એક અનોખી
યાત્રા-પ્રેમથી શ્રેય સુધી
- પ્રવીણ ક. લહેરી
કઠોપનિષદમાં પિતાના
આદેશથી યમલોકના દ્વારે પહોંચેલા નચિકેતાના ત્રણ દિવસના ઉપવાસ અને ધીરજથી પ્રસન્ન
થયેલ યમરાજે ત્રણ વરદાન આપ્યા ત્યારે નચિકેતાએ પિતાનો ક્રોધ શાંત થાય અને તેમણે
યમગૃહે મોકલ્યાની વાતનું વિસ્મરણ થાય તે માંગ્યું. બીજા વરદાન થકી નચિકેતાનું નામ
સ્વર્ગના અગ્નિ સાથે જોડી ‘‘તત્ત્વને, મૂળ તત્ત્વ જે
અગ્નિ અને વિજ્ઞાન છે, અગ્નિ થકી અમરત્વનો, બોધ બીજા
વરદાનમાં.’’
કઠોપનિષદની આ વાત
શંકરાચાર્યજીએ ‘તેજ ઉત્પતિસ્ય
કારણમ્’ કહીને જણાવી છે.
ત્રીજુ વરદાન માગતા નચિકેતાએ આત્મા અને શરીર અંગે માહિતગાર થવા જિજ્ઞાસા દર્શાવી
ત્યારે યમદેવ ઉવાચ;
‘‘યમ કહે રે બાળ રે, તત્ત્વ ગૂઢ છે
તું છોડી દે,
આત્મધર્મ અતિ સૂક્ષ્મ છે, તું અન્ય બીજું
માગી લે.
...મન કામનાને પૂર્ણ
કરતાં, અન્ય ભોગો માગી
લે,
ઘોડા, રથો ને રમ્ય રમણી
આ બધું હું દઉં તને !’’
નચિકેતાનો ઉત્તર;
‘‘બાળક કહે જે
વિનાશી છે, એવા ભોગોને શું
કરું ?
.....અજર અમર હો કદી
ના ભોગ વિલાસો રહે.’’
ભૌતિક સુખો
મેળવવાનો ઈન્કાર કરીને નચિકેતાનો પ્રશ્ન; ‘‘આત્મા રહે છે મૃત્યુ બાદ કે પછી જતો રહેતો નથી.
નિશ્ચિત શું વિજ્ઞાન છે ?
અને આરંભ થાય છે
યમ-નચિકેતાનો સંવાદ જે ભારતીય સંસ્કૃતિના ચિંતનનું આગવું પ્રદાન છે. વાર્તાના
માધ્યમથી ઉપનિષદ્કાર એક શાશ્વત સંદેશ આપે છે. પ્રેય અને શ્રેયની વ્યાખ્યાઓ સાથે
સાર્થક જીવનનો માર્ગ.
(૧) શ્રેય અને પ્રેય :
‘‘યમ કહે, નચિકેતા છે
શ્રેય-પ્રેય સંસારમાં,
છે ભિન્ન પણ બંધન કરે, શ્રેય શુભ પ્રેય
અશુભ છે,
અધોગતિમાં હડસેલતો, પ્રેય હરદમ
મનુષ્યને,
નિર્ભર છે ઈચ્છા ઉપર, તો ય પ્રેમ ગમે
મનુષ્યને.
શ્રેય-પ્રેયની ભેળસેળ થઈ, એક રૂપ દેખાય છે,
નીરક્ષીર ન્યાયથી
બુદ્ધિમાન જાણી શકે.’’
આ કાવ્યપંક્તિઓ
કઠોપનિષદ અને અન્ય અગીયાર ઉપનિષદનું ગાયત્રી પરિવારના સાધક, ગાયક, સંગીતજ્ઞ અને
શ્રેયમાર્ગે જીવન સમર્પિત કરનાર શ્રી ગુણવંતભાઈ પંડ્યા (પથિકજી)નું જીવન એટલે
ઈશ્વરની આરાધનાનો સતત વહેતો પ્રવાહ. આ સમશ્લોકી ભાષાંતર ઉપનિષદોના મૂળ રાગ-ઢાળ
પ્રમાણે હોય સંગીત મર્મજ્ઞ તેનું ગાન સુંદર રીતે કરી શકે છે. શ્રી પથિકજીના નામથી
તમામ ગાયત્રી મંદિરના ભક્તો-અનુયાયી સુપરિચિત છે. ખભે થેલો અને હાર્મોનિયમ સાથે
બસમાં ગુજરાતના હજારો ગામડાં-નગરમાં સ્વ. પથિકજીએ એકલે હાથે ધર્મજાગૃતિનું કામ
કર્યું તેને પોંખવામાં ગુજરાત ઊણું ઉતર્યું છે. તેમની કામગીરીમાં ન કોઈ અપેક્ષા, ન કોઈ આડંબર કે ન
પૂર્વગ્રહ ધરાવતા પથિકજી જૂનાગઢનું એક અનમોલ રતન હતું. તેમના ૭ પુસ્તકોનો સંકલિત
ગ્રંથ સદ્વિચાર પરિવારમાંથી ઉપલબ્ધ છે.
કઠોપનિષદની શ્રેય
અને પ્રેયની વ્યાખ્યા સમજાય તો જિંદગીનો બેડો પાર થઈ જાય. નચિકેતા એક બાળક છે.
તેની સાહજિકતા,
સમજણ અને
નિઃસ્પૃહતા યમને તો પ્રસન્ન કરે જ છે પણ આપણને જીવનનો અર્થ-મર્મ સમજાવવા માટેના
વિચારબિંદુઓ રજૂ કરે છે. શ્રેય અને પ્રેય વચ્ચેની રેખા પાતળી છે. બંને કર્મયોગના
પાસા છે. આ બંને વચ્ચેની તુલના યમ-નચિકેતાના કઠોપનિષદમાં આપેલા સંવાદના આધારે
કરવાનો મારો નમ્ર પ્રયત્ન છે.
(૨) વિદ્યા અને
અવિદ્યા યમ નચિકેતાથી પ્રભાવિત થઈને કહે છે;
‘‘ના લોભાણો લોભમાં
તું, વિદ્યાભિલાષી
રહ્યો,
વિદ્યા, અવિદ્યા નામથી, શ્રેય-પ્રેય
ઓળખાય છે.’’
આપણી પરંપરામાં
શ્રેય અને વિદ્યા, પ્રેય અને અવિદ્યાને પર્યાય ગણ્યા છે. જીવનની ભૌતિક સગવડો, વિજ્ઞાન-ટૅકનોલોજીના
આવિષ્કારો, આપણે જેને જ્ઞાન
માનીએ છીએ તે સઘળું અવિદ્યા છે. તેની જાણકારી પણ જરૂરી છે. ઇંગ્લેન્ડની બિશપ
કોન્ફરન્સમાં હાજરી આપતાં મહાત્મા ગાંધીએ એક માર્મિક મુદ્દો કહ્યો; ‘‘આપણે સૌ બિશપ થઈ
જઈએ તો દુનિયા ચાલે નહીં.’’ બ્રહ્મવિદ્યા ખૂબ જરૂરી ઉપયોગી કલ્યાણકારી છે
પણ પ્રેયને સંપૂર્ણ તજવું શક્ય નથી કે ઈચ્છનીય નથી. તેમાંથી આસક્તિ દૂર કરીને
જીવનમાં પ્રેય માટે જરૂરી પરિશ્રમ-જહેમત કર્યા વિના સાર્થકતા પ્રાપ્ત થતી નથી
(૩) મોક્ષ અને પુનઃર્જન્મ :
‘‘જે
અવિદ્યામાં ફસ્યા તે, માને પંડિત જાતને,
અન્યનુ ભવકુપમાં ને, ફસાવે
જન્મ-મરણમાં,
લક્ષ્મી લોભે, અંધ મૂર્ખને, પરલોક ના સૂઝી
શકે,
તે મૂઢ માનવ ફરી ફરી
આવ્યા કરે મમ પાશમાં.’’
સનાતન ધર્મનું
અંતિમ લક્ષ્ય મોક્ષ છે. જો કે ચાર્વાક જેવા ચિંતકો પરલોક કે મોક્ષની ચિંતા છોડીને
આ ભવમાં જ આનંદનો ઓડકાર ખાતા રહેવાની સલાહ આપે છે. આપણે સૌ આ સલાહનું પાલન કરીએ
છીએ. વિકાસનો અર્થ પણ ભોગવવાની શક્તિ, સાધનો પર સ્વામિત્ત્વ અને સંચય એમ કર્યો છે.
નચિકેતા તો સાવ જુદી માટીનો ઘડાયેલો છે. નચિકેતા યમને વિનવે છે; પૂછે છે.
(૪) ધર્મ-અધર્મ :
‘‘જે ધર્મ કે
અધર્મથી, કે કાર્ય-કારણ
પૃથક,
ભૂત-ભાવિ-વર્તમાનથી પર તે
બતાવો મુજને.’’
યમ નચિકેતાને
જ્ઞાન આપે છે તે સાથે નચિકેતાની સજ્જતા પર વારી જાય છે તેથી યમ કહે છે;
‘‘આત્મા સંબંધી ગૂઢ
રહસ્ય, સાંભળવાનું જ ના
મળે,
ને મળે તો ન જાણી શકે, કોક જાણે વિરલા,
સામાન્યજનને બોધથી, યથાર્થ સમજાતું
નથી,
અણુથી પણ છે અણુને
સુક્ષ્મથી પણ સુક્ષ્મ છે,
...ઐશ્વર્ય સિદ્ધિ
ભોગ કરી તે સમસ્ત કામના,
તે ધીરજથી ત્યાગી દીધી, સંપન્ન છો સર્વ
ગુણથી.’’
(૫) આસક્તિ, અનાસક્તિ :
આપણા મનમાં
ઈચ્છાઓનો પ્રાવહ અવિરત વહે છે. તેની તૃપ્તિ આપણને જે આનંદ કે સંતોષ આપે છે તે
જીવનની જેમ ક્ષણભંગુર છે. ગીતામાં ભગવાન કૃષ્ણ, ‘‘પ્રજહાનિ યદા
કામાન્ સર્વાન પાર્થ, મનોગતાન’’ તેમ કહીને ઈચ્છાઓનો પૂર્ણ નિષેધ કરવા જણાવે છે.
ચંચળ મનને સ્થિર કરવા તેને ઈચ્છારહિત કરવાથી લાભ છે પણ વિશ્વામિત્ર જેમ તપોભંગ
થતાં વાર નથી લાગતી. અનાસક્ત ભાવેથી કર્તવ્યપાલન કરવું તે જીવનનો મુખ્ય હેતુ છે.
ભગવાન બુદ્ધ સઘળી કામનાઓ છોડવા ઉગ્ર તપ-ઉપવાસ કરે છે. તેમની તબિયત અસ્વસ્થ થાય છે
પણ બ્રહ્મવિદ્યા પ્રાપ્તિ માટે તે મક્કમતા દર્શાવે છે. અંતમાં, એક મહિલાની
અનુકંપા થકી તેમને દૂધની ખીર ખાવા સમજાવી શકાય છે. પ્રેયની તૃપ્તિ થતાં તેમને
સમ્યક્ જ્ઞાન લાધે છે. ભગવાન બુદ્ધ જીવનમાં અંતિમ છેડાની ઉપાસના કે અતિશય ભોગ
વિલાસની જગ્યાએ મધ્યમ વર્ગ અપનાવવા ઉપદેશ આપે છે. ભગવાન બુદ્ધના ઉપદેશ અંગે જાણીતા
ચિંતક બન્ટ્ર્ાડ રસેલ કહે છે; ‘‘હું પ્રકૃતિથી નાસ્તિક છું પણ મારે
સમજી-વિચારીને ધર્મની પસંદગી કરવી હોય તો હું બુદ્ધિઝમ સ્વીકારું. બુદ્ધિઝમમાં
દરેક મુદ્દે બુદ્ધિગમ્ય વલણ અપનાવવાની વાત છે તે સૌથી યોગ્ય અને આકર્ષક જણાય છે.’’
(૬) શરીર અને આત્મા :
યમ નચિકેતાને
આત્માના ગુણધર્મો સમજાવતાં કહે છે;
‘‘આત્મદર્શનના
અભિલાષીને હૃદય ગુફામાં વસેલ
ના જોઈ શકે, ના ઓેળખે ? તે વિદ્ધનકર્તા
કોણ છે ?
પરમાત્માએ ઈન્દ્રિયોને, બહિર્મુખ કરી
દીધી.
જે વિષય દેખે માત્ર પણ, ના અંતરાત્મા જોઈ
શકે.’’
શરીર અને આત્માની
ભિન્નતા સમજાય તો પણ આત્મદર્શનથી વંચિત રહેવાય છે કારણ કે ઈન્દ્રિયો અને તેની ચાલક
વૃત્તિઓ આપણને પ્રેયમાર્ગમાં જકડી રાખે છે. કબીરજી આ અંતરાયોને ખૂબ લાધવથી પણ
સર્વગ્રાહી રીતે વર્ણવે છે.
ગુરુ બિન કૌન બતાવે વાટ ? બડા વિકટ યમઘાટ,
ભ્રાંતિ કી પહાડી, નદિયા બીચમેં, અહંકાર કી લાટ,
કામ, ક્રોધ દો પર્વત
કાઢે, લોભ ચોર સંઘાત,
મદ, મત્સર કા મેહ
બરસત, માયા પવન બહે દાટ,
કહત કબીર સુનો ભાઈ સાધો, ક્યોં તરતા યહ
ઘાટ.’’
આત્મા અશબ્દ, અસ્પર્શ, અરૂપ, અવ્યય, અનાદિન અને
અવ્યક્ત છે. સાધક એ એક એવા રથનો સારથિ છે. જેને યોગ્ય માર્ગની તલાશ છે. એકનાથ
ઈશ્વરન નામના ચિંતક કઠોપનિષદના સંદર્ભમાં આપણને કહે છે; ‘‘તમને દેખાય કે
નહીં, દરેક ક્ષણે તમારા
સમક્ષ બે વિકલ્પો હોય છે. તમારે તેમાંથી શું વિચારવું, શું કહેવું કે
શું કરવું તેની પસંદગી કરવાની છે. આજકાલ ઉપભોક્તાવાદને કારણે આ પસંદગી મુશ્કેલ
બનતી જાય છે. તમારા સમક્ષ એટલી મોટી માત્રામાં વિકલ્પો રજૂ કરવામાં આવે છે, તેનો આનંદ અને
ફાયદો ગણાવી તમારી ઈન્દ્રિયોને રીતસર ઉશ્કેરવામાં આવે છે. દા.ત. અગાઉ માણસે દૂધનો
વપરાશ શરૂ કર્યો ત્યારે બે જ વિકલ્પ હતા. દૂધ પીવું કે નહીં ? ત્યારબાદ દહીં, છાશ, માખણ, ઘી બન્યા -
વિકલ્પો વધ્યા. પછી પનીર, ચીઝ, મીઠાઈઓ, આઈસ્ક્રીમ વગેરે
ઉમેરતાં વપરાશના વિકલ્પો ખૂબ વધ્યા. હવે જ્યારે આઈસ્ક્રીમની પસંદગી માટે સેંકડો
ફલેવર્સ ઉપલબ્ધ છે ત્યારે ઉપભોક્તા તેમાં અટવાઈ છે. માનવી પાશ્ચાત્ય સંસ્કૃતિના
પ્રેયમાર્ગમાં વધારે અને વધારે બંધાતો જાય છે. તેનું સુખ સંપૂર્ણપણે ઈન્દ્રિયોના
ભોગ પર અવલંબિત થયું છે. અનેક દુઃખોના આ મૂળ છે.
(૭) જીવનની સાર્થકતા - નિરર્થકતા :
યમ નચિકેતાને પરમ
જ્ઞાન આપતા કહે છે; હે નચિકેતા, તારું શરીર એ તારો રથ છે. પાંચ ઈન્દ્રિયોરૂપી
શક્તિશાળી ઘોડાઓ તેને ખેંચે છે. આ ઘોડાઓ સ્થળના અંતર કરતાં સમયના પ્રવાહમાં દોડે
છે. જેમ કે તેની ગતિ જન્મથી મરણ પ્રતિ છે, આપણા મનની
ઈચ્છાઓની પૂર્તિ તરફ છે.
ઈચ્છાપૂર્તિ માટે
આપણે જે માર્ગ અપનાવીએ છીએ. તેના પરિણામ સ્વરૂપ, મનમાં સતત સંઘર્ષ
ચાલે છે. આ સંઘર્ષમાંથી જ માનવીય ભૂલો અને પાપોનો જન્મ થાય છે. નશો હોય કે ધુમપાન, હિંસા અથવા
ગુન્હાઓ, પ્રદૂષણ કે શોષણ, લોભ કે વાસના, જુગાર કે
છેતરપિંડી આ સઘળા માટે આપણું પ્રેય તરફનું અદમ્ય આકર્ષણ જવાબદાર છે. નચિકેતાને
સાચી વાત સમજાણી. આપણને કોણ સમજાવશે ? એક વાત તામ્રપત્ર પર લખી રાખીએ વિકાસ કે
ભોગવિલાસ માત્ર ને માત્ર ક્ષણિક સુખ આપે છે. શાશ્વત સુખ માટે એક જ માર્ગ છે - તે
છે શ્રેયમાર્ગ. સેવા એ જ મોક્ષનો માર્ગ.
Comments
Post a Comment