નશો નાશનું મૂળ છે.
- પ્રવીણ ક. લહેરી
બેઠી દડીનું ભરાવદાર શરીર, ગોળમટોળ ચહેરો, શરારતી આંખો, વહેંત લાંબી જીભ અને બિન્દાસ હાજર જવાબી સાથે ટેલીવિઝનમાં હાસ્ય કલાકાર તરીકે આગવું સ્થાન પ્રાપ્ત કરનાર ભારતીસિંઘ અનેકનું પ્રિયપાત્ર છે. થોડા સમય પહેલાં તેમણે ગુજરાતી પરિવારમાં હર્ષ લિંબાચીયા સાથે લગ્ન કર્યા અને તે પછી ગુજરાતના ખાખરા, થેપલાં, ખમણ અને નાની નાની પૂરીની મજાક સાથે આ ગુજરાતની પુત્રવધૂએ પોતાની આગવી લાફીંગ કલબ સ્થાપી હતી. આપણને સૌને એમ જ લાગે કે આવી વ્યક્તિ સદાય ખુશીમાં જ રહેતી હશે. આ કિસ્સામાં તો ચાર્લી ચેપ્લીન જેમ પોતાનું દર્દ/ગમ છુપાવવા અન્યને હસાવવા જેવું કાંઈક કરતી હશે.
આજે સમાચાર છે કે ભારતીસિંઘ અને તેના પતિ મહાશયને નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ૮૪.૫ ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી છે. કોરોનાના કારણે ફિલ્મોનો ધંધો ઠપ્પ છે. અનેક જાણીતા ચહેરાઓ આપઘાત કરે છે કે તેના ઠંડા કલેજે ખૂન થાય છે તેના વિવાદો ટેલીવિઝન ચર્ચામાં ખૂબ ગાજ્યા હતા. જેમ ગાજ્યા વાદળ વરસે નહીં જેવી કહેવત સાર્થક થઈ છે. સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે તેવા સી.બી.આઈ.ના તારણે આ વિવાદ હાલ પૂરતો બંધ થયો. શંકાસ્પદ મૃત્યુઓ પછી તે નેતાજીનું હોય કે શાસ્ત્રીજીનું, જહૉન કૅનેડીનું હોય કે નેપોલિયનનું એક વખત વિવાદ થયો એટલે તે ચાલતો જ રહેવાનો. શંકા-કુશંકાની હારમાળાના સર્જન વચ્ચે સત્ય તો અજ્ઞાત અંચળો ઓઢીને ક્યાં છૂપાઈ જાય છે તે જાણી શકાતું નથી.
જાણીતા અને લોકપ્રિય કલાકાર સુશાંતસિંહના અપમૃત્યુની તપાસમાં ફિલ્મ જગતમાં પ્રતિબંધીત દવાઓ ડ્ર્ગ્સના (ગુજરાતીમાં ચરસ-ગાંજો-અફીણના) સેવનની ઘટનાઓની વિગતો ઉજાગર થઈ. કોઈની થોડા દિવસ માટે ધરપકડ પણ થઈ. ફિલ્મી કલાકારો અને તેમના પ્રસશંકો તો કહેવા લાગ્યા; ‘‘કઈ પાર્ટીમાં ડ્રગ્સનો વપરાશ થતો નથી ?’’ નારકોટિક્સનો કાયદો તો કડક છે પણ તેનો અમલ ઢીલો છે. અફીણની ખેતી, વ્યાપાર, દાણચોરી, વેચાણ ઢોલ પીટીને જાહેરાતો થઈ. તેમાં અનેક જાણીતા કલાકારોના નામો ઉછળ્યા પણ જાદુ જેમ તે હવામાંજ અદૃશ્ય થઈ ગયા. ભાંગ, અફીણનું સેવન હજારો વર્ષથી થાય છે. માણસને નશો કરવાથી ક્ષણિક પણ તીવ્ર સુખની અનુભૂતિ થાય છે. નશો ભાન ભૂલાવે છે. માણસની પ્રગતિ તેની બુદ્ધિને આભારી હોય તો આ બુદ્ધિ ખાસ કરીને વિવેકબુદ્ધિને કુંઠિત કરતા પદાર્થોનું સેવન એટલે માનવીની સમજણનું અપમાન ગણી શકાય. નશો અને તે પણ સૌની સંગાથે કરવામાં વધારે આનંદ માણતી આપણી યુવાપેઢીને સારા-નરસા યોગ્ય-અયોગ્ય, સ્વીકાય-અસ્વીકાર્ય જેવા ભેદો માન્ય નથી. હમારી મરજીવાળી પેઢીનું ઘડતર આર્થિક રીતે સંપન્ન સમયમાં થયું છે. તેમના માટે પૈસાથી ખુશી ખરીદી શકાય છે તેવી માન્યતામાં તેઓ અવિચળ શ્રદ્ધા ધરાવે છે.
ભારતમાં વારંવાર ગાંજા-અફીણ સેંકડો કે હજારો કિલોગ્રામમાં પકડાય છે. આટલા કરોડનો માલ જપ્ત થયો તે સમાચાર બાદ કોના પર ક્યારે કેસ ચાલ્યો તેને શું સજા થઈ તે પ્રશ્નોના ઉત્તરો આપણા સુધી પહોંચતા નથી. આ ધંધો વૈશ્વિક કક્ષાએ ખૂબ મોટો છે. અબજો ડૉલરના આ ધંધામાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મેકસીકો, અમેરિકામાં મોટી માફિયા ગેંગો સક્રીય છે. તેના નામો જગજાહેર છે. તેના પર પુસ્તકો લખાયછે. ફિલ્મો બને છે. સૌને આ પ્રવૃત્તિ વખોડવાપાત્ર લાગે છે પણ અકલ્પ્ય કારણોસર આ ધંધો ફાલીફૂલી રહ્યો છે. ભારતમાંથી કેફી દ્રવ્યોની હેરફેર થતી રહે છે. ઉત્પાદક દેશો મુખ્યત્વે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી વાયા ભારત નશીલા પદાર્થોના વેપાર ચાલે છે. ભારત પાકિસ્તાન સરહદે જાસુસની ઓળખ છુપાવવા તેની સાથે ગાંજો-ચરસ રાખવાની પ્રથા પડી હતી જેથી પકડાઈ જાય તો દાણચોર માની લેવામાં આવે. ગુજરાતમાં દારૂબંધી છે પણ છેલ્લા થોડા વર્ષોથી નશીલી દવાઓ - અફીણ-ચરસનો ઉપયોગ વધ્યો છે. અગાઉ તો અફીણના બંધાણીને સરકાર ટ્ર્ેઝરીમાંથી ચોક્કસ માત્રામાં અફીણ આપતી હતી. બનાસકાંઠાના કલેકટર તરીકે આવી ૨૦૦-૨૫૦ વ્યક્તિઓની યાદી મેં ૧૯૭૬-૭૮ વચ્ચે જોઈ ત્યારે મને આશ્ચર્ય થયું હતું. આપણા અનેક ગામડાઓમાં ચોરીછૂપીથી અફીણનો વપરાશ અને ખેતી પણ થાય છે. તાજેતરમાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જની રહેમનજર તળે રામદેવનગર અમદાવાદમાં ચાલતા ડ્રગના વ્યાપારને રોકવા રાજ્ય ગૃહમંત્રીએ જાતે જઈને વ્યવસ્થા કરવી પડી હતી. ટૂંકમાં કહીએ તો આપણે જાણીએ કે માનીએ તે કરતાં આનો ઘણો વ્યાપક વ્યાપાર ગુજરાતમાં થાય છે. આપણી આવતીકાલની પેઢી માટે આ સમસ્યા વિકરાળ સ્વરુપ ધારણ કરી શકે તેવી સંભાવના છે. આ બાબત ઢીલીપોચી નીતિ રાખીશું અને વિનાશના માર્ગે જઈ દુઃખ અને હતાશાના દરિયાના ડૂબશું.
લોકો શા માટે ડ્ર્ગનું સેવન કરી બંધાણી બને છે ? આ પ્રશ્નનો ઉત્તમ જવાબ વેન્ડેલ બેરી નામના ચિંતકે આપ્યો છે. ‘‘કાયદેસર હોય કે ગેરકાયદેસર, લોકો ડ્ર્ગ્સનો વપરાશ કરે છે કારણ કે તેમનું જીવન અસહ્ય રીતે દુઃખદ અથવા નિરસ હોય છે. તેઓ પોતાના કામને ધિક્કારે છે અને ફુરસદનો આરામ કે આનંદ માણી શકતા નથી. તેઓ પરિવાર અને પાડોશીથી અતડા થઈ જાય છે. આપણે એ પણ જોઈએ છીએ કે સ્વસ્થ સમાજમાં માદક દ્રવ્યોનો ઉપયોગ ઉજવણી અર્થે, એકબીજાને સાથ આપવા માટે કે પ્રસંગોચિત કરવામાં આવે છે. આપણા (સામાન્ય માણસો) માટે માદક દ્રવ્યોનો વપરાશ શરમજનક અને જોખમી હોવા અંગે સભાનતા છે. જે વ્યક્તિઓ ડ્ર્ગ્સ લે છે તે એકમેકથી વિખૂટા પડી ગયેલા છે.’’ સમજવાનો મુદ્દો એ છે કે વિશ્વનો એવો કોઈ પદાર્થ નથી જે જીવનને અર્થપૂર્ણ રીતે સુખી કરી શકે. માદક દ્રવ્યોનો આધાર એ ઝાંઝવાના જળની પાછળ જેમ ગૃહ દોડે છે તેવો આપણો સુખી થવાનો પ્રયત્ન છે. અંતે તો તૃષા સાથે મોત એ જ તેનો અંજામ છે. જોહન હરિ કહે છે કે માદક દ્રવ્યોનું બંધાણ આપણે મુશ્કેલીમાંથી બહાર આવવા કરેલો પ્રયત્ન નથી પણ આપણે જાતે પસંદ કરેલું પાંજરું છે. માણસ કેમ બંધાણી બને છે તે પ્રશ્નનો જવાબ આપતા એલિસ મિલર કહે છે; ‘‘આ એક નિશાની છે; એક ચેતવણી છે; અને આપણી મનોદુર્દશાનું પ્રમાણ છે. આ એક આગવી ભાષા છે જે આપણને ગમગીનીની ગર્તામાં ધકેલાઈ ગયાનો અહસાસ કરાવે છે.’’
નશાથી આપણને એવા સ્વર્ગની કાલ્પનિક અનુભૂતિ થાય છે કે જે નામ બદલેલું નર્ક જ છે. જે માદક દ્રવ્યોનો સહારો લે છે તેનો મૂળ હેતુ તો જીવનની વાસ્તવિકતાથી વિમુખ થવાનો છે. સત્ય તો એ છે કે નશાયુક્ત ચીજો સમય અને પૈસાની બરબાદી છે તે તમારી યાદદાસ્ત ક્ષીણ કરે છે. તમારા સ્વમાનને એટલી હદે નુકશાન કરે છે કે તમારો આત્મવિશ્વાસ ડગી જાય છે. આ કારણસર અનેક બંધાણી આત્મહત્યામાં સુખ શોધે છે જે પદાર્થ મનની શક્તિને નબળી પાડીને વાસ્તવિકતાને બદલે કલ્પનાના સહારે સુખની લાગણી જન્માવે તેનું અવલંબન સદાય જોખમી ગણવું જોઈએ.
આવી જોખમી કુટેવ છૂટી શકે ખરી ? ઘણાં બંધાણી વારંવાર પ્રયાસો કરે પણ અંતે ઠેરના ઠેર રહીને વ્યસન છોડી શકતા નથી. આવા સમયે જાપાનની કહેવત યાદ રાખીએ; ‘ભલે સાતવાર પડો પણ આઠમી વખત પણ ઊભો થઈશ જ તેવો વિશ્વાસ રાખો. ભલે આપણે ભલે નીચલા સ્તરે હોઈએ પણ ત્યાં જ પડી રહેવું તે આપણી નિયતી ન જ હોય શકે. આપણે વ્યસન ન છોડવાના બહાનાઓ છોડીને દૃઢ સંકલ્પ કરીએ તો નેલ્સન મંડેલાનું કથન; ‘‘જ્યાં સુધી આપણે કાર્ય સંપન્ન નથી કરતાં ત્યાં સુધી આપણને તે અશક્ય લાગે છે.’’ હેનરી ફોર્ડે આ વાત બીજા શબ્દોમાં કહી હતી; ‘‘તમે વિચારો કે આ હું કરી શકીશ ? કે આ હું નહીં કરી શકું ? તમારો વિશ્વાસ તમારી શક્તિ છે. તમારી શંકા તમારી નબળાઈ છે.’’
અમાસની કાળી ડિબાંગ રાત્રે જ આપણે અનેક તારાઓની ચમકતી સૃષ્ટિ માણી શકીએ છીએ તેમ વ્યસન-બંધાણમાંથી મુક્ત થવા માટે આપણે પરિસ્થિતિની ઉજળી બાજુ વિચારવી રહી. વ્યસનમુક્તિના કાર્યની સૌ સાથે શરુઆત કરીએ. કદમ સાથ કદમ મિલાવી ચાલશું તો જ આપણે આ દૈત્યની પકડમાં આપણી ભાવિ પેઢી ન આવી જાય તેવું વાતાવરણ સર્જી શકીશું. વ્યસનમુક્તિ માટે કેન્દ્રો ચાલે છે. બંધાણીને સજા આપવા ઉપરાંત તેને આ પીંજરમાંથી બહાર કાઢવા માટે સંનિષ્ઠ પ્રયત્નો પણ જરૂરી છે. સારી સોબત, સાચી સલાહ, સ્પષ્ટ સમજણ અને સંકલ્પ હોય તો વ્યસન છોડવું સહેલું છે. ભૂતાન જેમ સુખનો આંક ઊંચે લઈ જવામાં નશા કરતાં સંબંધોની ઉષ્મા આભાસી આનંદના બદલે પરિવાર મિત્રોનો પ્રેમ અને નિજાનંદની શોધ જ ભારતને અને વિશ્વને અજગર જેવા ભરડો લઈ ચૂકેલા નશાયુક્ત પદાર્થોની નાગચૂડમાંથી મુક્ત થઈ શકીશું. આપણે આ અતિ મહત્ત્વના પ્રશ્ને શા માટે ઉપેક્ષા સેવી શાહમૃગી વૃત્તિ અપનાવીએ છીએ તે કોયડો છે.
Comments
Post a Comment