નવી શિક્ષણનીતિના ઉદ્દેશો

                                                                                                                            - પ્રવીણ ક. લહેરી            

            શિક્ષણ એ એક માત્ર એવું શક્તિશાળી સાધન છે કે જેના થકી આપણે આપણી ભાવિ પેઢી, વિદ્યાર્થીઓ, સમાજ, આર્થિક પ્રવૃત્તિઓ અને નૈતિકતાનું ઘડતર કરી શકીએ છીએ. માનવજાતિના વિકાસમાં સંચિત જ્ઞાનનો ભંડાર ખૂબ વિશાળ હોવાના કારણે જ આજે આપણું જીવન અનેક રીતે સમુદ્ધ બન્યું છે. આઝાદી અગાઉ પણ આપણે ત્યાં શિક્ષણ અંગે બે મુખ્ય વિચારધારાઓ હતી. રાજા રામમોહન રૉયથી શરુ કરીને કવિવર રવિન્દ્રનાથ ટાગોર માટે નવજાગરણ બાદનું પાશ્ચાત્ય ઉદાત્ત શિક્ષણ ભારતની પ્રજા માટે ઉપકારક હતું. અંગ્રેજી માધ્યમ દ્વારા અપાતા શિક્ષણને કારણે આપણને સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય અંગેની વધારે સ્પષ્ટ અને ઉદાર વ્યાખ્યાઓ મળી હતી. હિંદનો એક વર્ગ ત્યારે પણ દૃઢ માન્યતા ધરાવતો હતો કે અંગ્રેજી શિક્ષણનો મુખ્ય હેતુ અંગ્રેજી હકૂમતના ટેકેદારો, ભાગીદારો અને આશ્રિતો પેદા કરવાનો હતો. આજે મેકોલેને ભાંડવાની કોઈ તક શિક્ષણવિદ્દો જતી નથી કરતા પણ સાથે સાથે ગુરુકૂળ પદ્ધતિ કે જૂના શાસ્ત્રો મારફત સાંપ્રત સમયને પ્રસ્તુત એવું શિક્ષણ આપી શકાય તેમ છે તે પ્રશ્નનો સંતોષકારક ઉકેલ નથી દર્શાવી શકતા. પરિણામ સ્વરુપ જૂની પદ્ધતિ, એનો એ જ ઢાંચો, જરીપૂરાણા વિષયો અને અધકચરાં પાઠ્યપુસ્તકો દ્વારા પરીક્ષાલક્ષી શિક્ષણતંત્ર હવે તો ખાનગી સાહસ તરીકે નફો રળવાના હેતુથી ધમધમાટ ચાલી રહ્યું છે, વિસ્તરી રહ્યું છે, છાશવારે તેમાં સામાન્ય પરિવર્તન કરીને આપણે બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી હોવાનો દંભ આચરીએ છીએ. ૧૯૪૭ બાદ આપણી સર્વોચ્ચ અગ્રતા લોકોને સાક્ષરતા આપવાની હતી. આઝાદીના ૭૩ વર્ષ બાદ દેશની રર ટકા વસ્તી નિરક્ષર છે. વિશ્વના નિરક્ષરોની ૫૦ ટકા સંસ્થા એકલા ભારતમાં છે. બર્મા (મ્યાનમાર) શ્રીલંકા, વિયેનામ, થાઈલેન્ડ વગેરે એશિયાના નાના દેશો કરતાં આપણે આ ક્ષેત્રે પાછળ છીએ તે હકીકત સ્વીકારીને દેશમાંથી નિરક્ષરતા નાબૂદ કરવાની જરૂરિયાતનું મહત્ત્વ ઓછું આંકી શકાય નહીં. આદિજાતિ વિસ્તારો અને દૂરદરાજના ગામડાંઓમાં સ્ત્રી કેળવણીની સ્થિતિ ચિંતાજનક છે. ગુજરાતમાં ૧૮૦૦૦ જેટલાં ગામડાંઓ છે તેમાંથી ૨૦૦૦ જેટલા ગામોમાં આજે પણ સ્ત્રી-સાક્ષરતાનો દર ૨૫ થી ૩૦ ટકા જેટલો જ છે.

        અગાઉ ધો.૧ થી ૭ પ્રાથમિક, ધો. ૮ થી ૧૧ માધ્યમિક અને કૉલેજમાં સ્નાતકકક્ષાના અભ્યાસક્રમો ૪ કે તેથી વધુ વર્ષોના હતા. ૧૯૭૮માં કોઠારી કમિશનની ભલામણોના આધારે ધો.૧ થી ૮ પ્રાથમિક (બંધારણમાં ઉલ્લેખવામાં આવેલી ૧૪ વર્ષ સુધીના ફરજિયાત નિઃશુલ્ક કેળવણીના હેતુને ધ્યાને રાખીને) ધો.૯ અને ૧૦ માધ્યમિક, ત્યારબાદ ધો.૧૧ અને ૧૨ ઉચ્ચત્તર માધ્યમિક એમ ૮ ૨ ૨ નો ઢાંચો અમલી બનાવ્યો. અનેક પ્રાથમિક શિક્ષકો ધો.૬, ૭ અને ૮ના અભ્યાસક્રમો શીખવવાની ક્ષમતા ધરાવતા નથી. આજે ધો.૮ ભણેલા વિદ્યાર્થીને ભાષા, ગણિત, વિજ્ઞાનનું પ્રાથમિક જ્ઞાન નથી હોતું તે સર્વવિદિત છે. ધો.૯, ૧૦ના બે જ વર્ષ બાદ બીજી જાહેર પરીક્ષાએ શું ફાયદો કર્યો તેનું અનુભવ આધારિત મૂલ્યાંકન કરીએ તે જરૂરી છે. વ્યવસાયિક શિક્ષણનો પ્રવાહ સુદૃઢ થયો નથી કે ન તો ડિગ્રીની ઘેલછામાં ઘટાડો થયો. કૉલેજોના વધારાના વ્યાખ્યાતાઓ શાળામાં ગયા, ફરી કૉલેજમાં પરત આવ્યા એમ સમગ્ર માળખું ડોલતું રહ્યું અને અનેક કોર્ટ કેસો અને વિસંવાદિતા વચ્ચે આજે પણ સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ અટવાયેલી છે. ઝડપથી બદલાયેલા સમય સાથે શિક્ષણને પ્રસ્તુતઃ બનાવી હાલના દૂષણો, મર્યાદાઓ અને જરીપૂરાણી વ્યવસ્થાની જગ્યાએ આધુનિક સમયને અનુરુપ અને ભવિષ્યના પડકારોને પહોંચી વળાય તેવી શિક્ષણ વ્યવસ્થા માટે શ્રી સામ પિત્રોડાના અધ્યપક્ષપદે ‘‘નૉલેજ કમિશન’’ અને ત્યારબાદ જાણીતા વૈજ્ઞાનિક ડૉ. કસ્તુરીરંગનના વડપણ હેઠળની સમિતિએ જે અહેવાલ આપ્યો તેના પર વિચારણા કરીને તાજેતરમાં ભારત સરકારે નવી શિક્ષણ નીતિની જાહેરાત કરી છે. મૂળ પ્રારુપ તો ૮૦૦ પાનાંથી વધારે લાંબો હતો. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ પણ ૧૩૫ જેટલા પાનામાં સમાવી છે. સ્વાભાવિક રીતે આ દીર્ઘ દસ્તાવેજના તમામ પાસાંઓની છણાવટ એક લેખમાં કરવી શક્ય નથી. આથી આપણે સૌથી મહત્ત્વની બાબત કે જે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિના ઉદ્દેશો વર્ણવ્યા છે તેને તપાસીને આપણે આપણી ધારણાઓ અને અપેક્ષાઓ કેટલા વાસ્તવિક અને ઉપયોગી છે તે પ્રશ્નોને કેન્દ્રસ્થાને રાખીને આપણે આ ઉદ્દેશોને મૂલવીશું. શિક્ષણ જેવા દુરોગામી અસરવાળા ક્ષેત્રમાં પરિવર્તનની પ્રક્રીયા સતત ચાલવી જોઈએ. દર ત્રણથી પાંચ વર્ષે બદલાયેલા સંજોગો અને જરૂરિયાતો ધ્યાને લઈ સાનુકૂળ ફેરફારો થાય તે ઈચ્છનીય છે.

        રાષ્ટ્ર્‌ીય શિક્ષણનીતિ ૨૦૨૦માં કુલ ૨૨ સિદ્ધાંતોને મુળભૂત હેતુ તરીકે સ્વીકારીને શિક્ષણિક સંસ્થાઓ સહિત સમગ્ર ક્ષેત્ર તમામ તબક્કે આ ઉદ્દેશોને ધ્યાનમાં રાખશે તેવી અપેક્ષા ઉચિત છે.

(૧)    દરેક વિદ્યાર્થીની આગવી વિશેષતા, શક્તિઓને ઓળખીને અને સ્વીકારીને તેના વિકાસ માટે શિક્ષકોમાં અને વાલીઓમાં સંવેદના કેળવવી. અઢારમી અને ઓગણીસમી સદીના ગ્રામર સ્કૂલના ઢાંચા પ્રમાણે વ્યવસ્થાનું નિર્માણ થાય તો અગાઉ શાંતિનિકેતન અને અરવિંદ આશ્રમ - પોંડિચેરીના જેમ વિદ્યાર્થીના અજોડ વ્યક્તિત્વના સર્વાંગી વિકાસની શક્યતા છે તે ખૂબ આવકાર્ય સંકલ્પ છે.

(૨)    ધોરણ-૩ સુધીમાં તમામ વિદ્યાર્થીઓ સારી રીતે વાંચતા, લખતાં અને ગણતાં શીખી જાય તે સૌથી મહત્ત્વની અગ્રતા છે. ધોરણ ૩ એટલે ૯ વર્ષનું બાળક આજે શિક્ષણ બાદ પણ આ કૌશલ્ય હાંસલ નથી કરી શકતું તેવા અનેક સર્વેક્ષણ બાદ આ નિર્ધારનો અમલ જેટલો વહેલો થાય તો તેમાં સૌનું શ્રેય સમાયેલું છે. આ કાર્ય દુષ્કર નથી. ગુજરાતના પ્રવેશોત્સવ અને ગુણોત્સવના પ્રયોગો સાચી દિશામાં હતાં પરંતુ ગ્રામીણ જ નહીં શહેરી વિસ્તારની સરકારી શાળાઓની સુધારણાનો કાર્યક્રમ દૃઢતા, ઝડપ અને અસરકારક થાય તે માટે નવેસરથી કમર કસવાની જરૂર છે.

(૩)    વિદ્યાર્થીને તેની શક્તિ અને રૂચિ પ્રમાણે વિષયોની મુક્ત રીતે પસંદગી કરવાની છૂટ દ્વારા તેના વ્યક્તિત્વના વિકાસ માટે અનુકૂળતા કરવી તે હેતુ સાંપ્રત સમયની માંગ સાથે સુસંગત છે. ખાસ કરીને માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક કક્ષાએ રાજ્ય અને કેન્દ્રીય બોર્ડ પસંદગી માટે ખૂબ લાંબી વિષયસૂચિ રાખે છે પણ શાળાકક્ષાએ શિક્ષકો અને સુવિધા મુજબ વિષયનું ચયન લગભગ ફરજિયાત છે. અગાઉ મુંબઈના ઉચ્ચ અભ્યાસ દરમિયાન મેં અનુભવ્યું કે અમુક પ્રાધ્યાપકો, ત્રણ-ચાર વિષયો ખૂબ વિદ્ધવતાપૂર્વક ભણાવાતા હતાં. ઉદાહરણ તરીકે પ્રો. ગૌરીશંકર ઝાલા સંસ્કૃત;, ગુજરાતી અને ઈતિહાસ એમ ત્રણ વિષયોમાં પારંગત હતા. ફાધર હમ્બર્ટ જર્મન, લેટિન, પુરાતત્ત્વ અને ખગોળશાસ્ત્ર ભણાવવાની માન્યતા ધરાવતા હતા. આજે પ્રાધ્યાપકોને એક જ વિષયના વાડામાં પૂરી રાખવાથી શું લાભ થાય છે તે મારી સમજની બહાર છે. નવી નીતિમાં બહુમુખી પ્રતિભા ધરાવતા પ્રાધ્યાપકો જ વિષયની સ્વતંત્રતાને સાકાર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવશે.

(૪)    વિજ્ઞાન, વાણિજ્ય કે વિનીયન જેવા ભેદ વિના શૈક્ષણિક અને અનુસાંગિક પ્રવૃત્તિઓ માટે મોકળાશ રાખવાનો સંકલ્પ કાબિલેદાદ છે. સર્વાંગી વિકાસ માટે શિક્ષણ એ આજના જમાનાની જરૂરિયાત છે.

(૫)    સર્વાંગી શિક્ષણ અને અલગ અલગ વિદ્યાશાખાઓને એક છત્ર નીચે ગણીને કલા, ખેલકૂદ સહિત કોઈપણ ક્ષેત્રમાં વિદ્યાર્થી પારંગત બને તેવી વ્યવસ્થા થાય તો તેનાથી વધારે રૂડું શું હોય શકે ? એકાંગી અભ્યાસને બદલે વિવિધ વિષયોનો રૂચિ અને શક્તિ પ્રમાણે અભ્યાસ કરવાનો આદર્શ એ મારા નમ્ર મતે નવી શૈક્ષણિક નીતિનું સૌથી આકર્ષક પાસુ છે.

(૬)    પરીક્ષા માટેની ગોખણપટ્ટીની જગ્યાએ વિષયના મુળભૂત મુદ્દાઓની સમજણ કેળવવાનો દૃઢ નિશ્ચય આપણને એક નવી દિશા ખોલી આપે છે. સમજદારી ગોખણપટ્ટી તો વધારે ઉપયોગી ગણાય.

(૭)    તર્કસંગત નિર્ણય અને નૂતન આવિષ્કાર માટે ટીકાત્મક ચિંતન અને સર્જનશક્તિને ખિલવવાનો વિચાર આજના યુગમાં શિક્ષણને પ્રગતિશીલ બનાવવા માટેની ગુરુચાવી છે. આ મુદ્દો આજની પ્રથામાં ધરમૂળ ફેરફારો વિના અમલમાં લાવવો શક્ય નથી.

(૮)    નૈતિક મૂલ્યો જેવા કે સંવેદના, પરોપકાર, વિનય, સ્વચ્છતા, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, વિવિધતા અને લોકશાહી માટે આદર સાથે જાહેર મિલ્કતોની જાળવણી અંગે સભાનતા કેળવવા માટે આપણને જે હૈયાધારણ આ નીતિમાં આપી છે તેનો ચુસ્ત અમલ થાય તો દેશની ઘણી જટિલ સમસ્યાઓનો ઉકેલ સહજ રીતે આવે તેમ છે.

(૯)    શિક્ષણમાં વિવિધ ભાષાઓ દ્વારા સંવાદ શક્તિ વધારવાનું લક્ષ્ય આજના વિશ્વમાં અતિ આવશ્યક છે. દુનિયા બહુરંગી છે. તેને માણવા માટે આપણે ભાષાઓની ખૂબી જાણવી જોઈએ. ભાષા ઝડપથી શીખવા માટે ટૅકનોલોજીએ ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે.

(૧૦)  જીવનોપયોગી કૌશલ્ય જેવા કે સહયોગ, જૂથ સંવાદિતા અને સહિષ્ણુતાના ગુણો એ ઉદાત્ત શિક્ષણની સૌથી ઉપકારક દેણ છે. ગાંધીજીના મતે તો; ‘‘કમનસીબે વર્તમાન શિક્ષણપ્રથાને આસપાસની વાસ્તવિકતા સાથે કોઈ અનુબંધ નથી. જે અલ્પ સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પદ્ધતિમાં ભણે છે તે રાષ્ટ્ર્‌ને ઉપયોગી થઈ શકે તેમ નથી.’’

(૧૧)  શિક્ષણમાં ટૅકનોલોજીનો પ્રચૂર ઉપયોગ કરવાનો ઈરાદો ખૂબ સમયોચિત છે. આનાથી દિવ્યાંગ બાળકો, વંચિતો અને કન્યાઓ માટે શિક્ષણ સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે. કોરોનાના કાળમાં ઓનલાઈન અને ટેલીવિઝનના શિક્ષણનો પ્રયત્ન મિશ્ર પરિણામ દર્શાવે છે. ટૅકનોલોજીની સાર્વત્રિક ઉપલબ્ધિ અને સમુચિત ઉપયોગ થાય તે માટે હજી ઘણાં પગલાં લેવાના રહે છે. શાળાઓ અને શિક્ષકોની સજ્જતા અને સ્વાધ્યાયને પ્રોત્સાહન એ બાબતો ધ્યાને લેવા જેવી છે.

(૧૨)  અને (૧૩) શિક્ષણમાં વિવિધતા માટે સન્માન સાથે સ્થાનિક સંદર્ભોને સમાવવાની કાળજી રાખવાની નેમ છે. આ માટે રાજ્ય કે કેન્દ્રકક્ષાએ સમાન અભ્યાસક્રમ થોપી દેવાને બદલે ૧/૩ જેટલા વિષય અને અભ્યાસક્રમ જિલ્લાકક્ષાએ તજ્‌જ્ઞો સ્થાનિક સંજોગો ધ્યાને લઈને નક્કી કરી શકે તે માટે વિકેન્દ્રીકરણ અને વિશ્વાસનું વાતાવરણ નિર્માણ કરવું જરૂરી છે.

(૧૪)  વિદ્યાર્થીઓ પૂર્ણ રીતે શિક્ષણક્ષેત્રમાં ઝળકી શકે તે માટે સર્વસમાવિષ્ટ અને વંચિતોની વિશેષ કાળજીની જોગવાઈ આપણા બંધારણના આમુખનું પ્રતિબિંબ પાડે છે.

(૧૫)  શિક્ષણના તમામ સ્તરે સંકલન દ્વારા તમામ અભ્યાસક્રમોમાં સુસંગત ઉર્જાનું નિર્માણ કરવાનો ઉદ્દેશ સાકાર કરવા માટે શિક્ષણક્ષેત્રમાં અમલી એવા અનેક બંધનો અને નિયમનોમાંથી છૂટકારો મેળવવા આયોજન કરવું જરૂરી છે.

(૧૬)  શિક્ષકો અને પ્રાધ્યાપકો શિક્ષણ પ્રક્રીયાનું હૃદય છે. તેમની ભરતી, નિરંતર વિકાસલક્ષી તાલીમ, રચનાત્મક વાતાવરણ અને સુયોગ્ય નોકરીની શરતો રાખવા માટે સવિશેષ કાળજી કરવાની છે. ભરતીમાં ભ્રષ્ટાચાર, નોકરીની અમર્યાદ સલામતિ, કામનો મર્યાદિત સમય અને રાજકારણ સહિત અનેકવિધ ક્ષેત્રમાં વ્યસ્ત શિક્ષકો અને તેના યુનિયનો તેમની દૃષ્ટિ વિશાળ બનાવી આ ઉમદા વ્યવસ્થાની ગરિમા પુનઃ સ્થાપિત થાય તેવી અપેક્ષા અસ્થાને તો નથી.

(૧૭)  થોડું પણ સ્પષ્ટ અને સખ્ત એવું નિયમનતંત્ર ગોઠવી શિક્ષણમાં નિષ્ઠા, પારદર્શિતા અને કાર્યદક્ષતાનું સ્વપ્ન સાકાર કરવા માટે ચુસ્ત અને અસરકારક જોગવાઈઓ કરવી તેમાં અવરોધો અપરંપાર આવશે. તેનો ઉકેલ કેમ કરવો તે યક્ષ પ્રશ્ન છે.

(૧૮)  અને (૧૯) સંશોધનની ગુણવત્તા સુધરે અને દેશ નવા આવિષ્કારમાં અગ્રણી બને તે માટે સતત સમીક્ષા કરીને તજ્‌જ્ઞોની મદદથી નવી ઊંચાઈઓ હાંસલ કરવાનો સબળ પ્રયત્ન આજે આવશ્યક છે તેટલો અગાઉ કદી ન હતો.

(૨૦)  શિક્ષણ એ આયાતી જણસ ન હોય શકે. ધરતી સાથે જોડાયેલું અને રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલું શિક્ષણ પ્રાચીન અને આધુનિક ઉપલબ્ધિઓ વચ્ચે સેતુ બને તો આપણે ગાંધીજીની ઈચ્છા; ‘‘નઈ તાલીમ દેશની જડ સાથે જોડાયેલી હશે અને લોકોના ઉપયોગમાં આવે તેવી હશે.’’ સાકાર કરી શકીશું.

(૨૧)  શિક્ષણ એ જાહેર સેવા છે. આ બાબતનો સ્વીકાર થાય તો સારું જ ગણાય.

(રર)   શિક્ષણની સરકારી વ્યવસ્થાને સુદૃઢ અને ચેતનવંતી કરવા માટે વધારે મૂડીરોકાણ વાલીઓને પરવડે તેવું શિક્ષણ આપવું અને ખરેખર સેવાની ભાવનાથી ખાનગી શૈક્ષણિક સંસ્થાનું સંચાલન થાય અને સામાજિક ભાગીદારી વધે તો નવી રાષ્ટ્રીય નીતિના હેતુઓ સિદ્ધ થાય. રાષ્ટ્રીય શિક્ષણના ઉદ્દેશ્યો સાચી દિશા દેખાડે છે. ઈરાદાઓ બુલંદ અને વ્યાપક છે. પ્રશ્ન છ; અવરોધો ઓળંગવાનો, પડકારો ઝીલવનો અને અસરકારક અમલ દ્વારા પ્રભાવી પરિવર્તન થાય તેની પ્રતીક્ષા કરીએ.

 

તા.૦૬-૦૯-૨૦૨૦

Comments

Popular posts from this blog