સરનામાં વિનાનાં માનવીઓ

                                                                                           - પ્રવીણ ક. લહેરી

૫રિવર્તનના ચક્રના ફરવા સાથે ઘણું ઊંચું-નીચું થઈ જાય છે. આપણા દેશની ૧૩૯ કરોડની વસ્તીમાં ૬ કરોડ લોકો એવા છે કે પોતાની આજીવિકા માટે સતત ભ્રમણ કરતાં હતાં. મુખ્યત્વે પશુપાલકો, શિકારીઓ, સમાજોપયોગી સેવાઓ આપતા, મનોરંજન પૂરું પાડતા અને વસ્તુઓનો વેપાર કરતાં આ સમૂહોનું અસ્તિત્વ ત્યારના ગ્રામીણ અર્થતંત્ર સાથે જોડાયેલું હતું. વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, ઔદ્યોગિક ઉત્પાદન, મનોરંજનના માધ્યમો અને વેપારની પદ્ધતિઓમાં ધરમૂળથી આવેલ ફેરફારોએ આ જૂથો માટે જીવન એક જટિલ સમસ્યા બનાવી દીધું છે. જાણીતા કવી અને ગુજરાતના વિચતરતા સમુદાય સમર્થન મંચના પ્રમુખશ્રી માધવ રામાનુજ લખે છે; ‘‘ઘણાં બધાને હજુ યાદ હશે વાદી, નટ, બજાણીયા, સરાણિયા, વણઝારા, કાંગસીયા, ગાડલિયા, ડફેર આદિ અનેક પ્રકારના વ્યવસાયિકો જે પોતાના હુન્નર સાથે ગામ ગામ ફરતાં અને સમાજને ઉપયોગી વસ્તુઓ બનાવી આપતા, મનોરંજન કરાવતા - એમ અનેક રીતે સહાયભૂત થતા...’’ આ જનસમૂહોને બ્રિટીશ શાસનમાં અલગ તારવીને તેમાના ઘણાંને ગેઝેટમાં નોટીફાઈ કરી તેમના પર સખ્ત જાપ્તો રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ જૂથો ગુન્હાહિત પ્રવૃત્તિઓ કરે છે તેવો પૂર્વગ્રહ ત્યારે પણ હતો અને આજે પણ છે. યુરોપમાં જિપ્સી સમુદાય માટે પણ આવો જ અભિગમ જોવા મળે છે. આ જૂથોના ઉત્થાન, ઉત્કર્ષ અને પુનઃવર્સન માટે સમર્પિત સુ. શ્રી મિત્તલ પટેલે છેલ્લા ૧૬ વર્ષમાં કરેલા અવિરત પ્રયત્નોના પરિપાકરૂપે આપણને સુ. શ્રી મિત્તલ પટેલની વર્તમાનપત્રની કટારમાં વિચરતી જાતિ સાથેના અનુભવો અને આત્મિય અનુસંધાન સાથે લખેલું પુસ્તક એટલે ‘‘સરનામાં વિનાના માનવીઓ’’ જે આપણી વચ્ચે છે પણ આપણને તેમને જોવાની ઈચ્છા કે ફુરસદ નથી. જેઓ ઈતિહાસના એક એવા વળાંક પર છે કે જેમાં તેમનું અસ્તિત્વ દાવ પર લાગ્યું છે. ગુજરાતની ૬ કરોડની વસ્તીમાં લગભગ ૪૦ લાખ લોકો છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી માધવ રામાનુજ લખે છે; ‘‘આપણા સમાજમાં, આપણી આસપાસ, આપણી નજર સામે જીવન માટે ઝૂરતા, ઝઝૂમતા એવા આ વિચરતા-વિમુક્ત સમુદાયનો મિત્તલ અહીં પરિચય કરાવે છે. સ્વજનોનો પરિચય કરાવતી હોય તેમ, આમ પણ આ આપણા સ્વજનો જ છે. વગડે રઝળતાં સરનામાં વિનાનાં આ સમુદાયોને, સ્વજનોને આપણે આવકારવાના છે....’’ માધવ રામાનુજ લખે છે; વિચરતી જાતિમાં બજાણિયા, ભાંડ, ગારુડી, કઠોડી, મદારી, નાથ, ભરથરી, કોટવાડિયા, તૂરી, ભવાયા, વિટોળીયા, વાદી, વાંસફોડા, બાવા-વૈરાગી, ગરો, મારવાડા, વાઘરી, ઓડ, પારઘી, રાવળ, શિરલીગર, સરાણિયા, વણઝારા (શિનોગ, વાળા અને કાંગસીયા) જોગી, ભોપા, ગાડલીયા, કાંગસિયા, ઘંટિયા, વગેરે આવે છે. વિમુક્ત જાતિની યાદીમાં - ડફેર, દેવીપૂજક, સંધી, મિયાણા, વાધેર, ઢેબા, મે, છારા, ચુંવાળિયા, કોળી, બાફણ, હિંગોરા, આદિ સમુદાયો જેમને ૧૮૭૧માં અંગ્રેજોએ ગુન્હાહિત વૃત્તિવાળા (નોટિફાઈડ) જાહેર કર્યાં તેમાંથી ૧૯૫૨માં મુક્તિ મળી પણ વાસ્તવિકતા એ છે કે સૌની શંકા, ઉપેક્ષા, શોષણ અને અન્યાયનો ભોગ બનેલા આ લોકોનો આશરો કોણ ? આજે વિચરતી - વિમુક્ત જાતિની સૌથી મોટી હમદર્દ છે - મિત્તલ પટેલ.

ગુજરાતના વિચરતા અને વિમુક્ત સમાજના લોકો માટે મિત્તલ પટેલ જેવી કર્મઠ, સંવેદનશીલ અને ઝુઝારુ બહેન માટે ગરીબોનો અને વંચિતોનો પરિચય અભ્યાસ દરમિયાન એક સર્વેક્ષણના પ્રોજેક્ટના કારણે થયો ત્યાંથી શરુ કરીને ૧૬ વર્ષની સંઘર્ષયાત્રાનો દસ્તાવેજ એટલે તાજતેરમાં નવજીવન પ્રકાશને પ્રગટ કરેલું ‘‘સરનામાં વિનાનાં માનવી’’ પુસ્તક. ૨૯ લેખોમાં ગુજરાતની સૌથી વધારે પીડિત અને ઉપેક્ષિત લોકોની વ્યથાને મિત્તલબહેન આત્મિયભાવે વર્ણવી છે.

દક્ષિણ ગુજરાતના શેરડીના ખેતરમાં કામ કરવા આવતા મજૂરો-કોયતાના એક પડાવમાં મોડી સાંજે પહોંચીને તેમણે જે અનુભવ્યું તેનાથી તેની જિંદગીની તરાહ બદલાઈ ગઈ. ગુંડાઓ દ્વારા પતિની આંખ સામે નાના બાળકને ફેંકી દઈને પત્નીનું અપહરણ થાય અને તેની સામે રાવ-ફરિયાદ પણ ન થઈ શકે તેવા પડાવ પર અંધકારમાં શિયાળાની ઠંડીમાં ટૂંટીયું વાળીને રાત ગુજરાતી મિત્તલનો પ્રતિભાવ તો, ‘‘અહિંથી ભાગી જઈએ....’’ પણ કુદરતે શા માટે આવી સ્થિતિમાં લાવીને મૂકી તે વિચાર ઘૂંટાતા ઘૂંટાતા ‘‘અહિંથી ભાગું તો ભાગેડુ, ડરપોક, કાયર કહેવાઉ એવું હવે

લાગી રહ્યું હતું. અપહરણ થયેલી સ્ત્રીની ભાળ મેળવવી જોઈએ. મુકાદમના ગુન્હાહિત કાવતરાંઓને માત્ર સાક્ષી બનીને જોતા રહેવાના ? આ કંગાળ અને શોષિત લોકો કાળી મજૂરી કરીને માંડ બે ટંક રોટલો ખાયને દેહ ટકાવી રાખે છે. તેમની વખભરેલી જિંદગી જે કોઈ જુએ તેને ખાંડમાં કદી મિઠાશનો સ્વાદ તો ન આવે. અન્યાયી અને અમાનવીય વાતાવરણને સમજવા ત્રણ દિવસ જુદા જુદા કોયતા પડાવોમાં ભૂખ્યા રહીને રઝળપાટ કરતી મિત્તલે ત્રણ દિવસ ભૂખ વેઠી અને સમજાયું કે ભૂખ કેટલી ભૂંડી છે. ભલું થાય લુણીના જલારામ મંદિરનું કે તેના પ્રસાદે મિત્તલની જીવનદૃષ્ટિ બદલી નાંખી. સ્વેચ્છાએ ઉપવાસ થાય પરંતુ લાચારી અને અભાવમાં ભૂખ્યા રહેવાની યાતના અકથ્ય છે. મિત્તલ પત્રકાર છે અને તેનો અહેવાલ મુશ્કેલી સર્જશે તેવા ડરથી ગામલોકોએ તેની ત્યાંથી હકાલપટ્ટી કરવાનો પ્રયત્ન કર્યો પણ મિત્તલ માટે કાર્ય જીવનની પ્રાથમિક અગ્રતા હતી. થોડા કોયતા કામદારો અને એકાદ જમીન માલિકના સહયોગથી સર્વેક્ષણની કામગીરી આગળ ચાલી. રાતના અંધકારમાં શેરડી વાઢવાની, ઝેરી જીવજંતુ, સાપ વચ્ચે રસ્તાના કિનારે પ્લાસ્ટિકના ટેન્ટમાં સૂવાનું અને વિરોધનો શબ્દ કહે તો કામ ગુમાવી ભૂખમરો વેઠવાનો.

મિત્તલને પ્રશ્ન થયો; ‘‘રસ્તાની બાજુમાં જીવના જોખમે સૂવાનું ? આઝાદ ભારતમાં રહેતા આવા કામદારોને સુરક્ષિત રહેણાંક આપણે કેમ આપી શકતા નથી ?...કલ્પના કરી શકીએ આવી જિંદગીની ? અઘરું છે ને ? પણ આ લોકો તો રોજ આવું જ જીવતા હતા....’’ કોયતા કામદારોના ગામની મુલાકાતે ગયેલી મિત્તલે એક વૃદ્ધને જોયા અને પૂછયું; ‘‘તમે પેટ પર આ કપડું કેમ બાંધ્યું છે ?’’ વૃદ્ધ બોલ્યા; ‘‘ભૂખ લાગે તેની ખબર પડે નહીં એટલે !’’ મારી સામે ઊભેલા દરિદ્રનારાયણ અહિંસક રીતે ભૂખ સામે લડી રહ્યા હતાં. આપણા દેશમાં આવા વૃદ્ધોની સામાજિક સુરક્ષાની ચિંતા કોને છે ?’’ વૃદ્ધો કે જેમણે જીવનભર મજૂરી કરી છે તેના લાભ મળવા શ્રમિક કાયદા અંગે ઘોર અજ્ઞાન પ્રવર્તે છે. શેરડી કાપતા આ આદિવાસી પરિવારોએ ડેમની ડૂબમાં જમીન ગુમાવી હોય કે મકાન, તેમના પુનવર્સનમાં રહેલી ઉણપો નિહાળીને મિત્તલે ત્યાં ભૂખ, ગરીબી, ત્રાસ, શોષણ, અભાવ અને અમાનવીય સ્થિતિ જોઈ તેનું વર્ણન ચરખા સંસ્થાને અહેવાલરૂપે આપી સર્વેનું કામ પૂરું કર્યું પણ તેના શબ્દોમાં; ‘‘બાળક ચાલતા શીખે પછી એને પલાંઠી વાળી એક જગ્યાએ બેસવું ગમે નહીં.....જાણે વર્ષોની ઊંઘ પછી હમણાં જ જાગી હોઉં તેવું લાગી રહ્યું હતું. હવે અધિકારી બનવાના ઓરતા ઓસરી રહ્યા હતા.’’ શું કરવું તેની દ્વિધામાં, મહેસાણાથી વાપીના ગોલ્ડન કોરિડોરમાં આવેલા ૧૦૮ ગામોનો સર્વે. અભ્યાસ સાથે ઉત્સાહ, સમજણ સાથે અનુભવ ઉમેરાયો હતો. આ કામમા પણ સ્થાપિત હિતોની દાદાગીરી, વહીવટીતંત્રની નિષ્કાળજી અને નિયમનતંત્રની ઉપેક્ષાવૃત્તિની સામે પ્રદૂષણ નિવારણ હોય કે વાજબી વળતર હોય, ન્યાયથી વંચિત ગ્રામજનો લાચાર અને ભયભીત હતા. લોકશાહીની ચોથી જાગીર પ્રચાર-પ્રસાર માધ્યમોમાં રહીને કાંઈક સારું કરી શકું તેવી ભાવનાથી અખબાર અને ટેલીવિઝન ચૅનલોનો પણ અનુભવ કર્યો. ત્યાં પણ બુઠ્ઠી થયેલી સંવેદના અને શક્તિશાળી સાથેની સાંઠગાંઠે નિરાશા અને નિષ્ફળતા જ આપી. આ અનુભવ સમયે મિત્તલની માનસિક સ્થિતિ તેણીના શબ્દોમાં ; ‘‘હું અંદરથી સાવ તૂટી ગઈ. દિશાહીન જીવન આશા વગરનું થઈ ગયું. હું અહીં કેમ છું ? મારે શું કરવાનું છે ? હું શું કરીશ ? કોઈ પ્રશ્નનો જવાબ મળતો નહોતો.....બાકી કિડી-મંકોડા જેમ મારે જીવવું નહોતું. ....ત્યારે પહેલીવાર જિંદગી કશાય ઉદ્દેશ વગર કાઢવી કેટલી કપરી હોય છે એ સમજાયું.’’ અભ્યાસ દરમિયાનની સર્વેના તારણોમાંથી મિત્તલને ગુજરાતનની વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને મળીને તેથી સ્થિતિ ઉજાગર કરવાની ઈચ્છા થઈ. ઉપર આભ અને નીચે ધરતી. રોજી માટે સતત ભટકવું, ન કોઈ શિક્ષણ, ન આરોગ્યની સુવિધા, કુદરતના ખોળે જીવન સંઘર્ષ કરતાં આ લોકસમૂહોને મળીને તેની હકીકત જાણવાનું કામ જ એટલું દુષ્કર છે કે તેમાં પરિવર્તન લાવવાનો પડકાર તો ભગીરથ કાર્ય ગણાય. મિત્તલની શોધયાત્રા તેને દહેગામના ફાટક પાસેની સરાણીયાની વસાહતમાં ડફેરોના ડંગામાં, કોટવાળીયાાના ગામમાં દેહ વ્યવસાયમાં ધકેલાયેલી બહેનો વચ્ચે વાડીયામાં જઈને જે હાલત જોઈ તેને જીવતા નરક સાથે સરખાવી શકાય. મિત્તલના અનુભવોનો અર્ક નીચેની લઘુકથાઓ જેવી રજૂઆતોમાંથી મળે છે.

(૧) જીવતે જીવ કોઈ માટે ખાડા ખોદાતા હશે. દહેગામ પાસેથી સરાણીયાઓની વસાહતમાં ગરીબી અને અભાવની નાગચૂડમાં જીવતાં પરિવારે શિયાળામાં ઠંડીથી બચવા છાપાં પાથરી સૂવે, બાળકોને ટાઢથી બચાવવા મથે તે જોઈને પૂછયું તો લોકબોલીમાં જવાબ મળ્યો; ‘‘હા, બૂન, ઊંઘવા બલ્લે જ, અમાર કન ચો બંગલા હ. તમારા ઘેર હોય એવી ઓઢવા-પાથરવાની સગવડ આ સાપરમાં ચોથી કરવાની ? એટલી ખાડામોં સાપુ પાથરી, ઈની ઉપર સોંકરાને હુંવરાવી દઈએ અને ખાડા મોથે પાંસુ સાપું ખેંચી દઈએ. ઉપર એકાદ ગાભુ-બાભુ નોસીએ એટલ સોંકરવાને ગરમાવો રે.’’ આપણા ઘરોમાં જૂની ચાદરો, ઓછાડ, કપડાં, પગરખાં હોય જ છે. હજી મોડું નથી થયું. તેમને આવી વસ્તુઓ પહોંચાડીએ તો મોટું પૂણ્યકાર્ય ગણાય. આ શિયાળો તેમને કડકડતી ઠંડીથી બચાવે તેમાં આપણી માનવતા અને સંવેદના ઉજળી દેખાય.

(ર) વિચરતી જાતિના લગ્નપ્રસંગો, મરણ બાદની ક્રિયાઓમાં હાજરી આપી માહિતી એકત્ર કરવાની મથામણ ચાલતી રહી. પાટડી પાસે ડફેરના ડંગામાં ગેડિયા ગામે પહોંચી ત્યારે ગામ આગેવાનોની સલાહ; મોટેરાંઓ કે ઈ માનવાની હોય, ઈમની આમાન્યા જાળવવાની હોય, તું ભલે કોકની દીકરી સો પણ તને કોંઈ થાય તો અમારા ગામનું નામ બદનામ થાય. તું છોડી સો....તારાથી નો જવાયઃ’’ પણ ઈશ્વરની ઈચ્છા હશે. એક અજાણી બહેન સાયરા અચાનક આવી કહ્યું; ‘‘હાઈલ, આંયા મારા ઘર પડખે મેં એક (ડફેર) કુટુંબને આશરો દીધો છે, તું ઈવડા ઈમને મળી લે.’’ તેમણે શબનમ્‌ નામની સ્ત્રી સાથે મુલાકાત કરાવી. માથાભારે, લૂંટારા, ખુંખાર એવા વિશેષણો જેમની ઓળખ સાથે ચીપકાવી દીધા છે તેના ડંગામાં બહેનો સાથે વાત કરતાં ખૂબ જોરથી રડતાં બાળકને ‘‘આટલું બધું રડે છે, એને ધવડાવોને ! ભૂખ્યું હશે.’’ અને પીડિત સ્ત્રીનો આક્રોશભર્યો ઉત્તર; ‘‘તે હું નહીં ધવડાવતી હોઉં ? પણ ધાવણ આવે તો તેની ભૂખ ભાંગેને ? હળંગ હાત દાડા વરહાદ ચાલુ રીયો. એમાં જંગલી બિલાડાય. બારા નથ નીહરતા તે ઈને મારીને ખાઈએ. ચારદાડાથી મેં કાંઈ ખાધું નથી.

અન ખાધા વિના ધાવણ નો આવે બેન !’’ શેરીમાં વિયાયેલી કૂતરી માટે શીરો પીરસી જીવદયાનો સંતોષ લેતા હોય તેવા આપણા સૌની આંખ ઉઘાડી દે તેવો કાળજુ કંપાવતો પ્રસંગ અને મિત્તલનું તારણ. કૂતરાં બિલાડાંની ચિંતા કરનારા આપણે માણસની ચિંતા કરવાનું ભૂલી ગયાં. આ કેવી સભ્યતા અને કેવી ભવ્ય સંસ્કૃતિની

ધરોહરવાળું ભારત !’’

(૩) ડીસાના સરાણિયા પરિવારોના પડાવમાં રહેતા છનાભાઈએ કચેરીઓના આંટાફેરા કર્યાં, થાક્યા, ઓળખપત્ર ન મળ્યું; ‘‘અમારી પાસે જલમના દાખલા નતા, વસવાટના અમ બધાને ઓળખપત્ર મળી જાય તો જૂના રણુંજાના રામાપીરની હેંડતા જવાની માનતા મોની હ.’’ અંતમાં, ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પહેલે પાને સમાચાર; ‘‘જ્યાં મા વેચાઈ છે....અને સૌથી દુઃખદ પાછું માને વેચાયનું કામ પોતાના પરિવારજનો કરે !....જુવાન છોકરાંઓ પોતાના પરિવારની દીકરી જે સંબંધે બહેન, ફોઈ, માસી કે મા થાય તેની દલાલી માટે....મગજ બહેર મારી જાય તેવું આ દૃશ્ય હતું. જેમની સામે હું બેઠી હતી તેમણે પોતાની વિપદા અને વાડિયામાં જનમવાના દુઃખ વર્ણવ્યા.’’ સમાજને કે સરકારી તંત્રને દેહ વ્યાપારની મજબૂરી ન સમજાય, આ લોકોને ધુત્કારે, ઉપહાસ કરે, તેને માણસ તરીકે જોવાનો ઈન્કાર ગુજરાતની અસ્મિતાને ઝાંખપ લગાડે છે. ગુજરાતની ગરિમાને પ્રચંડ અને પ્રભાવશાળી બનાવવી હશે તો આ ઉપેક્ષિત સમૂહો માટે હવે વિના વિલંબે કામ કરવું પડશે. ‘‘સરનામાં વિનાનાં માનવી’’ ને તમામ અધિકારીઓ વાંચે તો કદાચ માનસ પરિવર્તન નહીં પણ ક્રાંતિ થાય. વહીવટીતંત્ર માટે આ ૪૦ લાખ લોકોની વ્યથાની કથા પહોંચાડવા અને સેવાની ઉચ્ચ પરંપરા ધરાવતા ગુજરાતના સમાજ અને શ્રેષ્ઠી આને ઢંઢોળીને માનવસેવાના યજ્ઞમાં સહભાગી થઈ જીવનને સાર્થક કરીએ. મિત્તલ પટેલનો સંકલ્પ અને સમર્પણ, ધગશ અને જહેમત આજની યુવાપેઢીને એક અનોખો પ્રેરણાસ્ત્રોત પૂરો પાડે છે.

Comments

Popular posts from this blog