પાંચ ટ્રિલીયનનું અર્થતંત્ર
- પ્રવીણ ક. લહેરી
વર્ષ ૧૯૯૭માં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી શંકરસિંહ વાઘેલાએ શ્રી
વિનોદ ભટ્ટ પ્રમુખશ્રી, ગુજરાતી સાહિત્ય પરિષદને રૂા.૫૦,૦૦,૦૦૦ રૂપિયા પચાસ
લાખ પૂરાનો ચેક અર્પણ કર્યો ત્યારે તે લઈને વિનોદ ભટ્ટે પૂછયું કે બાપુ, પચાસ લાખમાં
કેટલા મીંડા આવે ? મુખ્યમંત્રીએ કહ્યું ચેકમાં જોઈ લો તો, વિનોદ ભટ્ટે
કહ્યું કે, આટલી મોટી રકમ
હું મારી જિંદગીમાં પહેલીવાર જોઉં છું. સરકારે ૨૦૨૨માં ભારતના અર્થતંત્રને પાંચ
ટ્રિ્લીયન ડૉલર બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો ત્યારે મારા અને કદાચ ઘણાંને પ્રશ્ન
થયો હતો કે ટ્રિ્લીયનમાં કેટલા મીંડા આવે ? ગુગલ મહારાજ કહે
છે કે ૧૨ મીંડા આવે - અલબત્ત આગળ એકડો હોવો જરૂરી છે. અર્થાત્ આ ૧૩ આંકડા એટલે એક
લાખ કરોડ. આપણી સામાન્ય ગણતરી એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ (મિલીયન)
કરોડ, દસ કરોડ, એક અબજ (બિલીયન)
થી આગળ જવામાં મુશ્કેલી અનુભવે છે. ભલુ થજો ફુગાવાનું કે આપણી ભાવિ પેઢી એક-દસ, સો ભૂલી જશે અને
હજાર (ત્રણ મીંડા), લાખ (ચાર મીંડા), દસ લાખ (પાંચ મીંડા), કરોડ (છ મીંડા), દસ કરોડ (૭
મીંડા), અબજ (આઠ મીંડા), દસ અબજ (નવ
મીંડા) અને સો અબજ (દસ મીંડા)ના આંકડાઓ ગણિત ભણ્યા વિના પણ આત્મસાત્ કરી લેશે.
આપણી અંક ગણતરી અને પશ્ચિમની અંક ગણતરીમાં ફરક હોવાથી ઘણી ગુંચવણ થાય છે. આપણે લાખ
પછી કરોડ અને અબજ ગણીએ છીએ. અમેરિકા વગેરે મિલીયન પછી બિલીયન (હજાર મિલીયન)નો
હનુમાન કૂદકો લગાવે છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર્પતિ બિલ કલિન્ટન આમ તો ખૂબ મેઘાવી અને
કોઠાસૂઝવાળા છે. તેમની ભારતની મુલાકાત દરમિયાન વારંવાર ક્રોર (કરોડ) જેવા
શબ્દોચ્ચાર સાંભળી તે મુંઝાયા. તેમણે
મજાકમાં પૂછયું કે વારંવાર સૌ મારા ઉપપ્રમુખ ‘ગોર’નું નામ કેમ લઈ
રહ્યા છે ? કરોડ કે ક્રોર
બોલો એટલે પશ્ચિમના બેંકરની ટ્યૂબલાઈટ પણ ઝબૂક ઝબૂક થવા લાગે છે. આ કમબખ્ત કોરોનાએ
પાંચ ટ્રિ્લીયન ડૉલર (પાંચ લાખ કરોડ ડૉલર) પાંચ ઉપર ૧૨ મીંડા સમજવાને ?) અર્થતંત્રને રાહુ
જેવું ગ્રહણ લગાડ્યું છે ત્યારે સરકાર માટે સમસ્યા પેદા થઈ છે. તેનો ઉકેલ કેમ કરવો
? અર્થતંત્રના
આંકડામાં હેરાફેરી થઈ શકે, તેને દબાવી પણ રખાય પરંતુ આ બાર મીંડાના
ગણિતનું શું કરવું ? તેમાં સરકાર અને
અર્થશાસ્ત્રીઓ ભેરવાઈ પડ્યા છે. ૨૦૨૨ નહીં તો ૨૦૨૫માં પાંચ ટ્રિ્લીયન ડૉલરનો
લક્ષ્યાંક રાખવા વિચારણા ચાલે છે. આ કાળમુખો કોરોના ચીનમાં તેના ઘરે જાય અને ચીન
તેની અવળચંડાઈ ઓછી કરે તો કાંઈક રસ્તો નીકળે ખરો.
ભારતીય અર્થતંત્ર આજે વિશ્વમાં પાંચમા સ્થાને છે.
પ્રથમ ૧૨ અર્થતંત્રોની વિગત આ સાથેના કોઠામાં દર્શાવી છે.
ક્રમ. દેશ યુ.એસ.
ડૉલર (ટ્રિ્લીયન) વિશ્વના અર્થતંત્રમાં
ટકાવારી
૧. યુ.એસ.એ. ૧૯.૪૮૫ ૨૪.૦૮
ર. ચીન ૧૨.૨૩૮ ૧૫.૧૨
૩. જાપાન ૪.૮૭૨ ૬.૦૨
૪. જર્મની ૩.૬૭૩ ૪.૫૬
૫. ભારત ૨.૬૫૧ ૩.૨૮
૬. યુનાઈટેડ કિંગ્ડમ્ ૨.૬૩૮ ૩.૨૬
૭. ફ્રાંસ ૨.૫૮૩ ૩.૧૯
૮. બ્રાઝીલ ૨.૦૫૪ ૨.૫૪
૯. ઈટાલી ૧.૯૪૪ ૨.૪૦
૧૦. કૅનેડા ૧.૬૪૭ ૨.૦૪
૧૧. રશિયા ૧.૫૭૮ ૧.૯૫
૧૨. દક્ષિણ કોરિયા ૧.૫૩૧ ૧.૮૯
હવે આપણે ૩.૨૮ ટ્રિ્લીયનમાં ૧.૭૨ ટ્રિ્લીયન ઉમેરવાના છે. આ
કેટલી ઝડપે અને કઈ રીતે શક્ય બને તેના થોડા સૂચનો અત્રે રજૂ છે.
આપણે ટકાવારીમાં વિચાર કરીએ તો આપણે ૩૪.૪ લગભગ ૩૫ ટકા જીડીપી
વધારવાનો છે. આપણે આજે છેલ્લા પાંચ વર્ષમાં જી.ડી.પી. નીચે જણાવેલા દરે વધારી
શક્યા છીએ.
ક્રમ. વર્ષ વૃદ્ધિદર
૧. ૨૦૧૫-૧૬ ૮.૦૦ %
૨. ૨૦૧૬-૧૭ ૮.૨૬ %
૩. ૨૦૧૭-૧૮ ૭.૦૪ %
૪. ૨૦૧૮-૧૯ ૬.૧૨ %
૫. ૨૦૧૯-૨૦ ૫.૦૨ %
છેલ્લાં પાંચ વર્ષની સરેરાશ ૬.૮૮ ટકાની છે. છેલ્લા ૬૦ વર્ષના
વૃદ્ધિદરના આંકડાનો અભ્યાસ કરીએ તો ૧૯૭૨માં ૦.૫૫ ટકાના ઘટાડાથી ૧૯૮૮માં ૯.૬૩ % નો
વધારો જોઈ શકીએ છીએ. આ ૬૦ વર્ષમાંથી ૬ વર્ષ એવા છે કે જ્યારે વૃદ્ધિદર ૮ % થી
વધારે છે. અમુક વર્ષમાં વૃદ્ધિ બાદ ફરી આ દર ઘટીને ૫, ૬, વકે ૭ ટકા થઈ છે.
બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય અર્થતંત્રને ૯ થી ૧૧ ટકા વચ્ચેના વૃદ્ધિ દર સાથે
સાતત્યપૂર્ણ રીતે વધવાની જરૂર છે. આપણે ૯ થી ૧૦ ટકાનો વૃદ્ધિદર કેમ જાળવી શકતા નથી
? આ માટે અનેક
કારણો આપવામાં આવે છે પણ આપણે મહત્ત્વના ૭
કારણો જોઈએ.
(૧) આંતરરાષ્ટ્ર્ીય પરિબળોની અસર :
આજે વિશ્વના અર્થતંત્રના તાણાવાણા વિવિધ દેશો વચ્ચે જોડાયેલા
છે. એક દેશમાં રાજકીય પરિવર્તન થાય, કુદરતી આફત આવે, તીડ કે જીવાતથી
પાકને નુકશાન થાય, અતિવૃષ્ટિ કે પૂરની ઘટના બને, દુષ્કાળ પડે કે
વાવાઝોડા આવે આ તમામ બાબતોની અસર અર્થતંત્ર પડે છે.
(ર) ભારતનું ભવિષ્ય હંમેશાં ચોમાસા પર નિર્ભર છે.
આનું કારણ સ્પષ્ટ છે કે દેશની ૬૦ ટકા વસ્તી કૃષિ પર નભે છે. દેશની ખેતીલાયક જમીનની
૬૦ ટકા જમીન પર આકાશી (જીરાયત) ખેતી થાય છે. ખેતીનો વિકાસદર વાર્ષિક ૪ % થાય તો
અર્થશાસ્ત્રીઓ આનંદમાં આવી જાય છે. સામાન્ય સમીકરણ એવું છે કે કૃષિના વિકાસદર
કરતાં કુલ વિકાસદર બમણો કે ત્રણ ગણો હોય છે. કૃષિ માટે નબળું વર્ષ અર્થતંત્ર માટે પણ નબળું પૂરવાર થાય છે. કૃષિની ઉત્પાદકતા, મૂલ્યવૃદ્ધિ, નિકાસ વગેરેમાં
ખૂબ મોટો વધારો કરવાની સંભાવના છે. કૃષિની અસર ભારતીય અર્થતંત્ર પર છે. તેની
અનિશ્ચિતતા, અનેક વખત ખોટ
ભોગવતા ખેડૂતો,
સમયસર અને પૂરતા
ધીરાણના અભાવ સહિત અનેક બાબતો છે જેમાં કાળજી કરીએ તો ચમત્કાર થાય તેવી સ્થિતિ છે.
(૩) ઉદ્યોગમાં આધુનિકરણ-ઉત્પાદકતાના ખ્યાલનો અભાવ
:
ચીનની પ્રગતિ ઔદ્યોગિક ઉત્પાદનને આભારી છે. ૧૯૭૪ સુધી ચીન અને
ભારતની ઔદ્યોગિક ક્ષમતા લગભગ સરખી હતી. ત્યારબાદ એશિયન ટાઈગર્સમાંથી (હોંગકોંગ, સિંગાપુર, મલેશિયા, દક્ષિણ કોરિયા
અને તેવાને જે ઝડપી વિકાસ સાધ્યો હતો) બોધપાઠ લઈને સમગ્ર વિશ્વના ઉત્પાદનનું હબ બનવા
માટે છેલ્લા ૪૫ વર્ષમાં ચીને જે આયોજન કર્યું તેનો ચુસ્ત અમલ કર્યો તે રીતે આજે પણ
ભારત ચીન સાથે ઔદ્યોગિક હરિફાઈમાં ઉતરી શકે તેમ છે. આવશ્યકતા છે સ્પષ્ટ લક્ષ્યાંકો, યોગ્ય આયોજન, સંકલન ગુણવત્તા
અને ઉત્પાદકતા અંગે સજાગતા અને સ્પર્ધાત્મક બનવા માટે અથાક પરિશ્રમની પંચવર્ષિય
યોજનાના સમયમાં ૧૯૫૨-૧૯૯૦ દરમિયાન જે અંકુશો હતા તે હટ્યા પણ ભારતની ઔદ્યોગિક
તાકાત તેના લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં હતી. તેમાં અદ્યતન યંત્રો, નેટવર્કિંગ અને
વાજબી અંકુશ સાથે ચીને ઉત્પાદકતા વધારી, રોજગારી આપી અને સ્પર્ધામાં આગળ રહ્યું. આપણી
અંકુશમુક્ત નીતિઓ અને છાશવારે બદલાતી તમામ નીતિઓના કારણે મૂડીરોકાણ, ઉત્પાદન અને
રોજગારીમાં આપણે પાછળ રહ્યા છીએ. જાગ્યા ત્યાંથી સવારના ન્યાયે વર્ષ ૨૦૨૨-૨૦૨૩ અને
૨૦૨૪માં ૧૦ ટકાનો કંપાઉન્ડ ગ્રોથ રેટ (ચક્રવર્તી વૃદ્ધિદર) મેળવવાનો દૃઢ સંકલ્પ
કરીએ તો ૨૦૨૪ના અંત પહેલાં ૫ (પાંચ) ટ્રિ્લીયન યુ.એસ. ડૉલરને અવશ્ય આંબી જઈએ.
ઉદ્યોગ જગતમાં મુઠ્ઠીભર મોટા ઉદ્યોગપતિઓજ નહીં પણ દેશના લઘુ-મધ્યમ કદના ઉદ્યોગકારો
સાથ પરામર્શ કરીને ઉત્પાદન વધારી તેની મહત્તમ નિકસા કરવા માટે આપણી ક્ષમતામાં કોઈ
શંકા કરવાનું કારણ નથી.
(૪) સેવાક્ષેત્રમાં અનેકવિધ સમસ્યાઓ :
ભારતના અર્થતંત્રમાં સૌથી ઝડપથી વિકસતાં સેવાક્ષેત્ર માટે
નોટબંધી, જી.એસ.ટી. અને
કોરોનાના કારણે જે સમસ્યાઓ સર્જાય છે તેનું નિરાકરણ કર્યા વિના આગામી ત્રણ વર્ષમાં
પાંચ ટ્રિ્લીયન યુ.એસ.ડૉલરનો લક્ષ્યાંક સિદ્ધ ન થઈ શકે. ૧૮ ટકાનો સામાન્ય કર
સેવાક્ષેત્રને સ્પર્ધામાંથી બહાર ધકેલી દે છે. તમામ ઉત્પાદનની કિંમતમાં અસહ્ય
વધારો કરે છે. રોજગારીઅ ને આવક માટે જેમાં અમાપ શક્યતાઓ છે તે ક્ષેત્રની હકીકતમાં
આજે ઉપેક્ષા થઈ રહી છે.
(૫) નિકાસ :
‘‘નિકાસ વિના વિકાસ શક્ય નથી’’ તે સૂત્ર
આત્મસાત્ કરવા યોગ્ય છે. ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીમાં આપણી નિકાસો ઘટી છે. અર્થતંત્રના
ત્રણે ક્ષેત્રો કૃષિ ઉદ્યોગ અને સેવા જે ક્ષમતા ધરાવે છે તેનો મહત્તમ ઉપયોગ કરીએ.
નિકાસ માટેની વ્યૂહરચના જે તે ઉદ્યોગના એકમ માટે નહીં પણ સમગ્ર ઉદ્યોગને આવરી લે
તો જ ચીન-જાપાન જેમ આપણે સમૃદ્ધિ વધારી શકીએ.
(૬) કાર્ય કરવાની સાનુકૂળતા :
ઉદારીકરણ બાદ પર્યાવરણ, કર, શ્રમના અનેક
કાયદાઓ તે હેઠળની જોગવાઈઓની પુનઃવિચારણા જરૂરી છે. ઉદ્યોગકારોના સમય-શક્તિ મંજૂરી
મેળવવામાં વપરાય અને મહિને ૫૦-૬૦ રીટર્ન ભરવા પડે તેમાં વિશ્વકક્ષાએ સ્પર્ધાત્મક
રહેવું મુશ્કેલ છે. કામ કરવાની સરળતા વધારવા ખૂબ ઝડપથી વહીવટી અને નાણાંકીય
સુધારણા જરૂરી છે.
(૭) અગ્રતાનો પ્રશ્ન :
આપણે આજે અનેક પ્રશ્નોથી ઘેરાયેલા છીએ. કોરોનાનો કહેર, કોમી તનાવ, બીનજરૂરી રીતે
જાહેર નાણાંનો વ્યય, સરકારો પર જંગી દેવું અને વ્યાજ ચૂકવણી, અસલામતિ, આત્મહત્યા, બળાત્કારો
વગેરેના કારણે આપણી એકાગ્રતા હટી ગઈ છે. આપણે આર્થિક વૃદ્ધિદર વધારવો છે તેમ સૌ
સહિયારો સંકલ્પ કરીએ તો લક્ષ્યાંક ભલે મુશ્કેલ દેખાય પણ આપણે તે જરૂરથી હાંસલ કરી
શકીએ તેમ છીએ.
Comments
Post a Comment