લોકડાઉન - અનલોક - કરફયુ - હવે ?

                                                                                                                             - પ્રવીણ ક. લહેરી       

        ગ્રીક ફિલ્સુલ એરિસ્ટોટલે સાચું જ કહ્યું છે હતું; ‘‘મનુષ્ય એક સામાજિક પ્રાણી છે’’ સમૂહમાં રહેવું આપણને ગમે છે. એકમેકનો સંગાથ જ જીવનનો આનંદ અને અર્થ આપણને સમજાવે છે. સામાજિક રહેવા તલસતો માનવી ક્યારે બાખડી બેસે તેનો કોઈ ભરોસો નથી. કરુણતા એ વાતની છે કે આપણને બીજા વિના ચાલતું નથી અને બીજા સાથે ફાવતું નથી. આ વિરોધાભાસ કોરોના કાળમાં સુપેરે ઉજાગર થયો છે. ૨૫મી માર્ચ ૨૦૨૦ના રોજ શરુ થયેલ લોકડાઉન એ આપણા સૌ માટે એક આગવો અનુભવ હતો. હપ્તે હપ્તે આપણે ૬૮ દિવસ ઘરવાસ સેવ્યો. જગદીશ ત્રિવેદી તેની એકાંતયાત્રામાં અનેકવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓની વાત કરે છે. તેના પુસ્તક દ્વારા એકલતાનો લાભ કેમ લેવો તેનું ઉદાહરણ આપણા સમક્ષ રજૂ કરે છે. એક પ્રવચનમાં તે કહે છે; ‘‘જ્યારે મેં મારા ફલેટમાં પોતા કર્યા ત્યારે મને ખ્યાલ આવ્યો કે ફલેટમાં ઘણી વધારે જગ્યા છે. એકાદ ઓરડો ઓછો હોય તો ચાલે.’’ આપણને પણ સમજાયું કે ઘણી જરૂરિયાતો તદ્દન બીનજરૂરી હોય છે. લોકડાઉન દરમિયાન ઘટેલો ઘોંઘાટ, પ્રદૂષણ ઓછું અને વાહન વ્યવહાર પણ નહીંવત્‌ રહેતાં આપણને સુખદ અનુભવ થયો. ગુજરાતીમાં ઉક્તિ છે - વધારે ચોક્કસાઈથી કહું તો એક પ્રકારની ધમકી છે; ‘‘જો મારું મગજ જશે તો ધોળે દિવસે તારા દેખાડી દઈશ.’’ આવી ઘટના સંપૂર્ણ સુર્યગ્રહણ દરમિયાન થોડી ક્ષણો માટે બને છે. જેમ જેમ વિજળીનો વપરાશ વધતો જાય છે તેમ તેમ ધોળે દિવસે તો ઠીક પણ અમાસની ઘનઘોર રાત્રીએ પણ તારો દેખાતો નથી. આને હવે પ્રકાશનું પ્રદૂષણ કહે છે. આની વિપરીત અસર આપણા શરીર પર અને ખાસ કરીને જૈવિક દૈનિક ચક્ર પર થાય છે. લોકડાઉને મેરઠવાસીઓને હિમાલયના દર્શન કરાવ્યા. શહેરોની નિઃસ્બધતા અને પક્ષીઓનો કલરવ, હવાની લહેરખી તેમજ પરિવારની ઉષ્મા, લોકડાઉને આપણને અનેરો અનુભવ કરાવ્યો. જો કે શ્રમિકો, વંચિતો, ગરીબો વગેરે માટે તો ન તો આવાસ, ન તો રોજગારી, ન આવક અને ભોજનના અભાવ થકી આપણે સૌએ આર્થિક અસમાનતા અને સામાજિક વિષમતાના દર્શન કર્યાં. લાખો લોકોની પદપાળા હિજરતે ખૂબ અલ્પ સંખ્યાના લોકોમાં સંવેદનાની સરવાણી વહાવી. લોકડાઉનના સુખ દુઃખ પછી અનલોકની પ્રક્રીયા ચાલુ થઈ.

                નવી દિલ્હીની રાયસીના ટેકરીના નોર્થ બ્લોકમાંથી વહીવટી સેવાના ચુનંદા અધિકારીઓએ છૂટછાટ આપવાની શરુઆત કરી. અલબત્ત શરતો લાગુ. અનલોક ૧,ર,૩,૪ અને ૫ બાદ જીવનની તમામ પ્રવૃત્તિઓ સામાન્ય બની. અનલોકની પ્રક્રીયા એટલે ૬-૭ વાર ચાવી ફેરવીએ (કોઈના કહેવા મુજબ ઘૂમેડીએ) ત્યારે ખાસ પ્રકારનું તાળુ ખુલે તેવું આ કામ લોકોને છુટછાટો તો પસંદ પડી ગઈ. તેની સાથે સલામતી માટે જે સાવધાની રાખવાની હતી તે વાત લગભગ વિસરાય ગઈ. સરકાર સંદેશો આપતી રહી કે અનલોકની પ્રક્રીયા સમગ્ર દેશમાં શરુ થઈ ગઈ છે પણ જરૂર હોય તો જ બહાર નીકળો. કોરોનાથી આપણે મુક્ત થયા નથી. લોકોએ નક્કી કર્યું કે જરૂર એટલે ‘‘મારી મરજી’’ મને ઈચ્છા થાય એટલે બહાર જવામાં હવે વાંધો નથી. પોલીસ ન પકડે કે દંડ ન કરે તે માટે માસ્ક ગળે લટકાવો. સતત પહેરી રાખીએ તો મુંઝારો થાય ને ? રાજકીય સરઘસો, મેળાવડા, સામાજિક પ્રસંગો, જન્મદિનની ઉજવણી, તીર્થસ્નાનોની યાત્રા, હવાફેરના સ્થળની મુલાકાત, પ્રવાસ-ખરીદી માટે બજાર-મૉલમાં ભીડ જાણે કે કોરોનાનો કહેર પૂરો થયો છે તેવી બેફિકરાઈ સાથે જીવન પૂર્વવત્‌ દેખાવા માંડ્યું. આ સ્થિતિ તો સમગ્ર ગુજરાત અને અન્ય ઘણાં રાજ્યો માટે જ્વાળામુખીની ટોચે બેઠેલા અજ્ઞાત ટોળા જેવી હતી. કોરોના વિષાણુ અતિ ચેપી છે - એક વખત શરીરમાં તેનો ગુણાકાર થવા માંડે તો જીવલેણ પણ છે. આ સત્ય જાણવાળા પણ સાવચેતી ચૂકીને જે રીતે વર્તન કરતા હતા તેથી ચિંતા તો હતી અને અંતે કટોકટી આવી જ. આનું નામ હાથના કર્યાં - હૈયે વાગ્યા.

                એક રાજકીય આગેવાને તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્‌મ્પની સામે હરિફાઈ કરવાનો સંકલ્પ લઈને જિલ્લે જિલ્લે હજારો કાર્યકરોની ભીડ એકત્ર કરી જેમાં સુરક્ષાની સૂચનાનો સંપૂર્ણ અનાદર હતો. રાજ્ય સરકારની એવી કઈ લાચારી કે કોરોનાના નિયમોનો છડેચોક ભંગ થતો હતો ત્યારે તેની ટીકા કરવાની પણ હિંમત કોઈ પદાધિકારી/અધિકારી ન કરી શક્યા. આવી વર્તણૂકના કારણે કાયદાના શાસનને હાંસીપાત્ર ઠેરવ્યું એટલું જ નહીં પણ સમગ્ર સમાજને ખોટો સંદેશો આપ્યો કે કોરોનાના નિયમો બીનજરૂરી છે. આ મહામારીને ગંભીરતાપૂર્વક સમજીશું નહીં તો ભવિષ્યની આપત્તિ કેવી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે.

                લોકડાઉનને કારણે અર્થવ્યવસ્થાને જે વિપરીત અસરો થઈ તે નિવારવી જરૂરી હતી પણ સાથે સાથે કોરોનાના સંક્રમણને અંકશુમાં રાખે તેવી કાળજી રાખવી અનિવાર્ય છે. સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને સલામતિના મુદ્દે ગાફેલ રહેવું કોઈપણ સંજોગોમાં પાલવે નહીં. કમનસીબે આપણા દેશમાં આ બાબતો જેટલી ઉપેક્ષિત છે તેટલું અન્ય નથી. આરોગ્યની જાળવણીના પ્રાથમિક નિયમોનું લોકોને જ્ઞાન નથી અથવા તો જાણતા હોવા છતાં તે પાળવાનું ભાન નથી. સ્વચ્છ ભારત ૨૦૧૯ની સિદ્ધિઓ પછી પણ હજી આપણી માનસિકતા બદલાય નથી. સફાઈકામને આપણે સૌથી નીચું કામ ગણીશું ત્યાં સુધી સ્વચ્છ ભારતનું નિર્માણ નહીં કરી શકીએ. થોડા વર્ષ પહેલાં હાથમાં ઝાડુ પકડી પ્રસિદ્ધિ મેળવનાર મહાનુભાવોએ સ્વચ્છતા માટે વ્યક્તિગત રીતે શું કર્યું તે પ્રશ્ન પૂછવો અસ્થાને છે. સલામતી અંગે તો દરરોજ ૪૫૦ થી વધારે લોકો રસ્તા પરના અકસ્માતમાં જાન ગુમાવે છે તે લાપરવાહીને જીવતો જાગતો પૂરાવો છે. દિવાળી બાદના એક સપ્તાહમાં ગુજરાતના રસ્તાઓ પર ૭૦ જેટલા લોકોએ જાન ગુમાવ્યા તે હકીકત આપણી લાપરવાહી દર્શાવે છે.

                હવે ચિંતાનો વિષય છે કે સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ અભુતપૂર્વ ઝડપે વધી રહ્યું છે. આ ત્રીજો તબક્કો છે કે નહીં તેનો વિવાદ કોરાણે મૂકીએ તો પણ દર્દીઓની સંખ્યામાં થતો ઝડપી વધારો આપણી આરોગ્ય સેવાને ભારે દબાણમાં લાવવા માટે જવાબદાર છે. સંક્રમણ રોકવા માટેના ધોરણો સારી રીતે પ્રસ્થાપિત થયા છે. (૧) કોઈ પણ અજાણી નવી વ્યક્તિ સાથે વાત કરતી વખતે, સાથે લીફટમાં જતી વખતે કે બહાર જતી વખતે માસ્ક સતત સારી રીતે નાક, મોં ઢંકાય તેમ પહેરી રાખો. આટલી સીધી-સાદી વાત સ્વીકારવામાં આપણને કુટેવ નડે છે. (ર) બહાર ભીડમાં ન જ જાઓ, જરૂર પૂરતો સમય બહાર રહો ત્યારે માસ્ક ઉપરાંત વાજબી અંતર જાળવો (૩) નાસ, કોગળા, વિટામીન-સી, આર્યુવેદિક પ્રતિરોધ વધારે તેવા ચૂર્ણ-કાઢાનો ઉપયોગ દ્વારા તમારી પ્રતિકારક શક્તિ જાળવો. (૪) સામાજિક, રાજકીય, ધાર્મિક પ્રસંગોએ તદ્દન ઓછી સંખ્યામાં સાવચેતી સાથે કાર્ય સંપન્ન થાય તેની કાળજી કરો. દેખાવ, ભપકો કે ઉત્સાહ માટે હમણાં કશો અવકાશ નથી. (૫) સામાન્ય પ્રવૃત્તિ કરીએ પણ સાથે સાથે હાથ ધોવા, સેનીટાઈઝડ વાતાવરણ રાખવું, દરેક કાર્ય કાળજીથી કરવા માટે તકેદારી રાખવી જરૂરી છે. આ પંચશીલનો ભંગ કરીને આપણે લોકડાઉનમાંથી અનલોક થવાના બદલે કરફ્યુ પ્રતિ પ્રયાણ કર્યું તે ખૂબ દુઃખદ ઘટના છે. કોરોનાની મહામારી ક્યારે સમાપ્ત થશે તેવો પ્રશ્ન કોઈએ ડૉકટરને પૂછયો તો જવાબ મળ્યો; ‘‘ભાઈ, હું ડૉકટર છું. જ્યોતિષ નહીં.’’ આ કટાક્ષમાં મર્મ છુપાયેલો છે. સરકારે અનેક મર્યાદાઓ વચ્ચે અને ક્યારેક ખોટી સલાહ વચ્ચે જે ભગીરથ પ્રયત્ન કર્યો છે તે પ્રશંસનીય છે. કોરોના વોરિયરની સેવા માટે તો કોઈપણ વિશેષણો કે શબ્દો પૂરતા નથી. આપણે સૌ તેમના ઋણી છીએ. અનેક સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓએ પણ મહામારીના અસરગ્રસ્તોની વહારે ચડીને માનવતાની જ્યોત જલતી રાખી છે. આપણે જાણતા નથી કે ભવિષ્યના ભયસ્થાનો કયા છે ? આપણી નાની એવી ક્ષતિ કે ગફલત ભયંકર પરિણામ લાવી શકે તેમ સમજીને સદાય સર્વદા સાવચેત રહીએ, સુરક્ષાના નિયમોનું ચુસ્તતાથી પાલન કરીએ અને અન્યને પણ તેનો અમલ કરાવવા આગ્રહી બનીએ. આ એક એવી બાબત છે કે પેલી વ્યક્તિ આમ કરે કે તેમ તેમાં મારે શું તેવો અભિગમ પણ જોખમી છે. સૌ સાથે વહાણમાં સફર કરીએ છીએ અને અન્ય સહપ્રવાસી વહાણમાં કાણું પાડતો હોય તો સૌની સલામતી માટે તેને રોકવો જરૂરી છે.

                કોરોના મહામારી તેનું ઉગ્ર સ્વરુપ ધારણ કરી રહી છે. આપણામાંથી અગણિત લોકોના શરીરમાં છુપાયેલો આ દાનવ કોને ક્યારે તેની ઝપટમાં લેશે તે નક્કી નથી. આજે તો કોરોનાની સાંકળ મજબૂત બની છે. તેની કડીઓ કાળજીપૂર્વક તોડ્યા વિના આપણા પ્રયાસો વામણા સાબિત થઈ રહ્યા છે. વેકસીન (રસી) પાસેથી ઉમ્મીદ જરૂર રાખીએ પણ તે દરેકને પૂરતી અને લાંબાગાળાની પ્રતિકારક શક્તિ આપશે કે કેમ તે યક્ષપ્રશ્ન છે. ચાલો, આપણે સૌએ ચેતવણીનો સૂર જ નહીં પણ સાઈરન વાગે છે તે સાંભળીએ. જરા સરખી બેદરકારી આપણને કલ્પનાતીત જોખમમાં મૂકી શકે છે. માનવજાતિએ ભૂતકાળમાં મહામારી જોઈ છે પણ ત્યારની વસ્તીની સંખ્યા, મર્યાદિત શહેરીકરણ, વાહન વ્યવહારના થોડા સાધનો સામે આજે પરિસ્થિતિ જુદી છે. કરફ્યુની પાબંદીમાં રહેવું કે સાવચેત રહેવું છે ? તેની પસંદગી કરવાની પળ આવી ગઈ છે. નાગરિકનો એક જ ધર્મ છે; સાવધાન રહેવું, કાળજી કરવી અને સૌ પાસે સુરક્ષાના નિયમોનું પાલન કરાવવું.

Comments

Popular posts from this blog