અમરેલીમાં બીટકોઈન-ર
- પ્રવીણ ક. લહેરી
નરસિંહ મહેતાના
પ્રભાતિયામાં જેમ ‘‘જાગીને જોઉં તો જગત દિસે
નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે’’ આ પંક્તિનો ગુઢાર્થ સમજાય જાય તેવી અમરેલી
પોલીસની કામગીરીમાં ગુરુત્વાકર્ષણના નિયમમાં અપવાદ થઈ પાણી નીચે વહેવાને બદલે ઉપર
ચડતું જાય છે ? ક્યાં જઈને અટકશે આ રેલો ? જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ નવા નવા નિવેદનો
સામે આવે છે. કોર્ટમાં ફોજદારી કેસ ચાલે ત્યારે ફરિયાદીની ઉલટ તપાસમાં વકીલનું
લક્ષ્ય એટલું જ હોય છે કે ફરિયાદી પાસે કબૂલ કરાવવું કે તેનો ભૂતકાળ ખરડાયેલો છે
અને તે ભરોસાપાત્ર વ્યક્તિ નથી. આ અમરેલીના કિસ્સામાં તો જેમની સામે શંકાની સોય
તકાય છે તે કહે છે કે જુઓ, ફરિયાદીની પૂર્વભૂમિકા
આરોપી કે ગુન્હેગારની છે. લોકો એ પ્રશ્ન પૂછે છે કે એ સાચું હોય તો પણ આ કિસ્સામાં
ગુન્હાના આરોપો તો પોલીસ પર છે. કોઈ એવું તો નથી કહેતું કે ફરિયાદીએ પોલીસને ગોંધી
રાખી હતી. ખંડણી વસૂલ કરી હતી ?
કાયદાના શાસનમાં પોલીસ
અને ન્યાયતંત્રની ભૂમિકા મહત્ત્વની છે. આપણો કાયદો પોલીસ સમક્ષ કરેલા નિવેદનને
પૂરાવો ગણતો નથી. પોલીસમાં વરદી અને હથિયાર સાથે એક જબરજસ્ત જવાબદારી છે. જ્યારે
જિલ્લાના પોલીસ વડા આરોપોથી ઘેરાયેલા હોય ત્યારે લોકોને સૌથી પ્રથમ તો ગુજરાતી
કહેવત યાદ આવે - ‘‘વાડ ચીભડા ગળે તો ફરિયાદ
કરવી કોને ?’’ અમરેલીના બિટકોઈનના
કેસમાં ફરિયાદીને તો સમજાવેલું કે આમાં મંત્રીની પણ સામેલગીરી છે. ફરિયાદી તોડનો
ભોગ બન્યા બાદ મંત્રીશ્રીને મળ્યો તો ખબર પડી કે તેને તો આ વાતની જાણ જ નથી. પોલીસ
કે વહીવટીતંત્ર લક્ષ્મણરેખા ઓળંગે તો સામાન્યજનને એમ થાય કે નક્કી આમાં કોઈ
શક્તિશાળી રાજનેતા કે તેના પરિવાર કે ટેકેદારોનો હાથ હશે. અમરેલીના બીટકોઈન
પ્રકરણમાં જેમ આભાસી લક્ષ્મીનો મુદ્દો છે તેવો જ ‘અદૃશ્ય હાથ’નો મુદ્દો ચગી રહ્યો છે.
ગણવેશધારી અધિકારીઓનો
આગ્રહ છે કે તેમને સ્વાયત્તા હોવી જોઈએ. કોર્ટે ફોજદારી ફરિયાદીની તપાસમાં કોઈ
હસ્તક્ષેપ ન કરે તેવી સ્પષ્ટ માર્ગદર્શિકા રાખી છે. આમાં જ્યારે આરોપી પોલીસ
(જિલ્લાતંત્ર) અને તપાસણી એકમ (ક્રાઈમ બ્રાન્ચ) પોલીસ એટલે લોકોને તેની તટસ્થતા પર
શંકા જાય. અધૂરામાં પૂરું રાજકીય દોરી સંચારનો શક પડે ત્યારે વિમાસણ થાય. અમેરિકા
જેમ આપણી પદ્ધતિમાં સ્પેશ્યિલ પ્રોસિક્યુટરને સત્તા તપાસની નથી. એસ.આઈ.ટી. આ કામ
કરે છે એ એટલી તલ્લીનતાથી કરે છે કે બાકીના તમામ કેસો વિલંબમાં મૂકાયા છે. ધન્ય
અમરેલી, ધન્ય સૌરાષ્ટ્ર્ ધરણી !
આમને આમ ચાલશે તો સૂરત અને અમરેલીમાં ‘મા બીટકોઈન’ના મંદિર બનાવી તેની આરતી, ગરબા લખવા માટે અકાદમી જૂથ અને પરિષદ જૂથના
કવિઓ પાસેથી ભાવો મંગાવવા પડશે.
બિટકોઈન કૌભાંડનો જે
સસ્પેન્સ છે તે આગ્થા ક્રિસ્ટીની રહસ્યમય નવલકથા જેવો છે. તપાસ ટીમ પોતાની સફળતા
માટે આ કાવતરાંનો જે મુખ્ય સૂત્રધાર બિટકોઈનના માલિકનો મિત્ર-ભાગીદાર છે તેને
તાજનો સાક્ષી બનાવી દે છે. આ વ્યક્તિની પહેલથી જે ગુન્હાના સંયોગો પ્રબળ બન્યા તે
તાજના સાક્ષી તરીકે નિર્દોષ છૂટી જાય તે પણ વિધીની વિચિત્રતા જ ગણવી રહી. છૂપાઈને
નિવેદન કરતાં રાજનેતાની વાત માનીએ તો આ પ્રકરણે કશું જ બન્યું નથી. આભાસી લક્ષ્મી
જેમ તમામ હકીકતો પણ આભાસી પૂરવાર થશે તેવી તેમને શ્રદ્ધા છે. અમરેલીના લોકો મૂછમાં
મરક મરક હસતા હશે કે ભલે બિટકોઈન કૌભાંડના કારણે અમરેલી સતત સમાચારમાં ચમકતું રહે
છે. અમરેલીવાસીઓને અઠવાડિયે એકાદ-બે વાર મ્યુનિસિપાલિટીનું પાણી મળે તે સ્થિતિમાં
સુધારો થતો નથી, ઘરફોડ ચોરીઓનો ભેદ
ઉકેલાતો નથી અને ક્યારેક તે રેલો કાયદાના રક્ષકો સુધી જાય છે પછી બાદશાહ સબ
સલામતના ન્યાયે સ્થિતિ યથાવત્ થઈ જાય છે.
આ પ્રકરણમાં અનેક નામો
ઉછળતા રહે છે. સમગ્ર કેસની ચાર્જશીટ રજૂ થશે એટલે આપણે પોલીસ તપાસના તથ્યો જાણવા
મળશે. કેસનો ચૂકાદો આવતાં ૬-૭ વર્ષ તો વિતી જશે. ત્યાં સુધીમાં લોકોની સ્મૃતિમાંથી
ઘણું બધું ભૂલાય ગયું હશે. ખરેખર બન્યું છે શું તે પ્રશ્ન લોકોને મુંઝવે છે.
બિટકોઈનનો ઈતિહાસ ભવિષ્યે લખાય તો તેમાં આ
ઘટનાને અચૂક સ્થાન મળવું જોઈએ તે માટેની ઝૂંબેશ હમણાંથી જ ચાલુ કરી દેવી જોઈએ.
ઈન્ટરનેટની કોઈ કરન્સી અંગે આટલું મોટું કાવતરું થયું હોય અને એમાં જિલ્લાનું
પોલીસતંત્ર ગળાડૂબ સામેલ હોય તેવો આ બનાવ અજોડ છે.
હું આ લખું છું ત્યારે
છાપામાં સમાચાર છે કે અમરેલીના બિટકોઈનનું પગેરું હવે આણંદમાં નીકળ્યું છે.
પંચવટીમાં રામ જેમ માયાવી સુવર્ણ મૃગ પાછળ દોડતા હતા તેમ પોલીસની ખાસ ટીમ આમતેમ
ચારેકોર દોડી રહી છે પણ સ્વર્ણમૃગ સમાન બિટકોઈન દેખાતા જ નથી અને જ્યાં દેખાય
ત્યાં એ ટીમ પહોંચે તો આ આભાસી લક્ષ્મી અદૃશ્ય થઈ જાય છે. તપાસ કરનારા પોલીસ
ઈન્સ્પેકટરો સાંજે માથે હાથ દઈને પૂછતા હશે કે આ બિટકોઈન કઈ બલા છે ? ફરિયાદીનો ગુન્હાહિત ભૂતકાળ, તેના મિત્રની બેધારી ભૂમિકા, પોલીસ દ્વારા ગેરકાયદેસર કાર્યવાહી અને
રહસ્યોથી ભરેલા પ્રકરણમાંથી બોધપાઠ લેવાની જરૂર છે.
સૌથી પ્રથમ તો આજની
ટૅકનોલોજી નીતનવી શોધ, ઈન્ટરનેટનો તમામ કામો
માટે ઉપયોગ, તેમાં થતી ડેટા ચોરી અને
હેરાફેરીથી સૌએ સાવધ થવાની જરૂર છે. સાયબર ક્રાઈમનું સ્વરૂપ એવું છે કે તમે છેતરાય
જાવ તો તમને ખબર પણ ન પડે. નાઈજીરીયન ગેંગની મોડસ ઓપરેન્ડીમાં તમારા પર કોઈ ધનવાન
વિધવાના નામે કોઈ નાબાલિગ કન્યા કે કૅન્સરપીડિત દર્દીનો પત્ર આવે કે તેની પાસે
અમુક કરોડોનું ભંડોળ સારા માણસ મારફત વાપરવાનું છે અને તેમના ધ્યાને આવ્યું છે કે
તમે કેટલા સારા છો, સજ્જન છો. તમારી માહિતી
મેળવીને અમુક રકમ અમુક ખાતામાં ભરો એટલે મોટો દલ્લો તમારા થઈ થશે. બેંકની ખાતરી
(બોગસ) વાળો કાગળ પણ હોય. તમે રકમ ભરી એટલે પત્રની વેબસાઈટ, ઈ-મેઈલ, બેંકનો એકાઉન્ટ વગેરે તમામ સંપર્ક સૂત્રો ગાયબ થઈ જાય. લોભે
લક્ષ્ણ જાય તેમ તમે પણ નિરાશામાં ડૂબી જાવ. ઘણાંને સ્વપ્ન આવે કે બેંકમાં લાખો
ડોલર જમા થઈ ગયા ! આ ઉપરાંત હમણાં એવા ઈ-મેઈલ આવે છે કે તમે ખૂબ મોટા કેટરર છો, અમારે એક શહેરમાં ખૂબ મોટા કાર્યક્રમમાં ત્રણ
દિવસ ૯-૧૦ હજાર માણસોને જમાડવાના છે અથવા તો તમે મોટા બિલ્ડર છો અને અમુક શહેરમાં
અમારે ખૂબ મોટી અને કિંમતી જમીન વેચી નાખવી છે. તમે જણાવો ત્યારે મળીએ. અમે
વિમાનની ટિકીટ મોકલીશું અને તમારી રહેવા-જમવા-વાહનવ્યવહારની વ્યવસ્થા પણ કરીશું.
આવું નિમંત્રણ સ્વીકારી જે ધંધાર્થી ધંધાની આશાએ ગયા તેના સંબંધી પર ફોન કરવો
પડ્યો કે ફલાણા ફલાણા આંગડીયાને આ નામે એટલા કરોડ કે લાખ રૂપિયા આપો નહીં તો મારા
માથે પીસ્તોલ તાકીને માણસો ઊભા છે. અનેક વ્યક્તિઓને છોડાવવા પૈસા-ખંડણીરૂપે
ચૂકવાયા, ફરિયાદો થઈ, બંધકોને નિવસ્ત્ર કરી સખ્ત માર મારવામાં આવેલ.
તેના અપહરણ, ગેરકાયદેસર બંધન, અમુક ટેલીફોન નંબર કે ઈ-મેઈલ એડ્ર્ેસ હોવા
છતાં ગેંગ પકડાતી નથી. આંગડિયા દ્વારા મોટી રકમની હેરફેર થઈ હોવા છતાં કોઈ કડી ન
મળે કે કોઈ કાર્યવાહી ન થાય ત્યારે આપણને શંકા પડે કે દાળમાં કાંઈક કાળું છે.
ઈન્ટરનેટ પર બિટકોઈનનો રંગ સોનેરી છે પણ અમરેલી જિલ્લાના પોલીસતંત્રે તે અંગે જે
કર્યું છે તે કોર્ટમાં સાબિત થશે ત્યારે શ્રીમંત મહારાજા સયાજીરાવ ત્રીજા, ડૉ. જીવરાજ મહેતા, કવિ રમેશ પારેખ, કવિ હંસરાજ, ઉદ્યોગપતિ રામજીભાઈ કમાણી સ્વર્ગમાં બેઠા
ગ્લાની અનુભવી કહેશે કે, ‘શું થયું છે અમારી અમરેલીને ?’ લોભ, લાલચ, અને સ્વાર્થના ત્રિવિધ તાપમાં આપણે ક્યારે
છૂટીશું ? અમરેલીમાં બીટકોઈન એટલે
કાયદાના શાસન ઉપર મોટું પ્રશ્નચિહ્ન.
(પૂર્ણ)
Comments
Post a Comment