જ્ઞાતિવાદને જડમૂળથી ઉખેડવા માટે-ર
- પ્રવીણ ક. લહેરી
જ્ઞાતિવાદને પ્રોત્સાહન
આપતું ત્રીજું તત્ત્વ આપણી પારિવારિક વ્યવસ્થા છે. ઉદાહરણ તરીકે ધારો કે ‘અ’ જ્ઞાતિનો પુરુષ ‘બ’ જ્ઞાતિની મહિલા
સાથે પ્રેમલગ્ન કરે છે એટલે મહિલાની જ્ઞાતિ બદલાય છે. જો કે ઘણાં કિસ્સામાં
પુરુષનું કુટુંબ અન્ય જ્ઞાતિની પુત્રવધૂનો સ્વીકાર સહેલાયથી નથી કરતું. દરેક
સામાજિક પ્રસંગે તેમના પિયર પક્ષ વિશે કાંઈક ટીકા-ટિપ્પત થાય છે. બાળકોને પણ નવાઈ લાગે
છે કે મોસાળમાં કેમ કાંઈક પરાયું લાગે છે ? પુરુષપ્રધાન સમાજમાં પરિણિત સ્ત્રી નથી તેનો ધર્મ પાળવાની
છૂટ કે નથી તેમની સ્વતંત્ર ઓળખ રાખવાની રજા. ગુજરાતમાં કન્યાઓની તંગીને કારણે એક
જ્ઞાતિના અનેક મુરતીયા કન્યાવિક્રય દ્વારા આદિવાસી સમાજમાં પરણ્યાં છે પણ તે આદિવાસી
કન્યાની સામાજિક સ્થિતિ કેવી છે તે અભ્યાસનો વિષય છે. પુરુષ પ્રભુત્વવાળા સમાજને
જ્ઞાતિના બંધનથી સ્ત્રીઓને જે અન્યાય થાય છે તેનું વરવું ઉદાહરણ ઉત્તર ભારતની ખાપ
પંચાયત છે. જ્ઞાતિના ધારાધોરણનો ભંગ કરનાર કન્યા-મહિલાની અનેક વખત પરિવારના હાથે જ
હત્યા થાય છે ત્યારે જ્ઞાતિની દાદાગીરીનુ પ્રમાણ આપણા ધ્યાને આવે છે.
આપણા આંતરજ્ઞાતિય લગ્નોની
સંખ્યા વધતી જાય છે, પરંતુ તેનાથી જ્ઞાતિપ્રથા
નબળી પડે છે તેવું માનવું ભૂલ ભરેલું છે. જ્ઞાતિપ્રથા ત્યારે જ ભૂંસાય શકે કે
જ્યારે યુવાપેઢી સજાગપણે જ્ઞાતિની ઓળખ તજે અને ઉચ્ચનીચના ભેદ ભૂલીને માનવ માનવ
વચ્ચેની સમાનતાનો સાચા દિલથી સ્વીકાર કરે. આ કામ બંધારણની જોગવાઈ, કાયદા પસાર થવાથી કે સોશ્યલ મીડિયા પર લખવાથી
નહીં થાય. આ હેતુ બર લાવવા માટે માટે તો માનસિકતાનું પરિવર્તનનું આંદોલન થાય તે
જરૂરી છે. જે પરિવારો પ્રબુદ્ધ છે તેમણે જ્ઞાતિના દાયરાથી ઉપર ઊઠીને ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ માટે સમર્પણ
કરવું જોઈશે.
વર્તમાન સમયમાં જ્ઞાતિ
અને પેટા જ્ઞાતિઓના મંડળો તેમજ સંસ્થાઓ જ્ઞાતિવાદના મૂળીયાને સીંચે છે. ભારતીય
સમાજ માટે જ્ઞાતિ કુટુંબ જેમ સ્વાભાવિક ઘટક છે. જ્ઞાતિ આધારિત ઓળખ કે ભાઈચારો
સામાન્ય બાબત છે. ઈતિહાસ સાક્ષી છે કે જ્ઞાતિના વિભાજન પર રચાયેલ આપણા દેશે હજાર
વર્ષની ગુલામી એટલે ભોગવી છે કે આપણે એકતાની ભાવના વિકસાવી નહોતા શક્યા. આ ભૂતકાળ
કરતાં પણ જ્ઞાતિવાદનું ભૂત આજે વધારે જોશથી ધૂણે છે. આપણે કોઈ બોધપાઠ લેવા તૈયાર
નથી. જ્ઞાતિવાદનો ઢાંચો ભાગ્યા વિના ભારતની એકતા પર સતત ખતરો મંડારાતો રહેશે. જ્ઞાતિવાદનો
અંત જ આપણને રાષ્ટ્રની એકતા અને તાકાત તરફ દોરી જશે. બાકી તો ભાદરવાના ભીંડા જેમ
સંકુચિત માનસ ધરાવતા નેતાઓ સર્વત્ર ફૂટી નીકળ્યા છે તે નથી તો સમાજના હિતમાં કે
નથી તો રાષ્ટ્રના વિકાસમાં - યુવા પેઢી જાગે અને સમાનતાના માહોલનું નિર્માણ કરે
તેવી આશા અસ્થાને નથી. પાઠ્યપુસ્તકોમાં હું ભારતીય છું......વગેરે વગેરે પ્રતિજ્ઞા
છાપવાથી રાષ્ટ્ર્ની એકતા અને સામાજિક સમાનતા સ્થાપિત થશે તેવા ભ્રમમાં રાચશું તો
ભવિષ્યે પસ્તાશું. જ્ઞાતિ મંડળો,
સંસ્થાઓ જ્ઞાતિના
પરિવારોને શિક્ષણ, આરોગ્ય, આવાસ, વિમો વગેરે
બાબતમાં નોંધપાત્ર મદદ કરે છે તે હકીકત છે. ઘણાં કિસ્સામાં સંસ્થાની સ્થાપના સર્વ
માટે થાય છે પણ તેનો વહીવટ એક જ્ઞાતિ હસ્તક જ આવી જાય છે. જાહેરસેવાના હેતુને
વરેલી અનેક સંસ્થાઓ અને હવે તો યુનિવર્સિટીઓ પણ જ્ઞાતિવાદની પક્કડમાં છે. તેના ટ્રસ્ટી
કે સંચાલકોના નામ વાચીએ ત્યારે પ્રશ્ન થાય કે આ કામની ઈજારાશાહી એક જ જ્ઞાતિની હોય
શકે ? ગાંધીયુગની અનેક
સાર્વજનિક સંસ્થાઓનું વર્તુળ ૫ણ જ્ઞાતિવાદની સંકુચિતતામાં અટવાયું છે ત્યારે
સમાજના તમામ વર્ગોને જોડી રાખે તેવું સંસ્થાકીય માળખું જરૂરી છે. માનવ સેવા જ પરમો
ધર્મ છે. માનવ માનવ વચ્ચે ભેદ પાડનારા તત્ત્વો જ વિઘટન, હિંસા, નબળાઈ અને ગુલામી માટે
જવાબદાર છે.
જ્ઞાતિના મુખપત્રો સામાન્ય
રીતે જ્ઞાતિમાં યોજાતા પ્રસંગોનો અહેવાલ હોય છે. અમુક મેગેઝીનો જ્ઞાતિના નામ હેઠળ
પ્રકાશિત થાય છે, પરંતુ તેમાં જીવન
જીવવામાં ઉપયોગી થાય તેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે. અમુક જ્ઞાતિ સામાયિકો, આંતરજ્ઞાતિય લગ્નો, વેવિશાળને પણ ટીકા વિના પ્રસિદ્ધિ આપે છે. જ્ઞાતિ
મુખપત્રોનો ફેલાવો લગભગ ૮ થી ૧૦ લાખ ગુજરાતી પરિવારોને જ્ઞાતિ સાથે જોડેલા રાખે
છે. જ્ઞાતિ દ્વારા આ પ્રકાશનો દ્વારા શિક્ષણ-આરોગ્યની સુવિધાઓ અંગે પણ માર્ગદર્શન
આપવામાં આવે છે.
સામાન્ય છાપ એવી છે કે
આપણું અર્થતંત્ર મુક્ત છે. સરકાર દ્વારા રેગ્યુલેટરી-પર્યાવરણીય નિયમોના કારણે ઘણી
ઢીલ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અર્થતંત્રમાં જ્ઞાતિબંધુઓને નોકરી, ખરીદી, વેચાણમાં અગ્રતા આપી લાભ કરી આપવાનું ચલણ વધારે
છે. આર્થિક વ્યવહારો, આવાસ વ્યવસ્થા, સામાજિક સંબંધોમાં જ્ઞાતિઓનું વર્ચસ્વ
ગામડાંઓમાં છે તેવું નથી. ગામડાંમાં જે રીતે જુદી જુદી જ્ઞાતિઓના વાસ કે મહોલ્લા
હોય તેમ શહેરોમાં જ્ઞાતિ આધારિત સોસાયટી અને વિસ્તારો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
જ્ઞાતિબંધુઓના અરસપરસના ટેકાથી ઘણી વ્યક્તિઓ ધંધામાં ઝડપથી પ્રગતિ કરી શકે છે તો
વંચિત જ્ઞાતિઓ માટે ધંધો, વ્યાપાર કે પ્રેકટીસ
કરવામાં અનેક અવરોધો આવે છે.
જ્ઞાતિવાદને આટલો મજબૂત
અને વિકૃત બનાવવામાં તેનો મતબેંક તરીકેનો રાજકીય ઉપયોગ કારણભૂત છે. ૧૯૭૧ થી
કોંગ્રેસના તત્કાલિન પ્રમુખશ્રી દેવકાન્ત બરુઆએ જ્ઞાતિઓનો ઉપયોગ કરી ચૂંટણીઓ જીતી
શકાય છે તેવી થીયરી વહેતી કરી. ગુજરાતમાં શ્રી ઝીણાભાઈ દરજીએ પછાત જ્ઞાતિઓને આગળ
લાવવા સંઘર્ષ કર્યો. ગાંધીયુગની નેતાગીરીમાં સમાજની કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓની
સક્રીયતા વધારે હતી પણ ઈન્દીરા ગાંધી યુગમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોની મતબેંક સ્થપાય
ત્યારબાદ દરેક ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષ સત્તાનું દ્વાર ખોલવા માટે ‘જ્ઞાતિ’નું ગણિત ગણવા બેસી જાય છે. હવે તો મંત્રી મંડળમાં પણ
જ્ઞાતિ આધારિત નિમણૂક અને ખાતાઓની ફાળવણી થાય છે. જ્ઞાતિ અને અનામત પ્રથા જોડાયેલા
છે. આમાં ગુણવત્તાની જગ્યાએ ઉમેદવારની જ્ઞાતિને મહત્ત્વ મળે છે તે સામેનો અસંતોષ
વધતો જાય છે. ૭૦ વર્ષમાં આપણે સમાજસુધારણા કરવાને બદલે જ્ઞાતિઓને રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રે એટલું બધું
મહત્ત્વ આપ્યું છે કે હવે તેની નાગચૂડમાંથી કેમ છૂટવું તે જટીલ કોયડો બન્યો છે.
લોકશાહીના પાયાના મૂલ્યોને નેવે મૂકીને જ્ઞાતિના આધારે લડાતી ચૂંટણીઓ દેશને
પ્રગતિશીલ બનતો રોકે છે તે કેમ સમજાવવું ? રાજકીય સત્તા જ્ઞાતિ વડાઓની દાસી જેમ વર્તે ત્યારે
સામાન્યજન માટે ન્યાય મળવામાં પણ અંતરાય સર્જાય છે.
સમાજ આંતરજ્ઞાતિય લગ્નો
બાદ મહિલાની ઓળખ પતિની અટકમાં વિલીન થતી હતી. આજે શાહ-પટેલ કે જોશી-ચૌધરી જેવી
મહિલાઓની બે અટકો તેની અગાઉના અસ્તિત્વનો ઉદ્ઘોષ કરે છે તે સારું છે. લગ્નો
દ્વારા જ્ઞાતિ ટકી રહે છે. આંતરજ્ઞાતિય લગ્નો પ્રોત્સાહનને પાત્ર છે એવું આપણે
ક્યારે સમજશું ?
ખૂબ જ વિચારપ્રદ લેખ. અભિનંદન સર.
ReplyDeleteઆવકાર્ય વિષય છે.
ReplyDeleteભારત બનાવવુ એ કોનો એજન્ડા છે?
બંધારણ નો કે નેતાઓ ના સમુહ નો?
નેતાઓ એ ભારતમાતા ના નામે કેટલી સંસ્થા ઓ ને યોજનાનો?
ભારતીય તો હોવી પ્રથમ ફરજ,
લગ્ન જ્ઞાતિ પ્રથા કરતાં રાષ્ટ્રીય પરિવાર માં થાય તોજ શકય બને, આ પરિવાર ને રાષ્ટ્રીય આર્થિક ,સામાજિક. સંરક્ષણ મળે તોજ બને.
એક વરગીકૃત સમાજ પરસ્પર પ્રૈમ થી રહે તો રાષ્ટ્રીય પ્રૈમી.એ સ્વાભાવિક રીતે સ્વીકાર કરવો..
રાષ્ટ્રીય ના નામે મિલકત કે વ્યવસ્થા ખોરવવી એ કદાચ અક્ષમ્ય ભુલ હશે.
વિજ્ઞાનના વિકાસ જરૂરી પણ પરયાવરણ કે છળકપટ થી બીજા ઉપાયો..પ્રકૃતિના સમજ બહાર. ના ઉપકરણો વિનાશ જ ઊભો કરશે.
મુસ્લિમ સમાજ નુ હજીપણશિક્ષણ સામાન્ય પ્રવાહ. થી જોજનો દુર છે, હા કેટલાક મિત્રો તેઓ એ સરસ કામ.કરેલ છે ,પણ મોટા ભાગે શિક્ષણ થી વંચિત છે.
માટે ,જ્ઞાતિ પ્રથા આજે પણ સ્વીકાર છે.જયાં સુધી રાષ્ટ્રીય સમાજ મજુબત ને સારા પરિણામ આપે.