તવારીખ અને ગૌરવવંતી સિદ્ધિઓ

                                                                                                                - પ્રવીણ ક. લહેરી

આપણે ઈતિહાસના પાનાઓ ફેરવીએ ત્યારે દર  તારીખ-મહિના-વર્ષની આગવી વિશિષ્ટતાઓ આપણા ધ્યાને આવે છે. દરેક દિવસે ભૂતકાળની ઘટનાઓની સ્મૃતિ તાજી થાય તે સહજ છે. ડિસેમ્બરની બીજી અને ત્રીજી તારીખ સાથે આ વર્ષે એક અનોખી ઉજવણી ઓનલાઈન થઈ તેની આપણે નોંધ લેવી ઘટે. સ્વ.શ્રી ધીરૂભાઈ ઠાકરે તા.૨જી ડિસેમ્બરે ગુજરાતી વિશ્વકોશની સ્થાપના કરી હતી. આજે સાહિત્ય, કલા, શિક્ષણ, સંસ્કાર અને સમાજસેવાના અગણિત કાર્યક્રમો દ્વારા ગુજરાતની ચેતનાને સમગ્ર વિશ્વમાં ફેલાવવા માટે જે ભગીરથ પ્રયત્નો થયા છે અને થઈ રહ્યા છે તેની નોંધ સાંપ્રત સમયના ઈતિહાસમાં સુવર્ણઅક્ષરે લેવાશે તેમાં શંકાને સ્થાન નથી.

શ્રી ધીરુભાઈ ઠાકરે પ્રગટાવેલી જ્યોતનું જતન શ્રી કુમારપાળ દેસાઈ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી કરી રહ્યા છે. બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી કુમારપાળભાઈને ગુજરાત એક આદર્શ સંસ્કાર પુરુષ તરીકે ઓળખે છે. ધર્મ, પત્રકારત્વ, સાહિત્ય, ભાષા, સેવા, રમતગમત એમ વિવિધ ક્ષેત્રમાં તેમણે પ્રદાન કર્યું છે તેનાથી આપણે સૌ વાકેફ છીએ. ગુજરાતી વિશ્વકોશે ગુજરાતીમાં જ્ઞાનના ખજાનાને એટલો સુવ્યવસ્થિત ગોઠવી આપ્યો છે કે અનેક લોકો માટે આધારભૂત અને ઉપયોગી માહિતી હાથવગી બની છે. ઈન્ટરનેટ અને ગુગલ યુગ પહેલાં શ્રી ધીરુભાઈ ઠાકરની આર્ષ દૃષ્ટિએ જે સ્વપ્ન સેવ્યું હતું તે તો સાકાર થયું પણ હવે તેમાં ગીત, સંગીત, ચિત્રકામ, નૃત્ય, નાટ્ય સહિતની અનેક કલાને પણ એક વિશ્વસનીય મંચ મળ્યો છે. આ મહાયજ્ઞમાં ગુજરાતના અનેક વિદ્ધવાનો, શ્રેષ્ઠીઓ, જાગૃત નાગરિકો, શિક્ષણકારો સહિત હજારો લોકોએ જે પ્રદાન આપ્યું છે તેનાથી ગુજરાતની સંસ્કૃતિને નવો ઓપ મળ્યો છે. કોરોનાના કહેર વચ્ચે ગુજરાતી વિશ્વકોશ દ્વારા પોતાની કામગીરીનું ખૂબ સાવચેતી સાથે સલામતીના ધોરણમાં કોઈ બાંધછોડ કર્યા વિના જે રીતે સંચાલન થઈ રહ્યું છે તે દરેક સંસ્થા માટે એક ઉદાહરણ પૂરું પાડે છે. ઓનલાઈન, પ્રિ-રેકોર્ડેડ કાર્યક્રમોનો સીલસીલો અવિરત ચાલુ છે. સંશોધન, પ્રકાશન સાથે જેમણે સમાજમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે તેવા મહાનુભાવોને પોંખવાનો કાર્યક્રમ પણ ચાલુ છે. વિશ્વકોશનો સ્થાપના દિન આપણા સૌના માટે ગૌરવશાળી દિન છે. આપણી ભાષા, ભાતીગળ સંસ્કૃતિ, વૈભવી વારસા અને અસ્મિતાને પ્રકાશમાં લાવતી આ સંસ્થાના જન્મદિને આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે છ કરોડથી વધુ લોકોની માતૃભાષા ગુજરાતી સદાય સમૃદ્ધ થતી રહે, જીવનના તમામ ક્ષેત્રોમાં અને સમગ્ર વિશ્વમાં તેની આગવી ઓળખ બની રહે. ભાષાના માધ્યમથી આપણે સૌ ગુજરાતીઓ શ્રીકૃષ્ણ, દયાનંદ, હેમચંદ્રાચાર્ય, દલપતરામ, નર્મદ, ગોવર્ધનરામ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રવિશંકર મહારાજ સહિત અનેક મહામાનવોના જીવન કાર્યમાંથી પ્રેરણા લઈને વૈશ્વિક સ્તરે અભિનંદનને યોગ્ય બનીએ.

તારીખ ત્રીજી ડિસેમ્બર આંતરરાષ્ટ્ર્‌ીય વિકલાંગ (દિવ્યાંગ) દિન તરીકે ઉજવવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા ૧૯૮૩ થી ૧૯૨૨નો દસકો શારીરિક/માનસિક ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓના સર્વાંગી વિકાસ માટે ધ્યાન કેન્દ્રિત કરવાનો સમયગાળો હતો. ૧૯૯૨ થી ૩ જી ડિસેમ્બરને ‘આંતરરાષ્ટ્ર્‌ીય દિવ્યાંગતા દિવસ’ તરીકે ઉજવવાનું શરુ કર્યાને ૨૮ વર્ષ થયા છે. સામાન્ય રીતે ૪૦ ટકા કરતાં વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની સંખ્યા કુલ વસ્તીના ૩ ટકા જેટલી હોય છે. તે આધારે ગણતરી કરતાં વિશ્વમાં ૨૪ થી ૨૫ કરોડ લોકો આ મુશ્કેલીઓનો સામનો કરે છે. આ ઉપરાંત ૬૦ વર્ષની વયથી વધારે જે વરિષ્ઠ નાગરિકો છે તેની સંખ્યા ૮૦ કરોડ આસપાસ છે જેમાંથી ૪૬ ટકા એટલે કે ૩૬-૩૭ કરોડ લોકો વિવિધ ક્ષતિઓથી પીડિત છે. માનસ સમુદાયના એટલી મોટી સંખ્યામાં જે લોકો આ તકલીફો સામે ઝઝૂમી રહ્યા છે તે અંગે સૌ કોઈ જાગૃત થાય તે ઉદ્દેશથી આ દિવસ મનાવવામાં આવે છે.

ગુજરાતી વિશ્વકોશ દ્વારા આ વર્ષે ત્રીજી ડિસેમ્બર આંતરરાષ્ટ્ર્‌ીય વિકલાંગ દિને એક વિશિષ્ટ કાર્ય કરવામાં આવ્યું. અગાઉ પ્રાધ્યાપક તરીકે અને હાલ ગુજરાતી વિશ્વકોશમાં સેવા આપતા શ્રીમતી પ્રિતીબહેન શાહ દ્વારા લિખિત પુસ્તક ‘આત્મબળના અજવાળે’નું વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તકમાં પ્રિતીબહેને ૭૫ દિવ્યાંગોના જીવનના સંઘર્ષ અને સિદ્ધિનું ખૂબ હૃદયસ્પર્શી દસ્તાવેજીકરણ કર્યું છે. આ પ્રેરક કથાઓના નાયક-નાયિકોને આ પ્રસંગે વંદન સાથે તેમના કાર્યમાંથી સૌ કોઈ પ્રેરણા લે તેવી આ સાથે આપણે દિવ્યાંગ દિવસની ઉજવણી કરીએ તો સાર્થક લેખાય.

ગુજરાતી વિશ્વકોશના પ્રણેતામાંના એક ગુજરાતના જાહેર જીવનમાં સહકારી ક્ષેત્રના મોભી તરીકે અનોખી છાપ છોડી જનારા શ્રી સાંકળચંદ પટેલ ગ્રંથશ્રેણી અંતર્ગત આ પુસ્તક પ્રકાશિત થયું છે. ગુજરાતી વિશ્વકોશ દ્વારા ૧૦૦ થી અધિક પુસ્તકોના પ્રકાશન થયા છે. વિશ્વકોશના ગ્રંથો ઉપરાંત બાલવિશ્વકોશ, વિજ્ઞાનમાળાના પુસ્તકો, સંશોધન દ્વારા તૈયાર થયેલ પુસ્તકો સાથે વિશ્વકોશે અનોખી સેવા કરી છે. વિશ્વના વિકલાંગોની સિદ્ધિઓ અંગે તજજ્ઞ શ્રી જનક શાહે પણ ખૂબ મનનીય અને પ્રેરક પ્રવચન આપી પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સોનામાં સુગંધ ભર્યા સમાન વાતાવરણનું સર્જન કરી આપ્યું.

કોરોનાના કહેર વચ્ચે આજે કરોડો લોકો નિરાશા, હતાશા, મુંઝવણ, નિઃસહાયતા, દુઃખ, વ્યથા જેવી નકારાત્મક લાગણીઓથી ઘેરાયેલા છે ત્યારે શેખાદમ આબુવાળાની પંક્તિઓ યાદ આવે;

‘‘અમને નાખો જિંદગીની આગમાં, 

ફેરવીશું આગને પણ બાગમાં,

સર કરીશું આખરે સૌ મોરચા,

મોતને પણ આવવા દો લાગમાં’’

જીવનમાં કવિ નરસિંહ મહેતાની સલાહ માનવા જેવી છે. ‘‘સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડીયાં, ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથના જડીયાં.’’ ઝંઝાવાતો આવ્યા જ કરવાના, આપણે સમસ્યાનું વર્ણન કરીને સહાનુભૂતિ મેળવવા પ્રયત્નો કરીશું તો તે વ્યર્થ છે. તળપદી ભાષામાં કહીએ તો ‘‘રોદણાં રોવાથી કાંઈ નહીં વળે.’’ જાણીતા મનોવૈજ્ઞાનિક ડૉ. નિશા ખન્ના કહે છે; ‘‘જે જેવું છે તેનો તેવો જ સ્વીકાર કરો, તેનાથી જિંદગી સુખમય બની જશે.’’ અલબત્ત પરિસ્થિતિ સામે સંઘર્ષ કરવામાં દૃઢ ઈચ્છાશક્તિ, અવિરત જહેમત અને પરિવાર-સમાજનો ટેકો ખૂબ મહત્ત્વનો છે.

‘‘આત્મબળને અજવાળે’’ પુસ્તક કોઈપણ દિવ્યાંગ (વિકલાંગ) સંસ્થા કે વ્યક્તિને ભેટ આપીએ તો તેની મોટી સેવા કરી ગણાય. ‘‘દિવ્યાંગને દયાની નહીં પણ પ્રેરણાની જરૂર છે.’’ આ પુસ્તક ૭૫ સંક્ષિપ્ત જીવનચરિત્રો સાથે એક સંદેશો આપે છે. આપણા દુઃખનું કેટલું જોર ? જીવન દુઃખપ્રધાન છે કે સુખ પ્રધાન ? જીવનમાં પ્રારબ્ધ કે પુરુષાર્થ શેનું વધારે મહત્ત્વ છે ? આ પ્રશ્નોની ચિંતા છોડીને જે લોકો દૃઢ સંકલ્પ અને કઠોર પરિશ્રમથી ભાગ્ય નિર્માણ કરે છે તેઓના જીવન સાર્થક થાય છે. આશ્રમ રોડ પરની બહેરાં-મૂંગાની શાળાના ઉદ્‌ઘાટન પ્રસંગે મહાત્મા ગાંધીએ કહેલી વાત; ‘‘કોઈપણ સમાજ કેટલો સુસંસ્કૃત છે તે નક્કી કરવાનો માપદંડ એ છે કે તેમાં વિકલાંગ વ્યક્તિઓ માટે કેવો અભિગમ અને વ્યવસ્થા છે.’’ આ પુસ્તક તો પાણીની પરબ છે. જેને તૃષા હોય, સંવેદના હોય, પીડ પરાઈ જાણી હોય, જીવન સાર્થક કરવાની તાલાવેલી હોય તેમને માટે તો એક નૂતન સૃષ્ટિનું દર્શન કરાવે છે. અમુક સંવર્ગના વિકલાંગો માટે હજી ઘણું કાર્ય કરવાનું છે. પ્રિતીબહેન સાચું જ નિરીક્ષણ કર્યું છે;

‘‘સમાજમાં વિકલાંગોની સ્થિતિ વિષમ હોય છે, એમાં મૂક-બધિરની સ્થિતિ વધુ મુશ્કેલ હોય છે. સામાન્ય બાળકને શીખવવા માટે જેટલો પ્રયત્ન કરવો પડે તેનાથી હજારગણો પ્રયાસ મૂક-બધિરને શીખવવા કરવો પડે. વળી વ્યક્તિ અપંગ કે અંધ હોય તો તે તરત નજરે પડે છે. જ્યારે મૂક-બધિર વ્યક્તિની ક્ષતિ પ્રગટપણે દેખાતી નથી. પ્રજ્ઞાચક્ષુ માટે જેટલાં સંશોધનો થયાં છે તેટલાં મૂક-બધિર માટે નથી થયા. આપણા સમાજમાં એમની ઈશારાની ભાષાને લોકો હજી સ્વીકારતા નથી. શારીરિક રીતે તંદુરસ્ત દેખાતી વ્યક્તિ તમારી બાજુમાં હોય અને એની મુશ્કેલીની ખબર પણ ન પડે તેવી અદૃશ્ય અને નિઃશબ્દ એવી આ વિકલાંગતા છે.’’ ઈશ્વરે આપણને જે આપ્યું છે તેનો થોડો ભાગ દિવ્યાંગોના જીવનને દિવ્યતા બક્ષવામાં વાપરીએ તો વિશેષ દિનની ઉજવણી સાર્થક બને.

Comments

Popular posts from this blog