સરદારની
દૂરંદર્શિતના અને વ્યવહાર કુશળતા
- પ્રવીણ ક. લહેરી ગ્રેટ બ્રિટને ભારતને સ્વતંત્રતા આપવાનો
નિર્ણય કર્યો તેમાં દેશના વિભાજન ઉપરાંત દેશી રજવાડાંઓને ભારત અથવા પાકિસ્તાનમાં
જોડાવું કે સ્વતંત્ર રહેવું તેવો વિકલ્પ આપીને આ દેશના ટૂકડે ટૂકડા થઈ જાય તેવો
કારસો રચ્યો હતો. વિભાજનના મુદ્દે એક તરફ મહાત્મા ગાંધી, ખાન અબ્દુલ
ગફારખાન વિરૂદ્ધમાં તો બીજી બાજુ સરદાર પટેલ, પંડિત નહેરુ
ભાગલા સ્વીકારવાના મતમાં હતા. ત્યારની પરિસ્થિતિ એટલી ગુંચવાડા ભરેલી હતી કે શું
સાચું કે ખોટું તે નક્કી કરવું મુશ્કેલ હતું. ગાંધીજી પોતાના ૩૦ વર્ષના વરિષ્ઠ
સાથીઓ સાથે ન તો રહી શકે કે ન તો તેમના સાથે છેડો ફાડી શકે તેવી પરિસ્થિતિમાં
સરદારનો તર્ક એ હતો કે દેશનો થોડો ભાગ ગુમાવીએ પણ દેશી રાજ્યોના વિલીનીકરણ સાથે એક
મજબૂત રાષ્ટ્ર્નું નિર્માણ કરીએ.
દેશી રાજ્યો ૫૬૨
હતાં. તેના વિલીનકરણ પહેલાંનો ભારતનો નકશો બદલવો જોઈએ અને વિલીનીકરણ બાદનો નકશો
જોઈએ તો ખ્યાલ આવે કે સરદારે તેમનો તર્ક એક વિચાર જ ન રાખતાં તેને વાસ્તવિકતાનું
સ્વરુપ આપ્યું. આ લોખંડી પુરુષ માટે એક તરફ ગુરુ ગાંધીજી સાથે મતભેદનું દબાણ, સત્તાની
ફેરબદલીના પ્રશ્નો, હિજરત અને હુલ્લડો, ભોપાલ, જામનગર, ત્રાવણકોર, હૈદ્રાબાદ, કાશ્મિર, જોધપુર, જૂનાગઢ જેવા
રાજ્યોના શાસકોનું અલગતાવાદી વલણ, પોતાની નાદુરસ્ત તબિયત, ૭૨ વર્ષની ઉંમર, પંડિત નહેરનું
ઈર્ષ્યા અને દ્વેષભર્યું વલણ, કોંગ્રેસ અને સમાજવાદી પક્ષના અમુક નેતાઓ
દ્વારા સરદારની આકરી ટીકા, આ તમામ વિપરીત કારણો વચ્ચે સરદારે તેમનું
લક્ષ્ય હાંસલ કર્યું. ગાંધીજી સાથેના સંબંધો આદરપૂર્વક જાળવ્યા. પંડિત નહેરુને
સાચી સલાહ અને નિષ્ઠાપૂર્વક સહયોગ આપ્યો. દેશી રાજા-મહારાજા-નવાબો વગેેરેને ખૂબ
ધીરજથી અને મક્કમતાથી ભારત સાથે જોડાવા સમજાવ્યા.જરૂર પડી ત્યાં કઠોર બનીને તેમને
ફરજ પાડી. કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો નિષ્પક્ષતાના અને દૃઢતાથી ઉકેલ્યા. લઘુમતિઓના
હક્કોને બંધારણમાં સમાવ્યા. આઈસીએસ અને આઈએસ અધિકારી સહિત સંપૂર્ણ નોકરશાહીને
નિષ્ઠાપૂર્વક કામ કરી શકે તે માટે બંધારણીય રક્ષણની જોગવાઈ કરી. અખિલ ભારતીય
સેવાઓની સ્થાપના કરી. સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ વચ્ચે કેવા
સંબંધો હોય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. સુશાસન માટે અને વંચિતોના વિકાસ
માટે યોગ્ય વાતાવરણનું નિર્માણ કર્યું. અનાજની તંગી નિવારવા ખેડૂતો અને પશુપાલકોને
પ્રોત્સાહન આપ્યું. સિંચાઈને મહત્ત્વ આપવા કહ્યું. ૧૯૪૭ થી ૧૯૫૦ના ત્રણ વર્ષનો સમય
એટલે સરદારના કાર્યો અને સિદ્ધિઓનો સુવર્ણસમય.
ગાંધીજીની આકરી
તાલીમ અને પોતાના સ્વભાવથી ભિન્ન એવી કાર્યશૈલી વિકસાવી સરદારે ગાંધીનું કહ્યું
માનવા કરતાં સાચું લાગે તે સમર્પિત ભાવે કરીને ગાંધીજીના પટ્ટશિષ્યનું બિરૂદ
સાર્થક કર્યું.
વિભાજનના
મુદ્દે સરદારે જ્યારે કોંગ્રેસ-મુસ્લિમ
લીગની સંયુક્ત સરકારમાં કામ કર્યું ત્યારે તેમને ખાતરી થઈ કે લીગે ધર્માંધ, તકવાદી અને
પરપીડનમાં આનંદ માણે તેવા લોકોથી ભરેલી છે. તેના કારણે સતત સંઘર્ષ અને તનાવ વચ્ચે
જીવવા કરતાં ભાઈ ભાગ પાડીને અલગ થઈ જવું સારું. સરદારને આશા અને શ્રદ્ધા હતા કે
બંને ધર્મના લોકો પોતપોતાની રીતે આઝાદીના વાતાવરણમાં સદ્ભાવ સાથે રહીને દેશનું એક
શક્તિશાળી રાષ્ટ્ર્ તરીકે નિર્માણ કરશે. સરદારે જ્યારે જોયું કે ભાગલા બાદ દેશમાં
રહેલાં લઘુમતિના લોકોની વફાદારી ભારત માટે નથી ત્યારે લખનૌની સભામાં તેમણે સોય
ઝાટકીને કહ્યું કે જેમને આ દેશ પ્રતિ પ્રેમ ન હોય તે પાકિસ્તાન ચાલ્યા જાય. અહીં
રહેવું તે ચાલશે નહીં. આવી બે ઘોડાની સવારી ન કરવા તાકીદ કરી. સરદાર મુસ્લિમ
વિરોધી છે તેવો હોબાળો વારંવાર થયો પણ સરદાર માટે તો દેશહિત જ સર્વોપરી હતું. તેઓએ
ગાંધીજી પાસેથી જે મૂલ્યો આત્મસાત્ કર્યાં હતાં તેમાં નિડરતા, ત્યાગ, સંવેદના, સાદગી, સત્યનિષ્ઠા વગેરે
સરદારના વ્યક્તિગત સાથે એકરસ થઈ ગયા હતાં.
સરદાર વડાપ્રધાન
બન્યા હોત તો ?
આ પ્રશ્ન વારંવાર
પૂછાય છે. સરદારને ગાંધીજીએ અન્યાય કર્યો હતો તેવો આક્ષેપ થાય છે. જે લોકોએ સરદાર
સાથે કામ કર્યું છે તેવા સેંકડો લોકોનો મને નિકટનો પરિચય થયો તે મારા જીવનનું સદ્ભાગ્ય
છે. સરદારનું વ્યક્તિત્વ અનોખું હતું. સરદાર માટે એક જ બાબત મહત્ત્વની હતી, તે હતી દેશની
આઝાદી અને લોકોની સુખાકારી. સરદાર ૧૯૧૭માં ગાંધીજી સાથે જોડાયા ત્યારથી તેમણે
પોતાની તમામ મહેચ્છાઓ છોડી હતી. તેઓ સરકારમાં નાયબ વડાપ્રધાન હતા પણ જેમ ‘ટાઈમ’ મેગેઝીને કવર
સ્ટોરીમાં લખ્યું તેમ વલ્લભભાઈ પટેલ ‘ધી બોસ’ હતા. સરદાર માટે
પદ કરતાં તેમનું કદ અનેકગણું મોટું હતું. પંડિત નહેરુ મને-કમને પણ સરદારની સલાહ
મુજબ ચાલવું હિતકારી છે તેમ સમજતાં હતાં. અલબત્ત રફી અહમદ કિડવાઈ, સત્યનારાયણ સિંહા, ગોપાલસ્વામી
આયંગર, મૌલાના આઝાદ જેવા
આગેવાનો નહેરુને સરદાર વિરૂદ્ધ સતત કાનભંભેરણી કરતાં હતાં. લાગણીશીલ અને ઉતાવળા
સ્વભાવવાળા જવાહરલાલ સરદાર સાથે અયોગ્ય વર્તન કરતાં ત્યારે સરદારને ગુસ્સો આવતો
હતો. તે વ્યક્ત પણ કરી દેતા આમ છતાં ગાંધીજીની હાજરીમાં કે અવસાન બાદ ત્રણ વર્ષમાં
સરદારે નહેરુને પદભ્રષ્ટ કરવા કશી પેરવી કરી ન હતી. કોંગ્રેસ પક્ષની ચૂંટણીમાં
પોતાના ઉમેદવાર પુરુષોત્તમલાલ ટંડનને જીતાડીને સરદારે પક્ષમાં કોણ અંકુશ ધરાવે છે
તે સાબિત કરી આપ્યું હતું. સરદાર એક ઉત્તમ વહીવટકર્તા અને સબળ સંગઠ્ઠક હતા. પદ કે
માન-અપમાનની પરવા કર્યા વિના સરદારે તેમના ૩૩ વર્ષના જાહેર જીવનમાં દેશ અને તેની
પ્રજા માટે જે કર્યું છે તેનું ઋણ આપણી આગામી પેઢીઓ પણ ચૂકવી શકશે નહીં. હા, આપણે સરદાર, તેમના આદર્શ
ગાંધીજી, તેમના નાનાભાઈ
જેવા જવાહરલાલ માટે સમજણ વિના, અભ્યાસ વિના અને પૂર્વગ્રહ પ્રેરિત કશું ન
વિચારીએ, બોલીએ કે લખીએ તો
તે સરદારને આપેલ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.
આજે જ્યારે ચીન
અને ભારતની સેનાઓ સરહદે સામસામે તનાવ વચ્ચે ઉભી છે ત્યારે સરદારે તા.૭ નવેમ્બર
૧૯૫૦ના રોજ (મૃત્યુના ૩૮ દિવસ પહેલા) લખેલ પત્રનું સ્મરણ કરીએ. સરદારે તત્કાલિન
વિદેશ વિભાગના મહાસચિવ સરગિરજાશંકર બાજપેયીની સલાહથી જે પત્ર લખ્યો છે તેમાં અનેક
મહત્ત્વના મુદ્દા છે જે આજે પણ આપણી વિદેશ સંરક્ષણ નીતિ માટે મહત્ત્વના છે. સરદારે
સ્પષ્ટ કર્યું હતું કે (૧) ચીન પ્રત્યે આપણે ભલે મિત્રતા કે હમદર્દી દાખવીએ પણ ચીન
આપણને સામ્રાજ્યવાદીઓની પીઠ્ઠું કહે છે. (ર) ચીન સામ્યવાદી છે સાથે સાથે
સામ્રાજ્યાવાદી છે. તેનો ડોળો નેપાળ, ભૂતાન, સિક્કિમ, આસામ અને બર્મા
પર છે. (૩) આપણે સરહદે લશ્કર માટે સુવિધા, શસ્ત્રો સાથે
વ્યવસ્થા ગોઠવવી જોઈએ. (૪) સરહદી વિસ્તારોમાં જાસુસીથી શંકાશીલ વ્યક્તિઓ અને
ગતિવિધીઓ વચ્ચે નજર રાખવી જોઈએ. (૫) તિબેટમાંથી ચીની લશ્કર પરત જાય તેવી વ્યૂહરચના
ગોઠવવી જોઈએ. (૬) ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળમાં ચીન
ભાંગફોડીયા પ્રવૃત્તિ ન કરે તેવો બંદોબસ્ત કરવો જોઈએ. (૭) આપણા અમેરિકા, રશિયા, બ્રિટન અને
બર્માના સંબંધો ચીનની હરકતોના સંદર્ભમાં પુનઃ મુલવવા જોઈએ.
ઑકટોબર-૧૯૬૨માં
ચીનની ખંધાઈ અને વિશ્વાસઘાતનો ભોગ બનેલા નહેરુના મનમાં પણ એક પ્રશ્ન જરૂર ઊઠ્યો
હશે. કાશ, મેં સરદારની આ
મરણોન્મુખ આપેલી અમૂલ્ય સલાહ માની હોત તો ?
Comments
Post a Comment