ડૉ. પી. પી. પંડ્યા
અલ્પ આયુમાં વિરાટ કાર્ય પછી મધ્યાહ્ને સૂર્યાસ્ત
- પ્રવીણ ક. લહેરી
ભારતના પ્રાચીન ઈતિહાસમાં વેદો-પુરાણો, મહાકાવ્યોના ઐતિહાસિક મહત્ત્વ અને પ્રમાણભૂત ગણવા અંગે ઈતિહાસવિદોમાં વિવિધ મત પ્રવર્તે છે. ઈતિહાસ પ્રત્યક્ષ પૂરાવાને વધારે માન્યતા આપે છે. યુગોથી ઈતિહાસ અને સાહિત્યનું મીશ્રણ થયું છે ત્યારે નિર્ભેળ હકીકતો સ્થાપિત કરવા માટે પૂરાવા, અવશેષોનું આગવું મહત્ત્વ છે. ભારતની પ્રજા તરીકે આપણી કાળગણનાની સમજ એટલી દીર્ઘ છે અને કાળની થપાટો દ્વારા સતત વિનાશ અને સર્જન થાય છે ત્યારે સ્મૃતિરુપ ઈતિહાસ સાચવી રાખવાની વૃત્તિ આપણા પૂર્વજોને કદાચ નિરર્થક લાગી હશે. વિશ્વના અન્ય પ્રદેશો જેમ નદી કાંઠેો વિકસેલી સંસ્કૃતિઓના અવશેષો ઈતિહાસ માટે મહત્ત્વના છે. સિંધની રેલ્વે લાઈનના બાંધકામ રેતાળ જમીનમાં મોટાપાયે ઈંટોના રોડા મળી આવતાં તે કામ તો ધમધોકાર ચાલ્યું પણ તેમાં સિંધુ સંસ્કૃતિના ઘણાં અવશેષો નાશ પામ્યા. જો કે હરીયા અને મોહેનજોદરોના ઉત્ખનન બાદ સિંધુ સંસ્કૃતિના આગવા પાસાઓ ઉજાગર થયા. અંગ્રેજ ઈતિહાસકારો આ સભ્યતા મર્યાદિત હશે તેમ માનીને તેના વ્યાપ અંગે સભાનતા દાખવી ન શક્યા. આઝાદી બાદ અનેક તજ્જ્ઞોએ આ ક્ષેત્રે ખૂબ મહત્ત્વનું કાર્ય કર્યું છે.
આવા એક પુરાતત્ત્વિદ્ શ્રી પુરુષોત્તમ પ્રેમશંકર પંડ્યા સામાન્ય રીતે શ્રી પી. પી. પંડ્યાના નામે જાણીતા થયા. જો કે તેના કામથી અતિ અલ્પ લોકો પરિચિત છે. તે દૃષ્ટિએ તે જેટલા જાણીતા છે તેથી અનેકગણી જાણકારી તેમના પાયાના કાર્યની આપણને હોવી જોઈએ. ખાસ કરીને તા.૮-૧૧-૧૯૨૦ ના રોજ રાજકોટ નજીકના કોટડાસાંગાણી રાજ્યના જમીન માપણી અધિકારીને ત્યાં જન્મેલા શ્રી પી. પી. પંડ્યાની જન્મશતાબ્દીનું વર્ષ પૂરું થયું છે. ૧૯૩૮માં મેટ્રિક પરીક્ષા પસાર કરી શામળદાસ કૉલેજ ભાવનગર, ધર્મેન્દ્રસિંહજી કૉલેજ રાજકોટમં અભ્યાસ કર્યો. આ સમયમાં ગાંધીજીની હિંદ છોડો ૧૯૪૨ના આંદોલનમાં સક્રીય થયાં. અભ્યાસ અધૂરો રહ્યો. ફરી ઉચ્ચ અભ્યાસ ચાલુ કરી ભો. જે. વિદ્યાભવનમાં એમ.એ. પૂરાતત્ત્વમાં મુંબઈ યુનિવર્સિટીના પ્રથમ આવી પોતાની તેજસ્વિતાનો પરિચય આપ્યો. એમ.એ.નો અભ્યાસ સૌરાષ્ટ્ર્ સરકારની શિષ્યવૃત્તિ પર કર્યો હતો તેથી તેની શરતો મુજબ જામનગર (લાખાટો તળાવ) મ્યુઝીયમમાં કયુરેટર તરીકેની કામગીરી સાથે કારકિર્દીનો પ્રારંભ ૧૯૫૦માં કર્યો.
એ જમાનાની સરકારી નોકરી એટલે સારો મોભો, આર્થિક સલામતિ અને મંથર ગતિએ જીવાતું જીવન. શ્રી પી. પી. પંડ્યાને આ બાબતો કરતાં સંશોધન માટેની તાલાવેલી એટલી કે સ્વખર્ચે નોકરીમાંથી બીનપગારી રજા લઈ પૂરાતત્ત્વ વિષયના નિષ્ણાતો ડૉ. હસમુખ ડી. સાંકળિયા (પૂણે), ડૉ. દિક્ષીત અને શ્રી એમ. એન. દેશપાંડે (ભારત સરકાર) પાસે તાલીમ લઈ પોતાની જાતને સંશોધન માટે સંપૂર્ણપણે સજ્જ કરી. ૧૯૫૩માં અમદાવાદ મુકામે યોજાયેલ ઈન્ડીયા ઓરીએન્ટલ કોન્ફરન્સમાં શ્રી પી.પી. પંડ્યાએ ‘‘સૌરાષ્ટ્ર્ના હાલાર અને સોરઠ (જામનગર-જૂનાગઢ) જિલ્લાના ઉત્ખનન અંગેનો શોધ-નિબંધ વાંચ્યો ત્યારે સૌનું ધ્યાન તેની વિદ્ધતા તરફ દોરાયું. શ્રી પી. પી. પંડ્યાએ ૨૦૦૦ થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરીને અનેક પ્રાચીન સ્થળો ઉત્ખનન અને અભ્યાસ દ્વારા ઉજાગર કર્યાં. જાહેર સેવા આયોગે તેમની પસંદગી કરતાં તેઓ સૌરાષ્ટ્ર પૂરાતત્ત્વ વિભાગના વડા તરીકે નિમાયા. સૌરાષ્ટ્ર્માં સિંધુ સંસ્કૃતિના વિકાસ અને વ્યાપ નક્કી કરવા માટે તેમણે લાખાબાવળ, આમરા, પ્રભાસપાટણ, રોજડી, પીઠડિયા, આટકોટ, મોટી ધરાઈ ગામોમાં ઉત્ખનન દ્વારા વિસ્મૃતિની ગોદમાં સમાયેલી સંસ્કૃતિને પ્રકાશમાં લાવી ગુજરાતના પૂરાતત્ત્વના સંશોધનમાં અગ્રગામી રહી અનેરું પ્રદાન આપ્યું. આજે જે અનેક સ્થળે ખોદકામ દ્વારા પ્રાચીન વૈભવી વારસો સામે આવ્યો છે તેના શ્રીગણેશ કરવાનો યશ નિઃશંક રીતે શ્રી પી.પી.પંડ્યાના ફાળે જાય છે. જ્યારે નાણાંનો અભાવ, મુસાફરીના મર્યાદિત સાધનો, ઉત્ખનનની કળાનો અધૂરો વિકાસ થયો હતો ત્યારે કોઠાસુઝથી કામલઈને શ્રી પી. પી. પંડ્યાએ જે પ્રારંભ કર્યો તેનો પ્રવાહ ભલે શરુઆતમાં નાની સરવાણી જેટલો હતો પણ આગળ જતાં તે એક વિશાળ પ્રવાહ બન્યો છે. જો કે સૌરાષ્ટ્ર્-કચ્છના હજી અનેક સ્થાનો છે કે જેમાં આપણે પ્રાચીન ઈતિહાસ ધરબાયેલો છે. પ્રતીક્ષા છે શ્રી પી. પી. પંડ્યા જેવા સક્ષમ અને સમર્પિત સંશોધનકારની.
સૌરાષ્ટ્ર્માં પૂરાતત્ત્વનું મહત્ત્વ ધરાવતા સ્થાનોના ઉત્ખનનની કાર્યવાહી સૌરાષ્ટ્ર્ રાજ્યના પૂરાતત્ત્વ વિભાગના વડા શ્રી પી. પી. પંડ્યા અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ડૉ. બી. સુબ્બારાવના સંયુક્ત માર્ગદર્શન નીચે થઈ હતી. સૌરાષ્ટ્ર્ની સાંસ્કૃતિક વિરાસત અને ખાસ કરીને તેમાં સિંધુ સંસ્કૃતિનો પ્રભાવ નક્કી કરવાના શ્રી પી. પી. પંડ્યાના પ્રયત્નો થકી આજે તો દેશભરમાંથી સેંકડો સ્થળોએથી આ સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયાં એ નિશ્ચિત છે કે સિંધુ સંસ્કૃતિ માત્ર સિંધમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં અસ્તિત્વ ધરાવતી હતી. યુરોપિયન મત જે આ સભ્યતાનો વ્યાપ સ્વીકારવા તૈયાર ન હતાં તેમને પણ પોતાનો અભિપ્રાય બદલવો પડે. શ્રી પી. પી. પંડ્યાએ નાની વયે જે ઉમંગ અને શ્રદ્ધાથી કામ કર્યું તે ખરેખર આજે અનેક પૂરાતત્ત્વ વિદોને પ્રેરણા આપે છે.
૧. લાખાબાવળ :
જામનગર જિલ્લાના લાખાબાવળની જગ્યાના સંશોધન હરપ્પન સંસ્કૃતિના ત્રણ તબક્કાના અવશેષો ઉપલબ્ધ કરાવ્યા. માટીના વાસણોના નિર્માણની પ્રક્રીયામાં ફેરફારોથી આ વિસ્તારની ઈતિહાસની કડીઓ જોડવામાં સારી મદદ કરી છે.
ર. આમરા
લાખાબાવળથી માત્ર કિલોમીટર દૂરની આ જગ્યા નાનકડા વ્હોળા પાસે આવેલી છે. અહિં પણ ત્રણ સ્તરમાં પત્થરના મણકાં, માટીના વાસણો, તાંબાની વસ્તુઓ વગેરે દ્વારા સૌરાષ્ટ્ર્ના ઈતિહાસની પ્રાચીનતા સ્થાપવાના શ્રી પી. પી. પંડ્યાના પ્રયત્નો સફળ રહ્યા.
૩. રોજડી :
શ્રી પી. પી. પંડ્યા દ્વારા ૧૯૫૭-૫૯ ના સમયગાળામાં હાલના શ્રીનાથગઢ (ગોંડલ નજીક) રોજડીના ટીંબા પરના ખોદકામ બાદ કરેલા તારણો મુજબ૩ ‘‘ગુજરાતની હરપ્પીયા (સિંધુ) સંસ્કૃતિના સમકાલિન આ ભાદર કાંઠેની ગ્રામ્ય વસાહત હતી. જ્યારે લોથલ સમૃદ્ધ બંદર હતું...આ જગ્યાઓએ સિંધ અને અન્ય સ્થળેથી સૌરાષ્ટ્ર્માં આવેલી વિવિધ જાતીઓના વિચરણ પર પ્રકાશ પાડે છે. સૌરાષ્ટ્ર્માં ચાર હજાર વર્ષે જૂના ખાસ પ્રકારના કિલ્લાબંધ આદ્ય ઐતિહાસિક ગામડાંનો પ્રથમ નમૂનો એ પૂરો પાડે છે.’’
૪. સોમનાથ પ્રભાસપાટણ :
૧૯૫૫થી ૧૯૫૮ના સમય દરમિયાન શ્રી પી. પી. પંડ્યાએ હિરણ્ય નદીના તટ નજીક ૩૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા નગર ટીંબા તરીકે જાણીતા પાંચ ટીંબાના જૂથનું ખોદકામ કર્યું. આ ઉત્ખનનથી પ્રાગમૌર્ય અને મૌર્ય કાલિન સંસ્કૃતિના અવશેષો ઉપલબ્ધ થતાં મૌર્ય સામ્રાજ્ય સોમનાથ સુધી વિસ્તર્યું હતું તે નક્કી થયું. અહીં ઈન્ડોગ્રીક, ક્ષત્રપ, ગુપ્તકાલ સહિત અનેક ઐતિહાસિક સમયના લાલ ઓપવાળા, લીલા વાસણો, માટીના રમકડાં, અકીકના મણકાં, સુવર્ણના પારાઓ, લોખંડના ઓજારો અને સિક્કાઓ પ્રાપ્ત થતાં આ વિસ્તારના પ્રાચીન ઈતિહાસને સમજવામાં સરળતા થઈ છે. પ્રભાસપાટણ પર મહંમદ ગઝનીના ક્રૂર આક્રમણને ૨૦૨૬માં એક હજાર વર્ષ પૂરાં થશે. દક્ષિણ સૌરાષ્ટ્ર્ના સમુદ્ર તેટે અને ગીરના જંગલોમાં હજી તો કેટલાય સ્થળો હશે જેમાં ઈતિહાસના મહત્ત્વના પૂરાવાઓ છૂપાયેલા છે. શ્રી પી. પી. પંડ્યાએ ખૂબ અલ્પ સાધન-નાણાં-ટૅકનોલોજીથી જે કાર્ય સંપન્ન કર્યું તેની નોંધ લેવામાં આપણે ઊણાં ઉતર્યા છીએ. હજી સમય છે તેના શતાબ્દી વર્ષ ૨૦૨૦ના અનુસંધાને તેના પ્રયત્નોને ખુલ્લા દિલથી બિરદાવવાનો, તેની પ્રેરક સ્મૃતિને ચિરંજીવ કરવાનો અને ગુજરાતના સમૃદ્ધ વરસાને ઉજાગર કરવાનો. રાજ્યની દરેક પ્રાદેશિક યુનિવર્સિટી આ કામ સ્થાનિક વહીવટીતંત્રના સહયોગમાં હાથ ધરે તો આપણને અતિ મૂલ્યવાન માહિતી અને તેના આધારો મળશે. કમનસીબે ભોળાભાઈ જેસીંગભાઈ વિદ્યાલય જેવી સંસ્થા સ્ટાફ અને નાણાંના અભાવે કામ કરી શકતી નથી. ઈન્સ્ટિીયૂટ ઓફ ઈન્ડોલોજી, ગુજરાત સંશોધન સોસાયટી અને અતુલ્ય વારસા જેવી અનેક સંસ્થાઓ સક્રીય છે. સમાજનો સુખી વર્ગ અને સરકાર ચોક્કસ આયોજન કરે તો અમદાવાદ જ નહીં પણ ગુજરાત સમગ્ર રીતે ‘હેરિટેજ’ માટે એક આદર્શ રાજ્ય બની શકે. આનો પ્રારંભ શ્રી પી. પી. પંડ્યાની સ્મૃતિને કાયમ કરવા માટે થોડા નિર્ણય લઈને આગળ વધી શકાય
(૧) રાજકો૮ના વોટસન કે જામનગરના લાખોટા મ્યુઝીયમ સાથે શ્રી પી. પી. પંડ્યાનું નામ જોડાઈ શકે.
(ર) શ્રી પી. પી. પંડ્યાના સંશોધન કાર્યનું દસ્તાવેજીકરણ કરી સંબંધિત સ્થળોએ જે જે પ્રગતિ થઈ છે તેના અભ્યાસ માટે ખાસ પ્રોજેક્ટ હાથ ધરી શકાય.
(૩) શ્રી પી. પી. પંડ્યાની સ્મૃતિમાં રાષ્ટ્ર્ીયકક્ષાનો એક પરિસંવાદ દર વર્ષે યોજીને ગુજરાતના આંગણે આ ક્ષેત્રોના તજજ્ઞોને એકત્ર કરી ગુજરાતની વિરાસતને વિશ્વમાં રજૂ કરવાનો સબળ પ્રયત્ન કરવો જોઈએ.
(૪) રાજ્ય સરકારે દર વર્ષે બે તેજસ્વી વિદ્યાર્થીને માત્રને માત્ર ગુણવત્તાને આધારે આ ક્ષેત્રના ઉચ્ચ અભ્યાસ માટે આંતરરાષ્ટ્ર્ીય ખ્યાતનામ સંસ્થામાં મોકલવા જોઈએ.
(૫) પુરાતત્ત્વ વિભાગ અને મ્યુઝીયમ વિભાગ પ્રમાણમાં નાના વિભાગો છે પણ આજે તેમાં સ્ટાફના અભાવે નવી કામગીરી સ્થગિત છે તે દૂર કરી ગુજરાતને આ ક્ષેત્રે પણ ગતિશીલ કરવાનો સરકાર નિર્ણય કરે તો ૧૦૦ વર્ષ પહેલાં જન્મેલા પી. પી. પંડ્યા ૩૯ વર્ષની યુવાવસ્થામાં મૃત્યુ પામ્યા તેના આત્માને આનંદ અને શાંતિ પ્રાપ્ત થશે.
Comments
Post a Comment