાને રમતા રાખ્યા છે. જો કે રાવણ જીવનના અંત સુધી પોતાની ક્ષતિ કે મર્યાદા સ્વીકારતો નથી. કદાચ તેથી જ આપણે દર વર્ષે તેના પૂતળાનું દહન કરીને સંદેશ આપીએ છીએ કે અભિમાન અંતે તો કાળની આગમાં નાશ પામે છે.

અહંકારનું કારણ શું હશે ? તે પ્રશ્ન મહત્ત્વનો છે. આપણને શેનો અહંકાર છે ? લોકસાહિત્યમાં કહ્યું છે; 

‘‘ધન, જોબન ને ઠાકરી, ઉપરથી અવિવેક,

એક મળે અનર્થ કરે, ચારે મળે અનર્થ અનેક’’

વ્યક્તિ પાસે ધન હોય, સત્તા હોય, સુંદરતા હોય, શક્તિ હોય, જ્ઞાન હોય, કુશળતા હોય, વાણીચાર્તુય હોય કે સંબંધો હોય તેમને અહંકાર થાય તે સામાન્ય છે. અરે ઘણાંને તો પોતે કરતા સેવાકાર્ય, નમ્રતા કે ઉદારતાનો પણ અહંકાર હોય છે. નરસિંહ મહેતાએ કહ્યું છે તેમ અહંકાર જો વાસ્તવિક હોય તો શું ન થાય ? ‘‘નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે, રાય કે રંક કોઈ દૃષ્ટે આવે નહીં, ભવન ભવન પર છત્ર દાખે.’’ પોતા પાસે કશું નથી તેવા સંન્યાસી કે જ્ઞાની કથાકાર, કલાકાર કે યોગીને પણ પોતાની આવડતનો અહંકાર હોય જ છે.

અહંકાર અંગે ગુજરાતના ઓછા જાણીતા યુવા કવિઓની રચના ખૂબ અર્થસભર છે. તેમની પંક્તિઓ ખૂબ માર્મિક રીતે સત્યને ઉજાગર કરે છે. તેના થોડા ઉદાહરણો માણીએ.

‘‘કુદરત પણ કરે છે ક્યારેક,

આપણને એવા તો પડકાર,

છોડવા પડે છે આપણા જ,

સઘળા મસ મોટા અહંકાર.

અસ્તિત્વ ટકાવવા જરૂર પડે છે,

એકબીજાના સાથની, સફળ થશું તો જ,

હશે જો એકબીજાનો સાથ-સહકાર.’’

(સાગર વૈષ્ણવ)


‘‘હતો અહંકાર ઝાડને, એની સુંદર શાખ પર,

બન્યો એ જ શાખનો હાથો એના શાખ કાજે.’’

- સતિશ ‘જિંદાદિલ’


‘‘અહ્‌મના ડુંગર બહુ ફતેહ કર્યા,

જમીન પર ચાલતા જ ભૂલી ગયા’’

(મુસાફિર)


‘‘રાખવો નહીં અહંકાર કે ના થાય કશું મારા વિના,

અહિં તો આખું આકાશ ઉભું છે ટેકા વિના’’

(અજ્ઞાત)


‘‘હું કરું, હું કરું, મેં કર્યું, મેં કર્યું,

સૌ કોઈ માને પણ કરનાર તું ઈશ હોય,

પણ જો અહંકાર પરે મનુજ 

હોય તો તુજથી કમ શીદ હોય’’

(જગુ કાલીયા)


‘‘સારા સમયની એકે નિશાની રહી નહીં,

આવ્યો સમય બૂરો તો અહંકાર પણ ગયો.’’

(અજ્ઞાત)

અહંકારી વ્યક્તિ પોતાની કલ્પનાની દુનિયામાં વિહાર કરે છે ત્યારે તેને રાજા-મહારાજા જેવો રૂઆબનો અનુભવ થાય છે. જ્યારે અહંકારનો પાટો આંખો પર બંધાય છે ત્યારે સત્ય તો નથી દેખાતું પણ અન્ય સૌ તુચ્છ છું તેવી માનસિકતા દૃઢ થઈ જાય છે. સ્વ સંમોહન (નારસિસ્ટ) એ વ્યક્તિત્વનું અંગ બની જાય છે. નિશા મોદીના શબ્દો અહંકારની ભાવના ગમે તે સંજોગોમાં ઉજાગર થાય છે; ‘‘ક્યાંક હોય કાંઈક જતું કરવાનો અહંકાર’’ ગાંધીજી, ઈસુ ખ્રિસ્ત, બુદ્ધ, નેલ્સન મંડેલા, અબ્રાહમ લિંકન, સેન્ટ ઝેવિયર્સ, રવિંશંકર મહારાજ જેવા ઘણાના જીવનચરિત્રોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે અપેક્ષા પટેલની વાત સમજી શકીએ છીએ કે; ‘‘અહંકારથી માણસ ક્ષણને જીતી શકે છે, પ્રેમથી માણસ આખી જિંદગી જીતી શકાય છે’’ સંસ્કારથી અને જીતેલું પણ હારી જવાય છે અહંકારથી.

આપણે અનેક સાથે વિવિધ સંબંધોથી જોડાયેલા છીએ. સંબંધમાં પ્રેમ, વિશ્વાસ, સહયોગ, કદર અને આદર ખૂબ ઉપયોગી છે. આ સંબંધોમાં તિરાડ પાડવા માટે એક જ વૃત્તિ જવાબદાર બની શકે અને તે છે; અહંકાર. ભાઈ-ભાઈ, ભાગીદાર, પિતા-પુત્ર, મિત્રો, સાસુ-વહુ કોઈ પણ સંબંધ લો તેમાં અંતરાયનું સૌથી મોટું કારણ છે અહંકારની ભાવના. ‘‘મારું કહ્યું કેમ ન માને ?’’

‘‘હું કહું છું તો સામે કેમ બોલે છે ?’’ - ‘‘મારું કહ્યું કરે તો નહીં પણ સાંભળ પણ નહીં.’’ આ ફરિયાદોની શરુઆત એટલે અહંકાર દ્વારા સંબંધને ગળી જવાની શરુઆત.

નિરાભિમાન, નમ્રતા અને સંવેદનાની લાગણી અહંકારનું નિયમન કરે છે. કર્તવ્યપાલનની ઉચ્ચભાવના પણ અહંકારનું નિયંત્રણ કરે છે. આપણા પરિવારો, શાળાઓ કે સમાજમાં અહંકારથી દૂર રહીને સંવાદિતા કેમ સ્થપાય તે શીખવાડવામાં આવતું નથી. આપણા ઉપનિષદો, માતા-પિતા, ગુરુ, અતિથિ પ્રત્યે આદર રાખવા આજ્ઞા કરે છે. આજે વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને સ્વછંદતાના વાતાવરણમાં અહંકારમાં વૃદ્ધિ થઈ છે. આ અહંકારનો ટકરાવ જીવનમાં ડગલે અને પગલે તનાવ અને સંઘર્ષ પેદા કરે છે. અહંકારને કારણે વ્યક્તિનો વિકાસ પણ રૂંધાય છે. જીવનમાં આપણે અગણિત માણસોને જાણીએ છીએ કે તે પોતાના સ્વપ્નો અને માન્યતાઓના કારણે વાસ્તવિકતામાં કશું ઉપયોગી કાર્ય કરી શકતા નથી. આપણે અહંકારથી ઘેરાયેલા હોઈએ, ધીરજ અને શ્રદ્ધા ખૂટ્યાં હોય ત્યારે આપણા વિચારો અને શબ્દો જુદુ જ રૂપ ધારણ કરે છે. ઉદારણ તરીકે; ‘‘કાયમ માટે મારે જ નમી જવાનું ? સહન કરવાની પણ કોઈ હદ હોય છે ? જેમ વધુ નમીએ છીએ તેમ વધુ માથે ચડતા જાય છે.’’ સ્વતંત્ર જીવન જીવવાની ખેવના કરતી આજની યુવાપેઢી હોય કે પછી વડિલ વર્ગ હોય, પરંતુ કોઈને બીજાની રોક-ટોક ગમતી નથી તો નમવા કે ખમવાનો તો પ્રશ્ન જ નથી. લાલજી બાર અમનનું કહેવું છે; ‘‘અહંકાર એક એવી ખૂબી છે કેત મને ક્યારેય વિશ્વાસ નહીં થવા દે કે તમે ખોટા છો.’’ ઝેન કથા મુજબ અહંકાર એ ખાલી વાસણમાં ભરેલા કચરા જેવું છે તે સાફ ન થાય ત્યાં સુધી કોઈ સારી વસ્તુ તે વાસણમાં ભરવાનું કામ નિરર્થક છે.

અહંકારનું નિરસન કરવું હોય તો સમયથી દરેક વસ્તુ નિરર્થક થાય છે તેવી સમજ કેળવવી જરૂરી છે. સોહ્‌મ ભટ્ટ (યાત્રી)ના શબ્દો;

‘‘આરંભ અનામી, અંત નનામી,

તો શીદને કરે તું જંજાળ નકામી ?’’

જ્યારે કોઈ આપણી ટીકા કરે કે અપમાન કરે ત્યારે ક્રોધ આવે તો તે અહંકારની નિશાની છે તેવા અભિપ્રાય સામે જ્યારે વાત અધિકાર, ચારિત્ર્ય કે સ્વમાનની હોય ત્યારે અહંકાર જાગે તે પણ જરૂરી છે. અહંકારથી દૂર રહેવા શ્રી સહજાનંદ સ્વામીની આજ્ઞા છે; ‘‘જેની પર ક્રોધ ઉપજે તેને એક સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરવા, ગદ્‌ગદ્‌ હૃદયે દીનતા ધારણ કરી રૂડાં રૂડાં વચનો બોલીને તેમને પ્રસન્ન કરવા તે અમારી આજ્ઞા છે.’’

અંતમાં, જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે અહંકાર આપોઆપ ઓગળી જાય છે. કવિ રાજેન્દ્ર શુકલ સાવ સાચું કહે છે;

‘‘આ અહીં પહોંચ્યા પછીથી એટલું સમજાય છે,

કોઈ કાંઈ કરતું નથી, બસ આ બધું તો થાય છે.’’

Comments

Popular posts from this blog