આર્થિક વિકાસ માટેની ચિંતા
- પ્રવીણ
ક. લહેરી
કોરોનાના કારણે તમામ અર્થતંત્રોની સ્થિતિ ડામાડોળ છે.
ભારતના અર્થતંત્રનો નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૨૪ ટકા જેટલો
ઘટાડો ચિંતાજનક સંકોચન દર્શાવે છે. વિશ્વ બેંક, એશિયન બેંક, ગોલ્ડમેન શેક, પૂઅર અને સ્ટાન્ડર્ડ એમ વિવિધ અર્થતંત્રનું
રેન્કીંગ કરે છે. તેમાં વિભિન્ન મતો રજૂ થાય છે. અલબત્ત આ અભિપ્રાયોમાં એક તત્ત્વ
સમાન છે. સૌની ધારણા છે કે ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાંકીય વર્ષમાં ૯ થી ૧૨ ટકા
જેટલું સંકોચાશે. આ નકારાત્મક આગાહી સાથે એટલો આશાવાદ જોડાયેલો છે કે ૨૦૨૧ના અંત
સુધીમાં ફરી ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો વાર્ષિક તુલનાના હિસાબે વિકાસદર ૯ થી ૧૨
ટકા રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો કોરોનાની આર્થિક આડઅસર બે વર્ષ રહ્યા બાદ
જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૧માં આપણે જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૯ની સ્થિતિએ પહોંચીશું. આ
ઉત્સાહજનક તો નથી. સારું થવાની આશા પાછળ, રસીની શોધ, તેની અસરકારકતા, વ્યાપક ઉપલબ્ધિ અને લોકોની શિસ્ત અને કાળજી હશે
તેવી ધારણા રહેલી છે.
અનલોક-૫ બાદ આર્થિક ગતિવિધીઓ અંકુશમુક્તિ સાથે
સાવચેતીપૂર્વક કરવાની જે છૂટ છે તેના કારણે, ખૂબ સારા ચોમાસાના કારણે અને થોડા સરકારી રાહત
અને પ્રોત્સાહનના પરિણામે અર્થતંત્ર ચેતનવંતુ થવાના ધબકારા સાંભળી શકીએ છીએ. આમ પણ
છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય અર્થતંત્ર પર મંદીના વાદળો ઘેરાયેલાં હતાં. આ સ્થિતિમં
સુધારો લાવવા અનેક ફેરફારો થયા હતાં. લોકડાઉનના સમયમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના
નિવૃત્ત ગવર્નર શ્રી વિરલ આચાર્ય (જેમણે સરકારી નીતિઓ સાનુકૂળ ન જણાતાં રાજીનામું
આપ્યું હતું) દ્વારા એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. સ્ટ્રેટજી ફોર
રેસ્ટોરીંગ ફાઈનાન્શિયલ સ્ટેબિલીટી ઈન ઈન્ડિયા’’
(ભારતમાં આર્થિક સ્થિરતાની
પુનઃ સ્થાપના માટેની તલાશ)માં તેમણે ત્રણ મુદ્દાઓ સૂચવ્યા છે. (૧) બચતકારોની
બેંકમાં રાખેલી થાપણો સુરક્ષિત રહેવી જોઈએ. (ર) મોંઘવારી વધવી ન જોઈએ (૩)
આંતરરાષ્ટ્ર્ીય બાજરોમાં રૂપિયાની કિંમત સ્થિર રહેવી જોઈએ. કોરોનાના કાળમુખી
પંજામાં આજે તો આર્થિક સ્થિરતાનો પડકાર વધારે વિકરાળ બન્યો છે. અમુક મુદ્દાઓ બાબત
આ અંગે આશાના કિરણો દેખાય છે તો થોડી વિગતમાં વિચાર કરતાં નિરાશાના કાળા ડિબાંગ
વાદળો દેખાય છે. ભવિષ્ય શું થશે તે કહેવું મુશ્કેલ છે. આવી વિકટ સ્થિતિ ઘટનાક્રમ
પર સતત નજર રાખી ટુંકાગાળા અને લાંબાગાળાના પગલાં સમયસર લેવાતા રહે તો જ આપણે આ
અંગેના પડકારોને પહોંચી વળીશું. દરેક ક્ષેત્રમાં અને દરેક મુદ્દે સતત તકેદારી
રાખીને આગળ વધીએ તો સંભવ છે કે સિંગાપુર, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્ર્ેલિયા, જર્મની જેવા રાષ્ટ્રોએ કોરોના કાળમાં પણ અર્થ
વ્યવસ્થાનું જે જતન કર્યું છે તે પ્રમાણે આપણે કરી શકીએ. આ માટેની એક શરત એ છે કે
સિદ્ધિ કે પ્રસિદ્ધિની ભ્રમણામાં રાચવાને બદલે આપણે હકીકતલક્ષી-વાસ્તવિક અભિગમ
અપનાવીએ. સૌ કોઈ કોરોનાના કહેરમાંથી અર્થતંત્રને બચાવી આગળ વધવા માટે નીચેની
જરૂરિયાતો બાબતે સામાન્ય સહમતિ પ્રવર્તે છે.
(૧) કૃષિ :
ખૂબ સરસ ચોમાસાને લીધે ખરીદ પાકોનું ઉત્પાદન વિક્રમજનક
સપાટીએ રહેવાની ધારણા છે. સામાન્ય રીતે ખરીફ પાકનું વાવેતર ૧૦.૭ કરોડ હેકટરમાંથી
થતું હતું તે સામે આ વર્ષે ૧૦.૮ કરોડ હેકટરમાં વાવેતર થયું છે. ગત વર્ષના ૧૪.૩૪
કરોડ ટનની જગ્યાએ આ વર્ષના ખરીફ પાકનો અંદાજ ૧૪.૫૦ કરોડ ટનનો છે. શેરડીમાં ૧૨ ટકા, કઠોળમાં ૧૮ ટકા અને ચોખામાં ૨ ટકા જેટલો વધારો
નોંધાશે. ઉપરાઉપર બે સારા ચોમાસાને કારણે ખરીફ સીઝનના ઉત્પાદન સાથે ૨૦૨૧માં આવનાર
રવિ પાકના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળશે. અતિવૃષ્ટિ, પૂર, લંબાયેલું ચોમાસુ વગેરે કારણો વિપરીત હોવા છતાં
આ સિદ્ધિ મળી છે તે માટે જય કિસાન સૂત્ર પોકારવું સાર્થક છે. ટેકાના ભાવ, કૃષિ વિમાની ચૂકવણી અને સ્ટોરેજ તેમજ ટ્રાન્સપોર્ટની
સમસ્યાઓનો ઉકેલ થાય તો આ ક્ષેત્ર થકી ભારતના ગ્રામીણ અર્થતંત્રને ખૂબ મોટો લાભ થાય
તેવી સ્થિતિ છે.
(ર) ઉદ્યોગ
ક્ષેત્રે :
ઉદ્યોગો દ્વારા
વપરાતી વિજળીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અમુક ક્ષેત્રમાં ગ્રાહકોએ ખરીદી ચાલુ
કરી છે. ગ્રાહકો માટે ઘટેલી આવકો, બેરોજગારી, અનિશ્ચિતતા અને કોરોનાના ભયના કારણે વપરાશકારો
કરકસર કરવામાં કસર રાખતા નથી. લોકોની ખરીદશક્તિ વધે તે માટેના અર્થશાસ્ત્રીઓના
વિવિધ સૂચનોનો જો સત્વરે અમલ થાય તો અર્થતંત્રને પુનઃ ચેતનવંતુ બનાવવામાં જે મુખ્ય
અંતરાય છે તે દૂર થશે.
(૩) સેવાક્ષેત્ર
:
અર્થતંત્રની કરોડરજ્જુ સમાન અને સરકારને કરવેરાની મબલખ આવક
આપતા આ ક્ષેત્રમાં આર્થિક ગતિવિધીઓની ઝડપ વધતી જાય છે. પ્રવાસન, હૉટેલ, રેસ્ટોરન્ટ, શિક્ષણ વગેરે ક્ષેત્રો પર કોરોનાનો ડર ખૂબ છે.
આ ક્ષેત્રો ક્યારે અગાઉ જેમ કાર્યરત થશે તે અંગે આગાહી કરવી મુશ્કેલ છે.
સેવાક્ષેત્રમાં વિકાસ દર ન વધે તો સમગ્ર અર્થતંત્રને અગાઉના સ્તરે લઈ જવામાં
અવરોધો આવશે. અનલોકની પ્રક્રીયા હેઠળ છૂટછાટો વધી રહી છે, કોરોના માટે જરૂરી સાવચેતી કોરાણે મૂકીને લોકો
ફરવાના સ્થળે પહોંચી રહ્યા છે. ક્યાંક તો અતિ ભીડ પણ એકઠી થઈ રહી છે.
અર્થતંત્રને જે પડકારોનો સામનો કરવાનો છે તેમાં નીચેના
મુદ્દાઓ મુખ્ય છે.
(૧) આયાત
અને નિકાસ : આયાતો ઘટતાં અને નિકાસમાં થોડી વૃદ્ધિ થતાં વર્ષો બાદ ચાલુ નાણાંકીય
વર્ષના પ્રથમ છ માસના વિદેશ વ્યાપારમાં સરપ્લસ જોવા મળ્યું છે. લોકડાઉનમાં પેટ્રોલ-ડિઝલ
વગેરેનો ઉપયોગ ઘટતા આયાતો ઘટી છે. ઑઈલ અને આયાતમાં આપણે ઘણાં મોટા પ્રમાણમાં
હુંડીયામણ ખર્ચ કરીએ છીએ. ઑઈલ અને વિજનો ઓછો વપરાશ આર્થિક પ્રવૃત્તિઓમાં સંકોચન
દર્શાવે છે. અમુક અર્થશાસ્ત્રીઓ આ સ્થિતિને સારી નથી માનતા. અમુક ચિંતકોનું કહેવું
છે કે કોરોનાકાળનો બોધ એ છે કે આપણે જે કુદરતી સંસાધનોનો દુરુપયોગ કર્યો છે તેમાં
સુધારણા કરીએ. બીનજરૂરી વપરાશ ટાળીએ તે સમયની માંગ છે.
(ર) વિદેશી
હુંડીયામણ : ભારતનું વિદેશી હુંડિયામણ ૪૯૦ બિલીયન ડોલરે પહોંચ્યું છે પણ વિદેશી
દેવું ૫૦૦ બિલીયન ડૉલરને પાર કરી ગયું છે. ભવિષ્યે ગલ્ફના એન.આ.આઈ.ના રેમીટન્સ ઘટે
અને દેવા પર જે વ્યાજ વધે છે તે ચૂકવવાનું થશે તેના કારણે કટોકટી સર્જાઈ શકે.
વિદેશી દેવું કેમ ઘટાડવું તેનો વિચાર અને વ્યૂહરચના કરવાનો સમય પાકી ગયો છે.
(૩) મોંઘવારી
: ભારત સરકારે તેના વર્ષ ૨૦૨૦-૨૧માં રૂા.૮.૫ લાખ કરોડની ખાદ્ય રહેવાનો અંદાજ
દર્શાવ્યો હતો. પ્રથમ છ માસમાં જ આ ખાદ્ય રૂા.૮.૫૦ લાખ કરોડથી વધી ત્યારે વર્ષાંતે
આ ખાદ્ય કેટલી થશે તેની ચિંતા છે. સરકારી ખાદ્ય વધે એટલે મોંઘવારી તો વધવાની.
વિપૂલ ઉત્પાદનના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી ત્યારે ગ્રાહકો માટે જીવન
જરૂરિયાતની વસ્તુઓ મોંઘી બનતી જાય છે. અર્થશાસ્ત્રીઓ સરકારને સલાહ આપે છે કે
ખાદ્યના આંકાડાની ચિંતા આ વર્ષ પૂરતી છોડો. લોકોના હાથમાં પૈસા વધે અને ઝડપથી ફરે
તે માટે જરૂરી ધ્યાન આપો. મોંઘવારીની અસર છેવાડાના માનવીઓ-પરિવારો પર ઘેરી રીતે
પડશે તેમાં શંકા નથી. સમાજના નિમ્નસ્તરના કુટુંબોની સામાજિક સલામતિમાં વધારો
કરવાની જરૂર છે. ખેડૂતોને નુકશાન ન થાય તેવા ભાવો મળશે તો ગ્રામીણ વિસ્તારમાં
ખરીદશક્તિ વધશે અને શહેરોમાં રોજગારી વધશે.
(૪) બેરોજગારી
: સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ભારતના ૨૫ શહેરોમાં કોરોના સંક્રમિત કેસોની
સંખ્યા વધારે છે. આના કારણે શહેરી વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓ પૂર્વવત
બનાવવામાં મુશ્કેલી આવે છે. સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડિયન ઈકોનોમીના અંદાજ મુજબ
છેલ્લા છ માસમાં ૩ કરોડ શ્રમિકો, કચેરીનો
સ્ટાફ બેરોજગાર બન્યો છે. આ માનવધનને પુનઃ ઉત્પાદકીય કાર્યમાં જોડવાનો પડકાર વિકટ
છે. ગ્રામીણ વિસ્તારોમાં હિજરત કરી ગયેલા શ્રમિકો શહેરોમાં પરત આવી રહ્યા છે.
શ્રમિકોના રક્ષણ, સામાજિક
સલામતિ વગેરે માટે જરૂરી કાળજી કરવી જરૂરી છે.
કોરોના મહામારીથી અર્થતંત્રો તહ્નનહ્ત થયા છે ત્યારે એક
તરફ સરકારે બીનજરૂરી ખર્ચમાં કરકસર કરી નીચલા આર્થિક સ્તરે રહેલાં કુટુંબની આવક
જળવાય, તેમની
ખરીદશક્તિ વધે, મોંઘવારી
અંકુશમાં રહે અને નિવારી શકાય તેવો ખર્ચ ટાળીને આ વિકટ સમસ્યાનો ઉકેલ કરવાનો છે.
સામાન્ય નાગરિકો માટે પણ કરકસર કરી પોતાના પર દેવું ન થાય અને હોય તે કેમ ઘટાડી
શકાય તેની કાળજી કરવાની છે. વાજબી રીતે વિવેકપૂર્વક ખર્ચ પણ કરવાનો છે જેથી
અર્થતંત્રના અરસપરસ જોડાયેલા ચક્રો ફરતા રહે. ઘડીયાળમાં મોટો કાંટો ૬૦ મિનીટ ફરે
ત્યારે કલાકનો નાનો કાંટો ૧ જગ્યા આગળ ચાલે છે. એક ગ્રાહક ૧૦૦ રૂપિયા ખર્ચે કરે છે
તો તેની ચેઈન આગળ ચાલતા હજારો રૂપિયાના વ્યવહારો થાય છે. કોરોના કાળમાં ખર્ચ પણ
ભલો અને બચત પણ ભલી. બંનેનું સંતુલન સરકારે અને નાગરિકોએ કરવાનું છે.
Comments
Post a Comment