આર્થિક ક્ષેત્રે
પરોઢનો ઉજાસ
- પ્રવીણ ક. લહેરી
સમગ્ર વિશ્વના
અર્થતંત્રોમાં હડકંપ સર્જયા બાદ હજી કોરોનાનો વ્યાપ ચાલુ છે ત્યારે દરેક વ્યક્તિને, સંસ્થા, પેઢી કે ઉદ્યોગને
હવે ક્યારે આર્થિક પ્રવૃત્તિઓ પુનઃ ધમધમી ઊઠે તે માટે ચિંતા થવા માંડી છે. લોકડાઉન
તે પણ સંપૂર્ણ લોકડાઉનના વિચારમાત્રથી સરકાર અને સમાજના તમામ વર્ગો મુંઝવણ અનુભવે
છે. કોરોના સાથે કેમ જીવવું તે માટે માસ્ક, સામાજિક અંતર, લઘુત્તમ સંપર્ક
અને મોટા પાયે ટેસ્ટીંગ કરી જેમને વાયરસ લાગ્યો છે તેમને અલગ રાખી જરૂરી સારવાર
કરી કોરોનાના ફેલાવાને રોકવાનો છે. કુલ દર્દીઓનો આંકડો ૩૦ લાખની સંખ્યાને પાર
કર્યો છે. ક્યાંક ઝડપી છે, ક્યાંક પ્રમાણમાં ધીમો છે. મુબઈને તો કોઈની એવી
નજર લાગી છે કે છેલ્લા પાંચ મહિનાથી તેનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ધારાવી જેવા
સ્લમ વિસ્તારમાં રોગ નિયંત્રણ સારી રીતે થઈ શકે છે પણ મધ્યમવર્ગની સોસાયટીઓમાં એક
જ મકાનમાં ૫૦-૬૦ દર્દીઓ હોય, સમગ્ર કુટુંબ વાયરસગ્રસ્ત હોય ત્યારે જે
પ્રશ્નો ઉપસ્થિત થાય છે તે ઘણાં જટિલ છે. સૂરતમાં પણ કોરોનાનો ઉપદ્રવ આર્થિક અને
સામાજિક જીવનને પૂર્વવત થવા નથી દેતો. સૂરત-મુંબઈથી ‘‘દેશમાં’’ મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, બિહાર અને
ઉત્તરપ્રદેશ તરફ હિજરત થઈ છે તેના કારણે આ રાજ્યોના ગ્રામીણ વિસ્તારો પણ હવે સલામત
નથી રહ્યા. એપ્રિલ, મેના વિશ્વના કદાચ સૌથી કડક લોકડાઉન બાદ જૂનથી
સરકારો જનજીવન સામાન્ય બને તે માટે જોખમ ઉઠાવવા તૈયાર છે.
ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ, દિલ્હી અને
ઉત્તરપ્રદેશ ઉત્પાદન અને ઉપભોગ માટે મહત્ત્વના રાજ્યો છે. બિહાર અને પશ્ચિમ
બંગાળમાં વસ્તી ઘણી છે પણ અર્થતંત્રમાં તેના પ્રમાણમાં તેમનું પ્રદાન ઓછું છે.
આયોજન પંચ હતું ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રને રાષ્ટ્રના વિકાસના એન્જીનો તરીકે
ઓળખ આપી હતી. મુંબઈ-પૂના, અમદાવાદ, સૂરત, રાજકોટ વગેરેમાં
આર્થિક પ્રવૃત્તિઓ અતિ મંદ પડતાં ભારતનો અને વિવિધ રાજ્યોનો વિકાસદર કેટલો ઘટશે ? નકારાત્મક બનશે
તો શું ?
જેવા પ્રશ્નો ચિંતાજનક બન્યા હતા. અનલોક પછી અર્થતંત્ર વેગ
પકડશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તતી હતી. હવામાનના આક્સ્મિક ફેરફારોને
કારણે કિસાનો માટે મુશ્કેલી હતી ત્યાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં વર્ષો બાદ તીડનું સંકટ
આવ્યું. અગાઉ એક સંસ્કૃત શ્લોકમાં કહ્યું હતું; ‘‘ખેતી માટે
અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ, ઉંદરો અને પોપટના
ટોળાઓ,
રાજાની ક્રુર નીતિઓ. આ છ ખૂબ મોટા જોખમો છે. વર્ષ
૨૦૧૯-૨૦માં અતિવૃષ્ટિ, તીડ અને સરકારની ઢીલીપોચી નીતિના કારણે ખેડૂતો
માટે સારા દિવસો આવતા નથી. સરકારે દેવા માફી, ટેકાના ભાવે
ખરીદી,
ખાતરની સબસીડી મારફત અબજો રૂપિયાની સહાય કર્યા બાદ પણ ખેડૂત
કેમ ખુશ નથી તેવો પ્રશ્ન ઘણાંને થાય છે. જ્યાં સુધી ખેતીમાં બરકત નહીં આવે ત્યાં
સુધી દેશનું અર્થતંત્ર પુરપાટ દોડી નહીં શકે. તેનું સીધું ગણિત એ છે કે ૪૭ ટકા
વસ્તીની ખરીદશક્તિ ખેતી-પશુપાલન, મરઘાં અને મત્સ્યોદ્યોગને સીધો સંબંધ છે. બીજી
મુશ્કેલી ખેડૂત અને ગ્રાહક વચ્ચે જે વચેટીયા છે તેના કારણે ખેડૂતને વાજબી કિંમત
નથી મળતી અને ગ્રાહકોને આવશ્યક વસ્તુઓ માટે ઊંચી કિંમત ચૂકવવી પડે છે. શાકભાજી, ફળફળાદિ જેવી
સાચવી ન શકાય તેવી વસ્તુઓની વિતરણ વ્યવસ્થા, સંગ્રહ વ્યવસ્થા
અને પરિવહન વ્યવસ્થાને સુદૃઢ બનાવવાની જરૂરિયાત છે. આ માટે સરકારની યોજનાઓ સારી છે
પણ ગ્રામીણકક્ષાએ તેનો અમલ અસરકારક કરવાની જરૂર છે.
દેશમાં કાર્યરત પર (બાવન) કરોડ જેટલા
શ્રમિકો માટે કોરોના અકથ્ય, અસહ્ય મુશ્કેલીઓ લઈ આવ્યો છે. લોકડાઉન દરમિયાન
નિઃશુલ્ક રેશનના ખૂબ રાહત મળી છે. મનરેગામાં વધારાની રકમ ફાળવવાથી ગામડામાં જે
રોજગારી થકી થોડી આવક થતી રહે છે. આનંદની વાત એ છે કે સારું ભણેલા અને શહેરોમાં
રહેતા યુવાન-યુવતીઓમાં કૃષિ, પશુપાલન માટે નવજાગરણનો યુગ શરું થયો છે.
ગૌશાળા,
નવા નવા શાકભાજીની ખેતી, હાઈડ્રોપોનિક, ટૅરેસ ગાર્ડન, કોકોનટ શેલમાં
છોડનો ઉછેર, મૂલ્યવૃદ્ધિ માટે વૈજ્ઞાનિક અભિગમ અને સાથે સાથે સજીવ ખેતી
કરવાના તેમના પ્રયત્નો એક નવી આશા જન્માવે છે. ૧૪૦ કરોડને આંબી જવા આવેલી વસ્તી
માટે કૃષિ, પશુપાલન વગેરેનું મહત્ત્વ ઓછું આંકી ન શકાય. શ્રમનો મહિમા
અને વૈજ્ઞાનિક જ્ઞાનનો સંગમ થઈ રહ્યો છે તે ઘટના ખૂબ અગત્યની છે. હરિત ક્રાંતિ જેમ કૃષિનું
કલેવર બદલી નાખવાની તાકાત આ નૂતન અભિગમમાં રહેલી છે. સજીવ ખેતીમાં થતા ઉત્પાદનો
માટે નિકાસની તકો પણ ઉજળી છે. કઠોળ અને તેલીબિયાંનું ઉત્પાદન વધારવા માટે ખૂબ મોટી
શક્યતાઓ છે પણ કોરોનાના કહેરમાં શહેરીજનોને પણ કૃષિ ઉત્પાદનોની મહત્તા સુપેરે
સમજાય છે.
ભારતમાં દૂધની
જરૂરિયાત ૬૪ કરોડ લીટર પ્રતિદિન છે તેમ કોઈ કહે ત્યારે ૧૪૦ કરોડની વસ્તી માટે માથાદીઠ
૫૦૦ ગ્રામથી ઓછી દૂધની ઉપલબ્ધિ મામૂલી ગણાય. આ સાથે દૂધમાં ભેળસેળની ફરિયાદ ઉપરાંત
બનાવટી દૂધ, મેંદો, યુરીયા, ચરબીના મીશ્રણથી
તૈયાર નકલી દૂધ ચાની કિટલીઓ અને મીઠાઈમાં મોટા પાયે વપરાય છે તેમ સંશોધનો કહે છે.
સુદામા ચારિત્ર્યમાં પ્રસંગ આવે છે કે નિર્ધન સુદામાના છોકરાઓ દૂધ માટે હઠ કરી રડે
છે. તેનાથી વ્યગ્ર બનેલી સુદામા પત્ની મુંઝાઈ છે. ઘરમાં દૂધ ખરીદવા પૈસા નથી, વેચી શકાય તેવી
વસ્તુ બાકી નથી. સુદામા પત્ની લોટ-પાણી સાથે ગરમ કરી દૂધ જેવું મીશ્રણ કરી
છોકરાંઓને પટાવી લે છે. સુદામા પત્ની જેમ અનેક લોકો ભેળસેળ નહીં પણ કૃત્રિમ દૂધનો
ખૂબ મોટો કારોબાર ચલાવી આપણને છેતરી રહ્યાં છે. આપણા આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા
છે. પશુઓની સંખ્યા નહીં પણ દૂધ માટેની ઉત્પાદકતા વધારી આપણે તે ક્ષેત્રમાં અકલ્પ્ય
ઝડપે આગળ વધી શકીએ છીએ. ગાયના શુદ્ધ ઘી માટે પ્રતિ લીટર રૂા.૧૫૦૦ રૂા.૨૦૦૦ સુધીની
રકમ ચૂકવવા માટે ગ્રાહકોનો એક વર્ગ તૈયાર છે. પ્રશ્ન શુદ્ધ ઘીની ગુણવત્તા અને
ઉપલબ્ધિનો છે. ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી, વૈજ્ઞાનિક ખેતી
એમ તમામ પ્રકારની કૃષિ પ્રવૃત્તિઓને અને પશુપાલન માટે જે સહાયનું પૅકેજ જાહેર
કર્યું છે તે આ ક્ષેત્રમાં કાર્યરત ખેડૂતો-પશુપાલકોની આવક વધારવામાં જરૂરથી ઉપયોગી
સાબિત થશે. બટાકા જેવી કૃષિ પેદાશમાં સારા ભાવ મળે ત્યારે ખેડૂતોની ખુશહાલી આપણે
નિહાળી શકીએ છીએ. કૃષિક્ષેત્રમાં વિઃપદાઓ છે તેની યાદી બનાવી તેના ટકાઉ અને ઝડપી
ઉકેલ માટે ભરોસાપાત્ર વ્યવસ્થા થાય તો જ આપણું ગ્રામીણ અર્થતંત્ર ધમધમી ઉઠે તેમ
છે.
પૂર્વ
પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહે સરકારને લોકોના હાથમાં વધારે પૈસા મૂકવા સૂચન
કર્યું છે. આ વાત અગાઉના લેખોમાં ભારપૂર્વક મેં લખી છે ત્યારે ફરી આશા રાખીએ કે કર
ઘટાડીને અથવા તો રોજગારી સર્જનમાં અને નાના ઉદ્યોગ-ધંધાને પ્રોત્સાહન આપીએ તો
અર્થતંત્રને અવશ્ય લાભ થશે. સબસીડીના કારણે તત્કાલ રાહત મળે છે પણ તેને કાયમી
બનાવવાથી નુકશાન જ થાય છે. રૂપિયા એક લાખ કરોડ જેવી માતબર રકમ ખાતર સબસીડી પાછળ વાપર્યા બદ પણ આપણે તે ક્ષેત્રમાં
આત્મનિર્ભર બનવા કેમ કશો પ્રયત્ન કરતા નથી ?
ભારત સરકાર અને
રાજ્ય સરકારોનું દેવું વધતું જાય છે. અનેક વિશ્લેષકોએ અગાઉ પૂરવાર કર્યું છે કે
કુલ બજેટની ૩૦ થી ૩૫ ટકા રકમ સબસીડીઓમાં વપરાય છે. તેમાં ખાતરની, નિકાસ
પ્રોત્સાહનની, આપત્તિ માટે રાજ્યોને સહાય, મનરેગા જેવી
રોજગારી માટેની યોજનાઓ, અન્ન અને ટેલિકોમ સહિત અનેક ક્ષેત્રોમાં
પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સબસીડીની જંગી રકમ વર્ષોથી ખર્ચાય છે. આ રકમનો અંશમાત્ર
પણ સબસીડી આપવાની ફરજ પાડતા કારણોના નિવારણ માટે નિવેશ કરીએ તો પાંચેક વર્ષમાં
સબસીડી,
નાણાંકીય ખાદ્ય, દેવું, વ્યાજ ચૂકવણી, વધારે દેેવું, વધારે વ્યાજનો
બોજ આવા વિષચક્રમાંથી મુક્તિ મળી શકે. મારા નમ્ર અભિપ્રાય મુજબ આ કોરોનાનો
બોધપાઠ એ છે કે સરકારી ખર્ચના ઢાંચામાં
ફેરફાર કરીને સબસીડીની બચત કરીને શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રમાં વધારે સારી સુવિધાઓનું
રોકાણ કરીએ તો સૌના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે.
કોરોનાના
દુષ્પ્રભાવના પાંચ મહિના પૂરા થવામાં છે ત્યારે અર્થતંત્રમાં ક્ષિતિજ પર જે
લાલીમાનું દર્શન થાય છે. ભડભાખળાં જેવા આ
સમયે મહામારીના ઘોર અંધકાર વચ્ચે પ્રકાશનું કિરણ દેખાય છે ત્યારે સૌએ ભય, નિષ્ક્રીયતા, ભવિષ્યની ચિંતા
અને સંકોચ તજીને આર્થિક પ્રવૃત્તિઓને ઝડપી બનાવવા માટે કરમ કસવી પડશે. આપણી
માનસિકતામાં આવી ગયેલા નકારાત્મક તત્ત્વોને તિલાંજલી આપી ફરી ઉત્પાદન, ઉપભોગ (વિવેક સહ)
વધારીને અર્થતંત્રને ચેતનવંતુ બનાવવું તે આજની પ્રાથમિક ફરજ છે. અર્થતંત્ર સુધરશે
તો રોજગારીની તકો આપમેળે ખુલશે. અર્થતંત્રને ધબકતું રાખવા માટે સૌએ સંયુક્ત પ્રયાસ
કરવો જરૂરી છે. આ સમય છે કે આપણે જૂની ભૂલો અંગે વિચાર કરી, તેનું નિવારણ
કરીને નવી સર્જનાત્મક શક્તિ સાથે આપણે નવો રાહ કંડારીએ. આ ભગીરથ કાર્યમાં ઉપયોગી
થાય તેવા થોડા સૂચનો અસ્થાને નથી.
૧. ખરીદીનો પુનઃ પ્રારંભ :
કોરોના અને
લોકડાઉને મધ્યમ અને ધનિક વર્ગના પરિવારોને પણ અતિ આવશ્યક ન જણાય તો વસ્તુની ખરીદી
ન કરવી તેવી ટેવ પાડી છે. હવે દરેક પરિવારે સાથે બેસી પોતાની આવક-બચત ધ્યાને લઈને
નવું શોપિંગ લીસ્ટ બનાવીને નિર્ધાર કરવો કે આપણી જરૂર છે, ઈચ્છા છે અને
પરવડે તેમ છે તો ખરીદી કરીએ.
ર. ઔદ્યોગિક એકમો - વેપારીઓની સ્ટોક માટે ધીરાણ
:
લોકડાઉનને કારણે
થંભી ગયેલી વિતરણ અને ઉત્પાદન વ્યવસ્થા પુનઃ કાર્યરત થઈ છે પણ ઉત્પાદન, સ્ટોક અને માંગ
વચ્ચે જે સંતુલન હતું, જે સરળતાથી આ સમગ્ર પ્રક્રીયા ચાલતી હતી તેમાં હજી અવરોધો
છે. આ સંજોગોમાં જે એકમો કે વેપારીને વધારાનો સ્ટોક રાખવો અનિવાર્ય હોય તો તેમને
બેંકોએ મૂળ લિમીટોમાં ૩૦ થી ૩૫ ટકાનો વધારો કરી આપવો જોઈએ. હાલ વ્યાજના દરો
પ્રમાણમાં વાજબી છે.
૩. પરિવહન માટે લોન-સબસીડી :
ખેડૂતો પોતાની
રીતે કે જૂથ બનાવીને ગામડાંઓમાંથી પોતાનું ઉત્પાદન શહેરો કે નજીકના નગરોમાં વેચાણ
કરવા ઈચ્છે તો તેમને નાના પરિવહનના વાહનો આપીને શહેરોમાં વિવિધ વિસ્તારોમાં સ્થાન
નિશ્ચિત કરી તેમના માલસામાનના વેચાણ માટે લોન-સબસીડી આપવી જોઈએ. ગુજરાતે આ માટે જે
યોજના કરી છે તે ખરેખર આવકારદાયક છે. આવા વેચાણ કેન્દ્રો ગ્રાહકોમાં લોકપ્રિય થશે.
ખેડૂતે ગુણવત્તા સારી અને ભાવ વાજબીનું સૂત્ર અપનાવવું રહ્યું.
૪. કૃષિમાં ચોક્કસ વસ્તુઓના ઉત્પાદનમાં વધારો :
દેશમાં દૂધ, કઠોળ, તેલ, ઘી જેવી
વસ્તુઓનું ઉત્પાદન વધારવાની તાતી જરૂર છે. આ ઉપરાંત આયુર્વેદમાં વર્ણવેલી વનસ્પતિઓ, મસાલાઓ, મધ, લીલોચારો, નિકાસ થઈ શકે
તેવા મૂલ્યવાન ફળ, શાકભાજી અને સજીવ ખેતીના ઉત્પાદન મારફત ખેડૂતોની આવક
વધારવાની સંભાવના છે. ઉદાહરણ રૂપે આપણે સિંગ, તલ, ગોળની ચીક્કી
પોષણ તરીકે આંગણવાડીમાં આપીએ તો બાળકોનો કૂપોષણનો પ્રશ્ન હલ થાય અને માંગ વધતાં
ખેડૂતો માટે આનું વાવેતર લાભદાયી થાય. કમનસીબે આપણી સામેના વિકટ પડકારોના સચોટ
ઉકેલ માટે જે વિશ્લેષણ, નીતિ ઘડતર, આયોજન અને ચુસ્ત
અમલીકરણ જોઈએ તેનો અભાવ છે. આ મહામારી પછી પણ આપણી કુંભકર્ણ નિદ્રા પૂરી ન થાય તો
તેના જેવું દુર્ભાગ્ય શું ?
૫. કૌશલ્ય નિર્માણ :
ખૂબ ઝડપથી બદલાતી
જતી ટૅકનોલોજીના યુગમાં આપણા સૌ માટે નિરંતર શિક્ષણ દ્વારા કૌશલ્યને અદ્યતન
બનાવવાની જરૂરિયાતથી વાકેફ છે. આપણે દેશમાં સંશોધનમાં પાછળ છીએ સાથે સાથે ઉચ્ચ
ગુણવત્તાયુક્ત તાલીમનો અભાવ પણ છે. સોફ્ટવેરમાં, હિરા ઉદ્યોગમાં, કાપડ અને તૈયાર
પોષાકોમાં આપણે લાખોને સારી રોજગારીની વિપૂલ તકો ધરાવતા ક્ષેત્રો ઓળખીને તેમાં
વિશાળ સંખ્યામાં તાલીમની વ્યવસ્થા ગોઠવીએ તો તે ટૂંકાગાળે તેમજ લાંબેગાળે લાભપ્રદ
છે. આપણી પાસે ટ્રેનિંગનું માળખું છે પણ તેને અદ્યતન કરી, શિક્ષકોની ક્ષમતા
વધારીને આ ક્ષેત્રમાં યુવાન-યુવતીઓને આકર્ષવાની જરૂર છે.
Comments
Post a Comment