કલા અને
સંસ્કૃતિની જાળવણી
- પ્રવીણ ક. લહેરી
આ વર્ષે
નવરાત્રિની ઉજવણી રંગેચંગે થશે નહીં. નોન-સ્ટોપ સંગીત સાથે ગવાતા પ્રાચીન અને
અર્વાચીન ગરબા વિના ગુજરાતીઓને સૂનુંસૂનું લાગશે. કોરોનાનો પ્રશ્ન સ્થાનિક હોત કે
ભારત પૂરતો જ મર્યાદિત હોત તો રસીયાઓ કદાચ નોન-રેસીડન્ટ ગુજરાતીઓ પાસે ગરબા રમવા
માટે પહોંચી જાત તેવી ધારણા અસ્થાને નથી. વડોદરાના યુનાઈટેડ વેઝના ગરબા એટલે એક
અદ્ભૂત આયોજન, આલ્હાદક વાતાવરણ, કલામાં પૂર્ણતાની
ઉપાસના અને શિસ્ત-સંસ્કારથી ગુજરાતની ગરિમાને ચાર ચાંદ લગાડતો પ્રસંગને પણ ટી.વી.
કે મોબાઈલમાં જૂના રેકોર્ડીંગમાંથી જોઈને સંતોષ માનવાનો રહેશે. ગરબાની મોસમ ખીલી
ત્યારે સિનેમાવાળા પણ નવી ફિલ્મ રજૂ કરતાં સંકોચ પામે. ક્રિકેટની ઘેલછા પણ સાવ
વિસરાય જાય. ગરબા હવે ગુજરાતના છે તેટલા જ વિશ્વના છે. ભારતના દરેક મોટા અને
વિદેશમાં વસતા ભારતીય મૂળના લોકો માટે આ નવરાત્રિનો નૃત્ય મહોત્સવ એક શક્તિશાળી
ઓળખ બની છે. ‘‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો’’એ પંક્તિ આપણને
શક્તિ ઉપાસનાનું મહત્ત્વ સમજાવે છે. શિવ-શક્તિની આરાધનાનો આ અનેરો મહોત્સવ ધાર્મિક
ભાવના ઉપરાંત ગુજરાતની કલા અને સંસ્કૃતિના પ્રસાર માટે મહત્ત્વનો બન્યો છે. આજના
પાર્ટી પ્લોટના ઝાકમઝોળ ગરબા એ પ્રમાણમાં નવતર ઘટના છે. અગાઉની ઉજવણી અને આજની
ધંધાદારી વ્યવસ્થા વચ્ચે જમીન આસમાન જેટલું અંતર છે.
મારો ઉછેર અમરેલી જિલ્લાના નાનકડા નગર
રાજુલામાં થયો હતો. ભાવનગર જિલ્લાના મહુવામાં પણ મારા કુટુંબનો ધંધો રહેણાંક ખરા.
૧૯૫૪માં મહુવામાં વિજળીની વ્યવસ્થા થઈ તેની અસર નવરાત્રિની ઉજવણી પર પડી. અગાઉ
મહોલ્લાના કોઈ એક ઘરે કાચ, સિરામીક ટાઈલ્સ કે કાગળ પર માતાજીના વિવિધ
સ્વરુપો સાથે દોઢ-બે મીટર ઊંચી લાકડાંની ગરબીને માનપૂર્વક પરિક્રમા ફેરવીને
સ્થાપના કરવી તે ઘટના સૌથી મહત્ત્વની. પિત્તળની ગોળી પર દાંડીથી વગાડાતું સંગીત, ઢોલ, તબલા કે પખવાઝની
સંગત. ક્યારેક વાંસળી, મંજીરા, ટાઈસોકોટો
(જાપાનીઝા તંતુવાદ્ય) વાયોલીન સાથે ઓરકેસ્ટ્રા જેવું વાતાવરણ સર્જવાનો પ્રયત્ન.
પિત્તળની ગોળીના તીન તાલે ગરબી ફરતાં પુરુષો અને તાળીના તાલે ગરબા લેતી મહિલાઓ, અમુક કોમમાં ખાસ
રાસ, કૂંડો કે આગવા
પ્રકારના સમૂહ નૃત્ય સાથે માતાજીની સ્તુતિ અને ભક્તિના પદો સાથે નવરાત્રિની ઉજવણી.
શ્રદ્ધાળુઓ ઘરે માતાજીનું સ્થાપન કરીને ઉપવાસ, વ્રત, નિયમો સાથે
પૂજા-આરતી કરે ત્યારે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રસરે તેવો અનુભવ થતો હતો.
રાજુલામાં ૧૯૫૯માં વિજળી આવી અને તે પણ સાંજે ૭ થી રાત્રે ૧૦ સુધી ડિઝલ જનરેટર
ચાલે તેટલા સમય માટે જ. આમ પણ વહેલા વાળુ કરીને ૭-૩૦ થી ૮ વાગ્યા વચ્ચે ગરબાની
પૂજા અને આરતી બાદ ગરબા-ગરબી રમાય પણ રાત્રે ૧૦-૧૧ વાગ્યે તો પ્રસાદની વહેંચણી
સાથે શેરી કે ચોકમાં યોજેલો આ કાર્યક્રમ આટોપી લેવાય. એથનિક ડ્રેસ (પરંપરાગત
વેશભૂષા) તો રોજિંદો પહેરવેશ હતો તેથી નવરાત્રિમાં નવા કપડાંનું મહત્ત્વ ન હતું.
તે માટે દીવાળી સુધી રાહ જોવી પડે. અમુક નગર કે મહોલ્લામાં માથે બેડાં મૂકીને, દીવાઓ લઈને કે
વિશેષતાવાળા નૃત્યોની આગવી ઓળખ. ફલાણા મંડળની ગરબી, પેલા ટેકરા પરનો
રાસ કે શિક્ષણ સંસ્થાના ગરબાની મહત્તા સૌ જાણતા હોય. દરેક જિલ્લા અને તાલુકામાં
વિજળી આવ્યા બાદ સુંદર સ્ટેજ, રોશની, વ્યવસ્થિત
સંગીતની વ્યવસ્થા સાથે ગરબાની હરિફાઈ તે ખાસ આકર્ષણ હતું. જો કે ૧૯૮૦ પહેલાં કોઈ
કહે કે ગરબામાં ભાગ લેવા માટે પૈસા આપી પાસ લેવો પડે તો તેમને કદાચ મેન્ટલ
હૉસ્પિટલમાં દાખલ કરવાનું વિચારે તેવી સ્થિતિ હતી. આ ધાર્મિક-સાંસ્કૃતિક ઉત્સવનું
ધંધાદારી સ્વરુપ હજી ૪૦ વર્ષ જૂનું નથી થયું. અગાઉ મંડળો, મહોલ્લાઓ, સોસાયટીના શહીશો
આયોજન વ્યવસ્થા કરતા હતાં તેમાં નાણાંકીય સહયોગ નોંધાવનાર માટે વાસણની લહાણી થાય
તેનું પણ એક વિશેષ મહત્ત્વ હતું.
ટૅકનોલોજીના વિકાસ સાથે, ધંધાદારી કુનેહ
ધરાવતા ‘ઈવેન્ટ મેનેજરો’ અને લોકોની વધેલી
ખરીદશક્તિના દર્શન નવરાત્રિમાં અચૂક થાય. આ વર્ષે આ દિવસોમાં નોંધપાત્ર કમાણી કરી
લેતાં ગાયકો, સંગીતજ્ઞો, ડ્રેસ અને ઘરેણાંના વેપારીઓ, પાર્ટી પ્લોટના
સંચાલકો,
માઈક અને લાઈટની સેવા પૂરી પાડતા વેપારીઓ સૌ માટે મુંઝવણભરી
પરિસ્થિતિ નિર્માણ થઈ છે. દેશ-વિદેશમાં નામના ધરાવતા કલાકારો માટે નવરાત્રિ એટલે
અતિ વ્યસ્તતાનો સમય. જાણીતા ગાયકો તો એક જ રાત્રે અમદાવાદ અને મુંબઈમાં ચાર્ટર્ડ
પ્લેન મારફત પહોંચ્યાના દાખલ પણ નોંધાયા હતાં. ફિલ્મ-નાટક જેવા કલાક્ષેત્ર કરતાં
નવરાત્રિના કલાકારોનું જૂથ જુદી જ ઓળખ ધરાવતું હતું. ગાયકો, સાજીંદાઓ અને
માઈ-લાઈટ-સ્ટેજના શણગાર સાથે નવરાત્રિની ઉજવણી પ્રભાવશાળી બની છે. શરુઆતમાં
માતાજીની આરતીના ગાન સાથે કાર્યક્રમનો પ્રારંભ પણ ઘણી જગ્યાએ રાત્રે ૧૦ થી ૧૧ વાગે
થાય. ગીત-સંગીતની રમઝટ વચ્ચે હજારો ખેલૈયા પોતપોતાના જૂથમાં ગરબા કરે. યુનાઈટેડ
વેઝ જેવા વડોદરાના ગરબામાં તો હજારો ખેલૈયાનો લય અને તાલ એક હોય અનેસમાન ડગલા સાથે
પરંપરાગત પોશાકોના આંખે ઉડીને વળગે તેવા રંગો, આભલા, ટીકી અને
ઘુઘરીઓથી ઝળહળતા પહેરવેશમાં જુદા જુદા સમુદાયની ભરત કરેલી ટોપીઓની વિવિધતા
ગુજરાતના કલા વૈભવને રજૂ કરે છે.
નવરાત્રિની ઉજવણી આ વર્ષે કરવી કે નહીં તેવી
અવઢવ ચાલતી હતી ત્યારે સોશ્યલ મિડીયામાં અમુક વ્યક્તિઓ અફસોસ વ્યક્ત કરી હશે કે
કોરોનાના કારણે આપણી ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું પાલન નહીં થઈ શકે.
સાવચેતી સાથે ગરબાઓનું આયોજન કરવં જ જોઈએ તેવો અભિપ્રાય આપનારાની સંખ્યા નાનીસૂની
ન હતી. આ ચર્ચા દરમિયાન એ વાતનો ઉલ્લેખ જ ન થયો કે આપણી આજની નરાવત્રિની ઉજવણી, પાર્ટી પ્લોટના
ગરબા એ હજી માત્ર ૪૦ વર્ષ જૂની પરંપરા છે. પ્રાચીન સમયથી ઉજવાતી મુળભૂત નવરાત્રિ
રીતે ધાર્મિક અનુષ્ઠાન હતું અને હોવું જોઈએ, ઘણાંને આજની
ઉજવણીની આછલકાઈ અને તેના ધંધાકીય ઢાંચાના દૂષણો અંગે આક્રોશ છે.
૨૦૦૩ થી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી
નવરાત્રીની રાજ્યકક્ષાની ઉજવણીનો આરંભ કર્યો તે ઘટનાને ૧૭ વર્ષ થયાં યુનિવર્સિટીના
વિશાળ મેદાનમાં જે ભવ્ય આયોજન ઉત્સવ સમિતિ કરતી હતી તે આ વર્ષે નહીં થાય તેવો
નિર્ણય રાજ્ય સરકારે કર્યો. કોરોનાના ફેલાવાને રોકવા માટે આપણે ઘણું જતું કરવું
પડે છે પણ તે સલામતિ માટે ખૂબ જરૂરી છે. કોઈ ડૉકટરે તો ગરબા રમવાના આરોગ્ય વિષયક
ફાયદાઓ અંગે પણ સંદેશ વહેતો મૂક્યો. ઉજવણી એટલે ભીડ, ઉજવણી એટલે
ઘોંઘાટ,
ઉજવણી એટલે ભપકો, ઉજવણી એટલે
મનમાની અને ઉજવણી એટલે અન્યની અગવડ તરફ ધ્યાન ન આપવાની આપણી માનસિકતા. પ્રદૂષણ, દુરાચાર, વ્યય અને સમયના
નુકશાન સહિત અનેક અનિષ્ટો પેદા કરે છે. કવિ કાલિદાસે કહ્યું તેમ લોકોને ઉત્સવ
પ્રિય હોય છે. ઉત્સવથી જીવનમાં આનંદની વૃદ્ધિ થાય તેનાથી રૂડું શું ? પ્રશ્ન એ છે કે
ઉજવણીમાં થતી વિવેકચૂક આપણે નિવારીએ તો તેનો આનંદ સાત્વિક હશે. ધાર્મિક તહેવારનો
ઉપયોગ લાગણી ભડકાવવામાં થાય અને તે દિવસોમાં પોલીસ તંત્રે રાત-દિવસ ચોકી કરવી પડે
તેવી સ્થિતિ સ્વસ્થ સમાજ માટે ગૌરવવંતી તો ન ગણી શકાય. ટૅકનોલોજીઓ આપણને અનેક
ઉપયોગી સાધનો હાથવગા કરાવ્યા છે પણ તેના વપરાશમાં વિવેકનો અભાવ હશે તો તેના
પરિણામો માઠા હશે. કલા કે સંસ્કૃતિ જીવનનો કુદરતી હિસ્સો બની રહે નહીં કે કૃત્રિમ
આયોજન દ્વારા આપણે પરંપરાનું પરિવર્તન કરી નાખીએ. ઝાલાવાડના માલધારી સમાજના એક
મંડળના કાર્યક્રમ પછી તેના આયોજકોને પૂછયું; ‘‘તમારી પાસે આ
માલધારી સંસ્કાર વારસો છે તે નવી પેઢી જાળવી રાખશે કે વિરામ પામી જશે ?’’ આના જવાબમાં
જુવાનીયાઓ બોલી ઉઠ્યા; ‘‘અમે જે રાસ રમીએ છીએ, ઈ શીખવાની કોઈ
નિશાળ નથી. આ તો કુદરતની દેણગી છે. ભરવાડનાં છોકરાંઓને આ કલા વારસો ગળથૂંથીમાંથી જ
મળે છે. મીરનું છોકરું રોવે તો ય રાગમાં રોવે એમ અમારા છોકરાં રમે તો ય તાલમાં જ
રમે. અમારી આ કલા લુપ્ત થઈ જશે એવી અમને જરાયે બીક નથી. આ કલા વગર જીવતરનો આટલો
ઢસરડો અમે કરી જ ન શકવી.’’
લોકકલાના સંરક્ષક અને સંવર્ધનકાર શ્રી
જોરાવરસિંહ જાદવનો પરિચય આપતા શ્રી ઘનશ્યામ ગઢવીએ જે શબ્દો કહ્યા છે તે વિચારવા
યોગ્ય છે.’’ આધુનિકતાના અજગરે અનેકને ભરડામાં લીધા. જ્યાં જ્યાં તેના
હાથ અડ્યા ત્યાં ટાકર કરી નાખ્યું. અર્વાચીનતાના નામે થતી છેડછાડ અને છેડતીએ વરવાં
રૂપ આપ્યા. સરૂપ અને સવળોટાં રૂપોને કુરૂપ કરી નાખ્યા. આ લોકો પણ કેવા ? પંચતંત્રના
બ્રાહ્મણના ખભે રહેલા વાછરડીને કૂતરામાં ખપાવી, ગરીબ બ્રાહ્મણનું
બ્રેઈનવૉશ કરીને એનું દુઝાણું છીનવી લીધું, થોડા ભણેલા કે
અભણોએ,
અશિક્ષિતોએ દાટ વાળ્યો. આપણને કોક પછાત કહેશે તો ? આવું ન પહેરાય, આવું ન ઓઢાય, આમ ન બોલાય, આવું ન ખવાય, આ ખોરડો, ઘરેણાં, ગાંઠા, જણસ, ખોરાક, પહેરવેશ, ગીત-સંગીત, લય, મેળાઓ, ભરતગુંથણ
અભાગિયાઓવએ કાંઈ બાકી ન રાખ્યું. કંઈ પાછવાળ ન કરી. સાત સાત પેઢીઓની સંપદા, યુગોની ભાષા, આધુનિક વિજ્ઞાને
પણ જેની નોંધ લેવી પડે એવી દરેક વ્યવસ્થાને, પરંપરાને આપણે એક
ઝાટકે ઉલાળીને આપણી જાતને છિનાળ સાબીત કરી દીધી. ગીતાકારે વર્ણવેલ વર્ણસંકર
પ્રજાની છાપ આપણે આધુનિક બનીને છાતીએ ચોંટાડી દીધી.’’
આજનો પ્રશ્ન નવરાત્રિ ઉજવવા સુધી સીમિત નથી.
આપણે નક્કી કરવાનું છે કે શું આપણે આપણા અતુલ્ય અને અમૂલ્ય વારસાનું જતન કરી
શકીશું કે નહીં ? વિશ્વમાં વકરી રહેલા વિકૃત મૂડીવાદનું જડબું
પહોળું થઈને ખૂલી રહ્યું છે, તેના પંજાઓના લાંબા નખો સઘળું ખોતરી નાખવા માટે
કટિબદ્ધ છે ત્યારે આપણી વિરાસતની હિફાજત કરવાની શક્તિ નવરાત્રી પર્વે પ્રાપ્ત થાય
તેવી માતાજીને સ્તુતિ કરીએ.
Comments
Post a Comment