અતિતના ઓવારેથી
- પ્રવીણ ક. લહેરી
છેલ્લા છ માસમાં ‘લોકડાઉન’ અને ‘અનલોક’ શબ્દો આપણા
જીવનમાં તાણા-વાણા જેમ વણાય ગયાં છે. ૧૯૭૦-૧૯૮૦માં ગુજરાતમાં પણ જનજીવન સાથે
ફળસ્વરુપ ‘કરફ્યુ’ શબ્દ પણ જનજીવન સાથે અતૂટ રીતે જોડાયેલો હતો. જીવનની સામાન્ય ગતિવિધીઓને થંભાવી
દીધી છે. લંકા પહોંચેલા હનુમાનજીએ સીતામાતાની મંજૂરીથી અશોકવાટિકામાં ફળાહાર કર્યો અને પછી
તો અંજનીપુત્ર અને રાવણપુત્ર અને સૈનિકો વચ્ચે જે તુમુલ યુદ્ધ થયું ત્યારબાદ તે બગીચાની જે હાલત થઈ હતી તેવી
સ્થિતિ આજે આપણા અર્થતંત્રની થઈ છે. ઘણું ઉજાડ્યા બાદ પણ કોરોનાના ફુંફાડા વધારે વ્યાપક અને વિષયમ થઈ
રહ્યા છે. આપણે માટે એક બાજુ ભવિષ્યની ચિંતા ઘેરી બની છે અને બીજી બાજુ નવરાશની પળોમાં ભૂતકાળના
સંભારણા સ્મૃતિપટ પર ગોરંભાયેલા આકાશના વાદળોની જેમ છવાયેલા રહે છે ત્યારે બેફામના શબ્દોનું સ્મરણ
થાય છે;
‘‘મનને જોડે છે ભૂતકાળના
સંભારણા.
ના રહ્યો અસબાબ, કિન્તુ એનાં ભારણ
રહી ગયાં.’’
સમય એક એવી વસ્તુ
છે કે જેને નથી લોકડાઉન કરી શકાતો કે નથી અનલોક કરી શકાતો. કાળનો પ્રવાહ અવિતર વહે છે અને આપણે નદીના પૂરમાં તણાય જતાં
તણખલા જેવા ક્ષુલ્લક હોવાનો ભાવ અનુભવીએ છીએ. આવા ક્ષુબ્ધ વાતાવરણમાં ‘‘માણ્યું તેનું
સ્મરણ કરવું તે ય છે એક લ્હાવો’’ની કલાપીની પંક્તિ યાદ આવે છે. ગમતાંનો ગુલાલ કરીને ઊડાડીએ; આ ગુલાલની વર્ષા
આપણને વિવિધ લાગણીઓના વમળમાં ચકરાવે ચઢાવે તેવું છે. જે છૂટીને પાછળ રહી ગયું છે તેની યાદ
ક્યારેક આપણને પુલકિત કરે છે તો પ્રસંગોપાત દુઃખ અને ગમગીનીનો અનુભવ કરાવે છે.
ભારતની આઝાદી
તા.૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ બાદ જન્મેલી વ્યક્તિઓ બાઈબલની આયુમર્યાદા ૭૦ વર્ષની ઉંમર પાર કરી ગઈ છે. થોડા માણસો તો ૮૦-૯૦ વર્ષે
પણ અડીખમ છે. આઝાદીએ આપણું સરેરાશ આયુષ્ય વધાર્યું છે. તા.૧લી મે, ૧૯૬૦ ના રોજ
ગુજરાત રાજ્યની સ્થાપના બાદ જન્મેલા ભાઈ-બહેનો પણ તેમના જન્મની હિરક જયંતિઓ લોકડાઉનમાં ઉજવી રહ્યા છે. વૃદ્ધો, ઘરડાંઓ, બુઝર્ગો, વડીલો અને સિનીયર
સિટીઝનના નામે ઓળખાતા વયસ્ક
નાગરિકોની સંખ્યા વધી રહી છે. ૧૯૫૦-૧૯૬૦ના દશકાઓમાં જન્મેલી પેઢીએ જીવનના એટલા વિવિધ રંગો માણ્યા છે કે તેના અનુભવોનો
ભંડાર ખૂબ સમૃદ્ધ છે. ૧૯૫૦ અને ૬૦ના દાયકામાં ભારતનો પરિવેશ મહ્દઅંશે ગ્રામીણ હતો. પરંપરાગત ખેતી, હુન્નર સાથે અલ્પ
ઉત્પાદન સાથે જીવતા લોકસમૂહો અભાવ વચ્ચે પણ જીવનને
સફળ અને સાર્થક બનાવવા માટે પ્રતિબદ્ધ હતા. સાધનો, સવલતો અને
વસ્તુઓના અભાવ વચ્ચે સંવેદના, સહીયારાપણું અને
સમજતાના કારણે સુખનો સરવાળો અને દુઃખનો ભાગાકાર થઈ જતો હતો. ઓ તો શહેરીકરણ અને વૈશ્વિકરણના ધસમસતા પ્રવાહમાં
ગામડાંની મૂળ જીવનશૈલી અને પરંપરા ક્યાં અને ક્યારે તણાઈ ગયા તે નક્કી કરવું મુશ્કેલ છે.
આપણા સદ્નસીબ કે
આપણા સાહિત્યકારોએ ગ્રામીણ જીવનને શબ્દદેહ આપ્યો છે. અગાઉ શ્રી મણિભાઈ પટેલનું પુસ્તક ગ્રામીણ જીવન અંગેનું વાંચ્યું
હતું. તાજેતરમાં ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટનું પુસ્તક ‘‘આથમતાં અજવાળાં’’ વાચ્યું. ઉત્તર
ગુજરાતના ગામડાંઓમાં અનેક વસ્તુઓના અભાવ વચ્ચે જનજીવન અનેરા લયમાં ધબકતું હતું.
ડૉ. જયનારાયણ વ્યાસે
પણ સિદ્ધપુર અને નજીકના ગામમાં વિતાવેલા બાલ્ય અને કિશોરાવસ્થાના અનુભવો ખૂબ રસમય રીતે ‘‘ઊગતા પરોઢનું
અજવાળું’’
નામના પુસ્તકમાં બે ભાગમાં આલેખ્યા છે. મેં વતન રાજુલાના
સંસ્મરણો વર્તમાનપત્રમાં
૧૭ લેખોમાં વર્ણવ્યા તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ૧૯૫૦, ૧૯૬૦ અને ૧૯૭૦નો ગ્રામીણ પરિવેશ આજે લગભગ નામશેષ થઈ ગયો છે.
શહેરી,
સંસ્કૃતિનો વ્યાપ દૂરદરાજના ગામડાંઓ સુધી પહોંચી ગયો છે. કૉલેજમાં રાજનીતિશાસ્ત્રના
અભ્યાસમાં સામ્યવાદી ચિંતક કાર્લ માર્કસનું વિધાન; ‘‘ઉત્પાદનમાં વપરાતી ટૅકનોલોજી અન્ય તમામ બાબતો નિર્ધારીત
કરે છે.’’
એમાં અતિશયોક્તિ છે તેવી લાગણી થતી હતી. આજે જ્યારે ઈલેકટ્રોનિક સાધનોએ જીવનના તમામ
ક્ષેત્રોને પ્રભાવિત કર્યાં છે. ટૅકનોલોજીએ ગામડાંઓમાં બળદોની જગ્યાએ ટ્રેકટરો, પતરાળાંની જગ્યાએ
ડિસ્પોઝેબલ પ્લેટ, આરતી વગાડતાં મશીનો, ગાડાઓ, ઘોડાગાડીની જગ્યા કાર, વાન, રીક્ષા, છકડા ઈત્યાદી
નિહાળીએ ત્યારે ખાતરી થાય છે કે ટૅકનોલોજી આપણી સમગ્ર જીવનશૈલી નક્કી કરવામાં અતિ અગત્યનો ભાગ ભજવે છે. ટૅકનોલોજી
નવી રોજગારીની તકો સર્જે છે તો અનેક રોજગારને સાવ નેસ્તનાબૂદ કરી નાખે છે. ગ્રામીણ જીવનના
સંસ્મરણોમાં અમુક બાબતો સમાન રીતે જોવા મળે છે.
૧. ગામલોકોમાં
પરંપરા ભલે તેમાં શ્રદ્ધા હોય કે અંધશ્રદ્ધા સ્વીકારી તે પ્રમાણે જ જીવવા માટે
આસ્થા હોય છે.
ર. જ્ઞાતિના
બંધનો,
સામાજિક અસમાનતા અને સ્ત્રી-પુરુષની અલગ ભૂમિકા, વંશપરંપરાગત
વ્યવસાયો, કઠોર પરિશ્રમ સાથે
તનાવમુક્ત મસ્તીભર્યું જીવન, કુદરતનું સાન્નિધ્ય, મિત્રોની હુંફ
અને પરિવારની લાગણી આ સઘળું અચાનક છૂટી
જાય છે ત્યારે ખાલીપો સર્જાય છે. ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટ તેમના ‘‘આથમતાં અજવાળા’’ પુસ્તકના અંતિમ
પ્રકરણનું શિર્ષક ‘‘ગ્રામ ઝુરાપો’’ રાખે છે. ડૉ.
જયનારાયણ વ્યાસ તો પુસ્તકના પાંને પાંને ‘‘ત્યાર જેવી મોજ હતી તેવી આજે બીજે ક્યાંય નહીં’’ની ભાવના વ્યક્ત
કરતા રહે છે. શ્રી મણિભાઈ પટેલે તો આજે પણ કૃષિ અને
ગ્રામીણ જીવનના પ્રશ્નોને વાચા આપવાનું સતત ચાલુ રાખ્યું છે.
૩. જીવનમાં
પરિવર્તન આવ્યું તે સાથે ભાષાના શબ્દો પણ બદલાયા. ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટે આવા શબ્દો
સમજાવવા માટે પ્રાદેશિક
શબ્દસૂચિ પુસ્તકના અંત ભાગે આપી છે તેમાંથી થોડા શબ્દો જોઈએ તો ખ્યાલ આવે કે આપણે તળપદા શબ્દોથી દૂર થઈ ગયા છીએ. ઉદાહરણ તરીકે; (૧) દડબું (ઢેફું-
ચોસલું) (ર) સંચવું (છાપરા પરના નળીયા પાણી ન પડે
તેમ ગોઠવવા) (૩) મજૂસ (મોટો લાકડાંનો પટારો) (૪) ફટાણાં (લગ્ન પ્રસંગે અપશબ્દો સાથે કે અપમાનજનક શબ્દો સાથે ગવાતાં ગીતો) (૫)
વરત (કોસ ખેંચવાનું દોરડું), કોસ (કોશ) ચામડાનું સાધન જેના દ્વારા કૂવાથી પાણી ખેંચી બહાર
લાવવામાં આવે) (૬) રાંઢવું (દોરડું) (૭) હેલ (હૅલ્થ) પાણી ભરવા માટેનું વાસણ (૮) રાંપરી - નિંદામણ (નકામું
ઘાસ કાઢવાની ખેડ) (૯) ઢૂંઢા (ઢૂંસ, અનાજના ડૂંડાનો નકામો ભાગ) (૧૦) નવેરી-નવેળી (બે મકાન વચ્ચેની
સાંકડી ખુલ્લી જગ્યા (૧૧) નેળીયું (વાંકીચૂકી કેડી) (૧૨) ડામચીયો (ગાદલાં-ગોદડાની થપ્પી) યાદી કરવા
બેસીએ તો એક નાનો શબ્દકોશ થાય.
૪. વિસરાતી
વસ્તુઓ અને શબ્દોનું સંગ્રહસ્થાન : અગાઉ અનેક લોકો પોસ્ટની ટિકીટો, જૂના દેશ-વિદેશના
સિક્કાઓ અને ભાતભાતની
વસ્તુઓનો સંગ્રહ કરતા હતા. એ શોખનો વિષય હતો. મારા કલકત્તાના એક મિત્ર પાસે ૩૫૦૦૦ જેટલી ટિકીટો ઉપરાંત અનેક જગ્યાએથી એકત્ર
કરેલી જુદા જુદા સ્વરુપમાં ગણપતિજીની ૧૨૦૦ જેટલી મૂર્તિઓ હતી. આપણે ગ્રામીણ સંસ્કૃતિને
પુનઃજીવિત કરી શકીએ તેવી શક્યતા નથી પરંતુ તેનું દસ્તાવેજીકરણ અને સંગ્રહસ્થાન જરૂર બનાવી શકીએ.
આજે મ્યુઝીયમ, સંગ્રહસ્થાન ચોક્કસ વિષયને આવરી લઈને પ્રાચીનથી અર્વાચીન સમયમાં તેમાં થયેલા
ફેરફારો દર્શાવે છે. ભગવદ્ ગોમંડળ શબ્દકોશમાં ૪ લાખથી વધારે શબ્દો અર્થસહિત છે જે ઈન્ટરનેટ ઉપર રજૂ
કરવાનું શ્રેય શ્રી રતિલાલ ચંદેરીયાને અને તેમની તજ્જ્ઞોની ટીમને જાય છે.
પાંચ કરોડથી વધારે વખત આ વેબપેજનો ઉપયોગ થયો છે તે દર્શાવે છે કે લોકોને ગુજરાતી ભાષાના શબ્દોના સાચા અર્થ સમજવામાં રસ છે. આ
વિરાસતને જાળવવા માટે વિશેષ પ્રયત્નો જરૂરી છે.
૫. ગ્રામીણ
સંસ્કૃતિના અંશો : ભલે આજે શહેરીકરણનું વાવાઝોડું ફૂંકાયું છે. શહેરોમાં આવતો ‘ગામડીયો’ ધીમે ધીમે શહેરી સભ્યતા, ભાષા, માહોલ, પદ્ધતિ, અભિગમથી ટેવાતો
જાય છે પણ તેનામાં રહેલી ગ્રામીણ પરંપરા સહેલાયથી છૂટતી નથી. ૧૯૮૪માં હું સરકારી યોજના
હેઠળ ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ (સાઉથ વેલ્સ) ગયો ત્યારે સ્વાન્સી શહેરમાં શરુઆતમાં મારે એક
પરિવાર સાથે રહેવાનું થયું. રમઝાન (રમઝુ) અને કુબ્રા પતિ-પત્નિ શિક્ષિત અને સંસ્કારી. કુબ્રાબહેન
ઇંગ્લેન્ડમાં ઉછર્યા હતા અને એમને ગુજરાતી મુદ્દલ ન આવડે પણ રમઝુ લહેકા સાથે મારા જોડે ગુજરાતીમાં
વાતચીત કરે. તેની લઢણ અને શબ્દો જોતાં મને જિજ્ઞાસા થઈ.
મેં પૂછયું; ‘‘રમઝુ તું આ
હાલારી બોલી બોલે છે તો મૂળ જામનગરના છો ?’’ તેનો જવાબ હતો; ‘‘અમે મૂળ ભાણવડના’’ આગળ પૃચ્છા કરતાં
ખબર પડી કે તેના પરદાદા જામનગરથી વહાણમાં આફ્રિકા ગયા હતા ત્યારબાદ લગભગ ૧૨૫ વર્ષમાં રમઝુ, તેના પિતા કે
દાદા કદી ભારત આવ્યા જ ન હતાં. આમ છતાં ઘરમાં હાલારી શબ્દોભંડોળ ઉચ્ચારો અકબંધ રીતે જળવાયા
હતા. કમનસીબે આજની અંગ્રેજી માધ્યમથી ઘેલછાએ માતૃભાષા ગુજરાતીને ઓળખી ન શકાય તેટલી હદે
વર્ણશંકર બનાવી છે. ભાષા અને ભૂતકાળ બંનેને ભૂલીને આપણે આપણી અસ્મિતા અને ગરિમા ગુમાવી તો નથી
રહ્યા ને ?
(ક્રમશઃ)
Comments
Post a Comment